ઑસ્ટ્રેલિયામાં આવેલા સુરત વિશે તમે જાણો છો?

ઇમેજ સ્રોત, blogspot/suratfirst
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સિડનીમાં ભારતીય મૂળના લોકોને સંબોધિત કર્યા હતા. આ વેળાએ ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની અલ્બનીઝ પણ તેમની સાથે હાજર હતા.
બંનેએ સાથે મળીને 'ધ લિટલ ઇન્ડિયા' ગૅટવેની શીલારોપણ કર્યું હતું. વડા પ્રધાન મોદીએ બ્રિસબેન ખાતે ભારતનું કૉન્સ્યુલેટ શરૂ કરવાની જાહેરાત કરી હતી.
નકશા ઉપર જોતાં બ્રિસબનથી સાડા ચારસો કિલોમીટર પશ્ચિમે એક વિસ્તાર આવેલો છે, જેનું નામ છે સુરત. આ કોઈ યોગાનુયોગ નથી, પરંતુ દક્ષિણ ગુજરાતમાં આવેલા 'ડાયમંડ સિટી' તરીકે ઓળખાતા સુરત સાથે તેનો સંબંધ પણ છે.
જોકે, સુરત માત્ર ભારત અને ઑસ્ટ્રેલિયામાં જ છે, એવું નથી, પરંતુ થાઇલૅન્ડમાં પણ સુરત નામનું એક શહેર આવેલું છે. જેનો સંબંધ પણ 'સિલ્ક સિટી' સુરત સાથે છે.

ઑસ્ટ્રેલિયાનું સુરત

ઇમેજ સ્રોત, qld.gov.au
ઑસ્ટ્રેલિયાના ક્વિન્સલૅન્ડ રાજ્યમાં બ્રિસબનથી 450 કિલોમીટર પશ્ચિમે સુરત નામનું નગર આવેલું છે. અંગ્રેજ સાહસિક થોમસ મિચેલ તેમના ચોથા અભિયાન દરમિયાન ઈસવીસન 1846માં સૌ પહેલી વખત અહીં પહોંચ્યા હતા.
માઇકલ બોરથી પૂર્વમાં આવેલા પૉર્ટ ઍસિંગ્ટન સુધીનો જમીન માર્ગ શોધતી વખતે અહીંથી પસાર થયા હતા. આ નગર બેલોન નદીના કિનારે આવેલું છે. આ નદીના નામકારણ સાથે પણ રસપ્રદ કહાણી જોડાયેલી છે.
કહેવાય છે કે તેમણે ઑસ્ટ્રેલિયાના મૂળનિવાસીને પૂછ્યું કે 'આને શું કહેવાય?' મૂળનિવાસીને લાગ્યું કે માઇકલ તેમના હાથમાં રહેલી કુહાડીને સ્થાનિક ભાષામાં શું કહેવાય એના વિશે પૂછી રહ્યાં છે. એટલે તેણે જવાબ આપ્યો બેલોન અને આ રીતે નદીનું નામ પડી ગયું. જોકે, શહેરનું નામકરણ પણ એવું જ રસપ્રદ છે.
1850માં જેમ્સ બુરોવ્સે આ વિસ્તારના સરવેનું કામ હાથ ધર્યું હતું. જેમ્સે ભારતમાં પોતાના ગૃહ શહેરના નામ પરથી આ વિસ્તારને 'સુરત' નામ આપ્યું હતું. એટલું જ નહીં, તેની ગલીઓ અને વિસ્તારોને પોતાના જ પરિવારજનોનાં નામ આપ્યાં હતાં. તેમણે વિસ્તારોને વિલિયમ શારલેટ જેવાં આપ્યાં હતાં.જ્યારે મુખ્ય માર્ગનું નામ બુરોવ્સ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આજે આસપાસના ગામના લોકો અહીં ખરીદી કરવા માટે આવે છે. નગરનો શ્રાઇન હૉલ અહીના જોવાલાયક સ્થળોમાંથી એક છે. જ્યાંની ટાવર ઘડિયાળ પર આંકડાની બદલે ઍલેક્સ સિમ્પસન નામના સ્થાનિક અગ્રણીના નામાક્ષર કંડારવામાં આવ્યા છે. ઑસ્ટ્રેલિયાની બ્રીજ ઑઈલ કંપની દ્વારા અહીંથી 80 કિલોમીટર દક્ષિણમાં સુરત ઑઈલ ફિલ્ડનું સંચાલન કરવામાં આવે છે.

પૂર્વનું સુરત

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 1915માં થાઇલૅન્ડના તત્કાલીન સિયામ રાજા વજ્રવધે (રામ ષષ્ઠ) ભારત આવ્યા હતા. તેઓ સુરતથી એટલા બધા પ્રભાવિત થયા હતા કે તા. 29 જુલાઈ 1915ના રોજ 'ચાયા' શહેરને 'સુરત થાની' નામ આપ્યું હતું, જેનો મતલબ 'સારા લોકોનું શહેર' એવો થાય છે.
બરાબર એક મહિના પછી 'ફુમ દુઆંગ' નદીને 'તાપી' નામ આપ્યું હતું. બંને શહેર નદીકિનારે વસેલાં છે, જે સાગરમાં જઈને ભળે છે, આ સમાનતાને કારણે આ નામ આપ્યું હોવાનો તર્ક તત્કાલીન રાજાએ આપ્યો હતો.
થાઇલૅન્ડમાં તાપી નદીના કિનારે આવેલા સુરત વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો...














