You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોરબીમાં ગાડીમાં આગ લાગતા ઉદ્યોગપતિનું મોત થયું, કારમાં આગ લાગે તો દરવાજા કેમ લૉક થઈ જાય છે?
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
તારીખ પહેલી ઑક્ટોબરે મોરબી શહેરમાં એક કારમાં આગ લાગી હતી જેમાં 43 વર્ષીય અજય ગોપાણી નામની વ્યકિતનું મૃત્યુ થઈ ગયું હતું. તેમની કારમાં આગ લાગી જતાં કાર સેન્ટ્રલી લૉક થઈ ગઈ હતી, જે બાદ તેઓ ગાડીથી બહાર આવી શક્યા ન હતા, અને ઘટના સ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું.
મોરબી પોલીસે આ ઘટના સંદર્ભે આરટીઓ અને એફએસએલને પત્ર લખીને આગ લાગવાનાં ચોક્કસ કારણોની તપાસ શરૂ કરી છે.
જોકે આ પ્રકારની ઘટનાઓ દેશભરમાં અવારનવાર બનતી હોય છે કે જેમાં મોટરકારમાં કોઈ ખામી સર્જાતાં દરવાજા સેન્ટ્રલી લૉક થઈ જાય અને અંદર બેઠેલી વ્યક્તિ બહાર આવી શકતી નથી.
મોરબીની આ ઘટના પહેલાં પણ આવી અનેક ઘટનાઓ બનેલી છે જેમાં આ પ્રકારે લોકો ગાડીની અંદર ફસાઈ ગયા હોય અને તેમનું મૃત્યુ થયું હોય.
મોરબીની ઘટના માટે શું કહે છે પોલીસ?
તારીખ પહેલી ઑક્ટોબરના રોજ બપોરે આશરે 1.45 વાગે બનેલી આ ઘટનાની વિગત વિશે વાત કરતા મોરબી A ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર હકુમતસિંહ જાડેજા બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે, "પ્રાથમિક તબક્કે તો એવું લાગે છે કે પહેલાં આગ ડૅશબોર્ડમાં લાગી હતી અને ત્યારબાદ કારના દરવાજા લૉક થઈ ગયા હતા, અને કાંચ પણ બંધ થઈ ગયા હતા. ધુમાડાને કારણે ગુગળાઇ જઈ અજયભાઈનું મૃત્યુ થયું હોય તેમ લાગે છે."
હાલમાં મોરબી પોલીસે આગ લાગવાનાં ચોક્કસ કારણો જાણવા માટે આરટીઓ અને એફએસએલનો સંપર્ક કર્યો છે. આ વિશે તપાસ અધિકારી એચ.આર. જાડેજા બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે, "અજયભાઈ કિયા સેલ્ટૉસ ગાડીમાં હતા. પ્રાથમિક તબક્કે એવું કહી શકાય કે, વાઇરિંગ બળી જવાના કારણે સેન્ટ્રલ લૉક ઑક્ટિવ થઈ ગયું હતું અને અંદરથી પણ ખૂલ્યું ન હતું."
"અજયભાઈએ અંદરથી દરવાજો ખોલવાનો પ્રયાસ જરૂર કર્યો હતો, પરંતુ ગ્લાસ કે દરવાજો ખૂલ્યો ન હતો." જોકે પોલીસે હજી સુધી કિયા કંપનીના ઍક્પર્ટની પૂછપરછ કરી નથી.
પહેલાં પણ બની છે કારમાં આગ લાગવાની ઘટનાઓ
દેશભરમાં આવી ઘણી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે કે જેમ કે 2019માં દિલ્હીમાં અજય ગુપ્તા નામની વ્યક્તિની XUV 500 કારમાં આગ લાગી ગઈ હતી અને તેમનું મૃત્યુ થયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસ તપાસમાં ખબર પડી હતી કે ચાલતી કારમાં અચાનક જ કોઈ શૉર્ટ-સર્કિટને કારણે આગ લાગી ગઈ હતી, અને દરવાજા લૉક થઈ ગયા હતા જેના કારણે તેઓ બહાર ન આવી શક્યા.
આવી જ રીતે માર્ચ 2022માં બેંગલુરુમાં એક વ્યકિતની સેન્ટ્રોમાં આગ લાગી ગઈ હતી અને તે ઘટનામાં પણ ગાડી ચલાવતા દર્શન કુમારનું મૃત્યુ થયું હતું. જે તે સમયે તેમને કારમાં બહાર કાઢવાનો પ્રયાસ આસપાસથી પસાર થતા લોકોએ કર્યો હતો પરંતુ કારના દરવાજા જામ થઈ જતા તેમને બહાર કાઢી શકાયા ન હતા.
અમદાવાદ ખાતે ઑગસ્ટ 2009માં BMW કારમાં આગ લાગી જતાં તેમા સવાર ચાર લોકોનાં મૃત્યુ થયાં હતાં.
કારની આગળ જતી એક ટ્રૉલી-ટ્રક સાથે ગાડી અથડાતાં તે 100 મીટર સુધી ઘસડાઈ હતી અને ત્યાર બાદ તેમાં આગ લાગી ગઈ હતી. પછી કારના દરવાજા અને કાંચ બંધ થઈ ગયા હતા અને અંદર સવાર ચાર લોકો બહાર આવી શક્યા ન હતા.
કેમ બને છે આવી ઘટના?
મોરબીની ઘટના સંદર્ભે બીબીસી ગુજરાતીએ વિવિધ ઑટોમોબાઇલ ઍક્પર્ટસ સાથે વાત કરી હતી.
આ વિશે ઑટોમોબાઇલ ક્ષેત્રના ઍક્સપર્ટ અને સલાહકાર અનિલ ચુંચે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે, "આ પ્રકારની ઘટના બનવાનાં બે મુખ્ય કારણો છે – પ્રથમ તો ઇલેક્ટ્રિકલ વાઇરિંગમાં થયેલું "માલફંકશન" અને બીજું કારણ છે ઉંદર."
તેઓ કહે છે કે, "ગાડીમાં ઉંદર ઘૂસી જાય અને તે વાઇરિંગને કોતરી નાંખે તો પણ શૉર્ટ-સર્કિટ થવાનું કારણ બની શકે છે. હાલમાં જ અમારા મિત્ર વર્તુળમાં એક ઘટના બની હતી, જેમાં ચાલતી ગાડીમાં આગ લાગવાનું કારણ પાછળ ઉંદર હતા."
તેઓ વધુમાં કહે છે,"સામાન્ય રીતે ઘણી વખત લોકો પોતાની ગાડીમાં કંપનીની લાઇટિંગ ઉપરાંત વધારાની લાઇટિંગ લગાવવાનો શોક હોય છે. આ પ્રકારે જ્યાં કંપની ઉપરાંતની વધારાની વાયરિંગ થઈ હોય, ત્યારે તેમાં માલફંકશન થવાની સંભાવના વધી જાય છે."
જોકે આ વિશે ટ્રાફિક ઍક્સપર્ટ અમિત ખત્રી સાથે પણ બીબીસી ગુજરાતીએ વાત કરી હતી.
તેઓ કહે છે કે, "કારનું લૉક સિસ્ટમ એવી રીતે ડિઝાઇન કરેલું હોય છે કે કોઈ ઘટના બને ત્યારે ગાડી પલટી ખાય તો પણ તેના દરવાજા અને કાંચ ન ખૂલે, જેથી જો ગાડી ફંગોળાઈ રહી હોય તો તેમાં સવાર લોકો તેનાથી બહાર ફેંકાય ન જાય. ગાડીમાં સવાર લોકોની સુરક્ષા માટેનું આ ખૂબ મહત્ત્વનું ફીચર છે."
તેઓ વધુમાં કહે છ કે, "પરંતુ આ સેફ્ટી આવી ઘટનામાં નુકસાન કરે છે, જ્યારે ગાડીમાં આગ લાગી હોય કે ગાડી પાણીમાં પડી ગઈ હોય, કે કોઈ પણ રીતે ગાડીની ઇલેક્ટ્રિક સિસ્ટમ ડિસ્ટર્બ થઈ હોય. તેવા કિસ્સામાં ગાડી લૉક થઈ જાય છે અને સામાન્ય રીતે ખોલી શકાય તે રીતે તેનો દરવાજો કે બારી ખૂલતી નથી."
શું કરવું જોઈએ સુરક્ષા માટે?
જોકે નિષ્ણાતો આ માટે અલગ-અલગ સૂચનો કરે છે. સૌપ્રથમ તો ગાડીમાં કંપની સિવાયનું બહારનું વાયરિંગ લગાવવું ન જોઈએ અને જો લગાવો તો કોઈ માન્ય બ્રાન્ડેડ કંપનીનું જ વાયરિંગ કરાવવું જોઈએ.
ચુંચ પ્રમાણે ડ્રાઇવર સીટની નીચે ‘ગ્લાસ બ્રેકર’ જેવી કોઈ વસ્તુ રાખવી જરૂરી છે, જેથી કે ગાડી લૉક થઈ ગઈ હોય તો ગાડીનો કાંચ તોડી શકાય અને અંદરની વ્યક્તિ બહાર આવી શકે.
આ વિશે ખત્રીએ બીબીસી ગુજરાતીને કહ્યું કે, "ગાડીના પાછળની બે વીન્ડોના ગ્લાસ, જો સેન્ટ્રલ લૉકિંગ સિસ્ટમથી અલગ કરીને મેન્યુલ કરી દેવામાં આવે તો જે ઘટના મોરબીમાં બની છે, તેવી ઘટનાને ટાળી શકાય. મૅન્યુયલ વિન્ડો હોય તો તેને સહેલાઈથી નીચે કરી શકાય, અંદરનો ધુમાડો બહાર નીકળી શકે, અંદરની વ્યક્તિ બહાર જઈ શકે, અથવા તો બહારની વ્યક્તિ આસાનીથી અંદરની વ્યક્તિને મદદ કરી શકે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન