You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અયોધ્યાના રામ જન્મભૂમિ મંદિરમાં રામલલ્લાની મૂર્તિ ક્યાં રાખવામાં આવશે?
- લેેખક, અનંત ઝણાણે
- પદ, બીબીસી સંવાદદાતા
22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના અભિષેકમાં ભગવાન રામની નવી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે.
પરંતુ રામલલાની પહેલેથી જ હયાત પ્રતિમાનું શું થશે? આ પ્રશ્ન ઘણા લોકોના મનમાં ઊઠી રહ્યો છે.
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે પણ થોડા દિવસો પહેલા આ સવાલ પૂછ્યો હતો.
પહેલા જનસંઘ, પછી ભાજપ અને સંઘ પરિવાર સતત દાવો કરતા રહ્યા છે કે, 22-23 ડિસેમ્બર 1949ના રોજ પ્રતિમાનું 'પ્રકટ થવું' એક દૈવી ઘટના હતી.
રામલલ્લાની મૂર્તિને સ્વયંભૂ કહેનારા લોકો પણ સમયાંતરે શ્રી રામ લલ્લાના પ્રાકટ્યમાં અનેક લોકોના સહકારની પ્રશંસા કરતા રહ્યા છે.
'રામ લલ્લાના પ્રાકટ્યના સંદર્ભમાં' જનસંઘ અને આરએસએસના નેતાઓ તત્કાલીન કલેક્ટર કે. કે. નાયર અને ગીતા પ્રેસના ડિરેક્ટર હનુમાનપ્રસાદ પોદ્દારની મહત્ત્વપૂર્ણ ભૂમિકાનાં વખાણ કરી રહ્યા છે.
આ જ મૂર્તિની છેલ્લાં 74 વર્ષથી રામલલ્લાના રૂપમાં પૂજા કરવામાં આવે છે.
આઝાદી પહેલાંની વાત
હકીકતમાં વર્ષ 1857માં આઝાદીના પ્રથમ યુદ્ધ પછી જ્યારે નવાબી શાસનનો અંત આવ્યો ત્યારે બ્રિટિશ કાયદો, શાસન અને ન્યાયિક વ્યવસ્થા અમલમાં આવી. એવું માનવામાં આવે છે કે, આ સમય દરમિયાન હિન્દુઓએ મસ્જિદના બહારના ભાગ પર કબજો કરી લીધો અને એક પ્લૅટફૉર્મ બનાવ્યું અને પૂજા શરૂ કરી જેના કારણે ત્યાં ઝઘડા થતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ બાબતે બંને પક્ષો વચ્ચે અનેક ઝઘડા અને મુકદ્દમા થયા હતા. આ ક્રમ 90 વર્ષથી વધુ સમય સુધી ચાલુ રહ્યો. 24 નવેમ્બર-1949થી હિન્દુ તપસ્વીઓએ મસ્જિદની સામે કબ્રસ્તાન સાફ કર્યું અને ત્યાં યજ્ઞ અને રામાયણનો પાઠ કરવાનું શરૂ કર્યું. જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા. વધતી જતી લડાઈને જોઈને ત્યાં પોલીસ ચોકી ઊભી કરવામાં આવી હતી અને સુરક્ષા માટે અર્ધલશ્કરી દળ PAC તહેનાત કરવામાં આવ્યું હતું.
પીએસીની તહેનાતી હોવા છતાં 22-23 ડિસેમ્બર 1949ની રાત્રે મહંત અભય રામદાસે જાહેરાત કરી કે, રામ લલ્લાએ મસ્જિદની અંદર અવતાર લીધો છે. ત્યારબાદ પ્રચાર શરૂ થયો કે, ભગવાન રામ ત્યાં દેખાયા છે અને તેમના જન્મસ્થળનું નિયંત્રણ પાછું લઈ લીધું છે.
બાદમાં જ્યારે અયોધ્યામાં જમીનની માલિકીનો મામલો કોર્ટમાં પહોંચ્યો ત્યારે ભગવાન રામલલ્લા વિરાજમાન આ કેસમાં મુખ્ય અરજદાર બન્યા હતા.
રામલલ્લાની મૂર્તિ કેવી રીતે અસ્તિત્વમાં આવી અને રામ મંદિર સંબંધિત ચળવળમાં તેની શું ભૂમિકા હતી તે જાણવા માટે અમે આચાર્ય સત્યેન્દ્ર દાસ સાથે વાત કરી. જેઓ 1992થી રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી હતા.
રામલલ્લા વિરાજમાનનું મહત્ત્વ શું છે?
આચાર્ય સત્યેન્દ્ર દાસ રામલલ્લા વિરાજમાનને 'સૌથી મહત્ત્વપૂર્ણ' ગણાવે છે અને કહે છે, "ભગવાન રામનું ભવ્ય નવું મંદિર બનાવવામાં આવ્યું છે. પરંતુ આ (1949ના રામલલ્લા)નું વધુ મહત્ત્વ છે."
તેઓ કહે છે, "અલાહાબાદ હાઈકોર્ટના વકીલ દેવકી નંદન અગ્રવાલે રામલલ્લા વિરાજમાનના મિત્ર તરીકેની તેમની ક્ષમતામાં કેસ દાખલ કર્યો કે, રામલલ્લા ત્યાં બાળકના રૂપમાં બેઠા છે. કોર્ટને આ વાતનો પુરાવો આપવામાં આવ્યો હતો. કોર્ટે આ કેસને ગ્રાહ્ય રાખ્યો. કોર્ટે આ રામલલ્લા વિરાજમાનના આધારે નિર્ણય લીધો હતો કે આ જ રામ જન્મભૂમિ હોવાનું જણાવ્યું હતું. આ પછી મંદિરનું નિર્માણ શરૂ થયું."
આચાર્ય સત્યેન્દ્ર દાસ ખુલાસો કરે છે અને જણાવે છે કે, "તમે જાણો છો કે જે પણ વિવાદ થયો છે અને કોર્ટમાં જે કેસ લડવામાં આવ્યો છે તે પહેલાંથી જ અસ્તિત્વમાં રહેલા રામલલ્લા વિરાજમાનના નામે લડવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે તેમના નામે આદેશ આપ્યો છે. હવે મંદિરનું નિર્માણ થયું છે. તેથી જે રીતે રામલલા વિરાજમાનની પૂજા પહેલાં થતી આવી છે, તેવી જ રીતે થતી રહેશે."
તેમના કહેવા પ્રમાણે જ્યાં નવા રામલલ્લાને રાખવામાં આવશે. ત્યાં જૂના રામલલ્લાને પણ રાખવામાં આવશે.
રામલલ્લાની પૂજા અંગે આચાર્ય સત્યેન્દ્ર દાસ કહે છે, "તમામ સંપ્રદાયો તેમની પદ્ધતિ અનુસાર રામલલ્લા વિરાજમાનની પૂજા કરે છે. દરેક વસ્તુ 16 મંત્રો સાથે ભગવાનને સમર્પિત કરવામાં આવે છે. રામની સાથે ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્નની સાથે તમામ ભાઈઓની પૂજા કરવામાં આવી છે. હવે, તેમની સ્થાપના ભવ્ય મંદિરમાં કરવામાં આવશે જે બનાવવામાં આવ્યું છે."
આચાર્ય સત્યેન્દ્ર દાસના જણાવ્યા અનુસાર, "પહેલાં મૂર્તિ (મસ્જિદના) ગુંબદની નીચે હતી. જ્યારે 6 ડિસેમ્બર 1992ના રોજ ગુંબજ તૂટી પડ્યો ત્યારે મૂર્તિને તાડપત્રીમાં રાખવામાં આવી હતી અને ત્યાં પૂજા ચાલુ રાખવામાં આવી હતી."
"હાલમાં તે લાકડાંના કામચલાઉ મંદિરમાં છે. આ લાકડાંના મંદિરમાં તમામ સુવિધાઓ છે. હાલમાં અહીં પૂજા થઈ રહી છે અને ભક્તો દર્શન કરી રહ્યા છે. બાદમાં આ મૂર્તિને ભવ્ય મંદિરમાં ખસેડવામાં આવશે."
જૂની મૂર્તિને ઉત્સવની મૂર્તિ ગણવામાં આવશે
આચાર્ય સત્યેન્દ્ર દાસ સમજાવે છે કે રામલલ્લા વિરાજમાનને ચલ મૂર્તિ માનવામાં આવે છે. આ ઉત્સવની મૂર્તિ છે. મતલબ કે જે 51 ઇંચની પ્રતિમા જેની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે તે સ્થાવર પ્રતિમા હશે અને તેને હટાવી શકાશે નહીં.
તેઓ કહે છે કે, રામલલ્લા વિરાજમાનની જે મૂર્તિ ચલ છે તેને કોઈપણ ઉત્સવમાં લઈ જઈ શકાય છે અને ઉત્સવમાં ગયા પછી તેઓ પાછા આવશે. ઉદાહરણ તરીકે, જ્યારે અયોધ્યામાં મણિ પર્વત પર ઝૂલન ઉત્સવ હોય છે, ત્યારે રામલલ્લાને ત્યાં લેવામાં આવે છે.
આચાર્ય સત્યેન્દ્ર દાસ કહે છે, "જો કેટલાક લોકો તેમની ધાર્મિક વિધિઓ (ધાર્મિક પ્રવૃત્તિઓ) કરે છે અને ઇચ્છે છે કે રામલલ્લાની મૂર્તિ ત્યાં જાય, તો રામલલ્લા વિરાજમાનની મૂર્તિને પણ તે ધાર્મિક વિધિમાં સામેલ કરી શકાય છે. ત્યાં તેની પૂજા કરવામાં આવશે અને પછી મૂર્તિઓ પાછી આવશે."
એ પરિવાર જે રામલલ્લાનાં વસ્ત્રો સીવતો હતો
ભગવત પ્રસાદ પહાડી 1985થી રામલલ્લાનાં કપડાં સીવે કરે છે. તેમની પાસે બાબુલાલ ટેલર્સ નામની દુકાન છે.
ભગવત પ્રસાદ કહે છે, "પિતાની સાથે અમે બે ભાઈઓ, ત્રણ પુત્રો અને એક પુત્રવધૂ રામલલ્લાની સેવા કરીએ છીએ. તેમને રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને ભક્તો તરફથી રામલલ્લા માટે કપડાં બનાવવાનો આદેશ મળે છે."
ભગવત પ્રસાદ કહે છે કે, જ્યારે રામલલ્લા ગુંબદમાં બિરાજમાન હતા ત્યારે વર્ષમાં માત્ર એક જ ડ્રૅસ બનાવવામાં આવતો હતો.
તેઓ કહે છે, "જ્યારે ગુંબદ પડી ગયા પછી રામલલ્લા તંબુમાં આવ્યા ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષમાં સાત વખત તેમનો પોશાક બનાવવામાં આવતો હતો."
પહાડી કહે છે કે, રામલલા વિરાજમાન બહુ મોટા નથી, તેઓ 7 થી 8 ઇંચ ઊંચા છે. ભગવાન રામ, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન બધા એક જ કદના છે, બાળકનું રૂપ ધરાવે છે અને ઘૂંટણિયે બેઠા છે.
જ્યારથી રામલલ્લા લાકડાંના મંદિરમાં આવ્યા ત્યારથી ભગવત પ્રસાદને દર્શન માટે આવેલા રામભક્તો પાસેથી કપડાં બનાવવાના ઑર્ડર મળવા લાગ્યા. તે ચાર ભાઈઓ ભગવાન રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નનાં કપડાં સીવવાનું કામ કરે છે.
ભગવત પ્રસાદ જણાવે છે કે, હાલના મંદિરમાં ભગવાન હનુમાન અને શાલિગ્રામ પણ છે. રામમંદિરનું ભૂમિપૂજન થયું ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરમાં શિવલિંગની સ્થાપના પણ કરી હતી.
ભગવત પ્રસાદ કહે છે કે, ભગવાનને દરરોજ નવાં વસ્ત્રો અને નવું ભોજન મળવું જોઈએ.
તેમનું કહેવું છે કે, 22 જાન્યુઆરીએ યોજાનારી પ્રાણપ્રતિષ્ઠા પૂજા માટે તેમને નવાં કપડાં બનાવવા માટે ટ્રસ્ટ તરફથી હજુ સુધી કોઈ ઑર્ડર મળ્યો નથી.
ચંપતરાયે નવી પ્રતિમા વિશે શું કહ્યું?
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપતરાયે થોડા દિવસો પહેલા એક ભાષણમાં નવી પ્રતિમા વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ મૂર્તિ પથ્થરની છે, ઊભી છે અને તેને પાંચ વર્ષના બાળકનું રૂપ આપવામાં આવ્યું છે.
તેમણે કહ્યું હતું કે, "મૂર્તિમાં પાંચ વર્ષના બાળકનો કોમળ હસતો ચહેરો, આંખો અને શરીર છે. મૂર્તિમાં દિવ્યતા છે, તે ભગવાનના અવતાર છે, વિષ્ણુના અવતાર છે અને રાજાના પુત્ર પણ છે. તેથી તે રાજાના પુત્ર છે. તેની પાસે દેવત્વ છે, પણ તે પાંચ વર્ષના છે. આ પ્રતિમા તૈયાર છે."
આ પ્રતિમા 51 ઇંચ ઊંચી છે. તેની ઉપર તાજ અને આભા છે.
ચંપતરાયના મતે ઊંચાઈ નક્કી કરતી વખતે વિચાર આવ્યો કે, દર વર્ષે રામનવમીના દિવસે જ્યારે સૂર્ય ભગવાન બપોરે 12 વાગ્યે ચમકે છે અને રામનવમીના દિવસે બપોરે 12 વાગ્યે ભગવાનનો જન્મ થયો હોવાથી સૂર્યનાં કિરણો ભગવાન પર પડે.
ચંપતરાયે કહ્યું કે, દેશના ખૂબ જ સક્ષમ વૈજ્ઞાનિકોની મદદથી આ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આ કારણથી પ્રતિમાની ઊંચાઈ 51 ઇંચ નક્કી કરવામાં આવી છે.
આ પ્રતિમાનું વજન લગભગ દોઢ ટન છે અને તે સંપૂર્ણ રીતે પથ્થરની બનેલી છે. મૂર્તિ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે જો તેને પાણી કે દૂધમાં નવડાવવામાં આવે તો દૂધ કે પાણીની પથ્થરની કોઈ અસર ન થાય અને જો તે પાણી પીવામાં આવે તો તેની શરીર પર કોઈ આડ અસર ન થાય.
વાસ્તવમાં ત્રણ શિલ્પકારોએ ત્રણ અલગ-અલગ પથ્થરો પર પ્રતિમા બનાવી હતી. આમાંથી એક મૂર્તિ સ્વીકારવામાં આવી છે.
ચંપતરાયે કહ્યું કે, તમામ મૂર્તિઓ ટ્રસ્ટ પાસે રહેશે. મૂર્તિના નિર્માતાઓએ ખૂબ જ નિષ્ઠાથી કામ કર્યું છે.
તેમણે જણાવ્યું કે, મૂર્તિનો અભિષેક, તેની પૂજા વિધિ 16 જાન્યુઆરીથી શરૂ થશે અને 18 જાન્યુઆરીની બપોરે મૂર્તિને ગર્ભગૃહમાં તેના આસન પર સ્થાપિત કરવામાં આવશે.
ચંપતરાયે સોમવારે કહ્યું કે, ભગવાનની વર્તમાન મૂર્તિઓ, જેમની પૂજા, સેવા 70 વર્ષથી (1950થી) સતત ચાલી રહી છે, તે પણ મૂળ મંદિરના ગર્ભગૃહમાં હાજર રહેશે.
તેમણે કહ્યું કે, જે રીતે અત્યારે તેમની પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે, તે જ રીતે 22 જાન્યુઆરીથી સતત કરવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યું કે, જૂની મૂર્તિઓની સાથે શ્રી રામલલ્લાની નવી પ્રતિમાને પણ વસ્ત્રો પહેરાવવામાં આવશે.
રામ દરબાર માટે અલગથી મૂર્તિઓ બનાવાશે
રામમંદિરના પહેલા માળે ભગવાન રામના દરબારની સ્થાપના કરવામાં આવશે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કાર્યાલયના પ્રભારી પ્રકાશ ગુપ્તાએ કહ્યું કે, જો તમે રામના દરબારની તસવીર જોશો તો તેમાં રામજી, સીતાજી અને હનુમાનજીની મૂર્તિઓ હશે. પરંતુ તે મૂર્તિઓ બનાવવાનું હજી શરૂ નથી થયું."
પ્રકાશ ગુપ્તા કહે છે કે, અત્યારે માત્ર મુખ્ય મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે અને જ્યારે પહેલો માળ તૈયાર થઈ જશે ત્યારે ભગવાન રામના દરબારની મૂર્તિઓ બનાવીને સ્થાપિત કરવામાં આવશે.
પરંતુ દરબાર ક્યારે તૈયાર થશે તે અંગે પ્રકાશ ગુપ્તા કહે છે, "હજુ સમય છે અને ટ્રસ્ટે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. અત્યારે મુખ્ય કામ પ્રાણપ્રતિષ્ઠાનું છે. જ્યારે પહેલો માળ તૈયાર થશે, ત્યારે તેનું માળખું બનશે."
તેઓ કહે છે, "માન્યતા અનુસાર, જે ચિત્રમાં રામજી, સીતાજી, લક્ષ્મણ જી, હનુમાન જી, ભરત જી અને શત્રુઘ્નજીની તસવીર હોય તે પ્રમાણે બનાવવું જોઈએ. તેમાં સિંહાસન બનાવવામાં આવશે અને તેના પર મૂર્તિઓ મૂકવામાં આવશે. સિંહાસન આરસનું બનેલું હશે. જ્યારે તે બનાવવામાં આવશે, ત્યારે તેને ચાંદીનો ઢોળ ચઢાવવામાં આવશે."
પ્રકાશ ગુપ્તા કહે છે, "રામ દરબાર માત્ર ભગવાન રામ માટે જ હશે, સંકુલમાં અન્ય દેવતાઓ માટે અલગ મંદિરો બનાવવામાં આવી રહ્યાં છે."