ગુજરાતમાં ભાજપ વીસાવદર બેઠક પર કેમ જીતી શકતો નથી?

ઇમેજ સ્રોત, ANI/FB
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતની બહુચર્ચિત એવી વીસાવદરની પેટાચૂંટણીનું પરિણામ આવી ગયું છે, જેમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલની હાર થઈ છે. ગોપાલ ઇટાલિયાએ તેમને 17 હજાર કરતાં વધુ મતોથી હરાવી દીધા છે.
વીસાવદરમાં છેલ્લે ભાજપની જીત 2007માં થઈ હતી. ગુજરાતના રાજકારણમાં વીસાવદરની બેઠક એવી છે કે જે કાયમ રાજકીય પંડિતો અને સત્તાધારી પક્ષના ગણિત ઊંધા પાડે છે. છેલ્લા એક દાયકામાં થયેલી આ બીજી પેટાચૂંટણીમાં વીસાવદરમાં ભાજપની તમામ તાકાત અપૂર્તિ પડી છે અને આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા વિજયી બન્યા છે.
રોચક રાજકીય ઇતિહાસ ધરાવતી આ બેઠક ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલ વખતે ખૂબ ચર્ચામાં હતી. 1995થી 2007 સુધી કુલ ચાર વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. જેમાં સળંગ ભાજપને ત્યાં સફળતા મળી હતી. 2007 પછી ભાજપ અહીં ચૂંટાયો નથી. આખરે કેમ અહીં ભાજપનો ગજ વાગતો નથી? શું છે એની પાછળનાં કારણો?
શું છે વીસાવદરનો રાજકીય મિજાજ ?

ઇમેજ સ્રોત, KiritPatel/FB
વીસાવદર વિધાનસભા બેઠક ગુજરાતની રચના થઈ ત્યારથી 1960 અસ્તિત્વમાં છે અને તેના રાજકીય ઇતિહાસમાં કૉંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી, જનતા દળ, આમ આદમી પાર્ટી અને અન્ય પક્ષોએ અલગ-અલગ સમયે જીત મેળવી છે. ગુજરાતના રાજકારણમાં વીસાવદરની તાસીર અલગ હોવાનું રાજકીય વિશ્લેષકો માને છે.
જૂનાગઢ જિલ્લાની વીસાવદર બેઠક લેઉવા પાટીદાર મતદારોનો ગઢ ગણાય છે. આ બેઠક પર જનતા પાટીદાર નેતાને ચૂંટીને વિધાનસભા મોકલે છે. જોકે છેલ્લાં 13 વર્ષથી આ બેઠક પર પાટીદાર નેતાઓ ચૂંટાયા છે પરંતુ તે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરકારની વિરુદ્ધ વિપક્ષની પાટલીએ બેસે છે. અહીંની જનતા 13 વર્ષથી સરકાર એટલે કે ભાજપ પક્ષના ધારાસભ્યને હારનો સ્વાદ ચખાડે છે.
વરિષ્ઠ પત્રકાર અને સૌરાષ્ટ્રના રાજકારણને નજીકથી જોનારા પ્રફુલ્લ ત્રિવેદીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "આ વિસ્તારનો મિજાજ અલગ છે, અહીં ગુજરાતની સ્થાપના પછી પહેલી ચૂંટણી 1962માં યોજાઈ ત્યારે કૉંગ્રેસનાં ઉમેદવાર મદીના નાગોરી ચૂંટાયાં હતાં, એ સમયે કૉંગ્રેસનો દબદબો હતો અને નહેરુ યુગ ચાલતો હતો , એ સમયે નહેરુની નીતિ સામે રાજગોપાલાચાર્યે સ્વતંત્રતા પાર્ટીની રચના કરી હતી, એ સમયે કૉંગ્રેસની ગુજરાત, રાજસ્થાન, બિહાર અને ઓડિશામાં મજબૂત પકડ હતી. 1962માં એમને 21 મુદ્દાનો ડ્રાફ્ટ કરી ચૂંટણી લડી હતી, એ સમયે રાજકીય જાગૃત ગણાતા વીસાવદરના લોકોએ 1967ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સ્વતંત્રપાર્ટીના કે.ડી. ભેસાણિયાને ચૂંટીને મોકલ્યા હતા."
પ્રફુલ્લ ત્રિવેદી કહે છે, "અલબત્ત આ વિસ્તારમાં 1986 અને 1987ના સતત દુકાળ સમયે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં પાણીની મોટી અછત ઊભી થઈ, ત્યારે ગુજરાતમાં રવિપાક નહીં થવાને કારણે 900 કરોડથી વધુનું નુકસાન થયું હતું."
"એ સમયે વીસાવદર અને એની આસપાસના વિસ્તારના લોકો મોટાપાયે રોજગારી માટે સુરત, રાજકોટ , વડોદરા અને અમદાવાદ તરફ ગયા હતા, પણ રાજકીય રીતે જાગૃત રહ્યા છે. ચૂંટણી વખતે અહીંના લોકો વતન પરત આવી મતદાન પણ કરે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજકીય રીતે વીસાવદરની જાગૃત પ્રજા

ઇમેજ સ્રોત, GopalItalia/FB
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ વાત સાથે સહમત થતા વરિષ્ઠ પત્રકાર અને ફુલછાબના ભૂતપૂર્વ તંત્રી કૌશિક મહેતા કહે છે કે, "વીસાવદરની જનતા પહેલેથી રાજકીય રીતે ખૂબ જાગૃત છે. એકવાર સ્વતંત્ર પાર્ટીને જિતાડ્યા પછી જ્યારે ચીમનભાઈએ પ્રાદેશિક પાર્ટી કિસાન મજદૂર લોકપક્ષની સ્થાપના કરી ત્યારે 1974નું નવનિર્માણ આંદોલન પત્યું હતું અને ચીમનભાઈ પટેલ સામે લોકોમાં એ સમયે ભારે રોષ હતો. આમ છતાં 1975ની ચૂંટણીમાં કુરજી ભેસાણિયાને જિતાડ્યા હતા. કારણ કે એમાં એમને સ્થાનિક નેતાનો ચહેરો દેખાતો હતો ત્યાર બાદ 1980 અને 1985માં ફરી કૉંગ્રેસ જીતી હતી."
"અલબત્ત એ સમયે થયેલી રાજકીય ઊથલપાથલ અને 1979માં મોરબીમાં આવેલા પૂર સમયની અસર સૌરાષ્ટ્રમાં હતી જેનો કૉંગ્રેસને 1980માં ફાયદો થયો એમાં વીસાવદર પણ હતું. ત્યાર બાદ 1984માં ઇંદિરા ગાંધીની હત્યાની સહાનુભૂતિ અને માધવસિંહની ખામ થિયરીને કારણે કૉંગ્રેસ અહીંથી બે વખત જીતી પણ રાજકીય જાગૃત વીસાવદરના લોકોએ એ સમયે 1986 સમયના દુષ્કાળમાં સરકારની કામગીરી જોયા પછી ફરી એકવાર 1990ની ચૂંટણીમાં ચીમનભાઈ પટેલના જનતાદળના જૂના સાથી કુરજી ભેસાણિયાને જિતાડ્યા હતા."
"એ સમયે ચૂંટણી ભાજપ અને જનતાદળ સાથે લડ્યા હતા, પણ ભાજપ ચીમનભાઈ પટેલથી અલગ થયો ત્યારે 1995ની ચૂંટણીમાં કેશુભાઈ પટેલને એજ કુરજી ભેસાણિયા સામે 30 હજારની જંગી લીડ સાથે જિતાડ્યા હતા."
કેશુભાઈ માટે ચાહના પણ એમના દીકરાને હરાવ્યા
કૌશિક મહેતા આગળ કહે છે, "અલબત્ત કેશુભાઈ પટેલે એ સમયે ચેકડૅમથી માંડી શિક્ષણ વગેરેની વ્યવસ્થા કરી હતી એટલે આ બેઠક ભાજપ માટે જળવાઈ રહી હતી અને ત્યાર બાદ 2012માં તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સામે મોરચો માંડી જીપીપી બનાવીને કેશુભાઈ વીસાવદરથી લડ્યા ત્યારે વીસાવદરના ઇતિહાસમાં સૌથી વધુ 57 ટકા વોટથી એમને જિતાડ્યા હતા."
"અહીંથી જીત્યા બાદ કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યું ત્યારે વીસાવદરના લોકોમાં ભારે નારાજગી હતી એ પછી 2014માં યોજાયેલી પેટાચૂંટણીમાં ખુદ કેશુભાઈ પટેલના દીકરા ભરત પટેલ ભાજપમાંથી ચૂંટણી લડ્યા ત્યારે વીસાવદરના લોકોએ એમને જાકારો આપ્યો હતો."
વીસાવદરે સ્થાનિક ચહેરા કૉંગ્રેસના હર્ષદ રીબડિયાને 2014ની પેટાચૂંટણી અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં જિતાડ્યા હતા.
કૌશિક મહેતા માને છે કે અહીંના લોકો માત્ર લાગણી પર ચૂંટણી જિતાડતા નથી. 2022માં એટલે જ કૉંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા હર્ષદ રીબડિયાને હારનો સ્વાદ ચખાડ્યો હતો અને નવી આવેલી આપના ભૂપત ભાયાણીને જિતાડ્યા હતા.
કૌશિક મહેતા કહે છે કે, "એક સંદેશો કેશુભાઈના દીકરાને હરાવી અને હર્ષદ રીબડિયાને હરાવીને આપી દીધો હતો કે અમે પક્ષપલટુઓ સાથે રહેતા નથી, એટલે ભાજપે આયાત કરેલા ભૂપત ભાયાણી અને હર્ષદ રીબડિયાને બદલે જૂનાગઢના સહકારી આગેવાન કિરીટ પટેલને ટિકિટ આપી પણ સ્થાનિક નેતાનો મુદ્દો ભાજપ ભૂલી ગયો હતો."
"અડધી રાતે ડેલિયું ખખડાવીએ ત્યારે હાજર હોય એવા નેતા જોઈએ''

ઇમેજ સ્રોત, Getty Images
વીસાવદર બેઠકની ખાસિયત એ રહી છે કે અહીં ખેતી સાથે જોડાયેલા નેતા જ ચૂંટાયા છે. કેશુભાઈ પટેલ હોય કે કુરજીભાઈ ભેસાણિયા, હર્ષદ રીબડિયા હોય કે પછી ભૂપત ભાયાણી.
કૌશિક મહેતા કહે છે કે, "વીસાવદરમાં મોટા ભાગે ખેડૂત છે, અન્ય લોકો સ્થળાંતર કરીને જતા રહ્યા છે એટલે અહીંના લોકોને સ્થાનિક ઉમેદવાર પસંદ છે. કાઠિયાવાડીમાં એ લોકો કહે પણ છે કે અડધી રાતે ડેલું ખખડાવીએ અને ધારાસભ્ય હાજર હોય એવા નેતા જોઈએ."
"એટલે જ આ વખતે આપના નેતા ગોપાલ ઇટાલિયાએ પોતે આયાતી ઉમેદવાર નથી એ છાપ ઊભી ન થાય એ માટે તાત્કાલિક વીસાવદરમાં ઘર ભાડે લીધું હતું."
"પોતે સ્થાનિક વ્યક્તિ જેવા જ છે અને પ્રજાના પ્રશ્નો માટે લડે છે એ પ્રસ્થાપિત કરવા એમને ટ્રૅક્ટર પર પ્રચાર કર્યો, લોકોના ઘરે જમીન પર બેસીને જમ્યા, આ વાત અહીંના લોકોને સીધી સ્પર્શી ગઈ અને કેશુભાઈની જેમ કામ કરશે એના માટે એઆઈથી બનાવેલા વીડિયો પણ કામ કરી ગયા."
સુરતમાં રહેતા લોકોનો પ્રભાવ કેટલો કામ કરે છે?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
વરિષ્ઠ પત્રકાર વિજય વીજપોતરે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "આ બેઠક પર 71 ટકા શિક્ષિત મતદારો છે. અહીંના શિક્ષિત મતદારો રાજકીય રીતે જાગૃત છે. બે લાખ 61 હજાર મતદારોમાંથી 50 ટકાથી વધુ એક લાખ 31 હજાર જેટલા લેઉઆ પટેલ મતદારો છે, જયારે 91 ટકા મતદારો ગ્રામીણ વિસ્તારમાં રહે છે એટલે એમની મુખ્ય આવક ખેતી અને પશુ પાલન છે."
તેઓ આગળ કહે છે કે, "અહીં મોટા ઉદ્યોગ નથી એટલે રોજગાર એક સમસ્યા છે, લોકોનું માઇગ્રેશન પણ વધુ છે. પટેલ ઉપરાંત અહીં શિડ્યુઅલ કાસ્ટના આઠ ટકા જેટલા મત છે, મુસ્લિમ મતદાતા બે ટકાથી ઓછા છે."
વીસાવદરની બેઠક પર 13 વર્ષથી અહીંના ધારાસભ્ય સત્તાવિહોણા ચૂંટાતા આવ્યા છે એટલે કે વિપક્ષમાં બેસતા આવ્યા છે. અહીં અનેક જૂના વણઉકેલ્યા પ્રશ્નો આજે પણ ત્યાંને ત્યાં જોવા મળે છે. આ વિસ્તાર મુખ્યત્વે ખેતી આધારિત છે. રોજગારીના અભાવે અહીંના યુવાનો મેટ્રો શહેર ભણી જાય છે.

ઇમેજ સ્રોત, harshdribadiya/twitter
વિજય વીજપોતર કહે છે, "લગભગ તમામ જ્ઞાતિઓ પર પટેલ સમાજનું સોશિયલ કેપિટલિઝમ છે, કારણ કે સહકારી સંસ્થા, શિક્ષણ સંસ્થા હોય કે અન્ય સ્થળે પટેલ જ્ઞાતિનું વર્ચસ્વ છે."
"આ વિધાનસભામાં આવતાં 157 ગામોમાં દરેક જ્ઞાતિમાં સંપ છે. એટલું જ નહીં પણ અહીં ક્રાઇમ રેશિયો પણ ઓછો છે. ગ્રામીણ મતદાતા વધુ હોવાથી એમને સ્થાનિક અને લડાયક ચહેરો વધુ પસંદ છે."
"એ સંજોગોમાં એમની માનસિકતા થોડી ઍન્ટી ઍસ્ટાબ્લિશમેન્ટ રહે છે. એટલું જ નહીં મોટાભાગના લોકો ખેતી નબળી હોવાથી રોજગાર માટે વધુ લોકો સુરતમાં જઈ વસ્યા છે તો કેટલાક રાજકોટ, વડોદરા અને અમદાવાદ વસ્યા છે."
"ચૂંટણી સમયે આ લોકો પોતાના ગામમાં આવે છે, સુરતમાં વસતા અહીંના રત્નકલાકારો ગ્રામીણ વિસ્તારમાં સારું પ્રભુત્વ ધરાવે છે, એટલે ભાજપ અને આપે વીસાવદરની ચૂંટણી માટે સુરતમાં સભા કરી હતી, પણ એ સભા પછી હીરાની મંદી પછી સરકારે જાહેર કરેલા રત્નકલાકારો માટે પૅકેજથી અસંતુષ્ટ રત્નકલાકારો ચાર બસ ભરીને વીસાવદર ચૂંટણીમાં આવ્યા હતા અને ગ્રામીણ વિસ્તારમાં ફર્યા હતા અને આપની તરફેણમાં રહ્યા હતા, આવું જ 2022માં થયું હતું, એટલે સુરતમાં રહેતા લોકોનો પ્રભાવ પણ અહીં કામ કરી જાય છે."
પક્ષપલટુઓને જાકારો આપતી પ્રજા

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
આ બેઠક પર કુરજીભાઈ, કેશુભાઈથી માંડીને ભૂપતભાઈ ભાયાણી સુધીના નેતાઓએ પક્ષપલટા કર્યા છે. કુરજીભાઈ ત્રણેક વિવિધ પાર્ટીમાંથી ચૂટાયા હતા.
જાણીતા રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "વીસાવદરમાં નિર્ણાયક મતદાતા ગ્રામીણ વિસ્તારમાંથી આવે છે. ત્યારે એમની એક માનસિકતા સમજવી જોઈએ કે એ લોકોને કોઈ ઉદ્યોગ કે સરકાર સાચવવાની જરૂર નથી. એટલે જ ગુજરાતની સ્થાપના થઈ એ પછી અહીં કોઈ ઉમેદવાર ત્રીજી ટર્મ જીત્યો નથી, અહીંના લોકોને લડાયક અને સ્થાનિક ઉમેદવાર પસંદ છે જ્યારે પક્ષપલટુ માટે જાકારો છે, એટલે જ તમે જુઓ કે સ્વતંત્ર પાર્ટી નવી વિચારધારા લઈને આવી ત્યારે કૉંગ્રેસનો દબદબો હતો છતાં એમને જિતાડ્યા હતા."
"નવનિર્માણ આંદોલન પછી ચીમનભાઈ પટેલ સામે લોકોને આક્રોશ હતો પણ સ્થાનિક નેતા હોવાથી એમના કિમલોપના ઉમેદવારને જિતાડ્યા હતા, આવુંજ પરિવર્તન 1995માં કેશુભાઈને લાવીને કર્યું હતું."
"પણ કેશુભાઈએ ખેડૂત માટે કામ કર્યાં હોવાથી લોકોમાં એમના માટે સહાનુભૂતિ હતી પણ એમના દીકરાને અહીંના લોકોએ જાકારો આપ્યો હતો. બીજું એ છે કે ભાજપ માટે આ બેઠક જીતવી એટલે અઘરી પડી રહી છે કે એમના વિકાસના પાયા શહેરોમાં વધુ છે."
"ગ્રામીણ વિસ્તારમાં સમસ્યા એવીજ છે એની સામે અવાજ ઊઠવો સ્વાભાવિક છે. અહીંના લોકોમાં એક ભાવના એવી છે કે એમના લેઉઆ નેતા કેશુભાઈ પટેલ હોય કે આનંદીબહેન પટેલ હોય એમની સાથે અન્યાય થયો છે એટલે એ પ્રબળ ભાવના ઊંડે ઊંડે ધરબાયેલી છે જે રિફ્લેક્ટ થાય છે એટલે જ તમે જુઓ કે કેશુભાઈને 2012માં 57 ટકા વોટથી જિતાડ્યા હતા. એ સમયે પણ સુરતના લોકો વીસાવદરમાં કામે લાગ્યા હતા."
"આ ઉપરાંત અહીં પક્ષપલટો કરનારને લોકો સ્વીકારતા નથી. એમને છેલ્લાં 12 વર્ષમાં ત્રણ અનુભવ થયા છે કે વીસાવદરથી ચૂંટાયા પછી ભાજપ સાથે હાથ મિલાવે છે, એટલે એમની લાગણીઓ પણ આળી થઈ છે. કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યું અને 2014માં પેટાચૂંટણીમાં એમનો દીકરો હારી જાય એ બતાવે છે કે અહીંના મતદાતા જાગૃત છે. તેઓ લાગણીમાં તણાતા નથી, એટલે શહેરી વિસ્તારમાં વિકાસ અને લાગણીસભર વાતો અસર કરે છે એવી આ વિસ્તારના લોકોને અસર કરતી નથી કદાચ એનું જ પરિણામ છે કે વીસાવદરના લોકો કોઈ ધારાસભ્યને ત્રીજી ટર્મ આપતા નથી."
વીસાવદરની બેઠકનો ચૂંટણી ઇતિહાસ

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
1962ની વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસનાં ઉમેદવાર મદીના નાગોરી જીત્યાં હતાં, ત્યાર બાદ 1967માં સ્વતંત્ર પાર્ટીના કુરજી ભેસાણિયા ચૂંટાયા હતા.
ત્યાર બાદ 1972માં કૉંગ્રેસના રામજી કરકર પછી 1975માં કિમલોપના કુરજી ભેસાણિયા, એ પછી એમણે 1985માં કૉંગ્રેસના ધીરજ રીબડિયા અને પોપટ રામાની ચૂંટાયા હતા ત્યાર બાદ જનતાદળના કુરજી ભેસાણિયા.
1995 અને 1998માં ભાજપના કેશુભાઈ પટેલ, ત્યાર બાદ 2002 અને 2007માં ભાજપના કનુ ભાલાળા ત્યાર બાદ આ બેઠક પરથી ભાજપ જીત્યો નથી.
2012માં નરેન્દ્ર મોદી સામે મોરચો માંડનાર કેશુભાઈને જિતાડ્યા એમને રાજીનામું આપ્યું પછી આ બેઠક પર 2014માં એમના દીકરા ભરત પટેલ લડ્યા તો એમની સામે હર્ષદ રીબડિયા હતા, ભરત પટેલની હાર થઈ હતી.
2017માં ફરી હર્ષદ રીબડિયા ભાજપમાં ગયા એટલે એમના એક સમયના ચેલા ભૂપત ભાયાણી આપમાંથી હતા, તેઓ પણ ભાજપમાં ગયા પછી આપના ગોપાલ ઇટાલીયા જીત્યા છે .
બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












