જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી પહેલાં શ્રીનગરમાં કેવો માહોલ છે, લોકો શું કહી રહ્યા છે

કાશ્મીરી યુવતીઓની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રાઘવેન્દ્ર રાવ
    • પદ, બીબીસી સંવાદદાતા, શ્રીનગર

આ વર્ષે એપ્રિલ અને મેમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં જમ્મુ-કાશ્મીરમાં લગભગ 58 ટકા મતદાન થયું હતું, જે રેકૉર્ડ મતદાન હતું.

આ વખતે મોટું પરિવર્તન એ હતું કે એકપણ રાજકીય પક્ષે ચૂંટણીનો બહિષ્કાર કર્યો ન હતો.

હવે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી 10 વર્ષ પછી થઈ રહી છે.

ભારતીય જનતા પાર્ટી(ભાજપ)નો ચૂંટણીઢંઢેરો જાહેર કરતાં ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું, "આ 10 વર્ષ (2014-2024) જમ્મુ-કાશ્મીર માટે શાંતિ અને વિકાસનાં રહ્યાં છે. આ 10 વર્ષ મૅક્સિમમ ટૅરરિઝમને બદલે મૅક્સિમમ ટુરિઝમ પર શિફ્ટ થયાં છે. 10 વર્ષ સુખ અને સમૃદ્ધિનો માર્ગ કંડારનારાં રહ્યાં છે."

કાશ્મીરમાં પરિસ્થિતિ સુધરી છે?

ડૉ. શેખ શૌકત હુસેનની તસવીર
ઇમેજ કૅપ્શન, ડૉ. શેખ શૌકત હુસેન

કેન્દ્ર સરકારના આંકડા દર્શાવે છે કે 2020થી 2024 દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં છ કરોડથી વધુ સહેલાણીઓ આવ્યા હતા.

સરકારનું કહેવું છે કે અનુચ્છેદ 370 હટ્યા પછી પર્યટનના ક્ષેત્રમાં છેલ્લાં ત્રણ વર્ષમાં સરેરાશ 15 ટકા વૃદ્ધિ થઈ છે.

શ્રીનગરમાં રહેતા ડૉ. શેખ શૌક્ત હુસેન એક જાણીતા રાજકીય નિષ્ણાત છે. તેમણે કહ્યું હતું, "પરિસ્થિતિ સામાન્ય છે કે નહીં તેની ખબર કેટલીક બાબતોથી પડે છે. એક બાબત એ છે કે પરિસ્થિતિ સામાન્ય થઈ જશે તો કાશ્મીરી પંડિતો પાછા આવશે. કેટલા આવ્યા છે એ તો તમે જાણો છો. કોઈ આવ્યું નથી."

ડૉ. શેખે કહ્યું હતું, "ભીડવાળી હિંસામાં ઘટાડો થયો છે એ સાચી વાત છે, પરંતુ ઊધમપુર, કઠુઆ અને ડોડા જેવા વિસ્તારો, જે ઉગ્રવાદથી પ્રભાવિત ન હતા ત્યાં આવી મુશ્કેલી વધી છે."

"પરિસ્થિતિ બહુ સારી થઈ છે એવું કહેતા લોકોને પોતાની વાત પર ભરોસો હોત તો તેઓ પોતે લોકસભાની ચૂંટણી અહીંથી લડ્યા હોત. તેઓ લડ્યા નથી."

ખીણ પ્રદેશમાં કેવો છે માહોલ?

વીડિયો કૅપ્શન, ભારતમાં ગ્રામીણ દાયણોની હચમચાવનારી કબૂલાત – બીબીસી વર્લ્ડ સર્વિસ ડૉક્યુમેન્ટરી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમે કાશ્મીર ખીણના અનેક વિસ્તારોનો પ્રવાસ કર્યો હતો.

શ્રીનગરના સહેલાણીઓથી ભરેલા વિસ્તારોમાં, સલામતી દળોની અસાધારણ ઉપસ્થિતિ સિવાય બધું સામાન્ય લાગે છે. હૉટલ, હાઉસબોટ અને રેસ્ટોરાના સંચાલકો પ્રવાસીઓના આવવાથી ખુશ જણાય છે, પરંતુ જૂના શ્રીનગર વિસ્તારમાં લોકો સાથે વાત કરીએ તો અલગ માહોલનો ખ્યાલ આવે છે.

ડાઉનટાઉન ગણાતા વિસ્તારમાં એક કાશ્મીરી વૃદ્ધે કહ્યું હતું, "કોઈ સાચું બોલશે તો સાંજે તેને જેલમાં ગોંધી દેવાશે. અમારી વાત સાંભળનારું પણ કોઈ નથી."

સાહિલ અરાફાત નામના એક સ્થાનિકે કહ્યું હતું, "કબરમાં કેવી સ્થિતિ છે તેની ખબર મડદાને જ હોય. લોકો ભયભીત છે. બિચારા ડરે છે. શાંતિની વાત થઈ રહી છે, પરંતુ શાંતિ નથી."

અનંતનાગના સામાજિક કાર્યકર અબ્દુલ બારી નાઇકે કહ્યું હતું, "દિલમાં રહેલા પ્રેમથી શાંતિ હોય છે, એવું હું કાયમ કહું છું. અહીં એવું વાતાવરણ બનાવવું જોઈએ કે અહીંના લોકો શાંતિ અને સદભાવ જાળવી રાખે. મોટા પ્રમાણમાં સલામતી દળો નહીં હોય ત્યારે અમે કહીશું કે શાંતિ છે."

બિજબિહાડાના મોહમ્મદ અબ્દુલ્લા શાહે કહ્યું હતું, "તેઓ દિલ જીત્યા હોત તો લોકો સામેથી આવ્યા હોત. દિલ જ ન જીતે તો અંદરથી લાવા ફાટતો હોય છે."

અનેક સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવી જોઈતી ન હતી.

શ્રીનગરના રહેવાસી હાજી ગુલામ નબીએ કહ્યું હતું, "એ અમારો મૂળભૂત અધિકાર છે. તે અમારી પાસેથી બળજબરીથી છીનવી લીધો."

અનેક લોકો એવા પણ હતા, જેઓ કૅમેરા સામે વાત કરવા તૈયાર થયા ન હતા. તેનાથી ત્યાંના તણાવ વિશે સમજી શકાય છે.

કેવી છે મીડિયાની હાલત?

કાશ્મીરી વેપારીની તસવીર
ઇમેજ કૅપ્શન, કેટલાક લોકોનું માનવું છે કે કાશ્મીરમાંથી અનુચ્છેદ 370ની નાબૂદી નહોતી થવી જોઇતી

અનેક લોકોએ જણાવ્યું હતું કે કાશ્મીરમાં મીડિયા પણ મુક્ત રીતે કામ કરી શકતું નથી.

ફહાદ શાહ એક કાશ્મીરી પત્રકાર છે. તેમની 2022માં આતંકવાદ સંબંધી આરોપો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. લગભગ બે વર્ષ જેલમાં રહ્યા બાદ 2023માં તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

તેમણે કહ્યું હતું, "સામાન્ય લોકોમાં ડર અને મૂંઝારો હોય ત્યારે તે અમુક હદે મીડિયા સુધી પહોંચી જ જતો હોય છે, કારણ કે મીડિયામાં કામ કરતા લોકો પણ સ્થાનિક જ છે."

ફહાદ શાહે કહ્યું હતું, "અહીં મીડિયા સંબંધે કેટલીક સમસ્યાઓ છે. હું બે વર્ષ જેલમાં હતો. તેથી અનેક લોકો માટે એવો સંદેશ હતો કે તમારામાંથી કોઈએ પણ બે વર્ષ સુધી જેલમાં જવું પડે તે શક્ય છે અને તે પણ તેમના કામ સંબંધી કોઈ પણ વાત માટે. અહીં મીડિયા પર બહુ દબાણ છે."

શ્રીનગરમાં લાલચોક એક એવો વિસ્તાર છે, જ્યાં થોડાં વર્ષો પહેલાં સુધી ઉગ્રવાદી હુમલા થતા હતા અને ભયનો માહોલ હતો.

આજે ત્યાં હરતા-ફરતા લોકોનો દાખલો આપીને કેન્દ્ર સરકાર કહે છે કે 2019માં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી લેવાથી અહીં શાંતિ પાછી ફરી છે.

જોકે, અમે કૅમેરા બહાર કાઢ્યો ત્યારે જમ્મુ-કાશ્મીર પોલીસના એક અધિકારીએ અમને રોક્યા હતા. તેમણે અમને એમ કહ્યું હતું કે લાલ ચોકની પરિસ્થિતિના ફિલ્માંકનની છૂટ નથી.

જાહેરસ્થળે પરવાનગી શા માટે લેવી જોઈએ, એવો સવાલ અમે તેમને પૂછ્યો ત્યારે તેમણે તેમના વરિષ્ઠ અધિકારી સાથે ફોન પર વાત કરી હતી.

થોડા સમય પછી તેમણે અમને જણાવ્યું હતું કે શૂટિંગ દરમિયાન તમારે લાલચોકમાંના સામાન્ય લોકો સાથે વાતચીત કરવાની નથી. તેનું કારણ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું હતું, " શાંતિમાં ખલેલ પડી શકે છે."

વીડિયો કૅપ્શન, Jammu Kashmir Election માં ઇલ્તિજા મુફ્તી તેમનાં માતાની કમી પૂરી કરી શકશે?

રાજકીય પક્ષો શું કહે છે?

શ્રીનગરના લાલચોક ખાતે જમ્મુ-કાશ્મીર પોલીસના જવાને બીબીસીની ટીમને શૂટિંગ કરતા અટકાવી હતી તે સમયની તસવીર
ઇમેજ કૅપ્શન, શ્રીનગરના લાલચોક ખાતે જમ્મુ-કાશ્મીર પોલીસના જવાને બીબીસીની ટીમને શૂટિંગ કરતા અટકાવી હતી

વિધાનસભાની ચૂંટણી આડે થોડા દિવસો બાકી રહ્યા છે અને તમામ રાજકીય પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.

જમ્મુ-કાશ્મીરનાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી મહેબૂબા મુફ્તીનાં પુત્રી ઇલ્તિજા મુફતી પહેલીવાર ચૂંટણી મેદાનમાં ઊતર્યાં છે. અમે તેમને કાશ્મીરમાંની પરિસ્થિતિ વિશે પૂછ્યું હતું.

તેમણે કહ્યું હતું, "લોકો એવું માને છે કે તેમના જે અધિકાર છે, જમીન છે, નોકરીઓ, સંસાધનો છે તેના પર જોખમ છે. અલગાવની આ લાગણી 2019 પછી વધી છે. તમે અહીંના લોકો સાથે વાત કરો. લોકોમાં કેટલો ડર છે."

તેમણે ઉમેર્યું હતું, "એવી અનેક મહિલાઓ છે, જેમના પતિ દોઢ-દોઢ, બબ્બે વર્ષથી આગરા, લખનૌની કોઈ જેલમાં ગોંધાયેલા છે. લોકો પર કોઈ આરોપ વિના યુએપીએ લાદી દેવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરને તો તમે જેલ બનાવી દીધું છે. તમને દૂરથી પરિસ્થિતિ સામાન્ય દેખાતી હોય તો અમે શું કહી શકીએ?"

ભાજપના નેતા શું કહે છે?

જમ્મુ-કાશ્મીરમાં તહેનાત ભારતીય સેનાના જવાનની તસવીર
ઇમેજ કૅપ્શન, જમ્મુ-કાશ્મીરમાં તહેનાત ભારતીય સેનાનો જવાન

જોકે, બધા લોકો ઇલ્તિજા મુફતીના દૃષ્ટિકોણ સાથે સહમત નથી. શ્રીનગરમાં ભાજપના પ્રવક્તા અલ્તાફ ઠાકુરે કહ્યું હતું, "લાલચોકનો વિસ્તાર એક સમયે જનાજા-ગાહ (અંતિમવિધિનું કેન્દ્ર) બની ગયો હતો. આતંકવાદીઓના જંગી જનાજા થતા હતા.”

તેમણે કહ્યું હતું, "લાલચોકમાં આતંકવાદીઓનો દબદબો હતો. આજે લાલચોક જુઓ. તિરંગાના રંગમાં રંગાયેલો છે. આજે ત્યાં તિરંગો લહેરાઈ રહ્યો છે. પહેલાં લાલચોક જનાજા-ગાહ બન્યો હતો, પરંતુ 2019 પછી તે સૅલ્ફી-પૉઇન્ટ બની ગયો છે."

અલ્તાફ ઠાકુરના જણાવ્યા મુજબ, કાશ્મીરમાં કોઈ દબાણ અનુભવતું હોય તો તે અલગતાવાદી વિચારધારા સાથે જોડાયેલા લોકો જ છે.

તેમણે કહ્યું હતું, "આજે જમ્મુ-કાશ્મીરમાં ગન, ગ્રૅનેડ, હડતાલ કે વિરોધ પ્રદર્શન માટે કોઈ જગ્યા નથી અને ભારત વિરુદ્ધ બોલવાની છૂટ પણ કોઈને આપવામાં આવશે નહીં."

અલગતાવાદ અને ચૂંટણી

કાશ્મીરી પત્રકાર ફહાદ શાહની તસવીર
ઇમેજ કૅપ્શન, વર્ષ 2022માં કાશ્મીરી પત્રકાર ફહાદ શાહની આતંકવાદના આરોપ સબબ ધરપકડ કરવામાં આવી હતી

આ વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણીમાં જમ્મુ-કાશ્મીરની બારામુલા બેઠક પરથી ઍન્જિનિયર રશીદના નામે વિખ્યાત અબ્દુલ રશીદ શેખ મોટી સરસાઈ સાથે જીત્યા હતા.

આ જીત સમાચારમાં ચમકવાનું કારણ એ પણ હતું કે ઍન્જિનિયર ટેરર-ફાઇનાન્સિંગના આરોપસર છેલ્લાં પાંચ વર્ષથી દિલ્હીની તિહાડ જેલમાં કેદ છે. તેમ છતાં તેઓ મોટી સરસાઈથી વિજય મેળવવામાં સફળ થયા હતા.

તેમની ગેરહાજરીમાં તેમનો ચૂંટણીપ્રચાર તેમના પુત્ર અબરાર રશીદે સંભાળ્યો હતો.

વિધાનસભાની આગામી ચૂંટણીમાં ઍન્જિનિયર રશીદની અવામી ઇત્તેહાદ પાર્ટી ફરીથી મેદાનમાં છે.

અબરારે બીબીસીને કહ્યું હતું, "અભિવ્યક્તિની આઝાદી નથી. લોકો વાત કરતાં ડરે છે. કોઈ વાત કરે અને આવતીકાલે શું મુશ્કેલી સર્જાય તેની ખબર નથી પડતી. વાસ્તવિક પરિસ્થિતમાં સુધારો થયો નથી. પરિસ્થિતિ બહેતર થઈ છે, પરંતુ ડરનો માહોલ છે."

રસપ્રદ વાત એ પણ છે કે ઍન્જિનિયર રશીદની જીત પછી હવે એવા અનેક લોકો ચૂંટણી લડવા ઇચ્છે છે, જેઓ અલગતાવાદી ગણાતા રહ્યા છે.

પુલવામાથી એક અપક્ષ ઉમેદવાર તરીકે ડૉ. તલત મજીદ ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ તેમને પ્રતિબંધિત જમાત-એ-ઇસ્લામી પાર્ટીનો ટેકો છે.

તેમણે કહ્યું હતું, "કલમ 370 હટ્યા પથી એક રાજકીય અસ્થિરતા પેદા થઈ છે. લોકો ડરમાં જીવી રહ્યા છે. તેમની સમસ્યાઓ પર ધ્યાન આપવામાં આવતું નથી."

"હવે 2024ની ચૂંટણીથી તેમની અપેક્ષા વધી ગઈ છે. 2024ની ચૂંટણીએ સ્પષ્ટ રીતે સાબિત કરી દીધું છે કે ભારત એક લોકતાંત્રિક દેશ છે."

અલગતાવાદના આરોપસર જેલમાં કેદ સરજાન બરકાતીએ પણ ગાંદરબલ અને બીરવાહ બેઠકો પરથી ઉમેદવારી નોંધાવી છે. તેમનાં પુત્રી સુગરા બરકાતીએ અમને જણાવ્યું કે તેમના પિતા ચૂંટણી શા માટે લડી રહ્યા છે.

સુગરાએ કહ્યું હતું, "મેં બાબા (પિતા)ને કહ્યું હતું કે આપણે ચૂંટણીમાં ભાગ લઈશું અને જીતીશું તો કશુંક સારું કરીશું. હું તેમને જેલમાં મળવા જતી હતી. માત્ર મારા પિતાજી જ નહીં, પરંતુ કાશ્મીરના અનેક યુવાનો જેમાં કેદ છે. મેં તેમને કહ્યું હતું કે ચૂંટણીમાં વિજય પછી તમે છૂટશો તો અનેક યુવાનો પણ જેલમાંથી છૂટી જશે."

સવાલ એ થાય કે જમ્મુ-કાશ્મીરમાં હવે અલગતાવાદની વિચારધારાનો કોઈ અર્થ બાકી રહ્યો છે?

ડૉ. શેખ શૌક્ત હુસેનના કહેવા મુજબ, ઍન્જિનિયર રશીદની લોકસભા ચૂંટણીમાં જીતથી આ સવાલના જવાબનો અંદાજ મેળવી શકાય.

તેમણે કહ્યું હતું, "ઍન્જિનિયર રશીદને અલગતાવાદી કહેવામાં આવે છે. તેઓ છે કે નહીં તેની મને ખબર નથી, પરંતુ તેમના પર લેબલ તો આ જ છે ને? તેથી લોકો પાસે વિકલ્પ હતો ત્યારે તેમણે રશીદની તરફેણમાં મોટાપાયે મતદાન કર્યું હતું."

નવી સરકારની આતુરતાથી રાહ

કાશ્મીરનાં પૂર્વ મુખ્ય મંત્રી મહેબૂબા મુફ્તીનાં પુત્રી ઇલ્તેજાની તસવીર
ઇમેજ કૅપ્શન, કાશ્મીરનાં પૂર્વ મુખ્ય મંત્રી મહેબૂબા મુફ્તીનાં પુત્રી ઇલ્તિજા

2019માં કલમ 370 હટાવવામાં આવી એ પછી જમ્મુ-કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી નાખવામાં આવ્યું હતું – જમ્મુ-કાશ્મીર તથા લદ્દાખ.

જમ્મુ-કાશ્મીરનો વહીવટ લૅફટનન્ટ ગવર્નર મનોજ સિંહા ચલાવી રહ્યા છે, પરંતુ મોંઘવારી અને બેરોજગારી સામે ઝઝૂમી રહેલા કાશ્મીરીઓએ આ પાંચ વર્ષમાં પોતાની ચૂંટેલી સરકારનો અભાવ બહુ ઊંડેથી અનુભવ્યો છે.

પત્રકાર ફહાદ શાહે કહ્યુ હતું, "લોકોમાં એક લાચારી આવી ગઈ છે. એક મૂંઝારો આવ્યો છે. તેને કારણે લોકો અને વહીવટીતંત્ર વચ્ચે અડચણ સર્જાઈ છે. જે આખું સૅટ-અપ હતું તેને અમલદારો ચલાવતા હતા. કોઈ ચૂંટેલા પ્રતિનિધિઓ ન હતા. લોકો પાસે વહીવટીતંત્ર સાથે વાત કરવાનો કોઈ માર્ગ પણ ન હતો."

શ્રીનગરના રહેવાસી મંઝૂર રહેમાને કહ્યું હતું, "સરકાર રચાશે તો લોકોમાં અપેક્ષા વધી જશે. અમે કોઈની પાસે જઈશું અને કહીશું કે આ અમારી સમસ્યા છે. તેનું નિરાકરણ કરો."

આ જ કારણસર લોકો આગામી સરકાર રચાવાની રાહ આતુરતાથી જોઈ રહ્યા છે.

શ્રીનગરના ડાઉનટાઉનમાં કરિયાણાની દુકાન ચલાવતા મહેબૂબ જાને કહ્યું હતું, "ચૂંટણી યોજાવાથી બહુ આશા છે. અમારી સરકાર આવશે તો અમારી સમસ્યાઓ છે તેમાં થોડો ઘટાડો થશે."

અનંતનાગના મોહમ્મદ અબ્દુલ્લા શાહે કહ્યું હતું, "ચૂંટણીમાં ભાગ લેવો તે અમારી ફરજ છે. અમે લોકસભા ચૂંટણીમાં પણ મતદાન કર્યું હતું. આ વખતે પણ કરીશું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.