શર્લિન ચોપરાએ બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કેમ કઢાવી નાખ્યાં, શું તે જોખમી હોય છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ, સર્જરી, મહિલા, શર્લિન ચોપરા, બોલીવૂડ, ફિલ્મજગત

ઇમેજ સ્રોત, sherlynchopra/IG

ઇમેજ કૅપ્શન, શર્લિન ચોપરાનું કહેવું છે કે સમાજના દબાણમાં આવી જઈને પોતાના શરીરમાં ફેરફાર ન કરાવવો જોઈએ
    • લેેખક, ડિંકલ પોપલી
    • પદ, બીબીસી સંવાદદાતા

"મારી છાતી પરથી મોટો ભાર ઊતરી ગયો. એક (ઇપ્લાન્ટ)નું વજન 825 ગ્રામ હતું. હું પતંગિયા જેવું અનુભવી રહી છું. હું યુવાપેઢીને વિનંતી કરું છું કે સોશિયલ મીડિયાના પ્રભાવમાં પોતાના શરીર સાથે રમત ના કરે."

મૉડલ રહેલાં શર્લિન ચોપરાએ રવિવારે રાત્રે પોતાના ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પર એક વીડિયો શેર કરતાં જણાવ્યું કે તેમણે પોતાનાં બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કઢાવી નાખ્યાં છે.

આ વીડિયોમાં તેમણે યુવાઓને અપીલ કરી છે કે તેઓ સમાજના દબાણમાં આવીને પોતાના શરીર વિશે કશો નિર્ણય ન કરે અને પોતાની કુદરતી શરીરરચના સાથે રમત ન કરે.

આની પહેલાં એક પોસ્ટમાં તેમણે કહેલું, "હું આજે મારાં બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કઢાવી રહી છું, જેથી હું કશા વધારાના ભાર વગર જીવન જીવી શકું."

સોશિયલ મીડિયા પર લોકો તેમના આ પગલાની ખૂબ સરાહના કરી રહ્યા છે. શર્લિન ચોપરા મૉડલ રહ્યાં છે.

તેઓ હિંદી અને તેલુગુ ફિલ્મોમાં પોતાના કામ માટે પ્રખ્યાત છે. 38 વર્ષીય શર્લિને પોતાના કરિયરની શરૂઆત 2007માં એક હિંદી ફિલ્મથી કરી હતી.

પરંતુ, શું તમે જાણો છો કે આ બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટમાં કઈ વસ્તુઓનો ઉપયોગ થાય છે અને શરીરમાં તે કઈ રીતે ફિટ થાય છે?

બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ શું છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ, સર્જરી, મહિલા, શર્લિન ચોપરા, બોલીવૂડ, ફિલ્મજગત
ઇમેજ કૅપ્શન, ડૉ. વિકાસ ગુપ્તા અનુસાર, ઇમ્પ્લાન્ટ વ્યક્તિના ખભાના આકાર, ત્વચાના પ્રકાર, ઊંચાઈ, વજન અને અન્ય કુદરતી રચના પર આધાર રાખે છે

બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ એક કૉસ્મેટિક સર્જરી છે, જેમાં સ્તનના આકારને વધારવા કે બદલવા માટે ઇમ્પ્લાન્ટ કરાય છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આજકાલ ઉપયોગમાં લેવાતાં મોટા ભાગનાં ઇમ્પ્લાન્ટ સિલિકૉનથી બનેલાં હોય છે. તે એક ગોળ દડા જેવાં હોય છે, જેને સ્તનની નીચે એક નાનો કાપો મૂકીને સ્તનની અંદર મૂકવામાં આવે છે.

લુધિયાણામાં પ્રોફાઇલ ફોર્ટ નામની ક્લિનિકના માલિક અને પ્લાસ્ટિક સર્જન ડૉ. વિકાસ ગુપ્તાએ કહ્યું, "હું છેલ્લાં 15 વર્ષથી બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કરું છું. પહેલાં સલાઇન વૉટર ઇમ્પ્લાન્ટનો પણ ઉપયોગ થતો હતો, પરંતુ હવે તેને બંધ કરી દેવાયું છે, કેમ કે, તે ફાટી જવાનું જોખમ હતું."

"અત્યારનાં ઇમ્પ્લાન્ટ સિલિકૉનથી બનેલાં હોય છે, જેને મૂકવાનું એટલું સરળ થઈ ગયું છે કે ઇમ્પ્લાન્ટ કરાવનાર વ્યક્તિ અને તેને મૂકનાર ડૉક્ટર સિવાય કોઈને ખબર નથી પડતી."

ડૉ. ગુપ્તાએ જણાવ્યું કે એક વાર બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ થઈ ગયાં પછી તેને ફરી બદલવાની જરૂર નથી પડતી.

ક્રિશ્ચિયન મેડિકલ કૉલેજ (સીએમસી) અને હૉસ્પિટલ, લુધિયાણામાં પ્લાસ્ટિક સર્જરી વિભાગનાં પ્રમુખ અને પ્રોફેસર ડૉ. પિંકી પરગાલનું કહેવું છે કે, સોશિયલ મીડિયાના કારણે છેલ્લા દાયકામાં બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટનું ચલણ ઝડપભેર વધ્યું છે.

ડૉ. પિંકીએ કહ્યું, "આવી કૉસ્મેટિક સર્જરી નવી નથી, પરંતુ, સોશિયલ મીડિયા આવવાથી તેનું ચલણ ઘણું વધી ગયું છે. તે હવે સામાન્ય લોકોની પહોંચમાં આવી ગઈ છે. તે પહેલાંની સરખામણીએ ઘણી સસ્તી થઈ ગઈ છે, જેના કારણે ઘણા લોકો તેની તરફ આકર્ષાઈ રહ્યા છે."

બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટમાં વર્ગીકરણ/ તફાવત

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ, સર્જરી, મહિલા, શર્લિન ચોપરા, બોલીવૂડ, ફિલ્મજગત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અભિનેત્રી શર્લિન ચોપરાએ દાવો કર્યો છે કે તેમના એક બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટનું વજન 825 ગ્રામ હતું

અભિનેત્રી શર્લિન ચોપરાએ દાવો કર્યો છે કે તેમના એક બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટનું વજન 825 ગ્રામ હતું. પરંતુ બીબીસી સાથેની વાતચીતમાં નિષ્ણાતોનું કહેવું છે કે ભારતમાં માત્ર 350થી 400 મિલીમીટરનાં ઇમ્પ્લાન્ટની જ ભલામણ કરવામાં આવે છે.

ડૉ. વિકાસે જણાવ્યું, "આ સર્જરી કરતાં પહેલાં એક પ્લાસ્ટિક સર્જન શારીરિક રચના તપાસે છે અને પછી તેના આધારે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટના આકારની સલાહ આપે છે. ભારતીય મહિલાઓની શારીરિક સંરચના માટે 350થી 400 મિમીથી મોટા ઇમ્પ્લાંટની સલાહ નથી અપાતી."

ડૉ. વિકાસ ગુપ્તાએ કહ્યું કે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટની સલાહ ખભાના આકાર, ત્વચાના પ્રકાર, ઊંચાઈ, વજન અને અન્ય કુદરતી સંરચના જોઈને અપાય છે.

ડૉ. પિંકી પરગાલ પણ આ વાત સાથે સંમત છે, પરંતુ તેઓ જણાવે છે કે ભારતમાં ઘણા અનધિકૃત લોકો પણ આવી કૉસ્મેટિક સર્જરી કરી રહ્યા છે, જેનાથી નિયમોનું બરાબર પાલન નથી થઈ શકતું.

ડૉ. પિંકીએ કહ્યું, "કોઈ પણ સર્જન જીદ પછી પણ કોઈ પણ સાઇઝનાં ઇમ્પ્લાન્ટ ન લગાડી શકે. ડૉક્ટર પહેલાં તપાસ કરશે અને ત્યાર પછી જ સલાહ આપશે કે તેમના માટે કયાં આકાર-માપનાં ઇમ્પ્લાન્ટ યોગ્ય રહેશે."

"પરંતુ એવા અનધિકૃત ડૉક્ટર્સ પણ છે, જેઓ પૈસા માટે કોઈ પણ આકાર-માપનાં ઇમ્પ્લાન્ટ કરવા તૈયાર થઈ જાય છે."

ઇમ્પ્લાન્ટ કોના માટે છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ, સર્જરી, મહિલા, શર્લિન ચોપરા, બોલીવૂડ, ફિલ્મજગત

ઇમેજ સ્રોત, sherlynchopra/IG

ઇમેજ કૅપ્શન, શર્લિને પોતાનાં સ્તનમાંથી કાઢવામાં આવેલાં ઇમ્પ્લાન્ટની તસવીર પોસ્ટ કરી છે

ડૉ. પિંકીએ જણાવ્યું, "ઘણા લોકો આને માત્ર એક કૉસ્મેટિક પ્રક્રિયારૂપે જુએ છે; પરંતુ, આ એવી મહિલાઓ માટે ખૂબ અસરકારક છે, જેમનાં સ્તન કુદરતી રીતે પૂર્ણ વિકસિત ન થયાં હોય."

પરંતુ, ડૉ. પિંકીએ કહ્યું કે જો કોઈ મહિલા માત્ર સોશિયલ મીડિયાના પ્રભાવમાં આવીને આ પ્રક્રિયા કરાવવાનું વિચારી રહી હોય, તો તેણે પોતાને જ આ સવાલ પૂછવો જોઈએ કે, શું આ જરૂરી છે?

બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટનો ખર્ચ કેટલો છે અને તેમાં કેટલો સમય લાગે છે?

ડૉ. પિંકી કહે છે કે તેની કિંમત 50,000 રૂપિયાથી માંડીને 1,50,000 રૂપિયા સુધીની હોઈ શકે છે. કિંમત ઇમ્પ્લાન્ટનાં આકાર અને ગુણવત્તા પર આધાર રાખે છે.

આ ઉપરાંત, ઇમ્પ્લાન્ટ કરનાર ડૉક્ટરની ફી પણ ઉમેરાય છે.

તે કરાવવામાં માત્ર એક દિવસ લાગે છે અને તમારે એક મહિના સુધી ડૉક્ટરની સૂચના મુજબની ખાનપાનની પરેજી પાળવાની હોય છે.

ડૉ. વિકાસે જણાવ્યું, "એક વાર ઇમ્પ્લાન્ટ થઈ ગયા પછી તે આજીવન એવાં જ રહે છે. તે નુકસાનકારક નથી હોતાં. પરંતુ, જો કોઈ તેને કાઢી નાખવા માગે તો સરળતાથી કઢાવી શકાય છે."

શું તેમાં કોઈ જોખમ છે?

ડૉ. વિકાસનું કહેવું છે કે તેમાં પણ અન્ય સર્જરીની જેમ જ ઇન્ફેક્શન/ સંક્રમણનું જોખમ રહે છે.

તેમણે કહ્યું, "ઘણા લોકોને ચિંતા હોય છે કે તેનાથી કૅન્સર થઈ શકે છે કે સ્તનપાન કરાવવામાં તકલીફ પડશે; પરંતુ એવું નથી. બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટથી ન તો કૅન્સરનું જોખમ વધે છે અને તેનાથી બાળકને દૂધપાન કરાવવામાં પણ કશી તકલીફ નથી થતી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન