પૃથ્વીના ગર્ભનો આકાર છેલ્લાં 20 વર્ષમાં બદલાયો હશે, વૈજ્ઞાનિકોએ શું દાવો કર્યો?

    • લેેખક, જ્યોર્જિના રેનાર્ડ
    • પદ, ક્લાઈમેટ એન્ડ સાયન્સ સંવાદદાતા

વૈજ્ઞાનિકોનું એક જૂથ માને છે કે, છેલ્લાં 20 વર્ષમાં પૃથ્વીનો ભૂ કેન્દ્રીય ભાગનો આકાર બદલાયો હોવો જોઈએ.

આ સંશોધનનું નેતૃત્વ કરનારા પ્રોફેસર જૉન વિડાલેના જણાવ્યા અનુસાર, આંતરિક ભૂ કેન્દ્રીય ભાગ સામાન્ય રીતે દડા જેવો માનવામાં આવે છે, પણ ખરેખર કેટલેક ઠેકાણે સો મીટર કે તેનાથી વધુ ઊંચાઈ સુધી ફેરફાર થઈ શકે છે.

પૃથ્વીનો મુખ્ય ભાગ આપણા ગ્રહનો ઊર્જા સ્રોત છે, કારણ કે તે એક ચુંબકીય ક્ષેત્ર બનાવે છે જે જીવનને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવે છે.

આંતરિક ભૂ કેન્દ્રીય ભાગ જે છે તે તરલ પ્રકારની બહાર તેમજ અન્ય ગ્રહથી અલગ રીતે પોતાની ગતિમાં ફરે છે. જો તે ફરવાનું બંધ કરે તો પૃથ્વી નિષ્ક્રિય થઈ શકે છે અને મંગળની જેમ તેમાં પણ જીવન સમાપ્ત થઈ શકે છે. મંગળે તેના ચુંબકીય ક્ષેત્રને અબજો વર્ષો પહેલાં ગુમાવી દીધું હતું.

જ્યાં નક્કર આંતરિક ભૂ કેન્દ્રીય ભાગની ધાર બાહ્ય ભાગની અત્યંત ગરમ પ્રવાહી ધાતુને સ્પર્શે છે ત્યાં આકારમાં આ ફેરફાર થવાની શક્યતા રહે છે.

પૃથ્વી અંગેનું વિજ્ઞાનિકોનું સંશોધન શું કહે છે?

નૅચરલ જિયોસાયન્સ નામની વિજ્ઞાન પત્રિકામાં આ રિસર્ચ પ્રકાશિત થયું છે.

વૈજ્ઞાનિકો એ સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે શા માટે આંતરિક ભૂ કેન્દ્રીય ભાગ પૃથ્વીના પરિભ્રમણ કરતાં ધીમી ગતિએ ફરવાનું શરૂ કરે છે અને પછી વર્ષ 2010માં ફરીથી ઝડપી કેમ થઈ ગઈ.

પૃથ્વીનો ભાગ કેવી રીતે કામ કરે છે તે સમજવું જરુરી છે, કારણ કે ગ્રહનું રક્ષણ કરતા ચુંબકીય ક્ષેત્રને સમજી શકાય, તેમજ તે નબળું પડી શકે છે અથવા બંધ થઈ શકે છે કે કેમ તેનો પણ તાગ મેળવી શકાય.

આપણા ગ્રહનો આંતરિક ભાગ હજુ પણ વણઉકેલ્યો કોયડો છે. અંદરનો ભાગ પૃથ્વીની સપાટીથી લગભગ 4000 માઈલ નીચે છે અને ઘણા પ્રયત્નો છતાં વૈજ્ઞાનિકો ત્યાં સુધી પહોંચી શક્યા નથી.

તેનાં રહસ્યોને સમજવા માટે, વૈજ્ઞાનિકો ધરતીકંપ દ્વારા બનાવવામાં આવેલા તરંગો (શોકવેવ્સ)નો અભ્યાસ કરે છે, જે સમગ્ર ગ્રહમાં ફેલાય છે.

આ તરંગોની ગતિ અને દિશાથી માલૂમ પડે છે કે તેઓ કયા ક્યા પદાર્થમાંથી પસાર થયા છે. જેનાથી આંતરિક ભૂ કેન્દ્રીય ભાગ વિશે માહિતી મળે છે. એ સમજવામાં પણ મદદ મળે છે કે આપણા પગ નીચે શું છુપાયેલું છે.

આ નવા સંશોધનમાં વર્ષ 1991 અને વર્ષ 2023 વચ્ચે એક જ જગ્યાએ વારંવાર આવતા ધરતીકંપમાંથી નીકળતા તરંગોની પૅટર્ન - રચનાનો અભ્યાસ કરવામાં આવ્યો છે. આનાથી એ સમજવામાં મદદ મળી કે આંતરિક કિનારી સમય સાથે કેવી રીતે બદલાઈ રહી છે.

દક્ષિણ કૅલિફોર્નિયા વિશ્વવિદ્યાલયના પ્રોફેસર જૉન વિડાલેના જણાવ્યા અનુસાર, વર્ષ 2010ની આસપાસ અંદરના ભાગની ગતિ ધીમી પડી ગઈ હતી. પોતાના સંશોધનની યથાર્થતા માટે તેમણે વધુ પુરાવા એકઠા કર્યા હતા.

પરંતુ તેમની ટીમને આંતરિક ભૂ કેન્દ્રીય ભાગના આકારમાં ફેરફારના પુરાવા પણ મળ્યા હતા. આ પરિવર્તન આંતરિક અને બાહ્ય ભાગ પર થઈ રહ્યું હતું, જ્યાં આંતરિક ભૂ કેન્દ્રીય ભાગ પીગળી રહ્યો હતો.

બાહ્ય કિનારી પર તરલ પ્રવાહ અને અસમાન ગુરુત્વાકર્ષણ ક્ષેત્રને કારણે આંતરિક ભૂ કેન્દ્રીય ભાગ બદલાઈ શકે છે.

વૈજ્ઞાનિકોની નવી શોધથી શું બદલાઈ શકે છે?

ઑસ્ટ્રેલિયન નૅશનલ યુનિવર્સિટીના પ્રો. હવોર્જે ટકાલસિક આ સંશોધનમાં સામેલ ન હતા. તેમનું કહેવું છે કે આ સંશોધન એક રસપ્રદ ખ્યાલ રજૂ કરે છે, જેની વધુ તપાસની જરૂર છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે આ સંશોધન વૈજ્ઞાનિકોને આંતરિક ભૂ કેન્દ્રીય ભાગની ભીનાશ જેવા મહત્ત્વપૂર્ણ ભૌતિક ગુણધર્મોની વધુ સારી રીતે આગાહી કરવામાં મદદ કરી શકે છે, જે આધુનિક વિજ્ઞાનમાં સૌથી ઓછી સમજાયેલી બાબતોમાંની એક છે.

સમય જતાં બહારની પ્રવાહી કિનારી ઝડપથી આંતરિક ઘન કિનારીમાં ફેરવાઈ રહી છે, પરંતુ તેને સંપૂર્ણ ઘન બનવામાં અબજો વર્ષોનો સમય લાગશે.

જ્યારે આવું થશે, ત્યારે કદાચ પૃથ્વી પર જીવન સમાપ્ત થઈ જશે. શક્ય છે કે ત્યાં સુધીમાં સૂર્ય પૃથ્વીને ગળી ગયો હશે.

પ્રોફેસર વિડાલેનો આ અભ્યાસ એ સંશોધનનો એક ભાગ છે જેમાં વૈજ્ઞાનિકો એ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે કે પૃથ્વીના પેટાળમાં કયા ફેરફાર થઈ રહ્યા છે.

પ્રોફેસર વિડાલે કહે છે, "વિજ્ઞાનમાં ત્યાં સુધી સંશોધન થતું રહે છે જ્યાં સુધી તે સંપૂર્ણ રીતે સમજાઈ ન જાય."

તેમણે કહ્યું કે, "શક્ય છે કે આ શોધની આપણા રોજિંદા જીવન પર કોઈ અસર નહીં થાય, પરંતુ અમે ખરેખર સમજવા માગીએ છીએ કે પૃથ્વીના પેટાળમાં શું થઈ રહ્યું છે."

શક્ય છે કે આંતરિક ભાગમાં થઈ રહેલા આ ફેરફારો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં થઈ રહેલા ફેરફારો સાથે સંબંધિત હોય.

તેમણે એમ પણ કહ્યું, "પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં અચાનક ઝટકા છેલ્લા કેટલાક દાયકામાં જોવા મળ્યા છે, અને અમે જાણવા માગીએ છીએ કે શું તે આંતરિક ભૂ કેન્દ્રીય ભાગ સાથે જોડાયેલા છે કે કેમ."

જોકે, પ્રોફેસર વિડાલે આ સંશોધનને અતિશ્યોક્ત રીતે રજૂ ન કરવા સલાહ આપી છે. ખાસ કરીને એવી પૂર્વધારણાને ધ્યાનમાં રાખીને કે આંતરિક ભૂ કેન્દ્રીય ભાગ ટૂંક સમયમાં ફરવાનું બંધ કરી શકે છે.

તેમણે એ પણ સ્વીકાર્યું કે ઘણી અનિશ્ચિતતાઓ હજુ પણ અકબંધ છે.

"અમને 100 ટકા ખાતરી નથી કે અમે ફેરફારોને યોગ્ય રીતે જણાવી રહ્યા છીએ કે નહીં. "

તેમણે કહ્યું, "વિજ્ઞાન હંમેશાં નવાં તથ્યોના આધારે બદલાતું રહે છે અને અન્ય વૈજ્ઞાનિકો પણ છે. હું પણ પહેલાં ખોટો સાબિત થયો છું.''

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.