You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ઉછીના રૂપિયા લઈને શૅરબજારમાં રોક્યા, હવે લેણદારો પાછળ પડી ગયા છે', નાના રોકાણકારોની બચત પાણીની જેમ વહી ગઈ
- લેેખક, સૌતિક બિસ્વાસ અને નિખિલ ઇનામદાર
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતીય શૅરબજારમાં તાજેતરના કડાકાએ મધ્યમ વર્ગના નાના રોકાણકારોને હચમચાવી દીધા છે.
રાજેશકુમારનું જ ઉદાહરણ લો. બે વર્ષ અગાઉ તેમણે પોતાના બૅન્ક ઍડવાઇઝરની સલાહ માનીને બચતનાં બધાં નાણાં શૅર, મ્યુચ્યુઅલ ફંડ અને બૉન્ડમાં રોકી દીધાં હતાં. તેમણે બૅન્કની ફિક્સ્ડ ડિપોઝિટના રૂપિયા પણ ઉઠાવીને માર્કેટમાં રોક્યા હતા.
તે વખતે બજારમાં જોરદાર તેજી હતી. બિહારસ્થિત એન્જિનિયર રાજેશકુમાર અને તેમના જેવા લાખો લોકોએ લિસ્ટેડ કંપનીઓમાં મૂડી લગાવી હતી.
છ વર્ષ અગાઉ ભારતમાં દર 14માંથી એક વ્યક્તિ શૅરબજારમાં મૂડી રોકતી હતી. આજે દર પાંચમાંથી એક ભારતીયનું શૅરમાર્કેટમાં રોકાણ છે.
પરંતુ અચાનક સ્થિતિ બદલાઈ ગઈ છે.
વિદેશી રોકાણકારો બજારમાંથી નાણાં પરત ખેંચી રહ્યા છે જેના કારણે છ મહિનાથી ભારતીય બજાર સતત ઘટતું જાય છે.
છેલ્લા એક દાયકામાં સૌથી ખરાબ અનુભવ
ભારતીય કંપનીઓનાં વૅલ્યૂએશન્સ વધારે પડતા ઊંચાં હતાં, ત્રિમાસિક રિઝલ્ટ નબળાં આવ્યાં અને ગ્લોબલ મૂડી ચીન તરફ જવા લાગી. તેના કારણે સપ્ટેમ્બરની ટોચથી અત્યાર સુધીમાં ભારતીય બજારની વૅલ્યૂમાં 900 અબજ ડૉલરનું ધોવાણ થયું છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફની જાહેરાત કરી તે અગાઉથી ઘટાડો શરૂ થઈ ગયો હતો. હવે ટેરિફની વધુ વિગત આવતી જાય છે તેમ તેમ બજાર ઘટતું જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતનો નિફ્ટી ઇન્ડેક્સ ટોચની 50 લિસ્ટેડ કંપનીઓને ટ્રૅક કરે છે. નિફ્ટી સળંગ પાંચ મહિનાથી ઘટ્યો છે અને 29 વર્ષમાં આવું પહેલી વખત થયું છે. દુનિયાના સૌથી ઝડપથી વિકસતા માર્કેટ પૈકી એક ગણવામાં આવતા ભારતમાં આ મોટી વાત છે. શૅરબજારના બ્રૉકરોનું કહેવું છે કે તેમની પાસે હવે પહેલાં કરતાં ત્રીજા ભાગનું કામ આવે છે.
રાજેશકુમાર કહે છે કે, "છેલ્લા છ મહિનાથી મારા રોકાણની વૅલ્યૂ ઘટતી જાય છે. હું છેલ્લા એક દાયકાથી શૅરબજારમાં રોકાણ કરું છું અને આ સૌથી ખરાબ અનુભવ છે."
55 વર્ષીય કુમારના બૅન્ક ખાતામાં બહુ ઓછી રકમ છે કારણ કે તેમણે મોટા ભાગની મૂડી શૅરબજારમાં રોકી દીધી છે. તેમનો પુત્ર પ્રાઇવેટ મેડિકલ કૉલેજમાં ભણે છે અને જુલાઈમાં તેમણે 18 લાખ રૂપિયા ફી ભરવાની છે. તેમણે કદાચ ભારે નુકસાન વેઠીને બધું રોકાણ વેચવું પડે તેવી સ્થિતિ છે.
તેઓ કહે છે કે, "એક વખત માર્કેટમાં ઉછાળો આવે ત્યાર પછી શૅર વેચીને નાણાં બૅન્કમાં રાખવાનું વિચારું છું."
રાજેશકુમાર જેવી સ્થિતિ નાનાં મોટાં શહેરોમાં વસતા મિડલ ક્લાસના લાખો લોકોની છે જેમણે શૅરમાર્કેટમાં મૂડી રોકી છે.
ઊંચા વળતરની લાલચ બજારમાં ખેંચી લાવી
ભારતમાં મોટા ભાગના લોકો મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને એસઆઈપી દ્વારા રોકાણ કરે છે.
એસઆઈપીથી રોકાણ કરનારા લોકોની સંખ્યા 10 કરોડનો આંકડો વટાવી ગઈ છે.
પાંચ વર્ષ અગાઉ આ આંકડો 3.4 કરોડનો હતો. એટલે કે રોકાણકારોની સંખ્યા લગભગ ત્રણ ગણી વધી છે. પહેલી વખત માર્કેટમાં રોકાણ કરતા લોકો ઊંચા વળતરથી લલચાઈને શૅરમાર્કેટમાં આવે છે અને તેમને શૅરબજાર વિશે બહુ ઓછી માહિતી હોય છે.
ઘણી વખત તેઓ ઇન્સ્ટાગ્રામ અને યુટ્યૂબ જેવા પ્લૅટફૉર્મ પર સોશિયલ મીડિયા 'ઇન્ફ્લુઅન્સર'થી પ્રભાવિત થઈને આવતા હોય છે. સોશિયલ મીડિયા પર ઍક્સપર્ટ અને શીખાઉ એમ બંને પ્રકારના નાણાકીય ઇન્ફ્લુએન્સર્સ હોય છે.
તરુણ સરકારની વાત કરીએ જે એક નિવૃત્ત માર્કેટિંગ મૅનેજર છે. તેના પરથી ભારતના નવા રોકાણકારો વિશે ખ્યાલ આવશે.
ગયા વર્ષે તરુણ સરકારના પબ્લિક પ્રૉવિડન્ટ ફંડની રકમ પાકી ગઈ ત્યારે તેમણે પોતાની નિવૃત્તિના નાણાંને સુરક્ષિત રાખવાનો વિચાર કર્યો. અગાઉ શૅરબજારમાં સીધું રોકાણ કરીને તેમણે નુકસાન વેઠી ચૂક્યા હતા. તેથી આ વખતે તેમણે એક સલાહકારની મદદથી મ્યુચ્યુઅલ ફંડમાં નાણાં રોક્યા. તે વખતે બજારમાં તેજી હતી.
તેઓ કહે છે કે, "મેં મારી 80 ટકા બચત મ્યુચ્યુઅલ ફંડમાં મૂકી છે અને માત્ર 20 ટકા નાણાં બૅન્કમાં રાખ્યા છે. હવે મારા સલાહકારે કહ્યું છે કે છ મહિના સુધી તમારા રોકાણ પર નજર પણ ન નાખતા, નહીંતર હાર્ટ-ઍટેક આવી જશે."
સરકારને સમજાતું નથી કે નિવૃત્તિનાં મોટાં ભાગનાં નાણાં શૅરબજારમાં નાખવાનો નિર્ણય યોગ્ય હતો કે નહીં.
તેઓ કહે છે, "હું અજ્ઞાની પણ છું અને ભરોસો પણ છે. બજારમાં શું થાય છે અને શા માટે થાય છે તે અંગે અજ્ઞાની છું. છતાં ભરોસો પણ છે કારણ કે ઇન્સ્ટાગ્રામ ઍક્સપર્ટ્સના કારણે રોકાણ એ કરોડોપતિ બનવાનો સીધો માર્ગ લાગે છે. સાથે સાથે મને ખબર છે કે હું છેતરપિંડી અને ખોટા દેખાડામાં ફસાઈ ગયો હોઉં એ પણ શક્ય છે."
સોશિયલ મીડિયા ટિપ્સના આધારે રોકાણ
તરુણ સરકાર કહે છે કે, શૅર વિશેના ટીવી કાર્યક્રમો અને વૉટ્સઍપ ગ્રૂપમાં થતી ચર્ચા જોઈને તેઓ શૅરબજાર તરફ આકર્ષાયા હતા. વૉટ્સઍપ ગ્રૂપમાં લોકો પોતાને શૅરમાં કેટલો ફાયદો થયો તેની બડાઈ મારતા હોય છે.
તેમના ઍપાર્ટમેન્ટમાં ટીનેજર્સ પણ શૅર ખરીદવાની ટિપ્સ આપે છે. એક બૅડમિન્ટન ગેઇમ દરમિયાન એક ટીનેજરે સરકારને એક ટેલિકૉમ શૅર ખરીદવાની સલાહ આપી હતી.
તેઓ કહે છે કે, "આવી સલાહ મળે ત્યારે તમને વિચાર આવે છે કે લાવ અજમાવી જોઉં. તેથી મેં રોકાણ કર્યું અને બજારમાં કડાકો આવ્યો."
શૅરબજારના દેખાવ વિશે સરકાર આશાવાદી છે. તેઓ કહે છે કે, "હું ધીરજ રાખું છું. મને ખાતરી છે કે માર્કેટ રિકવર કરશે અને મને મારાં નાણાં પાછાં મળી જશે."
બીજા કેટલાક લોકોએ ઘણું વધારે જોખમ લીધું છે અને નાણાં ગુમાવ્યાં છે.
રમેશ (નામ બદલ્યું છે) એક નાનકડા ઔદ્યોગિક શહેરમાં એકાઉન્ટિંગ ક્લાર્ક તરીકે કામ કરે છે. તેમણે પણ ઝડપથી પૈસાદાર થવાના વીડિયો જોયા હતા. રમેશે કોવિડ વખતે ઉછીનાં નાણાં લીધાં અને શૅરબજારમાં રોક્યા.
તેમને યુટ્યુબ ઇન્ફ્લુઅન્સરના વીડિયો જોવાની આદત પડી ગઈ હતી. તેમાં તેમણે અત્યંત જોખમી ગણાતા પેની શૅરો તથા ડૅરિવેટિવ્ઝ ટ્રેડિંગમાં નાણાં રોક્યાં. આ મહિને તેને 1.60 લાખ રૂપિયા આસપાસ નુકસાન ગયું છે જે તેના વાર્ષિક પગાર કરતા પણ વધુ છે. તેણે બ્રોકરેજ એકાઉન્ટ બંધ કર્યું અને બજારમાંથી નીકળી ગયા.
તે કહે છે, "મેં આ રૂપિયા ઉછીના લીધા હતા. હવે ધિરાણકારો મારી પાછળ પડી ગયા છે."
વધારે પડતી ઊંચી અપેક્ષાઓ નડી ગઈ?
ભારતમાં રમેશ જેવા લગભગ 1.10 કરોડ રોકાણકારો છે જેમણે ફ્યુચર્સ ઍન્ડ ઑપ્શન ટ્રેડિંગમાં 20 અબજ ડૉલરથી વધુ નાણાં ગુમાવ્યાં હતાં. અંતે માર્કેટ રેગ્યુલેટરે હસ્તક્ષેપ કરવો પડ્યો.
નાણાકીય સલાહકાર સમીર દોશી કહે છે, "કોવિડ વખતે જે કડાકો આવ્યો હતો તેના કરતા આ ઘટાડો અલગ છે. તે વખતે રિકવરીની ખાતરી હતી કારણ કે વૅક્સિન શોધાવાની હતી. પરંતુ હવે ટ્રમ્પનું પરિબળ કામ કરે છે જેનાથી અનિશ્ચિતતા વધી છે. આગળ શું થશે તે કોઈ નથી જાણતું."
ભારતમાં વધતા ડિજિટલ પ્લૅટફૉર્મ અને ઓછા ખર્ચે રોકાણની સગવડ આપતા બ્રોકરેજિસના કારણે રોકાણ કરવું વધુ સરળ બન્યું છે. સ્માર્ટફોન અને યુઝર-ફ્રેન્ડલી ઍપના કારણે બજારમાં ભાગીદારી કરવી બહુ આસાન છે. તેના કારણે યુવાનો પણ તેમાં રોકાણ કરવા લાગ્યા છે.
બીજી તરફ ઘણા નવા ભારતીય રોકાણકારોને વાસ્તવિકતાનો સામનો થયો છે. લેખક અને નાણાકીય સલાહકાર મોનિકા હાલન કહે છે કે "શૅરબજાર એ જુગારનો અડ્ડો નથી. તમારે તમારી અપેક્ષાઓને નિયંત્રિત કરવી પડે."
તેઓ કહે છે, "તમને ઓછામાં ઓછાં સાત વર્ષ સુધી રૂપિયાની જરૂર ન હોય ત્યારે જ શૅરબજારમાં રોકાણ કરો. તમે જોખમ લેતા હોવ તો ઘટાડાને પણ ધ્યાનમાં રાખો. હું કેટલી ખોટ સહન કરી શકું? મને કેટલી ખોટ પરવડશે?"
મધ્યમવર્ગ માટે પડતા પર પાટુ જેવી સ્થિતિ
બજારનો આ ઘટાડો એવા સમયે આવ્યો છે જ્યારે ભારતનો મિડલ ક્લાસ મુશ્કેલીમાં છે. દેશની આર્થિક વૃદ્ધિ ધીમી પડી છે, વેતન સ્થિર થઈ ગયા છે, કેટલાંય વર્ષોથી ખાનગી રોકાણમાં નરમાઈ છે અને નવી રોજગારીનું સર્જન પણ ધીમું પડ્યું છે. આ બધા વચ્ચે ઘણા નવા રોકાણકારો અનપેક્ષિત ખોટનો સામનો કરી રહ્યા છે.
નાણાકીય વિશ્લેષક અનિંદ્યો ચક્રવર્તી કહે છે કે, "સામાન્ય સંજોગોમાં બચતકર્તાઓ ટૂંકા ગાળાના આંચકા સહન કરી શકે છે, કારણ કે તેમની સ્થિર આવક હોય છે. તેનાથી તેમની બચત વધતી રહે છે."
તેઓ કહે છે કે, "અત્યારે મિડલ ક્લાસ માટે એક મોટી આર્થિક કટોકટીમાં છીએ. એક તરફ વ્હાઇટ કૉલર જૉબની તકો ઘટતી જાય છે. બીજી તરફ મિડલ ક્લાસના પરિવારો માટે વાસ્તવિક ફુગાવો ટોચ પર છે. આવામાં મધ્યમવર્ગના ઘરેલુ ફાઇનાન્સ માટે આ ભયંકર સમય છે."
જયદીપ મરાઠે જેવા નાણાકીય સલાહકારો માને છે કે આગામી છથી આઠ મહિના સુધી અસ્થિરતા ચાલુ રહેશે તો કેટલાક લોકો બજારમાંથી પૈસા ઉપાડવાનું શરૂ કરશે અને તેમને સુરક્ષિત બૅન્ક ડિપોઝિટમાં ખસેડવાનું શરૂ કરશે.
તેઓ કહે છે, "અમે અમારા ગ્રાહકોને તેમના પોર્ટફોલિયોમાં વેચાણ ન કરવા અને આને સાઇક્લિકલ ઘટના તરીકે ગણવા સમજાવીએ છીએ."
બધું જ નિરાશાજનક છે એવું નથી
જોકે, આ બધા વચ્ચે આશાનું કિરણ પણ છે. મોટા ભાગના લોકો માને છે કે બજારમાં અગાઉની હાઈ સપાટી પરથી કરેક્શન આવ્યું છે.
જાણીતા શૅરમાર્કેટ નિષ્ણાત અજય બગ્ગા કહે છે કે, "ફેબ્રુઆરીથી વિદેશી રોકાણકારોની વેચવાલી ધીમી થઈ છે, જે સૂચવે છે કે બજારમાં ઘટાડાનો અંત આવી રહ્યો છે."
તેઓ કહે છે કે, "કરેક્શન પછી ઘણા શૅરબજાર ઇન્ડેક્સની વૅલ્યૂ 10 વર્ષની સરેરાશથી નીચે આવી ગઈ છે, જેનાથી થોડી રાહત મળી છે."
બગ્ગા માને છે કે "બજેટમાં અપાયેલી 12 અબજ ડૉલરની આવકવેરાની રાહત, વ્યાજદરમાં ઘટાડો અને સાથે સાથે જીડીપીમાં સુધારો થશે. જોકે, મિડલ-ઇસ્ટ અને યુક્રેન યુદ્ધ, ટ્રમ્પની ટેરિફ યોજનાઓના કારણે રોકાણકારો સાવધ રહેશે."
માર્કેટમાં થયેલો ઘટાડો નવા રોકાણકારોને બહુ મહત્ત્વના પાઠ શીખવી શકે છે.
હાલન કહે છે કે, "જે લોકો હજુ ત્રણ વર્ષ અગાઉ જ માર્કેટમાં પ્રવેશ્યા હતા અને 25 ટકા રિટર્ન મેળવતા હતા, તેવા લોકોએ સતર્ક રહેવાની જરૂર છે."
તેમની સલાહ છે કે, "તમને શૅરબજાર સમજાતું ન હોય તો બૅન્ક ડિપોઝિટ અને સોનાને જ વળગી રહો. તે કમસે કમ તમારા કન્ટ્રોલમાં રહેશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન