ગુજરાત : '25,000 રૂપિયામાં ભાડે આપેલા બૅન્ક ખાતામાં લાખોની લેવડદેવડ'નું કરોડોનું કૌભાંડ કેવી રીતે સામે આવ્યું

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
મકાન-દુકાન, ગાડી, બંગલો ભાડે આપવાની વાત તો સામાન્ય છે, પણ તાજેતરમાં ગુજરાતમાં બૅન્ક ખાતાં ભાડે આપવાનો મામલો સામે આવ્યો છે.
ગુજરાત પોલીસે કથિતપણે સાઇબર ગુનેગારો દ્વારા ઉપયોગમાં લેવાતાં આશરે 100થી વધુ જેટલાં ખાતાં શોધી કાઢ્યાં છે.
આ ખાતાં ગુજરાતના વિભિન્ન વિસ્તારોમાં હતાં, અને મોટા ભાગનાં ખાતાં ગુનો આચરતા લોકોનાં સગાંસંબંધીઓ અને મિત્ર વર્તુળમાં રહેલા લોકોનાં હતાં.
જોકે, પોલીસની તપાસ ચાલુ છે, અને હજી આવાં બીજાં અનેક ખાતાં સામે આવે તેવી શક્યતા છે.
શું છે આખો મામલો?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત સાઇબર ક્રાઇમ સેલની કાર્યવાહી પછી આશરે 200 કરોડ રૂપિયાનું આ કથિત કૌભાંડ બહાર આવ્યું છે.
જેમાં આરોપીઓ લોકો સાથે કથિતપણે છેતરપિંડી કરી, તેમને ડિજિટલ અરેસ્ટ કરી, જૉબ ઑફર, ફિશિંગ સ્કૅમ વગેરે મારફતે પાસે પૈસા પડાવતા હતા.
બૅન્ક ખાતું ભાડે આપવું એટલે જે ખાતાનું લૉગિન આઇડી અને પાસવર્ડ જેની પાસે હોય તેવી વ્યક્તિ દ્વારા તે ખાતામાં જાણીજોઈને કે અજાણતા પૈસાની લેવડદેવડ કરવા દેવાની પરવાનગી આપવી.
પોલીસે આપેલી માહિતી અનુસાર આવાં ખાતાં પૈસા સાઇબર ક્રિમિનલ સુધી પહોંચાડવામાં જાણે કે અજાણે મદદરૂપ થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આવાં બૅન્ક ખાતાં ભાડે આપનાર લોકોને સાઇબર ક્રાઇમની ભાષામાં 'મની મ્યુલ' કહેવામાં આવે છે, અને આવા ખાતાંને 'મ્યુલ ખાતાં' કહેવામાં આવે છે.
સાઇબર ક્રાઇમનો ભોગ બનનારા લોકો પોતાની રકમ 'મ્યુલ ખાતા'માં જમા કરાવતા હતા. આ કેસની તપાસ કરતા રાજ્યની સીઆઈડી ક્રાઇમના સાઇબર ક્રાઇમ સેલે એક કથિત આંતરરાષ્ટ્રીય સાઇબર ઠગાઈના પર્દાફાશમાં છ આરોપીઓની ધરપકડ કરી છે.
આરોપીઓમાં મોરબીના રહેવાસી મહેશ સોલંકી અને રૂપીન ભાટિયા,સુરેન્દ્રનગરના લખતરના રહેવાસી રાકેશ લાનિયા અને રાકેશ દાખાવાડિયા, જ્યારે સુરતના રહેવાસી નવિયા ખંભાલિયા અને પંકિત કથારિયાનો સમાવેશ થાય છે.
પોલીસ તપાસમાં ખુલાસો થયો કે ઘણા લોકો પોતાનાં બૅન્ક ખાતાં 25,000 રૂપિયા માસિક પૅકેજ અથવા દર એક લાખ રૂ.ની લેવડદેવડ માટે 650 રૂપિયામાં ભાડે આપતા હતા.
આ ખાતાંમાં કથિતપણે સાઇબર ઠગાઈથી મળેલી રકમ જમા થતી, અને પછી તે મોરબી, સુરત અને દુબઈ સુધી પહોંચતી હતી.
આ વિશે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં સાઇબર ક્રાઇમ સેલના એએસપી સંજયકુમાર કેશવાલાએ જણાવ્યું કે, "આરોપીઓએ મોરબીમાં આધાર બનાવ્યો હતો. સુરત અને સુરેન્દ્રનગરના લોકો સાથે જોડાણ કરીને એક મોટું નેટવર્ક ઊભું કર્યું હતું. કેટલાક આરોપીઓ અગાઉ હીરા ઘસવાની યુનિટમાં કાર્યરત હતા, પરંતુ સરળ રીતે પૈસા કમાવવાની લાલચમાં તેઓ સાઇબર ક્રાઇમ તરફ વળ્યા."
તેઓ કહે છે કે આ આરોપીઓએ કથિતપણે પોતાનાં સગાંસંબંધીઓ વગેરેનાં ખાતાં ખોલાવીને તેમાં આ પ્રકારની લેવડદેવડ કરી હતી.
પોલીસને આ કથિત કૌભાંડ વિશે કેવી રીતે ખબર પડી?

ઇમેજ સ્રોત, Getty Images
સામાન્ય રીતે ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ સર્વિસ તેમજ પોલીસની વિવિધ ઇકૉનૉમિક ઑફેન્સ વિંગ્સની નજર એવાં ખાતાં પર હોય છે, જેમાં વિવિધ અસામાન્ય લેવડદેવડ થતી હોય.
વિવિધ ડેટા ઍનાલિસિસ સમયે પોલીસને જાણ થઈ હતી કે સુરેન્દ્રનગરના લખતરની એપીએમસીમાં કાર્યરત શિવમ ટ્રેડિંગ નામની એક કંપનીના બૅન્ક ખાતામાં અસામાન્ય લેવડદેવડ છે, વધુ તપાસ કરતાં કથિત કૌભાંડ બહાર આવ્યું હતું.
આ વિશે કેશવાલા કહે છે કે, "આ પ્રકારના ખાતા વિશે જ્યારે ખબર પડે તો અમારી ઇન્ટેલિજન્સ વિંગ તેના પર મહિનાઓ સુધી કામ કરતી હોય છે. આ ખાતા પર પણ અમે લગભગ દોઢ મહિના સુધી નજર રાખી હતી, અને જ્યારે પુરાવા મળી ગયા ત્યાર બાદ તપાસ શરૂ કરી."
પોલીસના જણાવ્યાનુસાર આ દરમિયાન તેમણે તપાસ કરી કે પૈસા ક્યાંથી આવી રહ્યા છે, ક્યાં અને કેવી રીતે જઈ રહ્યા છે, તેની પાછળ કોણ લોકો છે, અને આ પૈસા, છેલ્લે ક્યાં સુધી પહોંચી રહ્યા છે?
પોલીસે હાલ તપાસમાં બહાર આવેલી વિગતો અંગે જણાવતાં કહ્યું હતું કે એક વખત આ પ્રકારના મ્યુલ ખાતામાં પૈસા જમા થઈ જાય ત્યાર બાદ આ પૈસા મોરબીની કોઈ પણ બૅન્કની શાખાથી ઉપાડી લેવામાં આવતા હતા અને લાખોની રકમ આંગડિયા મારફતે સુરત મોકલવામાં આવતી હતી. ત્યાં એ રકમને ક્રિપ્ટોકરન્સીમાં બદલવામાં આવતી હતી, જે દુબઈમાં કોઈ વ્યક્તિ પાસે પહોંચાડવામાં આવતી હતી.
દુબઈમાં આ પૈસા, ક્રિપ્ટોકરન્સી સ્વરૂપે, કોની પાસે પહોંચતા હતા, એ દિશામાં પોલીસ હાલમાં તપાસ કરી રહી છે.
શું કહે છે RBI?

ઇમેજ સ્રોત, Getty Images/BBC
ભારતની રિઝર્વ બૅન્કના જુલાઈ 2011ના માસ્ટર સર્ક્યુલરમાં મ્યુલ ખાતાની વ્યાખ્યા આપવામાં આવી છે, અને આવા ખાતાંધારકોને મની મ્યુલ તરીકે ઓળખાવાયા છે.
આ સર્ક્યુલર પ્રમાણે, "મની મ્યુલ"નો ઉપયોગ ઠગાઈનાં કૌભાંડો (જેમ કે ફિશિંગ અને ઓળખચોરી)માંથી મળેલી રકમને મેળવવા માટે થાય છે. સાઇબર ગુનેગારો ત્રીજા પક્ષને "મની મ્યુલ" તરીકે કામ કરવા માટે ભાડે રાખે છે, અને તેમનાં ખાતાંનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે નાણાં ટ્રાન્સફર કરે છે. કેટલીક વખત આ ત્રીજો પક્ષ નિર્દોષ હોય છે, જ્યારે કેટલીક વખત તેઓ ગુનેગારો સાથે સંકળાયેલા હોય છે."
જોકે, આ વિશે બીબીસી ગુજરાતીએ સાઇબર ક્રાઇમ મામલાના નિષ્ણાત વકીલ પરેશ મોદી સાથે વાત કરી.
તેઓ કહે છે કે, "કોઈ વ્યકિતને ખબર હોય કે ન હોય, તેનાથી કોઈ ફરક પડતો નથી. જો કોઈએ પોતાનું ખાતું આવા ઉપયોગમાં આપ્યું હોય તે તે ખાતું સીઝ થઈ શકે અને તેમાં રહેલી રકમ, આ ગુના સાથે ન જોડાયેલી હોય, તો પણ ફ્રીઝ થઈ જાય છે."
તેઓ વધુમાં કહે છે કે, "સામાન્ય રીતે આ પ્રકારના ગુનાની ત્રણ વર્ષથી સાત વર્ષની સજા થાય છે, પરંતુ જો તેમાં મની લૉન્ડરિંગ કે ગુજકોક કે પછી એનડીપીએસ સંબંધિત કલમો ઉમેરાઈ હોય તો 20 વર્ષ સુધીની પણ સજા થઈ શકે છે."
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)ના નિયમો મુજબ, કોઈ વ્યક્તિ જો પોતાના ખાતા દ્વારા અવૈધ નાણાકીય વ્યવહારો માટે સહયોગ આપે છે, તો તેને મની લૉન્ડરિંગ ઍક્ટ, 2002, ભારતીય ન્યાય સંહિતા (BNS) અને IT ઍક્ટ હેઠળ ફોજદારી કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. તેવી વ્યક્તિ સામે BNS કલમ 316 હેઠળ વિશ્વાસઘાત (જેમાં પાંચથી દસ વર્ષની સજા), BNS કલમ 318 હેઠળ ઠગાઈ (જેમાં ત્રણથી સાત વર્ષની સજા) તેમજ મની લૉન્ડરિંગ માટેની વધુ ગંભીર કલમો લાગુ પડે છે.
આ વર્ષે સીબીઆઈએ આવાં 8.5 લાખ મ્યુલ ખાતાં શોધી કાઢ્યાં હતાં
આ વર્ષની શરૂઆતમાં સીબીઆઇના ઑપરેશન ચક્ર-V હેઠળ રાષ્ટ્રીય સ્તરની કાર્યવાહી કરવામાં આવી હતી. જૂન 2025માં સીબીઆઇએ રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં 42 સ્થળોએ દરોડા પાડ્યા હતા.
આ દરોડા ડિજિટલ અરેસ્ટ, નકલી જાહેરાતો, યુપીઆઇ આધારિત ઠગાઈ, અને મ્યુલ એકાઉન્ટ્સના નેટવર્કના આરોપના પગલે પાડવામાં આવ્યા હતા.
સીબીઆઇએ જણાવ્યું કે આ એકાઉન્ટ્સ ખોલવામાં જાણીજોઈને કેવાયસીના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.
ઘણા ખાતાધારકોનાં સરનામાં ખોટાં હતાં, અને બૅન્ક મૅનેજર્સે યોગ્ય ખંતનો પ્રયોગ (Enhanced Due Diligence) કર્યો નહોતો.
કેટલાક બૅન્ક કર્મચારીઓ, એજન્ટો, એગ્રિગેટર્સ અને ઇ-મિત્રો પણ આમાં સંડોવાયેલા હતા, જેમણે કમિશન માટે મ્યુલ એકાઉન્ટ ખોલવામાં સહાય કરી.
સીબીઆઇએ દરોડા દરમિયાન મોબાઇલ ફોન, કેવાયસી દસ્તાવેજો, ટ્રાન્ઝેક્શન ડેટા, અને બૅન્ક ખાતા ખોલવાના દસ્તાવેજો જપ્ત કર્યા હતા. ખબર પડી હતી કે દેશભરમાં 700 જેટલી બૅન્કની વિવિધ શાખાઓમાં આવાં 8.5 લાખ મ્યુલ ખાતાં હતાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












