વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાપાન, પાપુઆ ન્યૂ ગિની અને ઑસ્ટ્રેલિયાના પ્રવાસથી શું હાંસલ થશે?

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, કીર્તિ દુબે
    • પદ, બીબીસી સંવાદદાતા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 19થી 24 મે સુધી જાપાન, પાપુઆ ન્યૂ ગિની અને ઑસ્ટ્રેલિયાના પ્રવાસે હશે.

શુક્રવારથી જાપાનના હિરોશિમામાં જી-7 સંમેલન થઈ રહ્યું છે જે 21 મે સુધી ચાલશે. વડા પ્રધાન મોદી શુક્રવારે જાપાન પહોંચી ગયા. જાપાન, ઇટાલી, કૅનેડા, ફ્રાન્સ, અમેરિકા, બ્રિટન અને જર્મની જી-7ના સભ્ય દેશો છે.

ભારતીય વિદેશ મંત્રાલય પ્રમાણે જી-7 બેઠકમાં વડા પ્રધાન મોદી અન્ય દેશો સાથે શાંતિ, સ્થિરતા, ખાદ્યાન્ન, ઊર્જા અને ફર્ટિલાઇઝર જેવા મુદ્દે વાત કરશે.

જાપાન બાદ વડા પ્રધાન મોદી પાપુઆ ન્યૂ ગિની જશે, જ્યાં તેઓ ‘ઇન્ડિયા-પૅસિફિક આઇલૅન્ડ્સ કો-ઑપરેશન’ સંમેલનમાં ભાગ લેશે. જે બાદ તેઓ ઑસ્ટ્રેલિયા જશે.

ઑસ્ટ્રેલિયાના સિડનીમાં ક્વૉડની બેઠક થવાની હતી. તેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન, જાપાનના વડા પ્રધાન ફુમિયો કિશિદા પણ સામેલ થવાના હતા. પરંતુ બુધવારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનનો પ્રવાસ અમેરિકામાં ચાલી રહેલા તીવ્ર આર્થિક સંકટને કારણે રદ કરી દેવાયો. જે બાદ ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની અલ્બનીઝે જણાવ્યું કે ક્વૉડની બેઠક પણ રદ કરી દેવાઈ છે.

ગ્રે લાઇન

હિરોશિમા કેમ મહત્ત્વપૂર્ણ છે?

હિરોશિમા શહેરનું ઐતિહાસિક મહત્ત્વ છે. બીજા વિશ્વયુદ્ધમાં પરમાણુ હુમલાના કારણે તબાહ થઈ ચૂકેલા આ શહેરની મુલાકાતે વર્ષ 1957માં ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ પહોંચ્યા હતા. નરેન્દ્ર મોદી હિરોશિમા જનાર ભારતના બીજા વડા પ્રધાન છે.

ફુમિયો કિશિદા માટે પણ હિરોશિમા મહત્ત્વપૂર્ણ છે કારણ કે તેઓ પોતે આ શહેરના છે. મધ્ય હિરોશિમા જ તેમનું ચૂંટણીક્ષેત્ર છે. હિરોશિમામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે કારણ કે ભારત પરમાણુ અપ્રસાર સંધિ એટલે કે એનપીટીમાં સામેલ નથી.

પરમાણુ અપ્રસાર સંધિમાં એ જ દેશો સામેલ છે જેમણે 1 જાન્યુઆરી, 1969 પહેલાં પરમાણુ હથિયાર વિકસિત કરી લીધાં હતાં. તે બાદ જે દેશોએ પરમાણુ પરીક્ષણ કર્યાં કે હથિયાર વિકસિત કર્યાં તેમને આમાં નથી સમાવાયા.

ભારત, પાકિસ્તાન અને ઉત્તર કોરિયાએ ખૂલીને પોતે પરમાણુસંપન્ન રાષ્ટ્ર હોવાની વાત કરી છે, પરંતુ આ દેશો એનપીટી પર સહી કરનારા દેશોની યાદીમાં સામેલ નથી.

ગ્રે લાઇન

બેઠકમાં કયાં દેશ અને સંગઠનો ભાગ લેશે?

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન મહેમાનોની યાદીમાં સામેલ નથી, પરંતુ ચીન અને રશિયા જી-7ના એજન્ડામાં મહત્ત્વપૂર્ણ હશે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન મહેમાનોની યાદીમાં સામેલ નથી, પરંતુ ચીન અને રશિયા જી-7ના ઍજન્ડામાં મહત્ત્વપૂર્ણ હશે

વડા પ્રધાન મોદી જી-7 દેશોના પ્રતિનિધિઓ સાથે હિરોશિમાના શાંતિસ્મારકે પણ જશે. જે પરમાણુ હુમલામાં મૃત્યુ પામેલ લોકોની યાદમાં બનાવાયું છે. વડા પ્રધાન મોદી આ પહેલાં જી-7 બેઠકમાં ત્રણ વખત સામેલ રહી ચૂક્યા છે.

આ શિખર સંમેલનમાં આ વખતે જી-7 દેશો સિવાય યુરોપિયન યુનિયન, ઑસ્ટ્રેલિયા, બ્રાઝિલ, ઇન્ડોનેશિયા (આસિયાન સમૂહનો સભ્ય દેશ), કુક આઇલૅન્ડ (પૅસિફિક આઇલૅન્ડ્સ ફોરમનો સભ્ય દેશ), દક્ષિણ કોરિયા, વિયતનામને પણ આમંત્રિત કરાયા છે.

આ દેશો સિવાય તેમાં ઘણાં વૈશ્વિક સંગઠનો જેમ કે આઇએમએફ, યુએન, ડબ્લ્યટીઓ પણ સામેલ હશે.

બીબીસી ગુજરાતી

મોદી માટે આ પ્રવાસ કેમ મહત્ત્વપૂર્ણ?

વડા પ્રધાન મોદી

ઇમેજ સ્રોત, MEA@TWITTER

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ‘આંતરરાષ્ટ્રીય રાજકારણ, સંગઠન અને નિ:શસ્ત્રીકરણ કેન્દ્ર’ના પ્રોફેસર સ્વર્ણસિંહ જણાવે છે કે, “ભારતને એક સમયે જૂથનિરપેક્ષ સમૂહનું નેતા રાષ્ટ માનવામાં આવતું હતું, તેમાં ત્રીજા વિશ્વના દેશો સામેલ હતા. આ એ દેશો હતા જેમને આજે ‘ગ્લોબલ સાઉથ’નું નામ અપાય છે. આજે ભારત નવી સામે આવી રહેલી મહાશક્તિઓ જેમ કે ચીન, રશિયા અને પહેલાંથી સ્થાપિત મહાશક્તિઓ જેમ કે – અમેરિકા, બ્રિટન અને યુરોપિયન દેશો સાથે વાત કરતું દેખાઈ રહ્યું છે.”

“જી-7માં ભારતને પાછલાં અમુક વર્ષોથી આમંત્રિત કરાઈ રહ્યું છે, પરંતુ આ વખત તે વધુ મજબૂત સ્થિતિમાં છે કારણ કે તેમાં ભારત પોતે પણ જી-20ના અધ્યક્ષ રાષ્ટ્ર તરીકે સામેલ થઈ રહ્યું છે. આજે પણ જી-20, જી-7 કરતાં વધુ પ્રભાવશાળી સમૂહ છે. અહીં માત્ર એ વાતની જ ચર્ચા નહીં થાય કે જી-7 શું કરશે, બલકે જી-7 જ્યારે જી-20માં જશે ત્યારે તે શું કરી શકે છે, આ અંગે પણ ભારતના વડા પ્રધાન વાત કરશે.”

પ્રોફેસર સિંહ જણાવે છે કે, “જી-7 કે અન્ય દેશના જે આ બેઠકમાં સામેલ થઈ રહ્યા છે, તેમાં અમેરિકા અ કૅનેડાને બાદ કરતાં અન્ય તમામ દેશોનાં અર્થતંત્ર નૅગેટિવ ગ્રૉથનો સામનો કરી રહ્યાં છે. ત્યાં ભેગા થઈ રહેલા દેશો પૈકી ભારત સૌથી વધુ આર્થિક દર ધરાવતો દેશ છે. આ બધું ભારતની હાજરીને મહત્ત્વપૂર્ણ બનાવે છે.”

મીડિયા રિપોર્ટો અનુસાર ભારતનો પ્રયત્ન હશે કે તે એ સંમેલનમાં જી-7ના દેશો પાસેથી જરૂરી મુદ્દાને લઈને વધુ સમર્થન હાંસલ કરી શકે.

જી-7 શિખર સંમેલનમાં જી-20ના 12 દેશો સામેલ થઈ રહ્યા છે. સાથે જ વડા પ્રધાન મોદી ઘણા દેશો સાથે દ્વિપક્ષી વાતચીત કરી શકે છે.

બીબીસી ગુજરાતી

ભારત-જાપાનના સંબંધો

જાપાનના વડા પ્રધાન કિશિદા સાથે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જાપાનના વડા પ્રધાન કિશિદા સાથે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી

વર્ષ 1952માં ભારત અને જાપાન વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થાપિત થયા હતા. પરંતુ જ્યારે ભારતે 1974માં પોખરણ ખાતે પરમાણુ પરીક્ષણ કર્યું તો બંને દેશો વચ્ચેના સંબંધો ખૂબ પ્રભાવિત થયા.

મે 1998માં થયેલા ભારતના બીજા પરમાણુ પરીક્ષણની પણ જાપાને નિંદા કરી હતી. પરંતુ વર્ષ 2000માં જાપાનના તત્કાલીન વડા પ્રધાન યોશિરો મોરી દિલ્હીના પ્રવાસે આવ્યા તે બાદથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારો આવવાની શરૂઆત થઈ ગઈ.

તાજેતરની વાત કરીએ તો જાન્યુઆરી 2023માં ભારત અને જાપાન વચ્ચે ‘વીર ગાર્ડિયન 2023 ઍર કૉમ્બેટ’ અભ્યાસ હાથ ધરાયો. આ બંને દેશો વચ્ચે થયેલ આ પ્રકારનો પ્રથમ અભ્યાસ હતો.

જાપાનની હવાઈ દળે આ મામલે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, “આ અભ્યાસ એકમેક સાથેની સમજ વધારવાસ વાયુસેના વચ્ચે સંરક્ષણ સહયોગ મજબૂત કરવા વ્યૂહરચનાત્મક કૌશલ્યની વૃદ્ધિ માટે કરાયો હતો.”

આ પહેલાં જાપાને અમેરિકા, બ્રિટન, ઑસ્ટ્રેલિયા અને જર્મની સાથે પણ આ જ પ્રકારના અભ્યાસ કર્યા હતા.

જાપાનના “ફ્રી ઍન્ડ ઓપેન ઇન્ડો-પૅસિફિક વિઝન”માં ભારત તેનો મહત્ત્વપૂર્ણ ભાગીદાર છે.

કહેવાય છે કે એશિયામાં ચીનની વધતી જતી આક્રમકતાના કારણે જાપાન ભારત સાથે સંરક્ષણ સંબંધો મજબૂત કરવા માગે છે.

જોકે, ભારતની રશિયા સાથેની મિત્રતાને લઈને જાપાન થોડું અસહજ રહ્યું છે, પરંતુ તેમ છતાં ભારત અને જાપાન વચ્ચેની નિકટતા પાછલા અમુક દાયકા દરમિયાન વધી છે.

બીબીસી ગુજરાતી

ભારતની વિદેશ નીતિમાં આવ્યો બદલાવ

ભારતે પાછલાં અમુક વર્ષોમાં પોતાની વિદેશ નીતિ દ્વારા સ્પષ્ટ કરી દીધું છે કે તે અન્ય કોઈ દેશના દબાણને અવગણીને પોતાનાં હિતોને સર્વોપરી રાખીને યોગ્ય વલણ અપનાવશે.

રશિયા-યુક્રેન યુદ્ધ આ બાબતનું એક મોટું ઉદાહરણ છે, જ્યાં ભારતે પશ્ચિમના દેશોનાં દબાણ અને ટીકાની પરવા કર્યા વગર રશિયા પાસેથી ઑઇલ ખરીદવાનું ચાલુ રાખ્યું.

પ્રોફેસર સ્વર્ણસિંહ કહે છે કે, “ભારત વિશ્વનો એક મહત્ત્વપૂર્ણ દેશ છે કારણ કે અમેરિકા સાથે તેના સારા સંબંધ છે તેમજ રશિયા સાથે પણ તેના સંબંધ બહેતર છે. ચીન અને ભારત વચ્ચે તાણ જરૂર છે, પરંતુ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ જી-20માં સામેલ થવા આવશે. રશિયા, અમેરિકા, ચીનને એક રૂમમાં લાવવાનાં દમ અને નીતિ ભારત જ ધરાવે છે.”

“જો જી-20 સંમેલન કૅનેડામાં આયોજિત કરાયું હોત તો કદાચ રશિયા અને ચીન કૅનેડા ન ગયાં હોત. પરંતુ વર્તમાન સમયે એકબીજાનો ખૂલીને વિરોધ કરનારા દેશો એક મંચ પર એક સાથે આવી શકે, એ વાત ભારતના કારણ જ શક્ય બની શકશે.”

બીબીસી ગુજરાતી

પાપુઆ ન્યૂ ગિનીનો પ્રવાસ કેમ મહત્ત્વપૂર્ણ?

વડા પ્રધાન મોદી

ઇમેજ સ્રોત, Getty Images

વડા પ્રધાન નરેન્દ્ર મોદી એશિયા પૅસિફિક ક્ષેત્રના દેશ પાપુઆ ન્યૂ ગિની જનારા પ્રથમ ભારતીય વડા પ્રધાન છે. વડા પ્રધાન મોદી ત્યાં 22 મેના રોજ આયોજિત થનારા ‘ઇન્ડિયા-પૅસિફિક આઇલૅન્ડ્સ કૉ-ઑપરેશન’ સંમેલનમાં સહ-અધ્યક્ષ હશે. 2014માં ઇન્ડિયા-પૅસિફિક આઇલૅન્ડ્સ કો-ઑપરેશનની શરૂઆત થઈ હતી.

તેમાં ભારત અને 14 પૅસિફિક આઇલૅન્ડ દેશો- ફિજી, પાપુઆ ન્યૂ ગિની, ટોંગા, તુવાલુ, કિરિબાતી, સમોઆ, વાનુઆતુ, નીયૂ, માઇક્રોનેશિયા, માર્શલ દ્વીપ સમૂહ, કુક દ્વીપ સમૂહ, પલાઊ, નાઉરૂ અને સોલોમન દ્વીપ સામેલ છે.

દોઢ કરોડની વસતિ ધરાવતા દેશ પાપુઆ ન્યૂ ગિનનો પ્રવાસ એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે કારણ કે ત્યાં ચીનનો ઘણો પ્રભાવ છે. ચીને ‘બેલ્ડ ઍન્ડ રોડ ઇનિશિએટિવ’ અંતર્ગત રોકાણ કર્યું છે. ચીન અને પાપુઆ ન્યૂ ગિની વચ્ચે ફ્રી ટ્રેડ ડિલ પણ થઈ ચૂકી છે.

આવી સ્થિતિમાં ભારતનો પ્રવાસ આ ક્ષેત્રના દેશો સાથે સંબંધ આગળ વધારવાની કોશિશ મનાઈ રહ્યો છે.

પ્રોફેસર સ્વર્ણસિંહ જણાવે છે કે, “દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં આ 14 દેશ અને સાત ક્ષેત્રો છે. 2006થી ચીન સતત આ દેશોમાં રોકાણ કરી રહ્યું છે. વર્ષ 2006માં ચીને આ દેશો સાથે એક ફોરમ બનાવી અને એ સમયથી જ ચીનનો આ ક્ષેત્રમાં પ્રભાવ છે. ત્યાં ચીને પોતાનાં વેપાર અને રોકાણમાં જંગી વધારો કર્યો. તે બાદ ચીન તેનો વ્યૂહરચનાત્મક ઉપયોગ કરવા લાગ્યું.”

ગત વર્ષે અમેરિકાએ યુએસ-પૅસિફિક આઇલૅન્ડ્સ દેશોનું શિખર સંમેલન આયોજિત કર્યું હતું. તેમાં સામેલ થવા માટે આ દેશોના પ્રતિનિધિ વૉશિંગટન પહોંચ્યા હતા. ત્યાં અમેરિકાએ આ ક્ષેત્રના આર્થિક સહયોગ, દરિયાઈ સુરક્ષા અને જળવાયુ પરિવર્તન સંકટનો સામનો કરવા માટે 80 કરોડ ડૉલર ખર્ચ કરવાની વાત કરી હતી.

તે બાદ એવું એલાન થયું કે અમેરિકન રાષ્ટ્રપતિ જી-7 શિખર સંમેલનમાં ભાગ લેતા પહેલાં પાપુઆ ન્યૂ ગિની જશે. જોકે, ઘરેલુ આર્થિક સંકટના કારણે હવે તેમનો પ્રવાસ રદ કરી દેવાયો છે. પરંતુ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાપુઆ ન્યૂ ગિની જઈ રહ્યા છે.

બીબીસી ગુજરાતી

બાઇડનનો પ્રવાસ રદ થતાં ભારતને લાભ કેવી રીતે?

સ્વર્ણસિંહ માને છે કે જો બાઇડનની યાત્રા રદ થવાથી ભારતને લાભ થયો છે.

તેઓ કહે છે કે, “હવે જ્યારે ખુદ વડા પ્રધાન મોદી ત્યાં જઈ રહ્યા છે ત્યારે તેમના પ્રવાસને વધુ મહત્ત્વ અપાશે. ભારત આ દેશો સાથે સારી રીતે વાતચીત કરીને એવા સોદા કરી શકે જેનાથી બંને પક્ષોને લાભ થાય. અમેરિકાના રાષ્ટ્રપતિના પ્રવાસને કારણે ભારતને કદાચ નિરાંતે વાતચીત કરવાની આવી તક ન મળી શકી હોત.”

અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડન જી-7માં તો સામેલ થશે, પરંતુ તેમનો ઑસ્ટ્રેલિયા ખાતેનો પ્રવાસ રદ થયો છે. તે બાદ સિડનીમાં થનારી ક્વૉની બેઠક પણ રદ કરી દેવાઈ છે. બાઇડને પોતાનો પ્રવાસ અમેરિકામાં ચાલી રહેલા આર્થિક સંકટને કારણ રદ કર્યો છે.

અમેરિકાના નાણવિભાગ પ્રમાણે, “અમેરિકાની સરકાર પાસે એક જૂન બાદ ફંડ ખતમ થઈ જશે. તેનો અર્થ છે કે લોકોની પેન્શન રોકાશે, સરકારી કર્મચારીઓનો પગાર મોડો થશે, સૈનિકોનાં વેતન મોડાં પડશે. સાથે જ અમેરિકાના વ્યાજદરોમાં ભારે ઉછાળો નોંધાઈ શકે છે.”

રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે રિપબ્લિકન અને ડેમૉક્રેટ નેતાઓની વ્હાઇટ હાઉસમાં મંગળવારે મુલાકાત થઈ.

આ બેઠક બાદ પણ બંને પક્ષો વચ્ચે અત્યાર સુધી એવી કોઈ ડીલ નથી થઈ શકી જેનાથી એક જૂન સુધી દેશની ક્રેડિટ લિમિટ (દેવું કરવાની ક્ષમતા) વધારી શકાય. આ પરિસ્થિતિને જોતાં અમેરિકાએ બાઇડનનો પ્રવાસ રદ કરવાનું એલાન કર્યું છે.

રેડ લાઇન
રેડ લાઇન