You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઓપન બુક ઍક્ઝામ: પુસ્તકોમાંથી જોઈને પરીક્ષા લખવાની પદ્ધતિ શું છે?
- લેેખક, દીપક મંડલ
- પદ, બીબીસી સંવાદદાતા
કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ (સીબીએસઈ) આ વર્ષે નવથી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે ઓપન બુક પરીક્ષાનો પાઇલટ પ્રોજેક્ટ શરૂ કરી શકે છે.
અંગ્રેજી સમાચાર પત્રો ઇન્ડિયન ઍક્સપ્રેસથી લઈને ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અને ધી હિંદુ સહિતના સમાચાર પત્રોએ આ વિશે અહેવાલો આપ્યા છે.
આ અહેવાલો મુજબ બોર્ડની ગવર્નિંગ બૉડીની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઈ હતી.
ઓપન બુક પરીક્ષામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપતી વખતે પુસ્તકો અથવા અન્ય પાઠ્યક્રમની સામગ્રીનો ઉપયોગ કરીને સવાલોના જવાબ લખી શકે છે.
સીબીએસઈના અધિકારીઓએ કહ્યું કે આ પાઇલટ પ્રોજેક્ટ હેઠળ કેટલીક નક્કી કરાયેલી સ્કૂલોમાં ધોરણ નવ અને 10ના અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન વિષય અને ધોરણ 11 અને 12 માટે અંગ્રેજી, ગણિત અને જીવ વિજ્ઞાન વિષયની પરીક્ષા ઓપન બુક પરીક્ષાના ભાગરૂપે કરાવવામાં આવી શકે છે.
અધિકારીઓ કહે છે કે આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય એ જાણકારી મેળવવાનો છે કે વિદ્યાર્થીઓ કેટલા સમયમાં આ પરીક્ષા પૂર્ણ કરી શકે છે. આ ઉપરાંત અન્ય એક ઉદ્દેશ્ય શિક્ષા વ્યવ્સથા સાથે જોડાયેલા દરેક પક્ષ પાસેથી પ્રતિસાદ મેળવવાનો પણ છે.
આ પ્રોજેક્ટ દ્વારા બાળકોની વિચારવાની, વિશ્લેષણ કરવાની, વિવેચના કરવાની અને સમસ્યાઓ ઉકેલવાની ક્ષમતાઓનું મૂલ્યાંકન કરવામાં આવશે.
ઓપન બુક પરીક્ષા સંબંધિત સંશોધન શું કહે છે?
વિશ્વના અનેક દેશોમાં ઓપન બુક પરીક્ષા લેવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતમાં 2014માં સીબીએસઈએ શાળાના વિદ્યાર્થીઓ માટે ઓપન ટેક્સટ બેસ્ડ અસેસમૅન્ટ (ઓબીટીએ)ની શરૂઆત કરી હતી.
ધોરણ નવના વિદ્યાર્થીઓ માટે હિન્દી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન અને ધોરણ 11ના વિદ્યાર્થીઓ માટે અર્થશાસ્ત્ર, વિજ્ઞાન અને ભૂગોળ જેવા વિષયો માટે ઓબીટીએ પદ્ધતીનો ઉપયોગ કર્યો હતો.
જોકે, 2017-18માં આ પ્રયોગ બંધ કરવામાં આવ્યો કારણ કે તે વિદ્યાર્થીઓમાં વિવેચનાત્મક દૃષ્ટિકોણ કેળવવામાં સફળ ન થયા.
નવી શિક્ષણ નીતિ - 2020 માં ઓપન બુક પરીક્ષાનો કોઈ ઉલ્લેખ નથી. પરંતુ એવું કહેવામાં આવ્યું છે કે યાદ રાખવાની વૃત્તિને બદલે વિદ્યાર્થીઓમાં વિષયોના ખ્યાલો સમજવાની વૃત્તિને પ્રોત્સાહન આપવું જોઈએ.
સમાચાર પત્ર ઇન્ડિયન ઍકસપ્રેસના અહેવાલ મુજબ એમ્સ ભુવનેશ્વરે કરેલા સંશોધનો પ્રમાણે ઓપન બુક પરીક્ષા વિદ્યાર્થીઓ પર વધતા માનસિક તણાવમાં ઘટાડો લાવી શકે છે.
કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં 2020 માં હાથ ધરવામાં આવેલા સંશોધન મુજબ, પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ પણ કહ્યું કે તે ઓછું તણાવપૂર્ણ હતું.
ધનંજય અશરી અને વિભુ પી સાહુએ વર્ષ 2021માં કરેલા સંશોધનમાં એવું નોંધ્યું કે દિલ્હી યુનિવર્સિટીમાં આયોજિત ઓપન બુક પરીક્ષામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓએ પરંપરાગત પરીક્ષાની તુલનામાં વધુ સારું પ્રદર્શન કર્યું હતું.
ઓપન બુક પરીક્ષા વિશે નિષ્ણાતો શું કહે છે?
સીબીએસઈના પૂર્વ ચેરમૅન અશોક ગાંગુલીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે ઓપન બુક પરીક્ષા કોઈ નવો વિચાર નથી.
ભારતમાં વર્ષ 1985-86માં ઉત્તર પ્રદેશમાં ઓપન બુક પરીક્ષાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
એ સમયે ઉત્તર પ્રદેશ બોર્ડે ધોરણ નવના વિદ્યાર્થીઓ માટે ઓપન બુક પરીક્ષા કરવવામાં આવી હતી પરંતુ તેનો પ્રતિસાદ સારો ન મળ્યો.
બોર્ડ આ પરીક્ષા યોગ્ય રીતે આયોજિત કરવામાં નિષ્ફળ ગયું અને ફરી ક્યારેય તેનો પ્રયાસ કરવામાં આવ્યો ન હતો.
ગાંગુલીએ કહ્યું કે, "આ સારી વાત છે કે સીબીએસઈએ ધોરણ નવ-દસ અને 11-12ના વિદ્યાર્થીઓ માટે ઓપન બુક પરીક્ષાનો પાઇલટ પ્રોજેક્ટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જોકે, આ પરીક્ષા પદ્ધતિને લાગુ કરવામાં અનેક પડકારો છે."
તેમણે ઉમેર્યું કે સૌથી મોટો પડકાર છે પ્રશ્નપત્ર તૈયાર કરવાનો. હાલમાં, આપણા પ્રશ્નપત્ર બનાવનાર લોકો ઓપન બુક પરીક્ષા મુજબ પ્રશ્નો તૈયાર કરવાની ક્ષમતા ધરાવતા નથી. આ માટે લોકોને તાલીમ આપવી પડશે. આ ઉપરાંત, તેમને સશક્ત બનાવવા પડશે જેથી તેઓ ઓપન બુકની પરીક્ષા અનુસાર પ્રશ્નો તૈયાર કરી શકે.
અશોક ગાંગુલીએ ભારતમાં આ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પડકારોનો પણ ઉલ્લેખ કર્યો છે.
તેમણે કહ્યું કે ભારતમાં ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓની સંખ્યા એટલી મોટી છે કે હાલમાં આવી પરીક્ષાઓ યોજવી ખૂબ મુશ્કેલ છે.
સીબીએસઈના પૂર્વ ચેરમૅને ઉમેર્યું, "ઉદાહરણ તરીકે જો તમે સમગ્ર દેશમાં ધોરણ નવ અને દસના 30 લાખ વિદ્યાર્થીઓ માટે પરીક્ષાઓ લો છો, તો પછી તમે સમગ્ર દેશમાં સમાન સંદર્ભ સામગ્રી અને અન્ય અભ્યાસ સામગ્રી કેવી રીતે પ્રદાન કરશો. આ બહુ મુશ્કેલ કામ છે."
જોકે પદ્મશ્રી શિક્ષણવિદ જે.એસ. રાજપૂત આ વાત સાથે સહમત નથી.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "ભારત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવના યુગમાંથી ઘણું આગળ નીકળી ગયું છે. આપણે જૂની વિચારસરણીમાંથી બહાર આવવું પડશે."
"આજે આપણી પાસે આઈટીની શક્તિ છે. ભારતે એવા ફેરફારો કર્યા છે જે પહેલાં અશક્ય લાગતા હતા. આજે ઑન ડિમાન્ડ પરીક્ષાઓ થાય છે. જૂની વિચારસરણી નવીનતામાં અવરોધો ઊભા કરે છે."
શું ઓપન બુક પરીક્ષા થકી બાળકોનો તણાવ ઓછો થશે?
નિષ્ણાતો કહે છે કે વર્તમાન પરીક્ષા પદ્ધતિ બાળકોમાં વિષયોની સમજ વિકસાવવાને બદલે ગોખણપટ્ટી પર ભાર મૂકે છે. આવી સ્થિતિમાં ઓપન બુકની પરીક્ષા તેમના માટે તણાવ ઘટાડવાની સાબિત થઈ શકે છે.
જગમોહન સિંહ રાજપૂત કહ્યું કે, "ભારતમાં ઓપન બુક પરીક્ષાની ખાસી જરૂર છે. કારણ કે વર્તમાન પરીક્ષા પદ્ધતિથી બાળકોમાં તણાવ વધી રહ્યો છે."
"જ્યારે હું કોટામાં દર અઠવાડિયે કોઈક બાળકની આત્મહત્યા વિશે સાંભળું છું, ત્યારે મને દુઃખ થાય છે. તેથી, ઓપન બુકની પરીક્ષા જેટલી વહેલી શરૂ થાય તેટલું સારું."
વર્તમાન યુગમાં બાળકોને ભણાવતા શિક્ષકો પણ ઓપન બુકની પરીક્ષાનું મહત્ત્વ સમજી રહ્યા છે.
ગ્રેટર નોઇડા સ્થિત સમરવિલે શાળામાં અંગ્રેજી ભણાવતા અનુભવી ટીચર ડિમ્પલ જોસેફે કહ્યું, "કોઈ પણ નવો કૉન્સેપ્ટ આવે ત્યારે આપણે થોડા અચકાઈએ છીએ. ઓપન બુકની પરીક્ષામાં પણ એવું જ થાય છે."
"આ પરીક્ષામાં બાળકોને એવા પ્રશ્નોનો સામનો કરવો પડશે જેનાથી તેમની વિશ્લેષણ ક્ષમતામાં વધારો થશે."
તેમણે ઉમેર્યું કે આ શીખવવામાં આવતી કોઈપણ વિષય સામગ્રી અંગે તેમનો પરિપ્રેક્ષ્ય બનાવશે.
સૌથી મહત્ત્વની બાબત એ છે કે આ પદ્ધતી બાળકોને ગોખણપટ્ટીથી મુક્ત કરશે. જે તેમના માટે તણાવનું કારણ બની ગયું છે.
જોકે, અશોક ગાંગુલીએ પોતાનો અલગ મત દર્શાવતા કહ્યું,"એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓપન બુક પરીક્ષાઓ પરીક્ષામાં છેતરપિંડી અને અન્ય ગેરરીતિના મામલાઓમાં ઘટાડો કરશે. એવું પણ કહેવાય છે કે તેનાથી બાળકોમાં તણાવ ઓછો થશે."
"પરંતુ આવું થશે નહીં. કારણ કે આખરે બાળકો પર પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવાનું દબાણ યથાવત રહેશે."