You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુનીતા વિલિયમ્સ : આઠ દિવસ માટે ગયેલાં અંતરીક્ષયાત્રીને નવ મહિના કેમ રહેવું પડ્યું?
નવ મહિનાનો લાંબો સમય અવકાશમાં પસાર કર્યા પછી ભારતીય મૂળનાં અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બેરી બુચ વિલ્મોરનું ધરતી પર આગમન થયું છે.
બુધવારે વહેલી સવારે ત્રણ વાગ્યા ને 27 મિનિટે બંને અવકાશયાત્રીઓ સ્પેસઍક્સના સ્પેસ કૅપ્સ્યૂલ ડ્રૅગન મારફતે 17 કલાકની લાંબી મુસાફરી બાદ ધરતી પર પરત ફરવામાં સફળ રહ્યાં હતાં.
નાસાના ઍસ્ટ્રોનૉટ્સ નિક હૉગ અને રશિયાની સ્પેસ એજન્સીના રૉસકૉસમૉસના અવકાશયાત્રી અલેન્સાંદ્ર ગોરબુનોવ પણ સાથે આવ્યા છે.
બંને અંતરીક્ષયાત્રી માત્ર આઠ દિવસ માટે ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન ગયાં હતાં, પરંતુ યાનમાં કેટલીક ટેકનિકલ સમસ્યા પેદા થવાના કારણે તેમણે છેલ્લા નવ મહિનાથી અંતરીક્ષમાં જ રહેવું પડ્યું છે.
નવી ટુકડી ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચે તેના બે દિવસ પછી અંતરીક્ષયાત્રી પૃથ્વી પર પરત આવવા પોતાનો પ્રવાસ શરૂ કરશે. નાસાના કૉમર્શિયલ ક્રૂ પ્રોગ્રામના મૅનેજર સ્ટીવ સ્ટિચે જણાવ્યું કે તેઓ આ મિશનથી બહુ ખુશ છે.
સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે 5 જૂન 2024ના રોજ પરીક્ષણ મિશન માટે બૉઇંગના સ્ટારલાઇનર અંતરીક્ષયાનમાં ઉડાન ભરી હતી. તેમણે આઠ દિવસ પછી પાછા આવવાનું હતું. પરંતુ તેમને હજુ પરત લાવી શકાયાં નથી.
બુચ વિલ્મોર અને સુનીતા વિલિયમ્સને ધરતી પર લાવવામાં શું મુશ્કેલી પડી?
અંતરીક્ષયાન સ્ટારલાઇનરમાં પેદા થયેલી સમસ્યાના કારણે બંનેને પરત લાવવામાં મુશ્કેલી પેદા થઈ છે.
સ્ટારલાઇનર અંતરીક્ષયાન જ્યારે આઇએસએસની નજીક પહોંચ્યું ત્યારે તેમાં સમસ્યા પેદા થઈ હતી. યાનને દિશા આપતા પાંચ થ્રસ્ટર્સ બંધ થઈ ગયાં હતાં. તેમાં હિલિયમ ગૅસ ખાલી થઈ ગયો હતો. જેને લીધે બળતણવાળા ઈંધણ પર યાનને નિર્ભર રહેવું પડ્યું અને બંને અવકાશયાત્રીઓ ત્યાં જ અટકી ગયાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યાર પછી પણ યાનમાં અમુક ટેકનિકલ સમસ્યા સર્જાઈ હતી.
61 વર્ષીય વિલ્મોર અને 58 વર્ષીય સુનીતાને બૉઇંગ સ્ટારલાઇનર અવકાશયાન દ્વારા ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન પર લઈ જવામાં આવ્યાં હતાં. આ પ્રકારની એ પ્રથમ ફ્લાઇટ હતી જેમાં લોકો સવાર હતા.
અંતરીક્ષયાન નિયમિતપણે ઉપયોગમાં લેવાતા પહેલા નવા અવકાશયાન કેવું પ્રદર્શન કરે છે તે જોવા માટે આ એક પરીક્ષણ હતું.
જોકે, જેમ જેમ તે આગળ વધતું ગયું તેમ કેટલીક સમસ્યાઓ થવા લાગી. તેની પ્રોપલ્શન સિસ્ટમમાં લિકેજ થયું હતું અને કેટલાંક થ્રસ્ટર્સ પણ બંધ થવાં લાગ્યાં હતાં.
બૉઇંગ સ્ટારલાઇનરમાં કોઈ પ્રકારની સમસ્યા પ્રકાશમાં આવી હોય તેવું આ પ્રથમ વખત નથી. તેની પ્રથમ માનવરહિત ફ્લાઇટ ડિસેમ્બર 2019માં મોકલવામાં આવી હતી, પરંતુ સૉફ્ટવૅરમાં ખામીને કારણે આ ફ્લાઇટ સ્પેસ સ્ટેશન સુધી પહોંચી શકી ન હતી.
તે વખતે નાસાએ કહ્યું હતું કે ઑટોમેશન અને ટાઇમર્સમાં સામંજસ્ય ન હોવાના કારણે સ્ટારલાઇનરને રસ્તામાંથી જ પરત આવવું પડ્યું હતું.
બીજો પ્રયાસ 2022માં કરવામાં આવ્યો હતો ત્યારે માનવરહીત યાનને સ્પેસ સ્ટેશન માટે મોકલવામાં આવ્યા હતા. પરંતુ યાનના કેટલાક થ્રસ્ટરે યોગ્ય રીતે કામ કર્યું ન હતું.
2024માં નાસાના સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા બુચ અને સુનીતાને ધરતી પર લાવવા માટે સ્પેસએક્સે જવાબદારી લીધી હતી.
સુનીતાની વાપસી મામલે ટ્રમ્પ શા માટે નારાજ હતા?
સુનીતા વિલિયમ્સની વાપસીમાં આટલો બધો વિલંબ થયો તે અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બાઇડન વહીવટીતંત્રની ઝાટકણી કાઢી હતી.
થોડા દિવસો અગાઉ ટ્રમ્પે કહ્યું હતું કે, "તમારે આટલા લાંબા સમય સુધી અંતરીક્ષમાં રહેવું ન જોઈએ. આપણા ઇતિહાસના સૌથી નિષ્ફળ રાષ્ટ્રપતિએ આવું થવા દીધું. પરંતુ આ રાષ્ટ્રપતિ એવું થવા નહીં દે."
જાન્યુઆરી મહિનામાં ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું હતું કે, "મેં તાજેતરમાં જ ઇલૉન મસ્ક અને સ્પેસએક્સને આ બે બહાદુર અંતરીક્ષયાત્રીઓ (સુનીતા વિલિયમ્સ અને બુચ બિલ્મોર)ને પરત લાવવા કહ્યું છે. બાઇડન તંત્રે તેમને અંતરીક્ષમાં લગભગ છોડી દીધાં છે. તેઓ કેટલાય મહિનાથી સ્પેસ સ્ટેશન પર રાહ જોઈ રહ્યાં છે. આશા રાખીએ કે બધા સુરક્ષિત હશે."
ઇલૉન મસ્કને કમાન કેમ સોંપાઈ હતી?
સુનીતા અને બુચને અંતરીક્ષ સ્પેસ સ્ટેશન પર લઈ જનાર બૉઇંગ સ્ટારલાઇનરની આ પરીક્ષણયાત્રા હતી.
આ પ્રવાસ દરમિયાન ઘણી ખામીઓ બહાર આવી. તેથી સ્ટારલાઇનર દ્વારા તેમને પરત આવવાની યોજના રદ કરવામાં આવી હતી.
નાસા નહોતું ઇચ્છતું કે કોલંબિયા યાન જેવી દુર્ઘટના થાય. નાસાનું કહેવું છે કે અંતરીક્ષયાત્રીઓને પરત લાવવા માટે પહેલાં ચર્ચા થઈ અને પછી વોટિંગ કરવામાં આવ્યું હતું. બૉઇંગ ઉપરાંત બધાએ મસ્કના ડ્રેગન ક્રૂ પર ભરોસો મૂક્યો હતો. બૉઇંગનું કહેવું છે કે સ્ટારલાઇનર એક સુરક્ષિત યાન છે.
મસ્કની કંપની સ્પેસએક્સનું અંતરીક્ષયાન ડ્રેગન અગાઉ અનેક સફળ અંતરીક્ષયાત્રાઓને પાર પાડી ચૂક્યું છે. આ કારણે જ બંને અંતરીક્ષયાત્રીઓને પરત લાવવામાં આ યાનનો ઉપયોગ નક્કી કરવામાં આવ્યો છે.
સ્પેસએક્સ ક્રૂ ડ્રેગન શું છે?
સ્પેસએક્સ ક્રૂ ડ્રેગન એક અવકાશયાન છે. તેને ઇલૉન મસ્કની કંપની સ્પેસએક્સ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તેના દ્વારા અવકાશયાત્રીઓને આઇએસએસ સુધી લઈ જવાય છે.
તેને નાસાની એ યોજના હેઠળ વિકસાવવામાં આવી હતી, જેના હેઠળ અમેરિકન સરકારે સ્પેસ સ્ટેશનની ફ્લાઇટ્સ ખાનગી કંપનીઓને સોંપી હતી. આ પહેલાં અમેરિકા રશિયન પ્રક્ષેપણ પર નિર્ભર રહેતું હતું.
ક્રૂ ડ્રેગન 16 ડ્રેકો થ્રસ્ટર્સથી સજ્જ છે. તેને ફાલ્કન 9 રૉકેટથી લૉન્ચ કરવામાં આવ્યું છે. તેમાં એક સમયે સાત અવકાશયાત્રીઓ મોકલી શકાય છે. તે વારંવાર વાપરી શકાય છે. અવકાશમાંથી પાછા ફરતી વખતે આ વાહન અવાજની ગતિથી પણ 25 ગણી ઝડપે પસાર થાય છે.
તે પોતાની જાતને અન્ય અવકાશયાન સાથે જોડી શકે છે. જો તેની ઉડાન દરમિયાન કોઈ પણ પ્રકારની ખલેલ પડે તો તે લૉન્ચ એસ્કેપ સિસ્ટમથી પણ સજ્જ છે, જે તરત જ ક્રૂ ડ્રેગનને રૉકેટથી અલગ કરી દે છે.
અવકાશયાત્રીઓને સુરક્ષિત રીતે નીચે લાવવા માટે તેમાં પેરાશૂટ પણ લગાવવામાં આવ્યા છે. ફ્લાઇટ કમ્પ્યુટર અને થ્રસ્ટર્સ ફેલ થયાં પછી પણ તે સ્પેસક્રાફ્ટ ક્રૂને સુરક્ષિત રીતે પાછા લાવવામાં સક્ષમ છે.
સુનીતા વિલિયમ્સ કોણ છે?
સુનીતા લિન વિલિયમ્સ ભારતીય મૂળનાં બીજાં અમેરિકન અવકાશયાત્રી છે. કલ્પના ચાવલા પછી નાસાએ ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશનની 'એક્સપેડિશન-14'ની ટીમમાં ભારતીય મૂળનાં સુનીતા લીન વિલિયમ્સનો સમાવેશ કર્યો હતો.
સુનીતાનો જન્મ 1965માં અમેરિકાના ઓહાયોમાં થયો હતો. તેમના પિતા ગુજરાતથી આવ્યા હતા અને 1958માં અમેરિકામાં સ્થાયી થયા હતા.
સુનીતાના પિતાનું નામ દીપક પંડ્યા અને માતાનું નામ બોની પંડ્યા છે. સુનીતાના પતિ માઇકલ વિલિયમ્સ પણ પાઇલટ છે અને હવે પોલીસ ઑફિસર તરીકે કામ કરે છે.
નાસાએ 1998માં સુનીતાને અવકાશયાત્રી તરીકે પસંદ કરી હતી. સ્થાનિક પત્રકાર સલીમ રીઝવીના જણાવ્યા અનુસાર, સુનીતા અમેરિકન નેવલ ઍકેડૅમીની ગ્રૅજ્યુએટ છે તેમજ કુશળ ફાઇટર પાઇલટ પણ છે.
તેમણે 30 અલગ-અલગ પ્રકારના ઍરક્રાફ્ટમાં 2700 કલાકથી વધુ સમયનું ઉડ્ડયન કર્યું છે.
સુનીતા વિલિયમ્સે પ્રથમ નોકરી નૌકાદળનાં એવિએટર તરીકે કરી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન