પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ઇમરાન ખાનને મુક્ત કરવાનો આદેશ આપ્યો

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની ધરપકડ ગેરકાયદે હોવાનો ફેંસલો પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ સાથે જ ખાનને મુક્ત કરવાનો આદેશ પણ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે ઇમરાન ખાનને કહ્યું છે કે તેઓ ઇસ્લામાબાદ હાઈકોર્ટ જાય અને હાઈકોર્ટ જે પણ ફેંસલો કરે એનો સ્વીકાર કરે. અહીં નોંધનીય છે કે ભ્રષ્ટાચાર સંબંધિત એક કેસમાં મંગળવારે ઇમરાન ખાનની કોર્ટ સંકુલમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
તેમના વકીલોએ સુપ્રીમ કોર્ટમાં દલીલ રજૂ કરી હતી કે ખાનની ધરપકડ ગેરકાયદે હતી. તેમની ધરપકડ બાદ પાકિસ્તાનમાં વિરોધપ્રદર્શનો અને હિંસક ઘર્ષણનો સિલસિલો શરૂ થઈ ગયો હતો.
ખાનના રાજકીય પક્ષ પીટીઆઈના નેતા ફવાદ હુસૈને જણાવ્યું હતું કે કે ઇસ્લામાબાદ હાઈકોર્ટની બહાર ઇમરાન ખાનની ગાડીને રેન્જર્સ દ્વારા ઘેરી લેવાઈ હતી. પીટીઆઈના નેતાઓએ આ ઘટનાને 'ઇમરાન ખાનના અપહરણ' તરીકે પણ ગણાવી હતી.

ઇમરાન ખાનની ધરપકડ કેમ કરાઈ હતી?

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી સંવાદદાતા શુમાઇલા જાફરી અનુસાર ઇસ્લામાબાદ પોલીસે જણાવ્યું હતું કે ઇમરાન ખાનની અલ કાહિર ટ્ર્સ્ટ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
પાકિસ્તાનના મીડિયા અનુસાર, પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને ધરપકડ બાદ નૅબ (નેશનલ ઍકાઉન્ટિબિલિટી બ્યૂરો)ને સોપવામાં આવ્યા હતા. પાકિસ્તાનમાં 'નૅબ' ભ્રષ્ટાચારના કેસની તપાસ કરે છે. પાકિસ્તાનમાં મીડિયા અહેવાલો અનુસાર અટકાયતમાં લીધા બાદ ઇમરાન ખાનને નૅબની ઑફિસમાં મોકલવામાં આવ્યા હતા.
ઇમરાન ખાન કોઈ અન્ય કેસમાં જામીન માટે અદાલતમાં રજૂ થયા હતા પરંતુ તેમને કોઈ અન્ય મામલામાં પકડી લેવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર જ્યારે તેઓ અદાલત પહોંચ્યા ત્યારે નૅબની ટીમ ત્યાં હાજર હતી.
ઇસ્લામાબાદના આઈજીએ કહ્યું હતું કે ઇમરાન ખાનની અલ કાદિર ટ્રસ્ટ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને ત્યાર બાદ રાજધાનીમાં પરિસ્થિતિ સામાન્ય હોવાનો તેમણે દાવો કર્યો હતો. ઇસ્લામાબાદમાં પોલીસે કલમ 144 પણ લાગુ કરી હતી. જોકે, દેશભરમાં વિરોધપ્રદર્શનો થયાં હતાં અને હિંસક ઘર્ષણના અહેવાલો આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વખતે વડા પ્રધાન શહબાઝ ખાનની પાર્ટી મુસ્લિમ લીગ -એન દ્વારા આ મામલે એક ટ્વીટ કરવામાં આવ્યું હતું કહેવાયું હતું કે , "તેઓ એવી જગ્યાએ પહોંચી ગયા છે જ્યાં તેમને હોવું જોઈએ."

અલ કાદિર ટ્રસ્ટ કેસ શું છે?
70 વર્ષીય ઇમરાન ખાનને સત્તા પરથી હઠાવ્યા બાદ તેમના પર દેશના જુદાજુદા વિસ્તારોમાં ઘણા કેસ નોંધાયા છે. આ પૈકીનો એક કેસ છે અલ કાદિર ટ્રસ્ટ કેસ.
પાકિસ્તાની ન્યૂઝ ચૅનલ જીયો ટીવી અનુસાર, 'ઇમરાન ખાન, તેમનાં પત્ની બુશરાબીબી તથા પીટીઆઈના અન્ય નેતાઓ પણ આ કેસમાં સામેલ છે. ઇમરાન ખાનની પીટીઆઈ સરકાર પર પાકિસ્તાનના એક જાણીતા પ્રૉપર્ટી ટાયકૂન સાથે ગોઠવણ કરવાનો આરોપ છે.'
આરોપો મુજબ, ઇમરાન ખાન અને અન્ય આરોપીઓએ બ્રિટનની નેશનલ ક્રાઇમ એજન્સી દ્વારા મોકલવામાં આવેલા 50 બિલિયન પાકિસ્તાની રૂપિયાની કથિતપણે ગોઠવણ કરી હતી.
તેમના પર અલ કાદિર યુનિવર્સિટીની સ્થાપના માટે સોહવાના મૌઝા બકરાલા ખાતે 55 એકર જેટલી જમીન ફાળવવા માટે કથિત લાભ મેળવવાનો પણ આરોપ મુકાયો હતો. ઇમરાન ખાન પર આ સિવાય પણ અન્ય કેસ ચાલી રહ્યા છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













