નરેન્દ્ર મોદીની જગ્યા કોણ લેશે અમિત શાહ કે યોગી, સંઘ કોને સમર્થન આપશે?

    • લેેખક, વિકાસ ત્રિવેદી
    • પદ, બીબીસી સંવાદદાતા

"મોદી નહીં તો કોણ?"

ચા કે પાનની દુકાન હોય, તૂટેલા રસ્તા પર હડદોલા ખાતો ટેમ્પો હોય કે આકાશમાં ઊડતું વિમાન હોય, નરેન્દ્ર મોદીના સમર્થકોનાં મનમાં વર્ષોથી એક સવાલ થઈ રહ્યો છે કે મોદી નહીં તો કોણ?

પહેલાં એવો સવાલ પૂછવામાં આવતો હતો કે વિરોધ પક્ષમાં કોણ છે, જે નરેન્દ્ર મોદીનું સ્થાન લઈ શકે, જ્યારે હવે એવો સવાલ પૂછવામાં આવે છે કે ભાજપમાં કોણ છે, જે નરેન્દ્ર મોદીનું સ્થાન લઈ શકશે.

ત્રીજીવાર વડા પ્રધાન બનેલા નરેન્દ્ર મોદી આવતા વર્ષે 75 વર્ષના થશે.

75 વર્ષની વયનો રાજકીય અર્થ સમજવા માટે કેટલીક તારીખો અને કેટલાંક નિવેદનો ધ્યાનમાં લો.

જેલમાંથી જામીન પર બહાર નીકળેલા કેજરીવાલનો સવાલ

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ મે, 2024માં તિહાડ જેલમાંથી જામીન પર બહાર નીકળ્યા હતા અને તેમણે ભાજપ બાબતે અનેક દાવા કર્યા હતા.

જોકે, તેમાં એક દાવો એવો હતો કે જેના વિશે અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ સુદ્ધાં પોતાનો અભિપ્રાય આપવો પડ્યો હતો.

એક વાત ધ્યાનમાં લેજો કે આ બધાં નિવેદન લોકસભાની 2024ની ચૂંટણીનું પરિણામ આવ્યા પહેલાંંનાં છે.

400 પારનું ભાજપનું સપનું હવે તૂટી પડ્યું છે.

લોકસભા ચૂંટણીના પરિણામ બાદ મંથન કરી રહેલા ભાજપમાં હવે નવા વારસદાર બાબતે ચર્ચા શરૂ થઈ છે? ભાજપમાં નરેન્દ્ર મોદીના વારસદાર કોણ હોઈ શકે અને તેમાં આરએસએસ અથવા સંઘની ભૂમિકા શું હશે?

સંઘની ભૂમિકા મહત્ત્વની છે, કારણ કે જાણકારો મુજબ, ભાજપ નબળો પડે છે ત્યારે પક્ષમાં સંઘની ભૂમિકા વધી જાય છે.

ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વચ્ચે ચાલી રહેલી રાજકીય ખેંચતાણને અનેક રાજકીય પંડિતો અને ઘટનાક્રમોએ વેગ આપ્યો છે ત્યારે આ સવાલ વધારે મહત્ત્વનો બની જાય છે.

આ સવાલો ત્યારે વધુ મહત્ત્વપૂર્ણ બની જાય છે જ્યારે રાજકીય નિષ્ણાતો અને કેટલાક ઘટનાક્રમને કારણે યુપીના મુખ્ય મંત્રી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વચ્ચે ખેંચતાણની ચર્ચાને વેગ મળ્યો છે.

75 વર્ષે નિવૃત્તિની વાત ક્યાંથી આવી?

નરેન્દ્ર મોદી 2014માં વડા પ્રધાન બન્યા ત્યારે લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા ટોચના અનેક નેતાઓને સંસદીય બોર્ડ કે કૅબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું. બન્ને નેતાઓને માર્ગદર્શકમંડળમાં સ્થાન આપવામાં આવ્યું હતું. અડવાણી ત્યારે 86 વર્ષના અને જોશી 80 વર્ષના હતા.

જૂન, 2016માં મધ્ય પ્રદેશ કેબિનેટનું વિસ્તરણ થયું ત્યારે 75 વર્ષ પાર કરી ગયેલા બાબુલાલ ગૌર તથા સરતાજ સિંહે પ્રધાનપદેથી રાજીનામું આપવું પડ્યું હતું. એવી જ રીતે 80 વર્ષ વટાવી ગયેલાં લોકસભાનાં ભૂતપૂર્વ સ્પીકર સુમિત્રા મહાજનને પણ કોઈ જવાબદારી આપવામાં આવી ન હતી. હિમાચલના દિગ્ગજ નેતા શાંતા કુમાર પણ એવી રીતે બાજુ પર ધકેલાઈ ગયા હતા.

અમિત શાહે ત્યારે કહ્યું હતું, "75 વર્ષની વય પાર કરી જાય તેવા નેતાઓને ચૂંટણી લડવાની પરવાનગી ન આપવાનો કોઈ નિયમ કે પરંપરા પક્ષમાં નથી."

કર્ણાટકના યેદિયુરપ્પા આ મામલામાં એક ઉદાહરણ હતા. 80 વર્ષ પાર કર્યા છતાં પણ તેઓ રાજ્યમાં ભાજપનું વડપણ સંભાળતા હતા.

લોકસભાની 2019ની ચૂંટણીમાં 91 વર્ષના લાલકૃષ્ણ અડવાણી અને 86 વર્ષના મુરલી મનોહર જોશીને ભાજપે ટિકિટ આપી ન હતી.

ધ વીક સાપ્તાહિકને આપેલી મુલાકાતમાં અમિત શાહે કહ્યું હતું, "75 વર્ષથી વધુ વયના કોઈને ટિકિટ આપવામાં આવી નથી. આ પક્ષનો નિર્ણય છે."

એક અન્ય જૂના વીડિયોમાં અમિત શાહ એવું કહેતા જોવા મળે છે કે "75 વર્ષથી વધુ વયના નેતાઓને જવાબદારી નહીં સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે."

અલબત, ભૂતકાળમાં કલરાજ મિશ્ર, નજમા હેપતુલ્લા અને હવે જીતનરામ માંઝી 75 વર્ષની વય પાર કર્યા પછી પણ મોદી કૅબિનેટમાં સ્થાન મેળવવામાં સફળ થયા હતા. આમાં જીતન રામ માંઝી ભાજપના નથી, પરંતુ તેમનો પક્ષ સત્તાધારી ગઠબંધનનો હિસ્સો છે.

75 પારના નિયમનું પાલન નરેન્દ્ર મોદી ખુદ કરશે?

એક સમયે નરેન્દ્ર મોદીના ચૂંટણી વ્યૂહરચનાકાર તરીકે કામ કરી ચૂકેલા પ્રશાંત કિશોરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, "આ નિયમ મોદીજીએ જ બનાવ્યો છે. તેથી તેનું પોતે પાલન કરવું કે નહીં તેનો નિર્ણય તેમણે કરવાનો છે."

સંઘ અને ભાજપની વિચારધારાના સમર્થક ડૉ. સુર્વોકમલ દત્તા બીબીસીને કહે છે, "75 વર્ષની વય થવા પછી આ બાબતે વિચાર કરવો કે નહીં તે વડા પ્રધાન પર નિર્ભર છે. ધારો કે તેઓ સ્વેચ્છાએ વિચારે કે તેમણે અવકાશ લેવો જોઈએ તો તે તેમનો અંગત વિચાર હશે. તેમાં સંગઠન કે વિચારધારા તરફથી કોઈ પ્રકારનું દબાણ નહીં હોય, એવું હું માનું છું."

ભાજપ, સંઘ, અટલ બિહારી વાજપેયી અને યોગી આદિત્યનાથ વિશે વરિષ્ઠ પત્રકાર વિજય ત્રિવેદી પુસ્તકો લખી ચૂક્યા છે.

તેઓ બીબીસીને કહે છે, "75 વર્ષના થયા પછી નરેન્દ્ર મોદી પોતાનો કાર્યકાળ પૂર્ણ ન કરે કે સંઘ કોઈ અન્યને ઇચ્છતો હોય એવું લાગતું નથી."

વરિષ્ઠ પત્રકાર રાકેશ મોહન ચતુર્વેદી કહે છે, "નરેન્દ્ર મોદી હજુ ઘણા સક્રિય છે. 2029 સુધી તો કન્ટ્રોલ નરેન્દ્ર મોદીના જ હાથમાં રહેશે, એવું લાગે છે."

અલબત, રાજકારણ અનિશ્ચિતતાભર્યું હોય છે. ખાસ કરીને ભાજપ અને સંઘના મામલામાં કોઈ બાબતની તૈયારી બહુ પહેલાંથી ચાલુ થઈ ગઈ હોય છે.

‘સંઘમ શરણમ્ ગચ્છામી’ પુસ્તકના લેખક વિજય ત્રિવેદી કહે છે, "નંબર વન માટે કોઈ લડાઈ ચાલુ નથી. મને લાગે છે કે શોધ શરૂ થઈ ગઈ હશે. આપણે જે સંઘને સમજીએ છીએ તે દૂરગામી નિર્ણયો, નીતિઓ પર ભરોસો કરે છે."

"એક લાંબા સમયની કાર્યયોજના શું હશે તેના પર તે લોકો કામ કરતા રહે છે. તેથી દેખીતું છે કે ભાજપમાં નરેન્દ્ર મોદી સિવાય બીજા નેતૃત્વની શોધ પણ સંઘ કરી રહ્યો હશે."

શું સંઘે ખરેખર તૈયારી શરૂ કરી દીધી છે? છેલ્લાં દસ વર્ષમાં નરેન્દ્ર મોદી અને સંઘ વચ્ચે કેવો સંબંધ રહ્યો છે તે અહીં સમજવું જરૂરી છે.

સંઘ, ભાજપ અને નરેન્દ્ર મોદી

"તેઓ ભલે આકાશ જેટલી ઊંચી છલાંગ મારી લે, પણ આવવું તો તેમણે ધરતી પર જ પડશે."

આ વાત આરએસએસના બીજા સરસંઘચાલક માધવરાવ ગોલવલકરે, એ સ્વયંસેવકો માટે કહી હતી, જેઓ નવગઠિત રાજકીય પક્ષ જનસંઘમાં જોડાયા હતા.

જનસંઘના સ્થાને ભારતીય જનતા પાર્ટીનું નિર્માણ 1980ના એપ્રિલમાં થયું હતું.

ગોલવલકરના ઉપરોક્ત નિવેદનને અનેક દાયકા વીતી ચૂક્યા છે, પરંતુ સંઘના તેના નેતાઓને "આકાશમાંથી ધરતી પર" લાવવાનાં અનેક ઉદાહરણ ભૂતકાળમાં રજૂ કરી ચૂક્યો છે.

બલરાજ મધોક, જસવંત સિંહ, લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી આવાં જ કેટલાંક ઉદાહરણ છે. કહેવાય છે કે આવા મોટા નેતા બોજ બની જાય ત્યારે તેમને નીચે લાવવામાં સંઘ વિલંબ કરતો નથી.

સંઘનું વલણ અત્યારે પણ એવું જ લાગે છે. સંઘના વડા મોહન ભાગવતે તાજેતરમાં કરેલા બે નિવેદન પર નજર કરો.

મોહન ભાગવતના આ બન્ને નિવેદન લોકસભા ચૂંટણીના પરિણામ પછી આવ્યાં હતાં.

એ નિવેદનોમાં વડા પ્રધાન મોદીનું નામ ક્યાંય લેવામાં આવ્યું ન હતું. સંઘ તરફથી આવતા સંદેશ પણ પરંપરાગત રીતે એવા હોય છે કે તેમના વિશે ખાતરીપૂર્વક કહી શકાતું નથી તે કોના સંદર્ભમાં છે, પરંતુ મોહન ભાગવતનાં નિવેદનો સાથે નરેન્દ્ર મોદીને કોઈ સંબંધ નથી તે કહેવું પણ મુશ્કેલ છે.

સંઘ સાથે જોડાયેલા અનેક લોકો અને જાણકારોનું કહેવું છે કે આ વખતની ચૂંટણીમાં સંઘે, તે અગાઉ કરતો હતો તેવું કામ ભાજપ માટે કર્યું નથી.

સંઘનું સૌથી મહત્ત્વનું કામ મતદારો વચ્ચે ભાજપની તરફેણમાં મંતવ્ય અને માહોલ બનાવવાનું હોય છે.

એ સંઘ જ હતો, જેની સહમતી વડે નરેન્દ્ર મોદી વડા પ્રધાનપદની રેસમાં 2013માં મોખરે પહોંચી શક્યા હતા.

પછી એવું તે શું થયું કે સંઘ પ્રમુખનાં નિવેદનોમાં કેટલાક લોકોને નરેન્દ્ર મોદી માટે સંકેતો દેખાવા લાગ્યા અને બન્ને વચ્ચે અંતર હોવાની અટકળોએ વેગ પકડ્યો? સંઘે ભાજપને 2014 કે 2019ની ચૂંટણીમાં મદદ કરી હતી તેવી મદદ 2024માં કેમ કરી નહીં?

સંઘ અને નરેન્દ્ર મોદીઃ અંતરની વાત ક્યાંથી આવી?

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ મે, 2024માં ધ ઇન્ડિયન ઍક્સપ્રેસ અખબારને આપેલી મુલાકાતમાં કહ્યું હતું, "પ્રારંભે અમે થોડા અક્ષમ હશું. થોડા ઓછા હશું. આરએસએસની જરૂર પડતી હતી. આજે અમારો વિસ્તાર થયો છે. સક્ષમ છીએ એટલે ભાજપ જાતે પોતાને ચલાવે છે."

જાણકારોનું કહેવું છે કે નડ્ડાના આ નિવેદનથી સંઘમાં બહુ નારાજગી જોવા મળી હતી.

એક અખબારના તંત્રીએ બીબીસીને કહ્યું હતું, "નડ્ડાના નિવેદનથી આ વખતે સંઘમાં નારાજગી હતી. ચૂંટણી દરમિયાન યોજાતી તાલીમ શિબિર પણ આ વખતે પણ ટાળવામાં આવી ન હતી."

"કોઈ પણ સંઘવાળા સાથે વાત કરશો તો તેઓ કહેશે કે તેઓ નગણ્ય હતા. હા, તેમણે મધ્ય પ્રદેશમાં જોરદાર મહેનત કરી હતી, કારણ કે શિવરાજસિંહ ચૌહાણે તેમનો કાયમ આદર-સત્કાર કર્યો છે. તેનું પરિણામ ત્યાં જોવા મળ્યું."

જોકે, નારાજગી આટલી જ નથી.

નીતિશ કુમારે જૂની સંસદના સેન્ટ્રલ હોલમાં 2024ની સાતમી જૂને કહ્યું હતું કે અમારો પક્ષ જેડીયુ ભાજપ સંસદીય દળના નેતા નરેન્દ્ર મોદીને ભારતના વડા પ્રધાનપદ માટે સમર્થન આપે છે.

નીતિશ જે સંસદીય દળના નેતા હોવાની વાત નરેન્દ્ર મોદી માટે કહી રહ્યા હતા તે ભાજપ સંસદીય દળની બેઠક આ વખતે યોજાઈ હતી?

ભાજપ-સંઘને કવર કરતા એક વરિષ્ઠ પત્રકારે બીબીસી સાથેની વાતચીતમાં દાવો કર્યો હતો કે "ભાજપના સંગઠનના ટોચના એક નેતા અને એક વરિષ્ઠ કૅબિનેટ પ્રધાન ચોથી જૂનની સાંજે દિલ્હી ખાતેના સંઘના કાર્યાલયમાં મળવા ગયા હતા. સંઘની તરફથી કહેવામાં આવ્યું હતું કે તમે સંસદીય દળની બેઠક યોજીને નેતાની પસંદગી કરી લો."

"આ વાત સંઘે બહુ હળવાશથી કહી હતી. એ વાત આગળ જણાવવામાં આવી ત્યારે તેને ઇશારો સમજી લેવામાં આવી હતી."

એ પછી ભાજપ સંસદીય દળની બેઠક યોજવામાં આવી ન હતી, પરંતુ એનડીએની બેઠક યોજાઈ હતી.

2024ની ચૂંટણીનાં પરિણામ આવ્યાં પછી ભાજપ સંસદીય દળ નહીં, પરંતુ એનડીએની બેઠક સંબંધી અખબારી યાદી ભાજપની વેબસાઇટ પર મૂકવામાં આવી હતી. 2019માં 303 બેઠકો જીત્યાના બીજા દિવસે 24 મેના રોજ ભાજપ સંસદીય દળની બેઠક યોજાઈ હતી, એનડીએની નહીં.

સૂત્રોએ કરેલા દાવા મુજબ, "સંઘના લોકો અનૌપચારિક રીતે કહેતા હોય છે કે 240 બેઠકોમાંથી 140 સંસદસભ્યો અમારા છે. ભાજપની બેઠક યોજાઈ હોત તો તેમાં કદાચ તેમની ચૂંટણી થઈ ન હોત. એટલે તેમણે બેઠક યોજી ન હતી."

"બીજા દિવસે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર વગેરેને બોલાવી, તેમના સમર્થન પત્રો લઈને એનડીએનો મામલો શરૂ કરી દેવાયો હતો. તેમણે ખુદને જ નેતા બનાવી દીધા એ વાત સંઘને ગમી નહીં."

સંઘની નારાજગી અને મનામણાંના પ્રયાસ

સંઘને સારી રીતે સમજતા લોકોની વાત માનીએ તો આરએસએસ વ્યક્તિને બદલે વિચાર અથવા સંગઠનને વધારે મહત્ત્વ આપે છે.

‘ધ આરએસએસ-આઇકન્સ ઑફ ઇન્ડિયન રાઇટ’ પુસ્તકના લેખક તથા વરિષ્ઠ પત્રકાર નીલાંજન મુખોપાધ્યાયે બીબીસીને કહ્યું હતું,"એક વાત સ્પષ્ટ છે કે મોદીજીથી નારાજગી દેખાઈ રહી છે. સંઘના ઝુકાવ પહેલાં એ મહત્ત્વનું છે કે અગાઉ જે હાથ પાછળ હતો તે હવે હટતો દેખાઈ રહ્યો છે. વધુ મોટા સમાચાર આ છે. સંઘ નરેન્દ્ર મોદીનું નામ લીધા વગર ટીકા કરી રહ્યો છે."

અલબત, સંઘ અને નરેન્દ્ર મોદી વચ્ચે અંતર બહુ વધી ગયું છે, એવું માનવું સાચું નથી.

2024માં ચૂંટણી પ્રચાર દરમિયાન 10 વર્ષમાં પહેલી વખત નરેન્દ્ર મોદી નાગપુરમાં રાત રોકાયા હોવાના સમાચાર આવ્યા હતા.

મુખોપાધ્યાય કહે છે, "વ્યક્તિને સંગઠન કરતાં વધારે મહત્ત્વ આપવું, આખા મોદી કલ્ટનું પ્રમોશન નારાજગીનું એક મોટું કારણ હતું."

જેપી નડ્ડાને નરેન્દ્ર મોદી તથા શાહના માણસ માનવામાં આવે છે. તેથી નડ્ડાનાં નિવેદનોને ગંભીર ગણવામાં આવ્યાં હતાં અને તેને સંપૂર્ણપણે અંગત નિવેદન ગણવામાં આવ્યાં ન હતાં.

જોકે, જુલાઈ 2024માં સંઘ સાથેના સંબંધમાં મિઠાશ લાવવાનો પ્રયાસ ભાજપ તરફથી જોવા મળ્યો હતો.

મોદી સરકારે સરકારી કર્મચારીઓના સંઘના સભ્ય હોવા પરનો પાંચ દાયકા જૂનો પ્રતિબંધ હટાવી દીધો હતો.

સંઘ-ભાજપ સાથે જોડાયેલાં સૂત્રોએ કહ્યું હતું, "થોડી ઓછી બેઠકો મળવાથી કશું બદલાયું નથી, એવું ભાજપ દેખાડવા માગે છે. કોઈ પ્રધાન, સ્પીકર કે અધ્યક્ષ બદલાયા નથી, પરંતુ ભાજપ જાણે છે કે સંઘ નારાજ છે. ભાજપે જરાય ઝૂક્યા વિના સંઘને થોડો પુચકાર્યો છે."

સંઘના પ્રવક્તા સુનીલ આંબેકરે પણ સરકારના પગલાને વખાણ્યું હતું, પરંતુ સંઘની નારાજગી સંભવતઃ એટલી વધારે હતી કે નવમી જુલાઈના તે આદેશ પછી મોહન ભાગવતે 18 જુલાઈએ સુપરમૅૅન અને ભગવાનવાળું નિવેદન બહાર પાડ્યું હતું.

મુખોપાધ્યાય કહે છે, "એ પ્રતિબંધ હટ્યા પછી ભાગવતે જે નિવેદન આપ્યું તેને જોતાં લાગે છે કે મોદીજીને જે લાભ મળવો જોઈતો હતો તે મળ્યો નથી. સંઘનાં નિવેદનોને ધ્યાનથી જોતા રહેવાની જરૂર છે. ટીકા ક્યાંક કોઈ અન્યને બેસાડવાના ખુલ્લા નિમંત્રણમાં પરિવર્તિત થઈ જાય છે તે પણ જોવું જોઈએ."

શોધ, તૈયારી અને તકરાર

એક તરફ સંઘથી એવા સંકેતો આવી રહ્યા છે કે તેઓ નરેન્દ્ર મોદીથી નારાજ છે અને બીજી તરફ દેશના રાષ્ટ્રીય રાજકીય મંચ પર રાહુલ ગાંધી તથા અખિલેશ યાદવ જેવા નેતાઓ ઊભરી રહ્યા છે.

નરેન્દ્ર મોદીની વધતી વય, લોકોનું બદલાતું વલણ અને સહયોગી પક્ષોના ટેકાથી ચાલતી નરેન્દ્ર મોદી સરકાર.

આ કારણો બાબતે જાણકારોનું કહેવું છે કે નરેન્દ્ર મોદીને હટાવવા જેવું હાલ તો કશું જ નહીં થાય, પરંતુ નવા ચહેરાની શોધ, તૈયારી અને તકરાર શરૂ થઈ ગઈ છે.

પાછલા દિવસોમાં ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ બાબતે જેવી અટકળ કરવામાં આવી હતી, તેનાથી આ વાતને વધુ મજબૂતી મળી છે.

ઉત્તર પ્રદેશ ભાજપના એક ધારાસભ્યે બીબીસીને કહ્યું, "નગરના ચોકમાં બેઠેલા માણસને આજે પણ ખબર છે કે બાબા (યોગી આદિત્યનાથ) કોઈ કામ કરે તો દિલ્હીથી નંબર-2 (અમિત શાહ) તેને ડિસ્ટર્બ કરી નાખે છે."

અલાહાબાદ યુનિવર્સિટીમાં પૉલિટિકલ સાયન્સના પ્રોફેસર ડૉ. પંકજ કુમારે બીબીસીને કહ્યું હતું, "અમિત શાહ યોગી આદિત્યનાથને હટાવવાની તક શોધી રહ્યા છે. તેમને યોગ્ય તક મળતી નથી. અમિત શાહ સારી પ્રબંધન ક્ષમતા ધરાવતા હશે, પરંતુ લોકોની નજરમાં તેઓ યોગ્ય સાબિત થતા નથી."

ભાજપ પર નજર રાખતા એક વરિષ્ઠ પત્રકાર કહે છે, "ભાજપ જે મતદારો પાસે જાય છે ત્યાં નરેન્દ્ર મોદી પછી યોગી આદિત્યનાથ જ છે. માત્ર ઉત્તર પ્રદેશમાં જ નહીં, બીજાં રાજ્યોમાં પણ આવું છે. યોગીની અપીલ અમિત શાહ કરતાં વધારે છે. આ વાતની યોગીને પણ ખબર છે."

યોગી આદિત્યનાથનો સમાવેશ ભાજપના સ્ટાર પ્રચારકોમાં થાય છે. નાથ સંપ્રદાયના મહત્ત્વના ગોરખધામ મઠના મહંત હોવાને કારણે પણ યોગી દેશના અલગ-અલગ હિસ્સાઓમાં લોકપ્રિય છે.

સંઘ પ્રત્યે ઝુકાવ ધરાવતા ડૉ. સુર્વોકમલ દત્તા કહે છે, "કોઈ પણ ગતિશીલ પક્ષમાં આને લડાઈ નહીં, પરંતુ સ્વસ્થ સ્પર્ધા કહેવામાં આવે છે. આવું થવું જરૂરી પણ છે અને તે હકારાત્મક હોય છે."

યોગી વિરુદ્ધ શાહ

અમે સંઘ, ભાજપ, સૂત્રો અને વરિષ્ઠ પત્રકારો સાથે વાત કરી હતી. એ પૈકીના મોટાભાગનાનું કહેવું હતું કે અત્યારે જે લડાઈ છે તે યોગી અને અમિત શાહ વચ્ચેની હોય એવું લાગે છે.

આ પરિસ્થિતિમાં સંઘ કોની પડખે છે?

એક દૈનિક અખબારના તંત્રીએ બીબીસીને કહ્યું, "સંઘ યોગીની સાથે છે. નંબર-2 ઇચ્છે છે કે યોગી હટી જાય તો લડાઈ ખતમ થઈ જશે, પરંતુ સંઘ એટલી મજબૂત રીતે યોગીની સાથે છે કે તેમનું હટવું મુશ્કેલ છે."

વરિષ્ઠ વહીવટી અધિકારીઓ બાબતે ખેંચતાણ, ઉત્તર પ્રદેશમાં સ્માર્ટ મીટરની રેસમાં અદાણીનું હોવું અને તેનું ટેન્ડર રદ્દ થવું.

આ બધી એવી ઘટનાઓ છે, જેના દ્વારા યોગી અને મોદી સરકાર વચ્ચે અંતર હોવાનો ઈશારો કરવામાં આવે છે.

વરિષ્ઠ પત્રકાર મોહન ચતુર્વેદી કહે છે, “અત્યારે જે નામો છે તેમાં યોગી અને શાહના નામ આવે છે. યોગી હિન્દુત્વનો ચહેરો છે, જ્યારે નરેન્દ્ર મોદીની યોજનાઓના અમલમાં અમિત શાહની ભૂમિકા મહત્વની રહી છે.”

નીતિન ગડકરીને 2009માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાના હોય, યોગીને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી બનાવવાના હોય કે પછી જૂન 2005માં મહંમદ અલી ઝીણાને સેક્યુલર ગણાવ્યા પછી અડવાણી પાસેથી ભાજપ અધ્યક્ષનું પદ છીનવવાનું હોય.

ભાજપ સંબંધી નિર્ણયોના પાછળ કાયમ સંઘનો હાથ રહ્યો છે.

યોગી અને શાહનો ઉલ્લેખ કરતાં પત્રકાર વિજય ત્રિવેદી કહે છે, "નિર્ણય થશે ત્યારે સંઘની સહમતીથી દિશા નિર્દેશ અને આપસી વાતચીત દ્વારા થશે, એવું મને લાગે છે."

સંઘ કોની તરફેણમાં છે?

આ સ્થિતિમાં સવાલ એ છે કે યોગી વિરુદ્ધ શાહની અટકળોને સાચી માનવામાં આવે તો સંઘનો ઝુકાવ કોની તરફ હશે?

સંઘ સત્તાવાર રીતે આ મુદ્દાઓ બાબતે ટિપ્પણી કરતો નથી.

સંઘમાં મહત્ત્વના પદની જવાબદારી સંભાળી રહેલી એક વ્યક્તિએ પોતાનું નામ ન છાપવાની શરતે બીબીસીને કહ્યું હતું, "સમય આવ્યે જેના વિશે સર્વસંમતિ બનશે ત્યારે ભાજપ નિર્ણય કરશે. આ બાબતોમાં ભાજપને એ સમયે કોઈ સહકાર જોઈતો હશે તો સંઘના અધિકારી તેમના સંપર્કમાં હશે. તેઓ આ મુદ્દે પોતાનો અભિપ્રાય જણાવશે. કોઈ સૂચન હશે તો તે કરશે. અંતિમ નિર્ણય ભાજપે જ કરવો પડશે."

તેમણે ઉમેર્યું હતું, "કોઈ પરિવર્તન થતું હોય એવું અમને લાગતું નથી. લોકો વાતો કરતા રહેશે. પોતપોતાનું અનુમાન કરતા રહેશે."

અમે આ અનુમાન બાબતે સંઘ સમર્થક ડૉ. સુર્વોકમલ દત્તાને પૂછ્યું.

તેઓ કહે છે, "મુખ્યત્વે જોઈએ તો હું સમજું છું કે મહંત યોગી આદિત્યનાથ છે. તેમની સાથે હિમંત બિસ્વા સરમા, શિવરાજ સિંહ ચૌહાણ, પીયુષ ગોયલ અને અનુરાગ ઠાકુર જેવા અન્ય ઘણા નેતાઓ છે."

તમે અનેક નામ લીધાં, પરંતુ અમિત શાહનું નામ કેમ ન લીધું, એવો સવાલ અમે ડૉ. દત્તાને કર્યો.

તેઓ કહે છે, "નરેન્દ્ર મોદી પછી બીજા નંબરે અમિત શાહ છે, એવું હું માનું છું. આખા દેશમાં તેમની ઓળખ છે. તેમની ઇમેજ, યુએસપી બહુ જ હાર્ડકોર નેતા તરીકેની છે. તેમને બીજી હરોળમાં ગણવા યોગ્ય નથી."

યોગી અને શાહઃ સંઘની નજરે

ભાજપના સંગઠનમાં અમિત શાહની પકડ મજબૂત છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, અમિત શાહ માને છે કે સંગઠનમાં વધુને વધુ લોકો તેમના જ થઈ જાય, જેથી કાલે જરૂર પડે તો પક્ષમાં વધુ લોકો અમિત શાહની તરફેણમાં બોલે.

શાહ અને નરેન્દ્ર મોદીને અલગ ગણી શકાય નહીં. બન્ને જૂના સાથી છે.

અલબત, શાહ વિશે જાણકારોનું કહેવું છે કે યોગી સાથે જાતિ અને લોકપ્રિયતાનું ફૅક્ટર છે, જે અમિત શાહ સાથે નથી.

વરિષ્ઠ પત્રકાર પ્રદીપ સિંહે બીબીસીને કહ્યું, "યોગી આદિત્યનાથ સંગઠનમાંથી ઉપર આવેલી વ્યક્તિ નથી. તેમનો ભાજપમાં હસ્તક્ષેપ કે કોઈ ભૂમિકા રહી નથી. સંગઠનમાં જે પદાધિકારીઓ છે, તેઓ યોગીને સ્વીકારી શકતા નથી."

યોગી આદિત્યનાથ પાછળની સંઘની ભૂમિકા બાબતે અતુલ ચંદ્રા અને શરત પ્રધાને તેમના પુસ્તકમાં વિગતવાર લખ્યું છે.

પોતાના પુસ્તક ‘યોગી આદિત્યનાથ’માં તેમણે લખ્યું છે, "હિંદુત્વનો પ્રખર અને મજબૂત અવાજ હોવાને કારણે યોગી આદિત્યનાથને સંઘના વડા મોહન ભાગવતના આશિર્વાદ મળેલા છે."

પુસ્તકમાં જણાવ્યા મુજબ, "ઉત્તર પ્રદેશમાં આઈઆઈટી ગ્રેજ્યુએટ નેતા મનોજ સિન્હાથી બહેતર રાજકીય દાવ ભગવાધારી મહંત યોગી આદિત્યનાથ પર હશે, એ વાત ભાગવતે જ 2017માં નરેન્દ્ર મોદીને ગળે ઉતારી હતી. તેનાથી પક્ષનો હિંદુત્વ એજન્ડા ઉત્તર પ્રદેશમાં સ્પષ્ટ થઈ શકશે."

ઉત્તર પ્રદેશ અને ભારતના હિન્દુ રાષ્ટ્ર હોવા કે બનાવવા બાબતે યોગી નિવેદનો કરતા રહે છે.

‘માયા, મોદી, આઝાદ’ પુસ્તકના લેખક, રાજકીય મામલાઓના જાણકાર સુધા પાઈ અને સજ્જન કુમારે 2017માં એક લેખ લખ્યો હતો.

તેમાં જણાવ્યા મુજબ, "ભાજપ, સંઘનું લક્ષ્ય માત્ર ચૂંટણી જીતવાનું નથી. ભારતને વધારે હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું છે. આઇડિયા એ છે કે મોટાં હુલ્લડ વિના સામાન્ય લોકોની નજરમાં હિંદુત્વને સ્વીકાર્ય બનાવવામાં આવે અને મુસલમાનોને અન્યોની માફક રજૂ કરવામાં આવે. યોગી આદિત્યનાથ આ કામ સફળતાપૂર્વક કરી રહ્યા છે. તેથી સંઘે યોગીને આ મામલામાં એક સફળ વ્યક્તિ ગણ્યા છે.”

પત્રકાર વિજય ત્રિવેદી કહે છે, "ભાજપ યોગીને આખા દેશમાં પ્રચાર માટે મોકલે છે, જ્યારે ઉત્તર પ્રદેશના સત્તા સંઘર્ષમાં સંઘ યોગીની સાથે જોવા મળે છે. તેથી યોગીની સંભાવના બહેતર દેખાય છે."

યોગી, શાહની શક્યતાઓ વચ્ચે બીજાં કેટલાંક નામ અને બદલતા રાજકારણને પણ ધ્યાનમાં લેવું પડશે.

હિંદુત્વ કે જાતિ

લોકસભાની 2024ની ચૂંટણીમાં જાતિ એક મહત્ત્વનો મુદ્દો હતી. રાહુલ ગાંધી સહિતના વિરોધ પક્ષના અનેક નેતાઓ જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો સતત ઉઠાવી રહ્યા છે.

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીની સફળતામાં પછાત, દલિત અને લધુમતીના ગઠબંધનને બહુ મહત્વનું માનવામાં આવે છે.

છેલ્લા એક દાયકાનું રાજકારણ હિન્દુત્વના રથ પર સવાર હોવાનું જોવા મળ્યું હતું, પરંતુ ભારતીય રાજકારણ હવે પોતાનો રથ બદલી રહ્યું હોય એવું લાગે છે.

બીબીસી હિન્દીના ‘ધ લેન્સ’ કાર્યક્રમમાં વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરીએ કહ્યું હતું કે રાજકીય મુદ્દાની રીતે ધર્મ પાછળ અને નીતિ આગળ આવતી હોય તેવું જોવા મળે છે.

જાણકારોની વાત માનીએ તો હાર્ડ હિંદુત્વનું ટૅમ્પ્લેટ બદલાઈ ગયું છે અને લોકસભા ચૂંટણીની માફક ભાજપ ઢળતો જશે તો મોદી-યોગીનું ટૅમ્પ્લેટ પણ બદલવાનું શરૂ થઈ જશે. મુદ્દો બદલાશે તો સંઘ કોઈ ત્રીજાને પણ લાવી શકે છે.

નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથ કે અમિત શાહ નહીં, તો બીજું કોણ?

વરિષ્ઠ પત્રકાર રાકેશ મોહન ચતુર્વેદી કહે છે, "એક નીતિન ગડકરી છે અને બીજા રાજનાથ સિંહ છે. બન્ને અગાઉ પાર્ટીના અધ્યક્ષ હતા. રાજનાથ નરેન્દ્ર મોદીની વયના છે."

"ગડકરી થોડા યુવાન છે. તેઓ લોકપ્રિય પણ છે અને સંઘ સાથે તેમને સારો સંબંધ પણ છે. શિવરાજ સિંહ ચૌહાણ લાંબા સમય સુધી મુખ્યપ્રધાન હતા. તેઓ પણ લોકપ્રિય નેતાઓ પૈકીના એક છે. તેમની શક્યતા બહુ વધારે છે."

જોકે, પાર્ટી સાથે જોડાયેલા સૂત્રો દાવો કરે છે કે "નરેન્દ્ર મોદી અને અમિત શાહે ભાજપમાં પોતાના લોકોને ભરી દીધા છે. એ લોકો ગડકરી કે શિવરાજને આગળ નહીં વધવા દે."

પત્રકાર વિજય ત્રિવેદી કહે છે, "સવાલ એ છે કે હિંદુત્વનું રાજકારણ મુખ્ય રહેશે કે પછાત, ઓબીસીનું રાજકારણ પ્રભાવ પાડશે? આ બન્ને બાબતોની અસર પણ ઉત્તરાધિકારીના નામ પર થશે. જાતિગત રાજનીતિથી આગળ અત્યારે ઉપલબ્ધ નામોમાં શિવરાજ સિંહ ચૌહાણનું નામ મોખરે દેખાય છે."

2029, સંઘ, બીજેપી અને ઉત્તરાધિકારી

પોતાની વ્યક્તિ હોય તેને જ ઉત્તરાધિકારી બનાવવામાં આવે છે અને રાજકારણમાં પોતાની વ્યક્તિની પરિભાષા સતત બદલાતી રહે છે.

પત્રકાર પૂર્ણિમા જોશી કહે છે, "નરેન્દ્ર મોદી જેવા નેતાઓ કોઈ બીજાને વિકસવા દેતા નથી."

પણ સંઘની ભૂમિકા અને તૈયારી અહીંથી જ શરૂ થાય છે.

નીલાંજન મુખોપાધ્યાય કહે છે, "સંઘ અને ભાજપ વચ્ચે આજની તારીખે સુંવાળો સંબંધ નથી. સંઘ સાથે જોડાયેલાં એબીવીપી, ટ્રેડ યુનિયન, કિસાન સંગઠન જેવાં સંગઠનો લોકોની નારાજગી કેટલી હદે વ્યક્ત કરે છે તેને સમજવાની જરૂર છે."

આ સમજવા થોડા દિવસ પાછળ જઈએ.

27 જુલાઈ, 2024. દિલ્હીમાં મુખ્ય મંત્રી પરિષદની બેઠક.

અજાણપણે, પરંતુ અમિત શાહ અને યોગી આદિત્યનાથ એક ટેબલ પર એકમેકની નજીક સામસામે જ હતા.

બન્ને નેતાઓની વચ્ચે નરેન્દ્ર મોદી અને જે પી નડ્ડા બેઠા હતા.

આ તસવીર કેટલાક લોકોને રેસની પ્રારંભિક લાઇનની એ ક્ષણ જેવી લાગી શકે છે, જેના પછી જોરથી ખટાક અવાજ થશે અને નંબર વન બનવાની રેસ શરૂ થઈ જશે.

રાજકારણની ‘ઑલિમ્પિક’માં મોટાભાગે એ ખેલાડી ગોલ્ડ મેડલ જીતતો હોય છે, જે રેસમાં દોડતો દેખાતો નથી.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.