ગોધરામાં નીટની પરીક્ષામાં ગેરરીતિ થઈ છે કે નહીં? સીબીઆઈ કરશે તપાસ..

નીટની પરીક્ષાનાં પરિણામો બાદ કથિત અનિયમિતતાઓ અને પેપર લીકના દાવાઓને કારણે નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએએ અનેક સ્પષ્ટતાઓ કરવી પડી હતી.

નીટની પરીક્ષામાં થયેલી અનિયમિતતાઓ, પેપરલીક અને ગોટાળાને લઈને સીબીઆઈએ પણ એક એફઆઈઆર દાખલ કરીને તપાસ પણ શરૂ કરી છે.

સીબીઆઈએ એક પ્રેસનોટમાં જણાવ્યું હતું કે નીટની પરીક્ષામાં થયેલી ગેરરીતિની તપાસ કરવા માટે શિક્ષા મંત્રાલયના ઉચ્ચ શિક્ષા વિભાગના નિદેશકની લેખિત ફરિયાદના આધારે એક કેસ દાખલ કર્યો છે.

ગુજરાત સરકારે રવિવારે કહ્યું કે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે ગોધરામાં નીટની પરીક્ષામાં થયેલી અનિયમિતતાઓની તપાસ પણ સીબીઆઈને સોંપવામાં આવે જેથી કરીને વિસ્તૃત તપાસ કરી થઈ શકે.

સરકારે જારી કરેલા જાહેરનામામાં જણાવ્યું, “દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમૅન્ટ ઍક્ટ, 1946 અન્વયે આ મામલાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે.”

સીબીઆઈની એક ટીમ સોમવારે સવારે ગોધરા પહોંચી હતી.

નીટની પરીક્ષામાં ગોધરામાં ગેરરીતિનો શું છે મામલો?

ગુજરાતના ગોધરામાં પણ 5મી મેનાં રોજ યોજાયેલી નીટની પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદો મળી હતી. આ પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ અંગેની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકમાં 8 મેનાં રોજ નોંધવામાં આવી હતી.

ગોધરાના પોલીસ અધિકારી હિમાંશુ સોલંકીએ કહ્યું હતુ કે બિહાર સિવાય ગુજરાત પોલીસને પણ નીટ પરીક્ષામાં છેતરપિંડીની ફરિયાદો મળી છે.

સોલંકીએ જણાવ્યું હતું, "વિદ્યાર્થીઓને માત્ર એ જ પ્રશ્નોના જવાબ આપવાનું કહેવામાં આવ્યું હતું કે જે તેમને આવડતાં હોય. ત્યારબાદ કોઇ અન્ય વ્યક્તિ પરીક્ષા કેન્દ્ર પર આવશે અને બાકીના પ્રશ્નોના જવાબ આપી દેશે જેથી કરીને તેઓ સારા માર્ક્સ મેળવી શકે."

સોલંકીના જણાવ્યા પ્રમાણે આ કેસમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

ડેક્ક્ન હેરાલ્ડના અહેવાલ મુજબ, પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા ઓએમઆર શીટને ખાલી રાખવામાં આવી હતી. આરોપીઓએ આ ઓએમઆર શીટને અલગ રાખી દીધી હતી. પરીક્ષા પછી આરોપી તુષાર ભટ્ટે આ શીટોને ભરી હતી. પુરુષોત્તમ શર્મા જય જલારામ સ્કુલના આચાર્ય હતા અને તુષાર ભટ્ટ ત્યાં ભૌતિક શાસ્ત્રના શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. બંને લોકો નીટની પરીક્ષામાં સુપરવાઇઝર હતા.

પ્રાથમિક તપાસમાં જાણકારી મળી હતી કે બિહાર, મહારાષ્ટ્ર, ઓડિશા અને બીજા રાજ્યોથી 30 વિદ્યાર્થીઓએ જય જલારામ સ્કુલને નીટના પરીક્ષા સૅન્ટર તરીકે પસંદ કર્યું હતું.

અહેવાલ મુજબ આરોપીઓએ 30 વિદ્યાર્થીઓ પાસેથી દસ-દસ લાખ રૂપિયા લેવાની વાત નક્કી કરીને તેમનાં પ્રશ્નપત્રોને ઉકેલવામાં મદદ કરવાનો સોદો કર્યો હતો.

પોલીસે દાખલ કરેલી એફઆઈઆર પ્રમાણે, "આરોપી તુષાર ભટ્ટના મોબાઇલમાં વૉટ્સઍપ મૅસેજની તપાસ કરતા પરશુરામ રૉય નામે સેવ કરેલ નંબર પરથી ત્રણ તસવીરો મોકલવામાં આવી હતી. આ તસવીરોમાં 16 વિદ્યાર્થીઓનાં નામો, રોલ નંબર અને પરીક્ષા કેન્દ્રનાં સરનામા મળ્યા હતા. આ 16 પૈકી 14 પરિક્ષાર્થીઓના પેપર સોલ્વ કરી આપવા માટે વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપિયાની વાત કરવામાં આવી હતી."

આ ઉપરાંત એફઆઈઆરમાં જણાવાયું છે કે, "ગોધરાના રહેવાસી આરીફ વોરાએ પણ છ પરીક્ષાર્થીઓના નામની યાદી તેમને (તુષાર ભટ્ટને) આપી હતી. આરિફ વોરાએ પણ પરીક્ષાર્થી દીઠ દસ લાખ અને આ ઉપરાંત આરિફ વોરાએ તુષાર ભટ્ટને સાત લાખ રૂપિયા એડવાન્સમાં દીધા હતા."

આ મામલે પોલીસે પરશુરામ રૉય, આરિફ વોરા અને વિભોર આનંદની પણ ધરપકડ કરી હતી.

અહેવાલ પ્રમાણે, ગોધરાની જિલ્લા કોર્ટે 21 જૂને પોતાના અવલોકનમાં કહ્યું, “પરીક્ષા બાદ ગેરરીતિ જોવા મળી હતી. જિલ્લા કોર્ટે સ્થાનિક પોલીસની મદદ ન કરવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સીની પણ ઝાટકણી કાઢી હતી. કોર્ટે કહ્યું કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જવાબપત્રો સ્થાનિક પોલીસને તપાસ કરવા માટે ન આપ્યા જેથી કરીને પોલીસ તપાસ ન કરી શકી કે ગેરરીતિ થઈ છે કે નહીં.”

સ્થાનિક પોલીસે દાવો કર્યો હતો કે પરીક્ષા શરૂ થાય તે પહેલાં જિલ્લા કલેકટરને મળેલી ટીપને કારણે પરીક્ષા કેન્દ્ર પર વધારે સંખ્યામાં પોલીસને તહેનાત કરવામાં આવી હતી અને કોઇપણ પ્રકારની ગેરરીતિને રોકવામાં આવી હતી. જોકે, કોર્ટે કહ્યું કે આરોપીની મનસા પરીક્ષા પછી જવાબપત્રોને ભરવાની હતી, આ કારણે કદાચ ગેરરીતિ કરવામાં આવી પણ હોય.

સીબીઆઈ હવે આ મામલે આગળ તપાસ હાથ ધરી છે.

બિહારના પાટનગર પટણામાં નીટના પેપરલીકનો મામલો

ગુજરાત ઉપરાંત બિહારમાં પણ નીટની પરિક્ષામાં ગેરરીતિ અને પેપરલીકને લગતો મામલો સામે આવ્યો હતો.

બિહારમાં નીટની પરીક્ષા યોજાઈ તે જ દિવસે એક પોલીસ અધિકારીએ એફઆઈઆર દાખલ કરી.

આ એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે તેમને એવી માહિતી મળી છે કે નીટ પરીક્ષાનું પેપર એક સંગઠિત ગૅંગની મિલીભગતથી લીક થયું છે.

મીડિયા અહેવાલો કહે છે કે પોલીસે આ કેસમાં 13 લોકોની ધરપકડ કરી છે. તેમાંથી ચાર લોકોએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે પરીક્ષા પહેલાં પેપરલીક થયું હતું.

અહેવાલો અનુસાર, એક વિદ્યાર્થીએ તેની કબૂલાતમાં કહ્યું છે કે તેને પરીક્ષાના એક દિવસ પહેલાં જ પ્રશ્નપત્ર આપવામાં આવ્યું હતું અને તેને તમામ જવાબો યાદ રાખવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે, બીબીસી આ મીડિયા અહેવાલોની પુષ્ટિ કરી શક્યું નથી.

ગ્રેસ માર્કસનો વિવાદ

હરિયાણામાં આવેલા ઝજ્જરની હરદયાળ પબ્લિક સ્કૂલ અને વિજય સ્કૂલમાં વિદ્યાર્થીઓને પેપર મોડા મળ્યા હતા. જોકે, વિજય સ્કૂલના આચાર્યએ બાળકોને પેપર પૂર્ણ કરવા માટે વધારાની 30 મિનિટનો સમય આપ્યો હતો. આ જ કારણ છે કે વિજય સ્કૂલમાં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક્સ મળી શક્યા નથી.

પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકોનું કહેવું છે કે પેપરના બે સેટ તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાંથી એક ઇમરજન્સી માટે હતો, પરંતુ હરિયાણાનાં બે કેન્દ્રો કે જ્યાં એક હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા હતા ત્યાં સંકલન ન હોવાને કારણે ઇમરજન્સી સર્જાઈ હતી. બાળકોને ઇમરજન્સી વાળો પેપર સૅટ આપી દેવામાં આવ્યો હતો.

14મી જૂનના રોજ એનટીએએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે નીટ-યુજી 2024માં 1563 વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા હતા અને હવે એનટીએ તેને રદ કરી રહી છે.

એનટીએએ વિદ્યાર્થીઓના ગ્રેસ માર્ક્સ રદ કર્યા બાદ તેમના માટે 23 જૂનના રોજ ફરીથી પરીક્ષાનું આયોજન કર્યું હતું. એનટીએએ જણાવ્યું હતું કે ગ્રેસ માર્ક્સ મળ્યા છે તેવા વિદ્યાર્થીઓને જો આ પરીક્ષા ફરીથી ન આપવી હોય તો તેમને ગ્રેસ માર્ક્સ વગરનું પરિણામ સ્વીકારીને આગળ વધવું પડશે. કુલ 1563 વિદ્યાર્થીઓમાંથી આ પરીક્ષામાં 750 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

નીટની પરિક્ષામાં સામે આવેલી ગેરરીતિની ઘટનાઓ વિશે શિક્ષણ મંત્રાલયે શું કહ્યું?

કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, “જે કંઈ પણ થયું તેની હું જવાબદારી લઉં છું. અમે જે લોકો પેપર લીક માટે જવાબદાર છે તેમને છોડીશું નહીં. બિહાર પોલીસની તપાસ જ્યારે પૂર્ણ થશે ત્યારે આ વિશે વધારે સ્પષ્ટતા મળશે.”

તેમણે કહ્યું કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી સાથે જોડાયેલી કોઇપણ વ્યક્તિ આ મામલે દોષી હશે તો તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

યુજીસી નેટની પરીક્ષા કેમ રદ કરવામા આવી હતી? આ વિશે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, "ડાર્કનેટ પર યુજીસી-નેટ પરીક્ષાનું પ્રશ્નપત્ર યુજીસી-નેટના મૂળ પ્રશ્નપત્ર સાથે મેળ ખાય છે, જેના કારણે અમે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે.”

આ ઉપરાંત કેન્દ્રિય શિક્ષણ મંત્રાલયે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવાતી પરીક્ષા પ્રક્રિયાને પારદર્શી, સરળ અને નિષ્પક્ષ બનાવવા માટે નિષ્ણાતોની એક ઉચ્ચ-સ્તરીય સમિતિની રચના કરી છે.

ઉચ્ચ સ્તરીયની સમિતિમાં કોણ-કોણ સામેલ છે?

કેન્દ્રિય શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, “સરકાર કોઇપણ પ્રકારની છેડછાડ કે ભૂલ વગરની અને પારદર્શી પરીક્ષાઓનું આયોજન કરવા માટે પ્રતિબદ્ધ છે.”

“નિષ્ણાતોની ઉચ્ચસ્તરીય સમિતિની રચના એ પરીક્ષા પ્રક્રિયાની કાર્યક્ષમતા સુધારવા, તમામ સંભવિત ગેરરીતિઓને દૂર કરવા, ડેટા સુરક્ષા પ્રોટોકોલને મજબૂત કરવા અને એનટીએમાંં સુધારા માટેના શ્રેણીબદ્ધ પગલાંનું પ્રથમ પગલું છે.”

આ સમિતિમાં અધ્યક્ષ સહિત સાત સભ્યો છે.

ઇસરોના પૂર્વ અધ્યક્ષ અને આઈઆઈટી કાનપુરના બૉર્ડ ઑફ ગવર્નન્સના અધ્યક્ષ ડૉક્ટર કે. રાધાકૃષ્ણન આ સમિતિના અધ્યક્ષ છે. જ્યારે સમિતિના બીજા સભ્યોના નામ નીચે મુજબ છે.

  • દિલ્હીસ્થિત એમ્સના પૂર્વ નિદેશક રણદીપ ગુલેરિયા
  • હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર બી.જે. રાવ
  • આઈઆઈટી મદ્રાસના સિવિલ એન્જીનયરિંગ વિભાગના પ્રોફેસર રામમૂર્તિ કે.
  • આઈઆઈટી દિલ્હીના સ્ટૂડન્ટ અફેયર્સ વિભાગના ડીન પ્રોફેસર આદિત્ય મિત્તલ
  • કેન્દ્રિય શિક્ષણ મંત્રાલયના સંયુક્ત સચિવ ગોવિંદ જાયસવાલ
  • કમર્યોગી ભારતના બોર્ડ સભ્ય અને પીપલ્સ સ્ટ્રૉન્ગના સહ-સ્થાપક પંકજ બંસલ

શિક્ષણ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે આ સમિતિ બે મહિનાની અંદર મંત્રાલયને રિપોર્ટ આપશે.

આ ઉપરાંત સરકારે પેપરલીકને રોકવા માટે નવા કાયદો લાગુ કર્યો હતો. આ કાયદામાં પેપરલીકના મામલામાં દોષીઓને 10 વર્ષની સજા અને એક કરોડ રૂપિયાના દંડની જોગવાઈ છે.

એનટીએ શું છે?

એનટીએની સ્થાપના કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયના માધ્યમ થકી રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન કરવા માટે એક સ્વાયત સંગઠન તરીકે કરવામા આવી હતી.

એનટીએને પરીક્ષાની સંપૂર્ણ તૈયારી, પરીક્ષાનું આંકલન અને તેની સાથે જોડાયેલી તમામ બાબતોના ઉકેલ માટે જવાબદારી સોંપવામાં આવી હતી.

એનટીએ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ અથવા ફેલોશિપ માટે પ્રવેશ પરીક્ષાઓનું આયોજન કરે છે, જેમાં નીટ અને નેટ સહિત બીજી પરીક્ષાઓ પણ સામેલ છે.

વિપક્ષનો સરકાર પર હુમલો

વિપક્ષે એક પછી એક રદ કે સ્થગિત થતી પરીક્ષાઓને મુદ્દો બનાવ્યો છે અને સરકાર પર હુમલાઓ કર્યા છે.

શિવસેના (યૂબીટી) નેતા આનંદ દુબેએ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી કરી હતી.

તેમણે કહ્યું, “ધર્મેન્દ્ર પ્રધાને તાત્કાલીક રાજીનામું આપવું જોઇએ.”

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક્સ પર લખ્યું, “નીટ-પીજીની પરિક્ષા પણ હવે સ્થગિત. નરેન્દ્ર મોદીનાં રાજમાં બરબાદ થઈ ચૂકેલી શિક્ષા વ્યવસ્થાનું એક દુર્ભાગ્યપૂર્ણ ઉદાહરણ છે.”

“ભાજપના રાજમાં વિદ્યાર્થીઓ પોતાનું કૅરિયર બનાવવા માટે શિક્ષણ નહીં પણ પોતાના ભવિષ્યને બચાવવા માટે સરકાર સામે લડાઈ લડવા માટે મજબૂર છે.”

કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ કહ્યું, “અમલદારોની ફેરબદલી કરવાથી ભાજપે બરબાદ કરેલી શિક્ષા વ્યવસ્થાની સમસ્યાનો ઉકેલ નથી. નીટ ગોટાળામાં મોદી સરકારના ટોચના અધિકારીઓને જવાબદાર ગણાવવામાં આવી રહ્યા છે.”

તેમણે લખ્યું, “એનટીએને એક સ્વાયત સંસ્થા તરીકે રજૂ કરવામાં આવી હતી. જોકે, હકીકતમાં એનટીએને ભાજપ અને આરએસએસના હિતોને પૂરા કરવા માટે બનાવવામાં આવી છે.”

ખડગેએ લખ્યું, “છેલ્લા 10 દિવસોમાં ચાર પરીક્ષાઓ રદ અથવા સ્થગિત કરવામા આવી છે. પેપરલીક, ભ્રષ્ટાચાર, અનિયમિતતા અને શિક્ષણ માફિયાઓએ આપણી શિક્ષણ વ્યવસ્થામાં ઘૂસણખોરી કરી લીધી છે. આટલી મોડી કાર્યવાહી કરવાનો કોઈ ફાયદો નથી કારણ કે અગણિત યુવાનોને આ કારણે તકલીફો ઊઠાવી પડે છે.”

કૉંગ્રેસ નેતા પવન ખેડાએ કહ્યું, “આ સરકાર પરીક્ષા આયોજન કરવા માટે સક્ષમ નથી. યુવાનોનો સરકાર પર ભરોસો રહ્યો નથી. શિક્ષણ મંત્રીએ ચાર દિવસ પહેલાં એનટીએને ક્લીન ચીટ આપી હતી અને હવે તેના ડાયરેક્ટરને હટાવી દીધા છે.”

ડીએમકે નેતા સરવનન અન્નાદુરૈએ એક વીડિયો સંદેશમાં કહ્યું, “સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કરાવવા મામલે આટલી અસફળ સરકાર જોઈ નથી. આ રદ થનારી ત્રીજી પરીક્ષા છે અને ચોથી પરીક્ષા પર શંકાના વાદળો છે.”

આરએસએસ સાથે જોડાયેલા વિદ્યાર્થી સંગઠન એબીવીપીના જનરલ સેક્રેટરી યજ્ઞવલ્ક શુક્લાએ કહ્યું, “ સરકારે નીટ-પીજી પરીક્ષા રદ કરવાનાં કારણો બતાવવા જોઈએ કારણ કે વિદ્યાર્થીઓ ગુસ્સામાં છે.”