રાહુલ ગાંધીએ જે મહાદેવપુરા સીટ પર 'વોટ ચોરી'નો આરોપ કર્યો, ત્યાંના લોકો શું કહે છે?

- લેેખક, ઇમરાન કુરેશી
- પદ, બીબીસી માટે, બૅંગલુરુથી
છેલ્લા થોડાક દિવસોથી કૉંગ્રેસ અને ભાજપ કથિત 'વોટ ચોરી'ના મુદ્દે એકબીજા પર આરોપ કરી રહ્યા છે.
પરંતુ, સવાલ એ છે કે, મતદારયાદીમાં નામ ઉમેરવા કે હટાવવા માટે ખરેખર કોણ જવાબદાર છે?
આ જવાબદારી મતદારોની છે કે ચૂંટણીપંચની? કે પછી આ કામ રાજકીય પાર્ટીઓનું છે, જેમને ચૂંટણીના એક મહિના પહેલાં મતદારસૂચિની પ્રિન્ટ આઉટ આપી દેવામાં આવે છે, અને એ પણ આ ડિજિટલ યુગમાં.
વાસ્તવિક હકીકતની તપાસ કરવા દરમિયાન અમારો સામનો આ પ્રકારના સવાલો સાથે થયો.
લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બૅંગ્લુરુ સેન્ટ્રલ લોકસભા ક્ષેત્રનો મુદ્દો ઉઠાવતાં કેટલાક સવાલ પૂછ્યા હતા.
રાહુલ ગાંધી, ખાસ કરીને આ લોકસભા ક્ષેત્રની મહાદેવપુરા વિધાનસભા સીટનું ઉદાહરણ આપતા હતા.
કૉંગ્રેસે કથિત 'વોટ ચોરી'નાં બે ઉદાહરણ આપ્યાં છે. પ્રથમ કિસ્સો મહાદેવપુરા વિધાનસભા સીટના મકાન નંબર 35નો છે, જેમાં, મતદારયાદી અનુસાર 80 મતદાર છે.
બીબીસીએ મુનિ રેડ્ડી ગાર્ડનમાં આવેલા મકાન નંબર 35ની મુલાકાત લેતાં ત્યાં ઘણા નાના નાના રૂમ ધરાવતું મકાન જોવા મળ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ રૂમ્સ લગભગ આઠ બાય આઠ ફીટના હતા. તેમાં એક રસોડું પણ છે, જેમાં માત્ર એક વ્યક્તિ ઊભી રહીને કામ કરી શકે છે. બાજુમાં જ એક બાથરૂમ છે.
આજુબાજુનાં બધાં મકાન લગભગ એક જ માપનાં છે.
આ ઘરોમાં કોણ રહે છે?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ પ્રૉપર્ટીના માલિકના ભાઈ ગોપાલ રેડ્ડી જણાવે છે કે આ ઘરોમાં દેશના અલગ અલગ ભાગોમાંથી આવેલા પ્રવાસી શ્રમિકો રહે છે.
રેડ્ડી જણાવે છે, "અમે આને લેબર ક્લાસ શેડ કહીએ છીએ. દર ત્રણ-છ મહિનામાં આ લોકો અહીંથી શિફ્ટ થતા રહે છે. આ લોકો અહીં આવે છે ત્યારે કંપની ભાડા-કરાર માગે છે. જો એ લોકો એગ્રીમેન્ટ ન આપે તો તેમને નોકરી નથી મળતી. પછી તેમને વોટર આઇડી મળે છે અને જ્યારે તેમની કમાણી વધી જાય છે, ત્યારે તેઓ અહીંથી બીજી જગ્યાએ જતા રહે છે. રાહુલ ગાંધી એક નૅશનલ લીડર છે. આ લોકો તેમને ગેરમાર્ગે દોરીને તેમનું અપમાન કરી રહ્યા છે."
અમે આ ઘરોમાંના એકમાં રહેતા દીપાંકર સરકારને મળ્યા, જે પશ્ચિમ બંગાળથી અહીં આવ્યા છે.
તેઓ પોતાનાં પત્ની અને પાંચ વર્ષના પુત્રની સાથે આ ઘરમાં રહે છે.
જોકે, છેલ્લા એક વર્ષથી તેઓ બૅંગલુરુમાં રહે છે, પરંતુ એક મહિના પહેલાં જ દીપાંકર મહાદેવપુરા આવ્યા છે; કેમ કે, જે કંપનીમાં તેઓ કામ કરે છે, ત્યાંથી તેમની બદલી થઈ ગઈ છે.
દીપાંકર સરકારે જણાવ્યું, "હું ફૂડ ડિલિવરી એજન્ટ તરીકે કામ કરું છું. કેમ કે, હું બેલંદૂર ઝોનમાં કામ કરું છું, તેથી મેં આ રૂમ ભાડે લીધો છે. હું અહીં ક્યાં સુધી રહીશ, તેની મને ખબર નથી."
દીપાંકરની પડોશમાં રહેતી વ્યક્તિ છેલ્લાં 12 વર્ષથી બૅંગલુરુમાં કામ કરે છે.
તેમણે નામ જાહેર નહીં કરવાની શરતે કહ્યું, "હું અહીં મત નથી આપતો. હું પશ્ચિમ બંગાળ જાઉં છું અને ત્યાં વોટ આપું છું. જે કહેવાઈ રહ્યું છે, તે સાચું નથી. અમારામાંથી ઘણા લોકો અહીં વોટ નથી આપતા. અમે અમારા રાજ્યમાં પાછા જતા રહીએ છીએ."
'વોટ ચોરી'નું બીજું ઉદાહરણ એક માઇક્રોબ્રૂઅરી (દારૂની નાની ફૅક્ટરી)નું અપાઈ રહ્યું છે.
અહીં એવો આરોપ કરાયો છે કે આ સરનામે નોંધાયેલા મતદારોની સંખ્યા 68 છે.
અહીં કામ કરતા એક અધિકારીએ નામ જાહેર નહીં કરવાની શરતે બીબીસીને જણાવ્યું કે ફૅક્ટરીનો માલિકી હક તાજેતરમાં બદલાયો છે.
કૉંગ્રેસનું અભિયાન

ઇમેજ સ્રોત, Getty Images
ઈ.સ. 2024માં આ જ લોકસભા ક્ષેત્રમાંથી કૉંગ્રેસ ઉમેદવાર મન્સૂર અલી ખાન ચૂંટણી લડ્યા હતા. તેઓ નથી માનતા કે કૉંગ્રેસની માગણીમાં ધાર નથી.
તેમનું કહેવું છે, "તમે આને ખોટાં ઉદાહરણ શા માટે કહો છો? મુનિ રેડ્ડી ગાર્ડનમાં 80 વોટ નોંધાયેલા છે. માઇક્રોબ્રૂઅરીમાં 68 મતદાર છે. અમારો સવાલ એ છે કે એક રૂમમાં આટલા બધા લોકોની નોંધણી કઈ રીતે શક્ય છે? બ્રૂઅરી એક વ્યાવસાયિક સંસ્થા છે. આ જગ્યાએ વોટ કઈ રીતે નોંધાઈ ગયા? બૂથ લેવલ અધિકારી શું કરી રહ્યા છે? અમે ચૂંટણીપંચ પાસે સ્પષ્ટ મતદારયાદીની માગ કરીએ છીએ. જ્યારે અમે મતદારસૂચિમાં રહેલી ખામીઓને ઉજાગર કરીએ છીએ, ત્યારે ચૂંટણીપંચ ચૂપ કેમ રહે છે?"
મન્સૂર અલી ખાન લોકસભા ચૂંટણીમાં 32,707 મતથી ચૂંટણી હારી ગયા હતા. અહીંથી ભાજપના પીસી મોહન 2009 પછીથી બધી ચારેય લોકસભા ચૂંટણી જીત્યા છે.
આ એ જ લોકસભા સીટ છે, જ્યાં પ્રકાશ જાવડેકર અને પીયૂષ ગોયલ જેવા ભાજપના નેતા ઉત્તર, મધ્ય અને પૂર્વી રાજ્યોમાંથી આવતા લોકોને સંબોધતાં રેલીઓ યોજે છે.
મહાદેવપુરા–વ્હાઇટફીલ્ડ અને તેની આસપાસ આઇટી ક્ષેત્રની પ્રગતિએ ઉત્તર, મધ્ય અને પૂર્વનાં રાજ્યોના મોટી સંખ્યાના લોકોને આકર્ષિત કર્યા છે.
બૅંગલુરુમાં ઇલેક્ટ્રૉનિક્સ સિટી પછી વ્હાઇટફીલ્ડને સૉફ્ટવેર ઇન્ડસ્ટ્રીનું બીજું સૌથી મોટું સેન્ટર માનવામાં આવે છે.
ભણેલા-ગણેલા લોકો સિવાય બીજાં રાજ્યોમાંથી આવીને નાનાં-મોટાં કામ કરનાર લોકો પણ આ જગ્યાએ રહે છે.
ભાજપની દલીલ

ઇમેજ સ્રોત, ANI
વરથુર વિધાનસભા ક્ષેત્રમાંથી અલગ કરીને બનાવવામાં આવેલા મહાદેવપુરા અનામત વિધાનસભા ક્ષેત્રમાં ભાજપના નેતા અરવિંદ લિમ્બાવલીનું વર્ચસ્વ છે.
લિમ્બાવલી અહીંથી ત્રણ વખત ચૂંટણી જીતી ચૂક્યા છે. ઈ.સ. 2023માં તેમનાં પત્નીએ આ બેઠક પરથી જીત મેળવી હતી.
અરવિંદ લિમ્બાવલી ત્રણ વ્યક્તિનાં ઉદાહરણ આપે છે. એમાંથી બે વ્યક્તિ બીજી જગ્યાએ અભ્યાસ અને કામ કર્યા પછી બૅંગલુરુસ્થિત કંપનીઓમાં કામ કરવા આવી ગયા હતા.
ત્રીજાં, એક વૃદ્ધ મહિલા છે, જેમની નોંધણી એકથી વધુ બૂથ પર થઈ છે.
લિમ્બાવલીએ કહ્યું, "મેં આની તપાસ કરી. તેમાંના એક વ્યક્તિ લખનઉના છે. તેમને મુંબઈમાં નોકરી મળી ગઈ હતી, તેથી તેઓ ત્યાં ગયા અને મત આપ્યો. પછી તેમને બૅંગલુરુમાં નોકરી મળી ગઈ અને તેઓ અહીં ભાડાના મકાનમાં રહેવા લાગ્યા. વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમણે એ જ સરનામા પરથી મત આપ્યો. પછી લોકસભા ચૂંટણી આવતાં પહેલાં તેઓ એક એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ ગયા. કૉંગ્રેસ તેમને પણ ચોર બનાવી રહી છે."
તેમણે એમ પણ જણાવ્યું કે ચામરાજપેટ અને શિવાજીનગર જેવાં ચૂંટણી ક્ષેત્રમાં પણ ખોટાં સરનામાં અને એક જ નામથી ઘણા મત જેવી બાબતો ઉજાગર થઈ છે. આ ક્ષેત્રોમાંથી કૉંગ્રેસના ઉમેદવાર ચૂંટાયા છે.
લિમ્બાવલી કહે છે, "તેઓ ચોર નથી, અમે છીએ? તેમણે (રાહુલ ગાંધીએ) સમજવું જોઈએ અને પૂછપરછ કરવી જોઈએ. રાહુલ ગાંધી વિપક્ષના નેતા છે. તેમણે આ મુદ્દા પર થોડી સમજદારી બતાવી જોઈએ. અમે જાણીએ છીએ કે તમારી છાપ સારી નથી, પરંતુ જો તમે કોશિશ કરશો, તો આમાં થોડોક સુધારો થઈ શકે છે."
આરોપો વિશે સ્થાનિક લોકો શું બોલ્યા?

આ ચૂંટણી ક્ષેત્રના કેટલાક મતદારો રાહુલ ગાંધીના આરોપોને સદંતર નકારે છે.
અમુકનું કહેવું છે કે લોકો અહીં મતદાન તો કરે જ છે, સાથે જ તેઓ પોતપોતાના રાજ્યમાં પણ મત આપવા જાય છે.
મહાદેવપુરાના એક દુકાનદાર કૃષ્ણાએ બીબીસીને કહ્યું, "રાહુલ ગાંધી જે કહી રહ્યા છે, તે સાચું નથી. મને અરવિંદ લિમ્બાવલી પર સંપૂર્ણ ભરોસો છે. તેઓ છેતરપિંડી નથી કરતા."
વિસ્તારના વરિષ્ઠ નાગરિક મુનિ રેડ્ડીએ કહ્યું કે આ બધું રાજકારણ સિવાય કંઈ જ નથી.
મુનિ રેડ્ડી જણાવે છે, "બધા આરોપ પાયાવિહોણા છે. અધિકારીઓ જવાબદાર લોકો છે. માત્ર અધિકારીઓને દોષ આપવો ઠીક નથી. તેઓ કહે છે કે ચોરી થઈ છે. પરંતુ કઈ રીતે? તમે જ બતાવો."
એક સ્થાનિક નિવાસી શશિકલાએ કહ્યું, "અહીં આવતા લોકો મકાન ભાડે લે છે. તેઓ અહીં વોટ આપે છે અને પોતાના ગામમાં જઈને પણ વોટ આપે છે."
પરંતુ એક સ્થાનિક સ્ટોરના મૅનેજર દર્શને કહ્યું, "એ સ્પષ્ટ છે કે આ નકલી મતદારો છે, તેથી તેમને સૂચિમાંથી હટાવવા જ યોગ્ય ગણાશે."
કૉંગ્રેસ નેતા મન્સૂર અલી ખાન ત્રણ ગંભીર સવાલ ઉઠાવે છે, "ચૂંટણીપંચ ચૂપ કેમ છે? જ્યારે અમે ચૂંટણીપંચને કશો સવાલ પૂછીએ છે, ત્યારે ભાજપ તેનો બચાવ શા માટે કરવા આવે છે? ચૂંટણીપંચ ભાજપનો પક્ષ લઈ રહ્યું છે."
રાજકીય દલીલોને બાજુ પર મૂકી દઈએ તોપણ, આ બધી બાબતોમાં ચૂંટણીપંચ સામે સવાલ તો ઊભા થયા જ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












