'હિઝબુલ્લાહની સામે કાર્યવાહી કરવા ઇઝરાયલ તૈયાર',નેતન્યાહૂનું નિવેદન- ન્યૂઝ અપડેટ

ઇઝરાયલના વડા પ્રધાન બિન્યામિન નેતન્યાહૂએ કહ્યું છે કે પોતાની સુરક્ષા જોતા ઇઝરાયલ, લેબેનોનની સીમા સાથે જોડાયેલાં ગામોમાં લોકોને ફરી વસાવવા માટે જે કરવું પડે તે કરશે.

હિઝ્બુલ્લાહ સાથેના તણાવ અંગે સોશિયલ મીડિયા ઍક્સ પર લખ્યું, “આઠ ઑક્ટોબર બાદ ઈરાન સમર્થિત હિઝ્બુલ્લાહ કોઈ પણ ઉશ્કેરણી વગર ઇઝરાયલ પર હુમલો કરતું આવ્યું છે. જેને કારણે સીમા પરથી લગભગ 60 હજાર ઇઝરાયલી નાગરિકોએ ઘર છોડવું પડ્યું છે.”

હિઝબુલ્લાહ અહીં સતત હુમલાઓ કરે છે. આ સંદર્ભમાં નેતન્યાહૂએ આજે સોશિયલ મીડિયા પર પોતાનું વલણ જાહેર કર્યું છે.

નેતન્યાહૂએ કહ્યું, “અમે આ સહન નહીં કરીએ.”

ગત વર્ષ ઑક્ટોબરે હમાસે ઇઝરાયલ પર હુમલો કર્યો ત્યારબાદ ઇઝરાયલ અને હમાસ વચ્ચે સંઘર્ષ યથાવત છે. એક તરફ દક્ષિણ સીમા પર ઇઝરાયલ હમાસને ખતમ કરવાની કોશિશમાં લાગેલું હતું ત્યારે ઉત્તરી સીમા પર અને લેબેનોનની દક્ષિણ સીમા પર હિઝ્બુલ્લાહે ઇઝરાયલ પર હુમલો કરવાનું શરૂ કરી દીધું.

જોકે, ગત સપ્તાહે ઇઝરાયલે હિઝ્બુલ્લાહનાં ઠેકાણાઓને પણ નિશાન બનાવ્યાં છે. લેબેનોનમાં પેજર વિસ્ફોટ બાદ ઇઝરાયલી સંરક્ષણ મંત્રીએ કહ્યું હતું કે સેના ઉત્તર તરફ આગળ વધી રહી છે અને સેના પ્રમુખે ઇઝરાયલ અને લેબેનોન સીમા પર યુદ્ધની મંજૂરી આપી દીધી છે.

અનુરા કુમારા દિસાનાયકે બન્યા શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ

વામપંથી દળ નેશનલ પીપલ્સ પાવરના નેતા અનુરા કુમારા દિસાનાયકે શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે.

દિસાનાયકેને 5.740.179 વોટ મળ્યા. અનુરા કુમારા દિસાનાયકે શ્રીલંકાના 9મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. તેમના પ્રતિસ્પર્ધી સજીથ પ્રેમદાસાને 4,530,902 વોટ મળ્યા.

શ્રીલંકાના ઇતિહાસમાં પહેલીવાર બીજા રાઉન્ડની મતગણતરી બાદ રાષ્ટ્રપતિપદનું પરિણામ જાહેર થયું છે.

બીજા રાઉન્ડમાં અનુરા કુમારા દિસાનાયકે સામે સામગી જનાબલેવગા દળના સજીથ પ્રેમદાસા હતા.

‘અમે પાકિસ્તાનને ગળે લગાડવા તૈયાર, પણ...’, રાજનાથસિંહ શું બોલ્યા?

સંરક્ષણમંત્રી રાજનાથસિંહે જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં એક ચૂંટણી સભા સંબોધતા પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર પર ટિપ્પણી કરી છે.

તેમણે કહ્યું, “હું કહું છું કે ભારતને હિન્દુ-મુસ્લિમમાં કેમ વહેંચો છો, માત્ર સત્તા હાંસલ કરવા માટે? પીઓકે પણ અમારો ભાઈ છે. તેને પણ અમે અમારા પરિવારમાં સામેલ કરવા માગીએ છીએ.”

રાજનાથે કહ્યું, “કેટલાક લોકો કહે છે કે પાકિસ્તાન સાથે વાતચીત કરો. અમે પણ પાડોશી દેશ સાથે સારા સંબંધો બનાવવા માગીએ છીએ. પાકિસ્તાન સાથે સંબંધ બનાવવા માગીએ છીએ, સૌને સાથે લઈને ચાલવા માગીએ છીએ. પરંતુ તે આતંકવાદને પ્રોત્સાહન આપે છે અને અમે તેની સાથે સારા સંબંધો બનાવીએ એ કેવી રીતે બને? બંને કામ એકસાથે નહીં થાય.”

તેમણે કહ્યું, “તેઓ ગૅરંટી આપે કે આતંકવાદને ભારતની ધરતી પર નહીં પનપવા દે તો અમે તેને ગળે લગાડવા તૈયાર છીએ. તેની સાથે વાતચીત માટે તૈયાર છીએ.”

ઈરાનની કોલસાની ખાણમાં વિસ્ફોટ, 51નાં મોત

પૂર્વ ઈરાનના તબાસની એક કોલસાની ખાણમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછાં 51 લોકોનાં મૃત્યુ થયાં છે. સરકારી મીડિયાએ આ ઘટનાની પુષ્ટિ કરી છે.

ખાણના બે બ્લૉકમાં મીથેન ગૅસના લીકેજને કારણે આ વિસ્ફોટ થયો હતો.

આ ખાણ ઈરાનની રાજધાની તહેરાનથી લગભગ 540 કિલોમીટર દૂર દક્ષિણના ખુરાસાન પ્રાંતમાં છે.

દક્ષિણ ખુરાસાનના ગવર્નર જવાદ ઘેનાત્જાદેહે જણાવ્યું, “વિસ્ફોટ સમયે અહીં ખાણમાં લગભગ 69 કર્મચારીઓ હતા.”

ભાવનગરમાં એક હીરાના વેપારીની અપહરણ બાદ હત્યાની ફરિયાદ

ભાવનગરના એક હીરાના વેપારીનો મૃતદેહ અમરેલીના બાબરા ખાતેથી મળી આવ્યો છે.

ભાવનગર ખાતેના બીબીસી સહયોગી અલ્પેશ ડાભીના જણાવ્યા અનુસાર આ વેપારીનું નામ ધીરુભાઈ ઉકાભાઈ રાઠોડ છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે આ વેપારીનું પૈસાની લેવડદેવડમાં અપહરણ કરાયું હતું અને ત્યારબાદ તેમની હત્યા કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે હીરાના આ વેપારીની હત્યાના ત્રણ આરોપીને બાબરાથી ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓએ ધીરુભાઈની હત્યા કરીને તેમના મૃતદેહનો નિકાલ કરવા માટે તેને કૃષ્ણનગર વિસ્તારમાં સળગાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો.

ભાવનગર જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈએ બીબીસી સહયોગી અલ્પેશ ડાભીને જણાવ્યું હતું, “બાબરા પોલીસ જ્યારે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને સૂચના મળી કે કોઈ શંકાસ્પદ ગાડી કૃષ્ણનગર ખાતે ગઈ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને જોયું તો ત્યાં એક સફેદ કારમાં ત્રણ શંકાસ્પદો મળી આવ્યા હતા. તેમની નજીક કંઇક સળગતું નજરે પડ્યું હતું. પોલીસે વધુ જાણકારી મેળવી તો ખબર પડી કે કોઈ મૃતદેહને સળગાવવાનો પ્રયત્ન થયો હતો. અમે ત્રણેય શંકાસ્પદની પૂછપરછ શરૂ કરી છે અને મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલ્યો છે તથા તેની ફોરેન્સિક તપાસ કરાવડાવી છે.”

જ્યારે તેઓ મૃતદેહને સળગાવતા હતા તે સમયે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્રણેય શંકાસ્પદોને ઝડપી લીધા હતા.

આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

શ્રીલંકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડાબેરી નેતા આગળ, અત્યાર સુધીનાં પરિણામો શું કહે છે?

શ્રીલંકાની રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ડાબેરી નેતા અનુરા કુમારા દિસાનાયકે સૌથી આગળ ચાલી રહ્યા છે.

અનુરા કુમાર દિસાનાયકેએ મતદાતાઓને વાયદો કર્યો હતો કે તેઓ ભ્રષ્ટાચાર સામે કઠોર પગલાં ભરશે અને સારું શાસન આપશે.

તેમણે કરેલા આ વાયદાની મતદાતાઓના મનમાં ઊંડી અસર થઈ છે એવું દેખાઈ રહ્યું છે. શ્રીલંકાના લોકો સંકટ પછી વ્યવસ્થિત પરિવર્તનને અને શાસનને ઝંખી રહ્યા હતા.

આજે સવારે આવેલા પરિણામો પ્રમાણે દિસાનાયકાને 42 ટકા મત મળ્યા છે. શ્રીલંકામાં કોઈ ઉમેદવારને જીત માટે 51 ટકા મતની જરૂર હોય છે.

અત્યાર સુધી મળેલા ચૂંટણી પરિણામોમાં વિપક્ષી નેતા સજીથ પ્રેમદાસાને લગભગ 32% મત મળ્યા છે અને તેઓ બીજા સ્થાને છે.

બીજી મુદત માટે ચૂંટણી લડી રહેલા રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેને અત્યાર સુધીમાં 16% વોટ મળ્યા છે, જ્યારે પદભ્રષ્ટ કરાયેલા રાષ્ટ્રપતિના ભત્રીજા નમલ રાજપક્ષેને લગભગ 3% વોટ મળ્યા છે.

શ્રીલંકામાં, જો મતગણતરીનાં પ્રથમ રાઉન્ડમાં ઉમેદવારને 51% મત ન મળે, તો રાષ્ટ્રપતિપદ માટે મતદારોની બીજી અને ત્રીજી પસંદગીના આધારે બીજા રાઉન્ડના મતોની ગણતરી કરવામાં આવે છે.

શ્રીલંકામાં 1982થી અત્યાર સુધી યોજાયેલી તમામ આઠ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં, મતગણતરીના પ્રથમ રાઉન્ડમાં જ જીત નક્કી કરવામાં આવી છે. દેશમાં આ વર્ષની ચૂંટણીને ઈતિહાસની સૌથી નજીકની ચૂંટણીઓમાંની એક ગણાવવામાં આવી રહી છે.

જોકે, દિસાનાયકેને અનેક નેતાઓએ શુભેચ્છાના સંદેશ આપવાના શરૂ કરી દીધા છે.

વર્ષ 2022માં દેશમાં ભારે વિરોધ બાદ ગોટાબાયા રાજપક્ષેને રાષ્ટ્રપતિપદ પરથી હઠી જવું પડ્યું હતું. તે સમયે દેશને ભારે આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો હતો.

જે બાદ શનિવારે દેશમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિપદ માટે ચૂંટણી યોજાઈ હતી.

અમેરિકા : અલાબામા બર્મિન્ઘમમાં ગોળીબાર, ચારનાં મૃત્યુ

અમેરિકાના અલાબામા બર્મિન્ઘમમાં ગોળીબારની એક ઘટનામાં ઓછામાં ઓછાં ચાર લોકોનાં મૃત્યુ થયાં છે અને કેટલાક લોકો ઘાયલ થયા છે.

બર્મિન્ઘમના પોલીસ અધિકાર ટ્રૂમૅન ફિટ્ઝગેરાલ્ડે જણાવ્યું કે માસ શૂટિંગની આ ઘટના શનિવારે સાંજે શહેરના દક્ષિણ ફાઇવ પૉઇન્ટ્સ સાઉથ ડિસ્ટ્રિક્ટમાં થઈ. ફિટ્ઝગેરાલ્ડે કહ્યું, “ઘણા લોકોએ એક સાથે લોકોના એક સમૂહ પર ગોળી ચલાવી.”

તેમણે કહ્યું કે પોલીસને ઘટનાસ્થળ પરથી ત્રણ લોકોના મૃતદેહ પ્રાપ્ત થયા. જેમાં એક મહિલા અને એક પુરુષ છે. જ્યારે કે એક વ્યક્તિએ હૉસ્પિટલમાં દમ તોડ્યો.

ઘટના મામલે સુરક્ષા એજન્સી એ તપાસ કરી રહી છે કે હુમલાખોરો અહીં કેવી રીતે પહોંચ્યા હતા.

આ વિસ્તાર નાઇટલાઇફ માટે જાણીતો છે. હાલ ચારની હાલત નાજૂક હોવાનું જણાવવામાં આવ્યું છે.

અમેરિકાની ગોળીબારીની ઘટનાની જાણકારી મેળવનારા ગન વાયોલન્સ આર્કાઇવના રિપોર્ટ પ્રમાણે આ વર્ષે અમેરિકામાં ગોળીબારની 400 ઘટના ઘટી છે. આ ડેટામાં માસ શૂટિંગની એવી ઘટનાઓ નોંધવામાં આવી છે જેમાં ચાર કે તેથી વધુ વ્યક્તિ ઘાયલ થયા હોય.

ક્વાડની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું- 'અમે કોઈની વિરુદ્ધમાં નથી'

અમેરિકાના વિલમિંગટનમાં ક્વાડ નેતાઓની બેઠકમાં ઑસ્ટ્રેલિયા, ભારત, અમેરિકા અને જાપાનના વડાઓ સામેલ થયા છે. ભારત વતી વડા પ્રધાન મોદીએ આ બેઠકમાં ભાગ લીધો છે.

વડા પ્રધાન મોદીએ કહ્યું છે કે 'અમારી બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે સમગ્ર વિશ્વ તણાવ અને ઘર્ષણથી ઘેરાયલું છે. આવી સ્થિતિમાં સહિયારાં લોકશાહી મૂલ્યોના આધારે રચાયેલું ક્વાડ ચાલતું રહે તે સમગ્ર માનવતા માટે ખૂબ જ જરૂરી છે.

વડા પ્રધાન મોદીએ કહ્યું કે, ''અમે કોઈના વિરુદ્ધમાં નથી. અમે બધા કાયદા પર આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા, સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનો આદર અને તમામ મુદ્દાના શાંતિપૂર્ણ ઉકેલ લાવવાના સમર્થનમાં છીએ."

આ સિવાય ક્વાડ ગ્રૂપના દેશોએ એક સંયુક્ત નિવેદન પણ બહાર પાડ્યું છે જેમાં દક્ષિણ ચીન સાગરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મુદ્દે અત્યાર સુધી ચીન તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

શ્રીલંકામાં મતદાન બાદ સુરક્ષામાં વધારો, દેશમાં કર્ફ્યૂ

ભારતના પડોશી દેશ શ્રીલંકામાં લગભગ બે વર્ષ પહેલાં આર્થિક સ્થિતિ બગડ્યા બાદ જોરદાર દેખાવો થયા હતા. શનિવારે દેશમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થયું હતું.

શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થવાના થોડાક કલાકો બાદ જ દેશભરમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. દેશમાં મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે, પરંતુ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સામાન્ય લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આમ કરવામાં આવ્યું છે.

હાલમાં શ્રીલંકામાં મતગણતરી ચાલી રહી છે ત્યારે સુરક્ષા અધિકારીઓ શેરીઓમાં પેટ્રોલિંગ કરતા જોવા મળ્યા હતા. આ ચૂંટણીથી સામે આવશે કે લોકો શ્રીલંકાની હાલની સરકારે જે રીતે અર્થવ્યવસ્થાને સંભાળી છે તેનાથી ખુશ છે કે નહીં.

ડેટા પ્રમાણે ચૂંટણીમાં 70 ટકા મતદાન થયું છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રેકૉર્ડ 38 ઉમેદવારો મેદાનમાં છે. વર્તમાન રાનિલ વિક્રમસિંઘે સહિત શ્રીલંકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પોસ્ટલ વોટનાં પ્રારંભિક પરિણામો દર્શાવે છે કે અગ્રણી ડાબેરી નેતા અનુરા કુમારા દિસાનાયકા આગળ છે. પોસ્ટલ બૅલેટ બાદ શનિવારે પેપર બેલેટની ગણતરી કરવામાં આવશે.

જાપાનમાં ભારે વરસાદથી તારાજી, 40 હજાર લોકોનું રેસ્ક્યુ

ઉત્તર જાપાનના ઇશીકાવા વિસ્તારમાં ભારે વરસાદ બાદ પૂર આવતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને અનેક લોકો ગુમ થઈ ગયા છે. વરસાદના કારણે ઇશીકાવા પંથકની ઘણી નદીઓમાં પૂર આવ્યું હતું, જેના કારણે જનજીવનને વ્યાપક અસર થઈ છે.

જાપાનના હવામાન વિભાગ અનુસાર વાજિમાનગરમાં 120 મિમી વરસાદ પડ્યો હતો, જે અત્યાર સુધીનો સૌથી વધુ છે. વિભાગ પ્રમાણે રવિવાર સાંજે વરસાદનું જોર ઘટવાની સંભાવના છે.

વરસાદના કારણે ગામ અને નગરોમાં કેડસમા પાણી ભરાઈ ગયાં છે. વાજિમાનગરમાં વરસાદના કારણે ભૂસ્ખલન થયું હતું જેમાં 60 લોકો દબાઈ ગયા હતા. આ લોકો રસ્તાનું સમારકામ કરી રહ્યા હતા ત્યારે ઘટના બની હતી. રાહતકાર્યમાં જોતરાયલા અધિકારીએ જણાવ્યું કે કેટલાક લોકોને બચાવી લેવાયા છે અને બાકીના લોકોની શોધખોળ ચાલી રહી છે.

ધોધમાર વરસાદના કારણે ચાર શહેરોમાંથી 40 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. વરસાદના કારણે હજારો ઘરોમાં વીજળી અને પાણી સપ્લાય ખોરવાઈ ગયાં છે. હાલ સ્થાનિક અધિકારીઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં મદદ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ઇઝરાયલે ફરી લેબનોનમાં ઍરસ્ટ્રાઇક કરી

ઇઝરાયલે શનિવારે લેબનોનમાં અનેક ઠેકાણે ઍરસ્ટ્રાઇક કરી હતી. ઍરસ્ટ્રાઇક બાદ ઇઝરાયલે હાઇફા અને દેશના ઉત્તરમાં આવતા વિસ્તારોમાં લોકોને સાવધ રહેવા માટે જણાવ્યું છે.

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (આઈડીએફ)ના પ્રવક્તા ડેનિયલ હગારીએ કહ્યું કે, એવી માહિતી હતી કે હિઝબુલ્લાહ ઇઝરાયલના વિસ્તારોમાં હુમલાની તૈયારી કરી રહ્યું છે જે બાદ ઇઝરાયલના ફાઇટર જેટોએ દક્ષિણ લેબનોનમાં બૉમ્બમારો કર્યો હતો.

ઇઝરાયલે શુક્રવારે બૈરુતમાં ઍરસ્ટ્રાઇક કરી હતી. આઈડીએફએ દાવો કર્યો હતો કે આ હુમલામાં હિઝબુલ્લાહના ડઝનેક કમાન્ડર માર્યા ગયા હતા. લેબનોના અધિકારીઓએ જણાવ્યું કે હુમલામાં 37 લોકોએ જીવ ગુમાવ્યો છે જેમાં ત્રણ બાળકો પણ સામેલ છે.

શુક્રવારે પણ ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ક્રૉસ બૉર્ડર ફાયરિંગ ચાલુ રહ્યું હતું. આઈડીએફએ દાવો કર્યો કે હિઝબુલ્લાહે લેબનોનથી 90થી વધુ રૉકેટ ઇઝરાયલ તરફ છોડ્યાં હતાં.

ઑસ્ટ્રેલિયામાં કથિત ભારતીય જાસૂસોની મુદ્દો ઊઠ્યો

ઑસ્ટ્રેલિયામાં ભારત દ્વારા કરવામાં આવેલી કથિત જાસૂસીનો મુદ્દો ઊઠતા વડા પ્રધાન ઍન્થની અલ્બનીઝે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તેઓ આ મુદ્દે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરશે.

ગુરુવારે અમેરિકાના ફિલાડેલ્ફિયામાં એક પત્રકારે તેમને પૂછ્યું હતું કે શું તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને "ઑસ્ટ્રેલિયન ધરતી પર આ પ્રકારની જાસૂસી રોકવા અને તેનાથી દૂર રહેવા માટે કહેશે?"

જવાબમાં ઍન્થની અલ્બનીઝે કહ્યું, "હું જે પણ કરીશ તે રાજદ્વારી રીતે કરીશ અને આ અંગે નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરીશ. આમાં કોઈ શંકા નથી કે આ મુદ્દે વાત કરાશે."

તેમણે વધુમાં જણાવ્યું કે, ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો ખૂબ જ મજબૂત છે. અમે ઇચ્છીએ છીએ કે વ્યાપક આર્થિક ભાગીદારી પર બંને દેશો વચ્ચે પરસ્પર સહમતિ બને અને એટલા માટે અમે વડા પ્રધાન મોદી સાથે ચર્ચા કરીશું.

કથિત જાસૂસી મુદ્દા સાથે જોડાયેલા એક પ્રશ્ન પર તેમણે કહ્યું, "હું આવા મુદ્દા વ્યક્તિગત રીતે ઉઠાવું છું. આવા મુદ્દાની રાજદ્વારી માધ્યમો દ્વારા ચર્ચા કરવામાં આવે છે અને હું આમ કરવાનું ચાલુ રાખીશ."

સાલ 2020માં ભારત દ્વારા કથિત જાસૂસીનો મુદ્દો સામે આવ્યો હતો, જ્યારે ઑસ્ટ્રેલિયાએ બે ભારતીય નાગરિકોને જાસૂસી કરવા બદલ દેશનિકાલ કર્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.