એરંડાના તેલ સાથે ગુજરાતમાંથી પકડાયેલા ત્રણ શખ્સો શું 'જૈવિક હુમલાની તૈયારી કરી રહ્યા હતા', એટીએસે શું જણાવ્યું?

ઇમેજ સ્રોત, X/DGPGujarat
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
શું હવે પછીના આતંકવાદી હુમલા જૈવિક હુમલાના સ્વરૂપમાં થશે? જો ગુજરાતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની વાત માનીએ તો આ ખતરાને નકારી શકાય તેમ નથી.
ગુજરાત ઍન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડે આપેલી માહિતી અનુસાર એટીએસે હાલમાં જેની ધરપકડ કરી છે, તે અહમદ મોહિઉદ્દીન સૈયદ એક એવા નેટવર્કનો ભાગ હતો, જે જૈવિક હુમલો કેવી રીતે કરી શકાય તે દિશામાં સંશોધન કરી રહ્યું હતું.
ગુજરાત એટીએસેને જાણવા મળ્યું છે કે છેલ્લા થોડાક સમયમાં સૈયદે અનેક વખત એરંડાથી રાઇસિન બનાવવાના નિષ્ફળ પ્રયાસો કર્યા હતા. રાઇસિન એક ખૂબ જ ઝેરી પદાર્થ છે, જે એરંડાનાં બીજમાંથી કાઢવામાં આવે છે.
ગુજરાત એટીએસે નવેમ્બર 9ના રોજ ત્રણ લોકોની ધરપકડ કર્યા બાદ મીડિયા સમક્ષ દાવો કર્યો હતો કે આ ધરપકડો બાદ એક મોટો આતંકવાદી હુમલો ટળી શકાયો છે.
ગાંધીનગરમાંથી પકડાયેલા આરોપીઓ કોણ છે?
સૈયદ ઉપરાંત પોલીસે ઉત્તર પ્રદેશના શામલીમાં રહેતા આઝાદ શેખ અને ઉત્તર પ્રદેશના જ લખીમપુર ખીરીના મોહમ્મદ સોહૈલ ખાન નામના બીજા બે લોકોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી 2 ગ્લોક પિસ્ટલ, 1 બેરેટા પિસ્ટલ, 30 જીવંત કારતૂસ, ચાર લીટર એરંડાનું તેલ તેમજ 10 લીટરનું કેમિકલ ભરેલું કેન મળી આવ્યું હતું.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના એક અહેવાલ પ્રમાણે 20 વર્ષનો આઝાદ શામલીના ઝીંઝાનામાં એક દરજી તરીકે કામ કરતો હતો. બુઢાનાના જે મદરેસામાં તે અભ્યાસ કરતો હતો, ત્યાં જ સોહૈલ ખાન પણ અભ્યાસ કરતો હતો.
આ મદરેસાના પ્રમુખ, મૌલાના દાઉદે પીટીઆઈને જણાવ્યું હતું કે, આ બન્નેએ 'હફી-ઝે-કુરાન'નો અભ્યાસ કર્યો હતો, પરંતુ ઘણા સમય પહેલાં તેઓ મદરેસા છોડીને જતા રહ્યા હતા.
પીટીઆઈએ ગુજરાત એટીએસના તપાસ અધિકારીને ટાંકતા લખ્યું છે કે આ ધરપકડ બાદ પોલીસે હૈદરાબાદ સ્થિત સૈયદના ઘરે દરોડા પાડીને કેટલીક વસ્તુઓ પણ જપ્ત કરી છે, જેમાં 10 કિલો એરંડાનો સમાવેશ થાય છે. મંગળવારે કરેલી આ રેડ દરમિયાન પોલીસને આ જથ્થો મળી આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એટીએસનો દાવો છે કે સૈયદ હૈદરાબાદમાં બે કામદારો સાથેની એક નાનકડી રેસ્ટોરાં ચલાવતો હતો, જેમાં તે એરંડાના બીજમાંથી રાઇસિન કેવી રીતે કાઢી શકાય તે દિશામાં કામ કરી રહ્યો હતો. તેણે પોતાની રેસ્ટોરાંને એક લૅબમાં પરિવર્તિત કરી દીધી હતી.
જોકે પોલીસ અનુસાર હજી સુધી તેને આ દિશામાં કોઈ ચોક્કસ સફળતા મળી નહોતી, પરંતુ તેની પાસેથી મળેલા પદાર્થ અને બીજી તમામ સામગ્રીને હાલમાં પોલીસે ફૉરેન્સિક તપાસ માટે મોકલી છે, જેમાં પોલીસ જાણવાનો પ્રયાસ કરશે કે ખરેખર સૈયદ રાઇસિન બનાવવામાં કેટલો સફળ થયો હતો.
રાઇસિન જ કેમ?

ઇમેજ સ્રોત, Getty Images
રાઇસિન એ એક ઝેરી પદાર્થ છે જે કુદરતી રીતે એરંડાના બીજમાં મળી આવે છે. એરંડાનું તેલ કાઢ્યા બાદ, તેનાં બીજ પર પ્રક્રિયા કર્યા પછી બાકી રહેલા કચરામાંથી રાઇસિન બનાવી શકાય છે.
રાઇસિન પાવડરના રૂપમાં, કણવાળાં ઝાંખા (મિસ્ટ) અથવા નાના ગોળાકાર ટુકડા (પેલેટ) તરીકે હોઈ શકે છે. તે પાણીમાં અથવા નબળા ઍસિડમાં ઘોળી શકાય છે.
રાઇસિન વ્યક્તિના શરીરના કોષોમાં પ્રવેશીને કોષોને જરૂરી પ્રોટીન બનાવતા રોકી દે છે. પ્રોટીન વિના કોષો મરી જાય છે. સમયાંતરે આ શરીર માટે હાનિકારક પુરવાર થાય છે અને વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે.

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બીબીસીના એક અહેવાલ પ્રમાણે 1978માં કોલ્ડ વૉર દરમિયાન રાઇસિન ખૂબ ચર્ચામાં હતું, જેનું એક મુખ્ય કારણ જ્યોર્જ માર્કોવનું મૃત્યુ હતું. તેઓ BBCના પત્રકાર અને લેખક હતા. તેમના પર એક છત્રી વડે હુમલો કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ તેમના શરીરમાંથી પ્લેટિનમનો એક એવો છરો મળી આવ્યો હતો જેના પર રાઇસિન લગાવેલું હતું.
આ અહેવાલ પ્રમાણે જર્મનીમાં એક વ્યક્તિએ જ્યારે એરંડાનાં 1000 બીજ અને એક કૉફી ગ્રાઇન્ડર મશીનની ખરીદી કરી હતી ત્યારે પોલીસે તેની ધરપકડ કરીને તેની પાસેથી રાઇસિન જપ્ત કર્યું હતું.
ગુજરાત પોલીસે એરંડાનાં બીજ તો જપ્ત કરી લીધાં હતાં, પરંતુ તેમાંથી રાઇસિન બહાર આવ્યું છે કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે. પોલીસ પ્રમાણે આ રાઇસિનનો ઉપયોગ માનવીય ખોરાક જેમ કે ફળ વગેરેમાં થઈ શક્યો હોત.
ગુજરાત એટીએસના એક ઉચ્ચ પોલીસ અધિકારીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, "એક તરફ સૈયદ અને તેના રાઇસિન બનાવવાના પ્રયાસો, અને બીજી બાજુ અમદાવાદના નરોડાના ફ્રૂટ માર્કેટમાં તેણે કરેલી રેકીથી એવું કહી શકાય કે જો તેનાથી રાઇસિન બની ગયું હોત તો તેનો ઉપયોગ જૈવિક હુમલા માટે થઈ શક્યો હોત."
ISKP ટેરર મૉડલનો એક નિયમ છે 'કોઈ કોઈને ઓળખતું નથી'
કૅનેડા, ઑસ્ટ્રેલિયા અને બીજા અનેક દેશોમાં ઇસ્લામિક સ્ટેટ ખોરાસાન પ્રૉવિન્સ (ISKP)ને આતંકવાદી જૂથ તરીકે ઓળખવામાં આવે છે. એટીએસ અધિકારીઓ અનુસાર આ આરોપીઓનો સંબંધ ISKP સાથે હતો.
આ જૂથનો મુખ્ય હેતુ ઓછા ખર્ચે વધુ નુકસાન કરી શકાય તેવા હુમલાના નવા માર્ગો શોધવાનો છે.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર 'આ જૂથના લોકો એક શહેરમાં રહેતા હોય તેમ છતાં પણ એકબીજાને ઓળખતા નથી. તેમનો સંપર્ક માત્ર તેમના હૅન્ડલર સાથે જ હોય છે. જેમ કે સૈયદનો હૅન્ડલર અફઘાનિસ્તાનનો અબુ ખાદીજા હતો. હૅન્ડલર સિવાય બીજાને ખ્યાલ નથી હોતો કે કોણે શું કામ કરવાનું છે. કોઈ ઇમરજન્સીના સમયે કે પછી કોઈ મદદની જરૂર હોય ત્યારે જ આ લોકો એકબીજાને મળે છે'.
ગુજરાત એટીએસે સૈયદને ગાંધીનગર જિલ્લાના અડાલજથી પકડી પાડ્યો હતો, જ્યારે આઝાદ અને મોહમ્મદની ધરપકડ બનાસકાંઠાથી થઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન ખબર પડી છે કે આ ત્રણેય એકબીજાને ઓળખતા નથી.
પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે, "સૈયદને અહીં પહોંચ્યા બાદ જ્યારે હથિયારો મેળવવામાં તકલીફ પડી હતી, ત્યારે તેના હૅન્ડલરે તેને આઝાદ અને મોહમ્મદનો સંપર્ક કરાવી આપ્યો હતો." પોલીસ મુજબ આ બન્ને મદરેસામાં ભણેલા છે.
કેવી રીતે બ્રેઇનવૉશ થયું સૈયદનું?
જોકે પોલીસ આ વિશે હજી તપાસ કરી રહી છે, પરંતુ જે માહિતી પોલીસને મળી છે તે ચોંકાવનારી છે.
પોલીસે આપેલી માહિતી અનુસાર ચીનમાં MBBSનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તે ભારત પરત આવી ગયો હતો. ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલની પરીક્ષા પાસ ન કરી શકવાને કારણે તે ભારતમાં મેડિકલ પ્રેક્ટિસ કરી શકતો નહોતો. તેણે હૈદરાબાદમાં એક નાનકડી રેસ્ટોરાં શરૂ કરી, જેમાં બે લોકો કામ કરતા હતા.
એટીએસના અધિકારીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "છેલ્લાં બે વર્ષથી અહમદ મોહિઉદ્દીન સૈયદને સોશિયલ મીડિયાનાં વિવિધ ગ્રૂપ સાથે જોડાયેલો હતો, તેમાં ખાસ કરીને તે ટેલિગ્રામનાં વિવિધ ગ્રૂપમાં જોડાયેલો હતો, જેમાં તેના જેવા લોકોનું બ્રેઇનવૉશ કરવા માટેની સામગ્રી પોસ્ટ કરવામાં આવતી હતી. આવા ગ્રૂપથી શરૂઆત થઈ અને ત્યાર બાદ તે રૂબરૂમાં અનેક લોકોને મળ્યો અને પછી તેને રાઇસિન બનાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી."
NIA પણ આ ગુજરાત ટેરર કૉન્સ્પિરેસી કેસની તપાસ કરી રહી છે.
વર્ષ 2023માં ગુજરાત એટીએસે ત્રણ એવા લોકોને પકડ્યા હતા, જેઓ તથાકથિત રીતે ભારતીય નાગરિક ન હોવા ઉપરાંત ખોટા પુરાવાઓના આધારે ગુજરાતમાં રહેતા હતા.
પોલીસે તેમની ધરપકડ કરીને તપાસ કરતા ખબર પડી હતી કે તેઓ અલ-કાયદા માટે ભંડોળ ભેગું કરીને, તેમના સુધી પૈસા પહોંચાડવાનું કામ કરતા હતા. તે તપાસ પછી નૅશનલ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સીને સોંપી દેવામાં આવી હતી, અને તે કેસમાં છ લોકોની ધરપકડ થઈ હતી.
NIAએ 2023માં તે કેસની ચાર્જશીટ અમદાવાદની NIA કોર્ટને સોંપી દીધી હતી.
જોકે ત્યારબાદ તે કેસની તપાસ હજી સુધી ચાલી રહી છે, અને દિલ્હી બ્લાસ્ટ બાદ તે કેસની તપાસ સંદર્ભે NIAની ટીમે ગુજરાત સહિત અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. જોકે હજી સુધી દિલ્હી બ્લાસ્ટ સાથે જોડાઈ શકે તેવી કોઈ માહિતી બહાર આવી નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












