અમદાવાદ : સાબરમતી સેન્ટ્રલ જેલમાં 'આતંકવાદી ષડયંત્ર'ના આરોપી પર હુમલો, શું થયું હતું?

અમદાવાદની સાબરમતી જેલમાં સૈયદ અહમદ મોહિયુદ્દીન અબ્દુલ કાદર જિલાની (ઉંમર 40) નામના કેદી પર હુમલો થયો હતો

ઇમેજ સ્રોત, Getty Images/X/DGPGujarat

ઇમેજ કૅપ્શન, અમદાવાદની સાબરમતી જેલમાં સૈયદ અહમદ મોહિયુદ્દીન અબ્દુલ કાદર જિલાની (ઉંમર 40) નામના કેદી પર હુમલો થયો હતો

અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં મંગળવારે ' જૈવિક હુમલો કરવાની તૈયારી કરવાના આતંકવાદ'ના કેસમાં પકડાયેલા એક આરોપી પર બીજા ત્રણ કાચા કામના કેદીઓએ હુમલો કર્યો હતો.

આ હુમલાનો ભોગ બનનારને આંખ અને નાકના ભાગે ઈજા થવાથી તેમને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે સૈયદ અહમદ મોહિયુદ્દીન અબ્દુલ કાદર જિલાની (ઉંમર 40) નામના કેદી પર હુમલો થયો હતો.

આ હુમલો જિલાની બૅરેકમાં હતા ત્યારે કરવામાં આવ્યો હતો. તેના કારણે જેલની સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો પેદા થયા છે.

ગુજરાત એટીએસે નવેમ્બર 9ના રોજ ત્રણ લોકોની ધરપકડ કર્યા બાદ મીડિયા સમક્ષ દાવો કર્યો હતો કે 'આ ધરપકડો બાદ એક મોટો આતંકવાદી હુમલો ટળી શકાયો છે'.

પકડાયેલા આ આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં સાબરમતી જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.

કઈ રીતે ઘટના બની

બીબીસી ગુજરાતી અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલ કેદી પોલીસ એટીએસ

ઇમેજ સ્રોત, DGP Gujarat/X

ઇમેજ કૅપ્શન, હુમલાનો ભોગ બનનાર સૈયદ અહમદ મોહિયુદ્દીન જિલાની

રાણીપ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે. વાય. વ્યાસે સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું કે, "તાજેતરમાં ઍન્ટી-ટેરરિસ્ટ સ્ક્વૉડ (એટીએસ) દ્વારા પકડવામાં આવેલા ત્રણ આરોપીઓને મંગળવારે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા હતા. તેમાંથી એક આરોપી સૈયદ અહમદ મોહિયુદ્દીન અબ્દુલ કાદર જિલાની (ઉંમર 40) સાબરમતી સેન્ટ્રલ જેલમાં સવારે પોતાની બૅરેકમાં હતા ત્યારે અંકિત ખુમાણ, શિવમ શર્મા અને અંકિત લોધીએ જિલાની પર હુમલો કરતા તેમને ઈજા થઈ છે. રાણીપ પોલીસે ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે."

આ કેસમાં આઝાદ સુલેમાન શેખ અને મોહમ્મદ સલીમ ખાન નામના બીજા બે આરોપીઓ પણ સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા છે.

હુમલો કરનારા ત્રણેય કાચા કામના કેદી છે અને હત્યા તથા પૉક્સોના કેસ હેઠળ પકડવામાં આવ્યા છે.

રાઇસિન કેસમાં ધરપકડ

બીબીસી ગુજરાતી અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલ કેદી પોલીસ એટીએસ

ઇમેજ સ્રોત, DGP Gujarat/X

ઇમેજ કૅપ્શન, આઝાદ સુલેમાન શેખ (ડાબે) અને મોહમ્મદ સુલેહ મોહમ્મદ સલીમ ખાન (જમણે)ને પણ એટીએસ દ્વારા પકડવામાં આવ્યા છે.

સૈયદ અહમદ મોહિયુદ્દીન અબ્દુલ કાદર જિલાની મૂળ હૈદરાબાદના છે. તાજેતરમાં ગુજરાત એટીએસે રાઇસિન નામના રસાયણ વડે ત્રાસવાદી હુમલો કરવાનું કથિત આયોજન ધરાવતા કેટલાક લોકોને પકડ્યા હતા, જેમાં જિલાનીનો સમાવેશ થાય છે. રાઇસિન એ એરંડામાંથી કાઢવામાં આવતું ઝેરી પ્રવાહી છે.

ગુજરાત ઍન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડે મીડિયાને આપેલી માહિતી અનુસાર એટીએસે જેમની ધરપકડ કરી હતી તેમાંથી અહમદ મોહિઉદ્દીન સૈયદ એક એવા નેટવર્કનો ભાગ હતા, જે જૈવિક હુમલો કેવી રીતે કરી શકાય તે દિશામાં સંશોધન કરતા હતા.

ગુજરાત એટીએસના દાવા મુજબ સૈયદ જિલાનીએ છેલ્લા થોડાક સમયમાં અનેક વખત એરંડાથી રાઇસિન બનાવવાના નિષ્ફળ પ્રયાસો કર્યા હતા. રાઇસિન એક ખૂબ જ ઝેરી પદાર્થ છે, જે એરંડાનાં બીજમાંથી કાઢવામાં આવે છે.

ગુજરાત એટીએસે નવેમ્બર 9ના રોજ ત્રણ લોકોની ધરપકડ કર્યા બાદ મીડિયા સમક્ષ દાવો કર્યો હતો કે 'આ ધરપકડો બાદ એક મોટો આતંકવાદી હુમલો ટળી શકાયો છે'.

'આતંકવાદ' કેસના આરોપી કોણ છે?

બીબીસી ગુજરાતી અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલ કેદી પોલીસ એટીએસ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, કેદી પર હુમલો કઈ રીતે થયો તેની પોલીસે માહિતી આપી હતી

સૈયદ ઉપરાંત પોલીસે ઉત્તર પ્રદેશના શામલીમાં રહેતા આઝાદ શેખ અને ઉત્તર પ્રદેશના જ લખીમપુર ખીરીના મોહમ્મદ સોહૈલ ખાન નામના બીજા બે લોકોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી 2 ગ્લોક પિસ્ટલ, 1 બેરેટા પિસ્ટલ, 30 જીવંત કારતૂસ, ચાર લીટર એરંડાનું તેલ તેમજ 10 લીટરનું કેમિકલ ભરેલું કેન મળી આવ્યું હતું.

ન્યૂઝ એજન્સી પીટીઆઈના એક અહેવાલ પ્રમાણે 20 વર્ષનો આઝાદ શામલીના ઝીંઝાનામાં એક દરજી તરીકે કામ કરતો હતો. બુઢાનાના જે મદરેસામાં તે અભ્યાસ કરતો હતો, ત્યાં જ સોહૈલ ખાન પણ અભ્યાસ કરતો હતો.

આ મદરેસાના પ્રમુખ, મૌલાના દાઉદે પીટીઆઈને જણાવ્યું હતું કે, આ બન્નેએ 'હફી-ઝે-કુરાન'નો અભ્યાસ કર્યો હતો, પરંતુ ઘણા સમય પહેલાં તેઓ મદરેસા છોડીને જતા રહ્યા હતા.

પીટીઆઈએ ગુજરાત એટીએસના તપાસ અધિકારીને ટાંકતા લખ્યું છે કે આ ધરપકડ બાદ પોલીસે હૈદરાબાદ સ્થિત સૈયદના ઘરે દરોડા પાડીને કેટલીક વસ્તુઓ પણ જપ્ત કરી છે, જેમાં 10 કિલો એરંડાનો સમાવેશ થાય છે.

શું છે રાઇસીન?

બીબીસી ગુજરાતી અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલ કેદી પોલીસ એટીએસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાત પોલીસે એરંડાનાં બીજ જપ્ત કર્યા છે (પ્રતીકાત્મક તસવીર)

રાઇસીન કુદરતી રીતે મળી આવતો ખૂબ જ ઝેરી પદાર્થ છે, તે એરંડામાંથી મળે છે. શ્વાસમાં, લોહીમાં કે ખાવામાં 'રાઇસીનના એક ગ્રામનો હજારમો ભાગ' પણ એક પુખ્ત વ્યક્તિને મારી નાખવા માટે પૂરતો હોય છે.

રાઇસીનના સંપર્કમાં આવ્યાના કલાકોમાં વ્યક્તિમાં ફ્લૂ જેવાં લક્ષ્ણો જોવા મળે છે. તેને તાવ આવે છે, ઊલ્ટી થવા લાગે છે અને ઉધરસ આવે છે.

વ્યક્તિનાં ફેફસાં, લિવર, કિડની અને ઇમ્યુન સિસ્ટમ ઉપર તે પ્રહાર કરે છે, તેનો કોઈ ઍન્ટિડોટ નથી.

અને ત્રણેક દિવસમાં પીડિત વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે. જોકે, તે ચેપી નથી. માસ્કથી રાઇસીનના ગૅસ સ્વરૂપે સંપર્કથી બચાવ થઈ શકે છે.

રાઇસીન એરંડામાંથી મળી આવે છે અને તે પ્રવાહી, કણ કે પાઉડર સ્વરૂપમાં હોઈ શકે છે.

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન