વીસાવદર : નરેન્દ્ર મોદી સામે કેશુભાઈ પટેલે જ્યાંથી વિરોધનો મોરચો માંડ્યો હતો, પક્ષપલટુ ઉમેદવારોનો રહ્યો છે ઇતિહાસ

બીબીસી ગુજરાતી, ગુજરાત, કેશુભાઈ પટેલ, ગુજરાતનું રાજકારણ, વીસાવદર, જૂનાગઢ, નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

વીસાવદર બેઠકની પેટાચૂંટણી હજી જાહેર નથી થઈ અને આમ આદમી પાર્ટીએ ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાને જાહેર કરી દીધા છે ત્યારે આ બેઠક ચર્ચામાં છે.

રોચક રાજકીય ઇતિહાસ ધરાવતી આ બેઠક ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલ વખતે ખૂબ ચર્ચામાં હતી. હવે ગોપાલ ઇટાલિયાની ઉમેદવારીએ ફરી એક વખત આ બેઠક ચર્ચામાં આવી છે.

ગુજરાતમાં ભાજપે 2022માં 156 બેઠકો મેળવીને નવો રેકૉર્ડ સેટ કર્યો હતો, પણ વીસાવદરમાં ભાજપના ઉમેદવાર આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે હારી ગયા હતા. આમ આદમી પાર્ટીની ટિકિટ પર વીસાવદર વિધાનસભા બેઠક જીતનાર ભૂપતભાઈ ભાયાણી પછી ભાજપમાં જોડાઈ ગયા હતા.

વીસાવદર પૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલ વખતના ભાજપના દૌરમાં પાર્ટીની પાયાની બેઠક ગણાતી હતી, પણ અહીં છેલ્લે 2007માં ભાજપના કનુભાઈ ભાલાળા ચૂંટાયા હતા એ પછી ભાજપના ઉમેદવાર અહીંથી ચૂંટાયા નથી.

વીસાવદરમાં ખેડૂત નેતાઓ જ ચૂંટાય છે?

આમ આદમી પાર્ટીએ વીસાવદર પેટાચૂંટણી માટે ઉમેદવાર તરીકે ગોપાલ ઈટાલિયાને જાહેર કરી દીધા છે.

ઇમેજ સ્રોત, GOPAL ITALIA/FB

ઇમેજ કૅપ્શન, આમ આદમી પાર્ટીએ વીસાવદર પેટાચૂંટણી માટે ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાને જાહેર કરી દીધા છે.

વીસાવદર બેઠકની ખાસિયત એ રહી છે કે અહીં ખેતી સાથે જોડાયેલા નેતા જ ચૂંટાયા છે. કેશુભાઈ પટેલ હોય કે કુરજીભાઈ ભેસાણીયા, હર્ષદ રિબડિયા હોય કે પછી ભૂપત ભાયાણી.

સૌરાષ્ટ્રની રાજનીતિ પર નજર રાખનાર વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા બીબીસી ગુજરાતીને જણાવે છે કે, "વીસાવદર, જૂનાગઢ અને ભેંસાણના આ મતવિસ્તારમાં 170 ગામડાં આવે છે. આ તમામ ગામડાં ખેતી સાથે સંકળાયેલાં છે. ત્યાં કોઈએ ચૂંટણી લડવી હોય તો એ વ્યક્તિએ ખેડૂત હોવું જરૂરી છે."

ગોપાલ ઇટાલિયા પણ આ બાબત સારી રીતે સમજે છે. તેથી જ પોતાની ખેડૂત તરીકેની ઓળખ તેઓ હાલ વધારે ઘૂંટી રહ્યા છે. બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, "હું પણ ખેડૂતનો જ દીકરો છું. અમે ખેતી સાથે જ સંકળાયેલા છીએ. કપાસ વીણતા, સાંતી હાંકવા, પાણી વાળવા સહિતનાં બધાં જ ખેતીકામ હું કરતો આવ્યો છું."

જગદીશભાઈ કહે છે કે, "ખમતીધર રાજકીય પક્ષ પણ જો બિનખેડૂત ઉમેદવાર ઊભા રાખે તો તેમને આ બેઠક પર જીતવું અશક્ય જ બની જાય. અત્યારે ભૂપત ભાયાણી અને હર્ષદ રિબડિયા ભલે ભાજપમાં હોય પણ, રાજ્યમાં ભાજપની લહેર હતી એવા તબક્કે તેઓ બિનભાજપીય પક્ષમાંથી ચૂંટાયા તેનું પાયાનું કારણ એ હતું કે તેઓ સ્થાનિક ખેડૂત નેતા છે."

તેમની વાતથી સહેમત થતા વરિષ્ઠ પત્રકાર કૌશિકભાઈ મહેતા કહે છે કે, "ત્યાં ખેતી સાથે સંકળાયેલા આગેવાનો જ મોટે ભાગે ચૂંટાયા છે. મોટે ભાગે પટેલ સમુદાયના જ નેતા ચૂંટાયા છે."

ભાજપ કે કૉંગ્રેસ વીસાવદર બેઠક પર વર્ચસ્વ જમાવી શક્યા નથી

વીસાવદરની બેઠક

ઇમેજ સ્રોત, INDRANIL MUKHERJEE/GETTY

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કેશુભાઈ પટેલના તબક્કાને બાદ કરીએ તો વીસાવદર એ બેઠક છે જ્યાં ભાજપ કે કૉંગ્રેસનું વર્ચસ્વ રહ્યું નથી.

1995થી 2007 સુધી કુલ ચાર વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. જેમાં સળંગ ભાજપને ત્યાં બહુમતી મળી હતી. 2007 પછી ભાજપ ત્યાં ચૂંટાયો નથી. તેથી આ વખતે પેટા ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ રહેશે. એવી જ રીતે ગોપાલ ઇટાલિયા 2022ની ચૂંટણીમાં સુરતની કતારગામ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા. તેથી તેમના માટે પણ આ શાખની લડાઈ છે.

ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે, "વીસાવદર વિધાનસભા વિસ્તાર સાથે ભાજપ વારંવાર દગો કરે છે. ભાજપ અહીં ચૂંટાઈ શકતો નથી. તેથી જે કોઈ પાર્ટીના ઉમેદવાર ચૂંટાય તેને ડરાવી, ધમકાવી કે લોભ લાલચથી પોતાની તરફ લઈ લે છે. હું પડકાર ફેંકું છું કે ભાજપમાં હિંમત હોય તો મને તોડી કે ખરીદી બતાવે."

કૌશિક મહેતા કહે છે કે, "ભાજપ માટે હવે વિમાસણ એ છે કે તે જો હર્ષદ રિબડિયા કે ભૂપત ભાયાણીને ટિકિટ આપે તો એના પર પક્ષપલટુનું લેબલ છે. ગોપાલ ઇટાલિયા પર એવું કોઈ લેબલ નથી."

કૉંગ્રેસની વાત કરીએ તો 1962થી આજ સુધી સળંગ બે ટર્મ કૉંગ્રેસ પાર્ટી પણ વિધાનસભામાં વીસાવદર બેઠક પર ચૂંટાઈ નથી.

જ્યારે નરેન્દ્ર મોદી સામે વિરોધનો મોરચો વીસાવદરથી મંડાયો હતો

ગુજરાતમાં નરેન્દ્ર મોદી સામે આંતરિક અસંતોષનો પહેલો વિધિવત્ મોરચો પણ વીસાવદરથી જ મંડાયો હતો.

કેશુભાઈએ મોદી સામે મોરચો માંડીને જીપીપી(ગુજરાત પરિવર્તન પાર્ટી) રચી હતી.

2012માં ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી સામે મોરચો માંડ્યો હતો, તેમણે ભાજપના કેન્દ્રીય નેતૃત્વ સામે પણ ગુજરાતમાં નેતૃત્વ બદલવાની રજૂઆતો કરી હતી. અંતે તેમણે ભાજપમાં રાજીનામું આપીને 6 ઑગસ્ટે નવી 'ગુજરાત પરિવર્તન પાર્ટી' શરૂ કરી હતી.

2012ની ચૂંટણીમાં જીપીપીને રાજ્યમાં જે બે બેઠક મળી હતી તેમાંની એક વીસાવદર હતી જ્યાં કેશુભાઈ પટેલ ચૂંટાયા હતા. 2014માં જીપીપી વિખેરાઈ ગઈ હતી. આગળ ચાલીને કેશુભાઈની પાર્ટીનો વિલય ભાજપમાં થયો હતો.

કુરજીભાઈ ભેંસાણીયા અને કેશુભાઈ પટેલ

કેશુભાઈ પટેલ અને નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેશુભાઈ પટેલ અને નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

વીસાવદર બેઠકની વાત આવે એટલે કેશુભાઈનું નામ તરત યાદ આવે છે. જોકે, આ બેઠક સાથે જોડાયેલું આવું જ બીજું જૂનું ને જાણીતું નામ એટલે કુરજીભાઈ ભેંસાણીયા.

જગદીશભાઈ મહેતા કહે છે કે, "કેશુભાઈ ચૂંટાયા અને મુખ્ય મંત્રી બન્યા એટલે એ બેઠક પેટા હોવા છતાં પણ રાજ્યસ્તરની મહત્ત્વપૂર્ણ બેઠક બની ગઈ હતી. રાજ્યના મુખ્ય મંત્રી સૌરાષ્ટ્રમાંથી આવે છે એવી નેવુંના દાયકામાં જે વાયકા હતી તે વીસાવદર બેઠકને લીધે હતી."

કૌશિક મહેતા કહે છે કે, "કેશુભાઈ જેવી લોકપ્રિયતા ત્યાં કોઈની નથી રહી. ભાજપનો જે ચઢતો કાળ હતો એની શરૂઆતનું સાક્ષી વીસાવદર બેઠક રહી છે."

ભાજપ કૉંગ્રેસ સિવાય નોખનોખા પક્ષના ઉમેદવાર ગુજરાતની જે ચુનંદા બેઠકો પર ચૂંટાયા છે તેમાંની એક બેઠક વીસાવદર છે. વિધાનસભામાં કિમલોપ, જનતા દળ, જીપીપી, સ્વતંત્રતા પાર્ટી, આપ વગેરે પક્ષના ઉમેદવાર ત્યાં ચૂંટાયા છે.

એકમાત્ર મહિલા ઉમેદવાર ત્યાં મદિનાબહેન નાગોરી 1962માં કૉંગ્રેસમાંથી ચૂંટાયાં હતાં. બૉમ્બે સ્ટેટમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર બે અલગ રાજ્ય થયાં એ પછીની ગુજરાતની એ પ્રથમ વિધાનસભા ચૂંટણી હતી.

કુરજીભાઈ ભેંસાણીયા ત્યાં સ્વતંત્રતા પાર્ટી(1967), કિમલોપ – કિશાન મજદૂર લોક પક્ષ(1975), જનતા દળ(1990) જેવી વિવિધ પાર્ટીમાંથી ચૂંટાયા હતા.

જગદીશભાઈ કહે છે કે, "કુરજીભાઈ લોકદરબારના માણસ હતા. તેઓ ગામને ચોરે મળી શકતા એવા ખરા અર્થમાં લોકસેવક હતા. કોઈ પણ માણસ તેમને અપોઇન્ટમેન્ટ વગર પરબારો રૂબરૂ મળી શકતો હતો. તેમણે એવું પાટીયું લગાવ્યું હતું કે દારૂ-જુગારના કિસ્સામાં પોલીસમાંથી કોઈને છોડાવવાની ભલામણ મને કરવી નહીં. કુરજીભાઈ પછી સંસદીય સચિવ પણ બન્યા હતા."

કૌશિકભાઈ કહે છે કે, "કુરજીભાઈની સ્થાનિક પકડ સારી હતી, પણ તેમની એવી છાપ હતી કે ગમે ત્યારે પક્ષ બદલી નાખે છે."

પક્ષપલટોવાળી બેઠક અને મતદારોની વિમાસણ

આ બેઠક પર કુરજીભાઈ, કેશુભાઈથી માંડીને ભૂપતભાઈ ભાયાણી સુધીના નેતાઓએ પક્ષપલટા કર્યા છે. કુરજીભાઈ ત્રણેક વિવિધ પાર્ટીમાંથી ચૂટાયા હતા.

કેશુભાઈ ભાજપ ઉપરાંત જીપીપીમાંથી પણ ચૂંટાયા હતા.

ભૂપત ભાયાણી આપમાંથી ચૂંટાયા પછી ભાજપમાં જોડાઈ ગયા છે. કૉંગ્રેસ તરફથી 2017માં ચૂંટાયેલા હર્ષદ રિબડિયાએ પણ ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે.

કૌશિકભાઈ કહે છે કે, "પક્ષ પલટાની આ સ્થિતિને લીધે ત્યાંના મતદારો વિમાસણમાં રહ્યા છે. નેતાઓના પક્ષપલટાને લીધે આ બેઠકને નુકસાન થયું છે અને આ વિસ્તારના પ્રશ્નો હજી ત્યાંના ત્યાં રહ્યા છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.