અમદાવાદ પ્લેન ક્રૅશ : બૉઇંગ 787 ડ્રીમલાઇનર સૌથી સુરક્ષિત હોવાના દાવા સામે કેમ સવાલો ઊઠી રહ્યા છે?

    • લેેખક, થિયો લેગેટ
    • પદ, બીબીસી સંવાદદાતા

અમદાવાદ ઍર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં ઓછામાં ઓછા 270 લોકો માર્યા ગયા હતા.

અત્યાર સુધી બૉઇંગના આ મૉડલને સૌથી સુરક્ષિત વિમાનો પૈકી એક માનવામાં આવે છે.

ઍર ઇન્ડિયાની ફ્લાઇટ 171 ટેક-ઑફ થયાને માત્ર 30 સેકન્ડમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી.

જોકે, અત્યારસુધી આ દુર્ઘટનાનાં કારણો મામલે કોઈ જાણકારી મળી નથી રહી.

દુર્ઘટનાની તપાસ કરી રહેલા તપાસકર્તાઓએ ફ્લાઇટ રેકૉર્ડરમાંથી ડેટા મેળવ્યો છે અને દુર્ઘટનાનું કારણ જાણવાની કોશિશ કરી રહ્યા છે.

પરંતુ જે વિમાન સાથે આ અકસ્માત થયો તેણે ચોક્કસપણે લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

બૉઇંગનું 787 ડ્રીમલાઇનર નવી પેઢીનાં વિમાનો પૈકીનું પ્રથમ છે જે આધુનિક છે અને તેમાં ઇંધણનો વપરાશ ઓછો છે.

અમદાવાદ અકસ્માત પહેલાં, લગભગ દોઢ દાયકા સુધી, 787 સાથે કોઈ મોટો અકસ્માત થયો ન હતો જેમાં કોઈનું મૃત્યુ પણ થયું હોય.

બૉઇંગના મતે, આ સમયગાળા દરમિયાન એક અબજથી વધુ લોકોએ આ મૉડલનાં વિમાનોમાં મુસાફરી કરી હતી.

હાલમાં સમગ્ર વિશ્વમાં આ પ્રકારનાં 1100થી વધુ વિમાનો ઉડાન ભરી રહ્યાં છે.

જોકે, 'બૉઇંગ 787' વિમાન ક્વૉલિટી કંટ્રોલ સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે.

વિમાનોનું નિરીક્ષણ કરતા વ્હિસલ બ્લૉઅર્સે આ વિમાનોનાં ઉત્પાદન મામલે અપનાવવામાં આવતાં માનકો અંગે ઘણી ચિંતાઓ વ્યક્ત કરી છે.

કેટલાક વ્હિસલ બ્લૉઅર્સ દાવો કરે છે કે જે વિમાનોમાં ગંભીર ખામીઓ હતી અને તે અત્યંત જોખમી છે, તેમને પણ ઉડાન ભરવા માટે મોકલવામાં આવ્યાં હતાં.

જોકે, બૉઇંગ કંપની સતત આવા આરોપોને નકારી રહી છે.

અમેરિકાની 9/11ની ઘટનાની અસર

2009ના ડિસેમ્બરની એક ઠંડી સવારે, સિએટલ નજીક પેઇન ફિલ્ડ ઍરપૉર્ટના રન-વે પર એક નવું વિમાન ઉતર્યું. ત્યાં હાજર લોકો ખૂબ જ ઉત્સાહથી વિમાનને ઉડાન ભરતા જોઈ રહ્યા હતા.

આ ઉડાન માટે ઘણાં વર્ષોથી પ્રયાસો કરવામાં આવ્યા હતા અને તેના પર અબજો ડૉલરનું રોકાણ કરવામાં આવ્યું હતું.

હકીકતમાં, 2000ના દાયકાની શરૂઆતમાં, વિમાનના બળતણનો ખર્ચ એક મોટી ચિંતાનો વિષય બની ગયો હતો.

એ સમયે, ઑઇલના ભાવ સતત વધી રહ્યા હતા. તેથી, બૉઇંગે એક એવું વિમાન બનાવવાની યોજના પર કામ કરવાનું શરૂ કર્યું જે એક નવું ધોરણ સ્થાપિત કરી શકે.

ઍવિએશન સેકટરનાં નિષ્ણાત શિયા ઑકલી સમજાવે છે, "1990ના દાયકાના અંતમાં, બૉઇંગ કંપની સોનિક ક્રૂઝર નામની ડિઝાઇન પર કામ કરી રહી હતી, જેનો હેતુ લગભગ અવાજની ગતિએ વિમાનમાં 250 લોકોને લઈ જવાનો હતો. તેનો મૂળ હેતુ આમ તો મુસાફરીનો સમય ઘટાડવાનો હતો, બળતણ ખર્ચ ઘટાડવાનો નહીં."

પરંતુ 9/11ની ઘટનાએ સમગ્ર ઍવિએશન ઇન્ડસ્ટ્રીઝને હચમચાવી નાખી.

ઑકલીના જણાવ્યા મુજબ, ઍરલાઇન્સે બૉઇંગને કહ્યું હતું કે તેઓ ખૂબ ઝડપી વિમાનો ઇચ્છતી નથી પરંતુ એ પ્રકારનાં વિમાનો ઇચ્છે છે જે બળતણ ખર્ચની દૃષ્ટિએ આર્થિક રીતે સસ્તાં હોય.

આ પછી, બૉઇંગે તેની પ્રારંભિક યોજના છોડી દીધી અને 787 મૉડલ તરફ દોરી જતી યોજના પર કામ કરવાનું શરૂ કર્યું. આનાથી ઍરલાઇન્સ માટે એક નવું બિઝનેસ મૉડલ પણ બન્યું.

હવે લોકોને કનેક્ટિંગ ફ્લાઇટ્સ પકડવા માટે નાનાં ઍરપૉર્ટ્સથી મોટાં ઍરપૉર્ટ્સ પર વિમાનમાં ચઢવાની જરૂર નહોતી. હવે લોકોને ઓછી ભીડવાળા રૂટ પર પણ ફ્લાઇટ્સની સુવિધા મળવા લાગી.

ઍરબસનાં સુપરજમ્બો અને બૉઇંગ વચ્ચે સ્પર્ધા

આ સમયગાળા દરમિયાન, યુરોપની સૌથી મોટી વિમાન ઉત્પાદક કંપની ઍરબસ A-380 સુપરજમ્બો વિમાન વિકસાવી રહી હતી.

આ વિમાન વ્યસ્ત રૂટ પર એકસાથે વધુ મુસાફરોને સેવા આપવા માટે બનાવવામાં આવી રહ્યું હતું.

પરંતુ તેના વધારે ઇંધણના વપરાશને કારણે, 2011માં ફક્ત 251 વિમાનો બન્યાં. ત્યાર પછી A-380નું ઉત્પાદન બંધ કરવામાં આવ્યું.

"ઍરબસે વિચાર્યું કે ભવિષ્ય મોટા ઍરપૉર્ટનું છે, જ્યાં લોકો હંમેશાં ફ્રેન્કફર્ટ, હીથ્રો અથવા નારિતા જેવાં સ્થળોએ ફ્લાઇટ્સ બદલવા માંગશે," ઍરોડાયનેમિક ઍડવાઇઝરીના મૅનેજિંગ ડિરેક્ટર રિચાર્ડ અબુલાફિયા કહે છે.

તેમનું કહેવું છે, "પરંતુ આ કિસ્સામાં, બૉઇંગનો અભિગમ સાચો સાબિત થયો."

'787' ઉડ્ડયન ક્ષેત્ર માટે ખરેખર ક્રાંતિકારી વિમાન હતું.

તે પહેલું વ્યાપારી વિમાન હતું જે મુખ્યત્વે ઍલ્યુમિનિયમને બદલે કાર્બન ફાઇબર જેવા કંપોઝિટ મટીરિયલથી બનાવવામાં આવ્યું હતું.

આનાથી વિમાનનું વજન ઘટાડવામાં મદદ મળી. આ ઉપરાંત, અદ્યતન ઍરો-ડાયનેમિક્સનો ઉપયોગ કરીને તેને ઉડાવવા માટે જરૂરી બળ ઘટાડવામાં આવ્યું.

આ વિમાનમાં જનરલ ઇલેક્ટ્રિક અને રૉલ્સ રૉયસનાં વધુ સારી ક્ષમતાવાળાં આધુનિક એન્જિન લગાવવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત, વિમાનને સુધારવા માટે મિકેનિકલ અને ઇલેકટ્રિકલ સિસ્ટમમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા હતા.

બૉઇંગે કહ્યું હતું કે આ બધા ફેરફારો આ વિમાનને જૂના બઇંગ 767 કરતાં 20 ટકા વધુ સારું બનાવશે.

આ વિમાને ઓછો અવાજ પણ ઉત્પન્ન કર્યો. બૉઇંગના મતે, વિમાનમાં અવાજ માટે જવાબદાર નોઇઝ ફૂટપ્રિન્ટ પણ 60 ટકા નાનું હતું.

ઇમર્જન્સી લૅન્ડિંગ અને મુસાફરી દરમિયાન થયેલી ઘટના

જોકે, આ વિમાન સેવામાં આવ્યા પછી તરત જ સમસ્યાઓ પેદા થઈ. જાન્યુઆરી 2013માં, તેની લિથિયમ-આયન બૅટરીમાં આગ લાગી.

આ અકસ્માત ત્યારે થયો જ્યારે વિમાન બોસ્ટનના લોગન આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર પાર્ક કરવામાં આવ્યું હતું.

એક અઠવાડિયા પછી, જાપાનમાં એક ડૉમેસ્ટિક ફ્લાઇટમાં 787 વિમાનની બૅટરી વધુ ગરમ થઈ જવાને કારણે તેને ઇમર્જન્સી લૅન્ડિંગ કરવાની ફરજ પડી.

આ પછી, બૉઇંગે 787નાં વિમાનોને થોડા મહિનાઓ માટે વિશ્વભરમાં ઉડાન ભરવાનું બંધ કરી દીધું અને તેની ખામીઓને સુધારવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા.

ત્યારબાદ વિમાનના રોજિંદા કામકાજમાં સુધારો થયો, પરંતુ તેનાં ઉત્પાદન દરમિયાન ગંભીર સમસ્યાઓ તો યથાવત્ જ રહી.

વિશ્લેષકો માને છે કે આનું એક કારણ બૉઇંગની મૅન્યુફૅક્ચરિંગ લાઇનની શરૂઆત હતી, જે અમેરિકાના દક્ષિણ કૅરોલિનામાં સિએટલથી લગભગ બે હજાર કિલોમીટર દૂર હતી.

આ ક્ષેત્રમાં નવી ઉત્પાદન લાઇન શરૂ કરવા પાછળનું કારણ મજૂરસંગઠનો અને રાજ્ય તરફથી મળેલ સમર્થન હતું.

વ્હિસલ બ્લૉઅરના આરોપો

2019માં, બૉઇંગનાં ઉત્પાદનમાં ઘણી ખામીઓ જોવા મળી હતી, જેના કારણે વિમાનના ઘણા ભાગો ખોટી રીતે ફિટ થઈ રહ્યા હતા.

આનાથી વિમાનોના પુરવઠામાં વિલંબ થયો અને મે 2021થી જુલાઈ 2022 સુધી તેનો પુરવઠો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો.

આ કેસમાં સૌથી ગંભીર આરોપો કંપનીમાં કામ કરતા કર્મચારીઓ અને તેના ભૂતપૂર્વ કર્મચારીઓ દ્વારા લગાવવામાં આવ્યા હતા.

દક્ષિણ કૅરોલિના ફૅક્ટરીના ક્વૉલિટી કંટ્રોલ મૅનેજર જોન બર્નેટે આરોપ લગાવ્યો હતો કે ઉત્પાદન ઝડપી બનાવવાના દબાણને કારણે વિમાનની સલામતી જોખમાઈ છે.

તેમણે 2019માં બીબીસીને જણાવ્યું હતું કે પ્લાન્ટના કામદારો ફૅક્ટરીમાં ભાગોની તપાસ કરતી વખતે અનુસરવામાં આવતા ઘણા કડક નિયમોનું પાલન કરતા નથી.

આનાથી ખામીયુક્ત ભાગો ઓળખાઈ શકતા નથી.

તેમણે કહ્યું કે કેટલાક કિસ્સાઓમાં કામદારોએ ઉત્પાદનમાં વિલંબ ટાળવા માટે સ્ક્રૅપ બીનમાંથી લેવામાં આવેલા હલકી ગુણવત્તાવાળા ભાગો જાણી જોઈને વિમાનમાં સ્થાપિત કર્યા હતા.

તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ઍરક્રાફ્ટ ડૅકને સુરક્ષિત કરવા માટે ખામીયુક્ત ફિક્સિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

જ્યારે આને સ્ક્રૂ કરવામાં આવ્યા, ત્યારે તેમાંથી અત્યંત તીક્ષ્ણ ધાતુના ટુકડા નીકળ્યા, જે આખરે વિમાનના ફ્લૉર નીચે એવા વિસ્તારોમાં એકઠા થયા જ્યાં ઘણાં વાયરિંગ હતાં.

આ આરોપોની તપાસ પહેલાથી જ યુએસ રેગ્યુલેટર, ફેડરલ ઍવિએશન ઍડમિનિસ્ટ્રેશન (FAA) ને મોકલવામાં આવી હતી, જેણે તેની તપાસમાં કેટલાક દાવાઓ સાચા હોવાનું શોધી કાઢ્યું હતું.

FAA એ તારણ કાઢ્યું હતું કે ફૅક્ટરીમાંથી ઓછામાં ઓછા 53 "નોન કન્ફર્મિંગ" ભાગો એટલે કે ગુણવત્તાથા દરજ્જાથી મેળ ન ખાતા હોય તેવા ભાગો ગુમ હતા.

FAA ઑડિટમાં પણ પુષ્ટિ મળી હતી કે ઘણાં વિમાનોના ફ્લૉર નીચે ધાતુનો કચરા એકઠો થયો હતો.

બૉઇંગે જણાવ્યું હતું કે તેના બોર્ડે સમસ્યાની સમીક્ષા કરી હતી અને શોધી કાઢ્યું હતું કે તે "વિમાન સલામતીનો મુદ્દો નથી." જોકે, પાછળથી ભાગોને ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યા હતા.

કંપનીએ એમ પણ કહ્યું કે તેણે પાર્ટ ટ્રેસેબિલિટી અંગેના FAA ની ખામીઓને સંપૂર્ણપણે દૂર કરાઈ છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે પગલાં લીધાં છે.

બર્નેટે ચેતવણી આપી હતી કે પહેલાંથી જ સેવામાં રહેલાં વિમાનોમાં ખામી હોઈ શકે છે અને કહ્યું હતું કે "મારું માનવું છે કે 787 સાથે મોટો અકસ્માત થાય તે ફક્ત સમયની વાત છે."

2024 ની શરૂઆતમાં, કંપની વિરુદ્ધ જૂના વ્હિસલ બ્લૉઅર મુકદ્દમામાં પુરાવા આપી રહ્યા હતા તે સમયે બર્નેટે આત્મહત્યા કરી લીધી.

બર્નેટે કહ્યું કે કંપનીએ તેમના આરોપોને કારણે તેમને હેરાન કર્યા હતા. જોકે, બૉઇંગે આવા આરોપોને નકારી કાઢ્યા હતા.

તેમના મોટાભાગના આરોપો એ જ પ્લાન્ટમાં ક્વૉલિટી મૅનેજર તરીકે કામ કરી ચૂકેલાં સિન્થિયા કિચેન્સના દાવાઓને સમર્થન આપતા હતા.

સિન્થિયા કિચેન્સે 2011 માં FAA ને જાણ કરી હતી કે ક્વૉરેન્ટાઇન બીનમાંથી બિનઉપયોગી ભાગો દૂર કરવામાં આવ્યા છે અને વિમાનમાં સ્થાપિત કરવામાં આવ્યા છે.

તેમના મતે, વિમાનનું ઉત્પાદન ચાલુ રાખવા માટે આ કરવામાં આવ્યું હતું.

સિન્થિયાએ 2016માં બૉઇંગ છોડી દીધી હતી. તેણીએ એવો પણ દાવો કર્યો હતો કે કંપનીએ કર્મચારીઓને નાની ભૂલોને અવગણવા કહ્યું હતું.

તેણીએ એવો પણ દાવો કર્યો હતો કે વિમાનમાં ખામીયુક્ત વાયરિંગનાં બંડલો લગાવવામાં આવ્યાં હતાં જેના કોટિંગની અંદર ધાતુનાં ફાઇલિંગ હતાં, જેના કારણે ખતરનાક શૉર્ટ-સર્કિટનું જોખમ ઊભું થયું હતું.

બૉઇંગે આ ચોક્કસ આરોપો પર કોઈ ટિપ્પણી કરી ન હતી. બૉઇંગના જણાવ્યા અનુસાર, સિન્થિયાને કહેવામાં આવ્યું હતું કે તેણીને પરફોર્મન્સ ઇમ્પ્રુવમેન્ટ પ્લાન્ટ પર મોકલવામાં આવી રહ્યાં છે.

કંપનીએ કહ્યું કે તેથી સિન્થિયાએ ગુણવત્તાના મુદ્દાઓને કારણે નહીં પરંતુ ભેદભાવ અને બદલાના આરોપોના આધારે આ આરોપો લગાવ્યા હતા, જેને ફગાવી દેવામાં આવ્યા હતા.

તાજેતરમાં જ, ત્રીજા વ્હિસલ બ્લૉઅરે ગયા વર્ષે યુએસ સેનેટ સમિતિ સમક્ષ જુબાની આપી ત્યારે તે ચર્ચામાં આવ્યા હતા.

સૅમ સાલેહપોર નામના એક કર્મચારીએ 2024 માં કહ્યું હતું કે વિમાન ઉત્પાદન પ્રક્રિયામાં ટૂંકા ગાળાનાં પગલાં લેવાથી ઉત્પાદન ઝડપી બનાવવામાં મદદ મળી.

તેમણે યુએસ કાયદા ઘડનારાઓને જણાવ્યું કે તેઓ શા માટે આગળ આવ્યા અને જુબાની આપી. તેમણે કહ્યું, "બૉઇંગમાં મેં જે સલામતી ખામીઓ જોઈ છે, જો તેને સુધારવામાં ન આવે તો, કૉમર્શિયલ વિમાનનો ભયાનક અકસ્માત થઈ શકે છે, જેના કારણે સેંકડો લોકોનાં મોત થઈ શકે છે."

સૅમ 2020ના અંત સુધી 787 વિમાનોનાં ઉત્પાદનોની ગુણવત્તા માટે ઇજનેર તરીકે કામ કરી રહ્યા હતા.

તેમણે કહ્યું કે 787ના કાફલામાં જે ભાગો ખરાબ થવાની સંભાવના ધરાવતા હતા એ ભાગોને ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા.

તેમણે એમ પણ કહ્યું કે તેમણે જે વિમાનોનું નિરીક્ષણ કર્યું હતું તેમાંથી મોટાભાગનામાં ખામીઓ હતી જે વિમાન માટે ખૂબ જ ગંભીર હોઈ શકે છે.

તેમણે કહ્યું કે "એક હજારથી વધુ વિમાનોમાં" ખામીઓ હોઈ શકે છે.

બૉઇંગ કહે છે કે "787માં માળખાકીય ખામીઓ અંગે ઉઠાવવામાં આવેલા દાવાઓ અને ચિંતાઓની FAA દેખરેખ હેઠળ સખત તપાસ કરવામાં આવી છે. આ વિશ્લેષણથી પુષ્ટિ મળી છે કે વિમાન આવનારા દાયકાઓ સુધી મજબૂત અને સેવા માટે સક્ષમ રહેશે, અને આ મુદ્દાઓ સલામતી માટે જોખમ ઊભું કરતા નથી."

'જો ગંભીર સમસ્યાઓ હોત, તો તે અત્યાર સુધીમાં સામે આવી ગઈ હોત'

એમાં કોઈ શંકા નથી કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં બૉઇંગ તેના કૉર્પોરેટ કલ્ચર અને ઉત્પાદન ધોરણોને લઈને ભારે દબાણ હેઠળ આવી ગયું છે.

ગયા વર્ષે તેની સૌથી વધુ વેચાતી 737 મૅક્સ વિમાનોના બે જીવલેણ અકસ્માતો અને બીજી એક ગંભીર ઘટના બાદ, કંપની પર વારંવાર નાણાકીય લાભ માટે મુસાફરોની સલામતી સાથે સમાધાન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

કંપનીના નવા સીઈઓ કૅલી ઑર્ટબર્ગ, જેમણે ગયા વર્ષે કાર્યભાર સંભાળ્યો હતો, તેમણે આ ધારણાને બદલવા માટે ઘણા પ્રયાસો કર્યા છે.

તેમણે કંપનીની આંતરિક પ્રક્રિયાઓમાં ફેરફાર કર્યા છે અને વ્યાપક સલામતી અને ક્વૉલિટી કંટ્રોલ અંગે FAA જેવા રેગ્યુલેટર સાથે કામ કરવાનું શરૂ કર્યું છે.

પરંતુ શું 787 ની સલામતી પહેલાંથી જ જૂનાં પરિબળોથી પ્રભાવિત થઈ ગઈ છે, જે ખતરો ઊભો કરી રહી છે?

રિચાર્ડ અબુલાફિયા આ વાત માનતા નથી. તેઓ કહે છે, "તમે કલ્પના કરો, આ વિમાન 16 વર્ષથી કાર્યરત છે. લગભગ 1200 ફ્લાઇટ્સ અને એક અબજથી વધુ મુસાફરો, અને અત્યાર સુધી કોઈ અકસ્માત થયો નથી. સલામતીની દૃષ્ટિએ આ એક ઉત્તમ રેકૉર્ડ છે."

તેમનું માનવું છે કે જો વિમાનમાં કોઈ મોટી સમસ્યા હોત તો અત્યાર સુધીમાં તે બહાર આવી ગઈ હોત.

તેઓ કહે છે, "મને લાગે છે કે ઉત્પાદન સમસ્યાઓ ટૂંકા ગાળા સુધી મર્યાદિત છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં 787ના ઉત્પાદન પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જો જૂનાં વિમાનોમાં કોઈ ગંભીર સમસ્યા હોત, તો તે અત્યાર સુધીમાં દેખાઈ જ ગઈ હોત."

અમદાવાદમાં ક્રૅશ થયેલ ઍર ઇન્ડિયાનું વિમાન 11 વર્ષથી કાર્યરત હતું. તેણે પહેલી વાર 2013માં ઉડાન ભરી હતી.

જોકે, અમેરિકન સંસ્થા ફાઉન્ડેશન ફૉર ઍર સેફ્ટીનું કહેવું છે કે તાજેતરના અકસ્માત પહેલાં પણ તેમને 787 વિશે કેટલીક ચિંતાઓ હતી.

ફાઉન્ડેશન ફૉર ઍર સેફ્ટીની સ્થાપના બૉઇંગના ભૂતપૂર્વ વ્હિસલ બ્લૉઅર ઍડ પિયર્સન દ્વારા કરવામાં આવી હતી.

"હા, સલામતી જોખમની સંભાવના હતી," પિયર્સન કહે છે. "અમે કોઈપણ ઘટના અને રેગ્યુલેટરના દસ્તાવેજો પર નજર રાખીએ છીએ. જ્યારે ઉડાન યોગ્યતા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે છે, ત્યારે તેમાં ઘણા મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવે છે અને તે વિચારવા મજબૂર કરે છે."

તેમનું કહેવું છે કે વૉશરૂમના નળમાંથી પાણી ઇલેક્ટ્રિકલ સાધનોમાં લીક થવાની શક્યતા પણ આવી જ એક સમસ્યા હતી.

ગયા વર્ષે, FAAએ લગભગ 787 મૉડલોમાં આ પ્રકારની લીકની ફરિયાદો મળ્યા બાદ નિયમિત નિરીક્ષણનો આદેશ આપ્યો હતો.

જોકે, પિયર્સન એ પણ સ્પષ્ટતા કરે છે કે અમદાવાદમાં થયેલા અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને તપાસ ઝડપથી આગળ વધે તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે જેથી સ્પષ્ટ થાય કે સમસ્યા વિમાનમાં છે, ઍરલાઇનમાં છે કે બીજે ક્યાંક છે.

હાલ માટે, 787નો સલામતી રેકૉર્ડ મજબૂત છે.

ઍવિએશન કન્સલ્ટિંગ ફર્મ લીહામ કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર સ્કૉટ હેમિલ્ટન કહે છે, "અમને હાલ ખબર નથી કે ઍર ઇન્ડિયા અકસ્માતનું કારણ શું હતું. પરંતુ આ વિમાન વિશે અમને જે ખબર છે તેના આધારે, હું 787માં બેસવામાં બિલકુલ ખચકાટ નહીં અનુભવું."

બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન