બૅલ્જિયમ : મેહુલ ચોકસી જ્યાંથી પકડાયા તે દેશમાં ગુજરાતીઓ કેમ જાય છે અને સુરત સાથે શું છે કનેક્શન?

પંજાબ નૅશનલ બૅન્ક સાથે લગભગ 13,500 કરોડ રૂ.ની છેતરપિંડી આચરવાના આરોપી અને ભારતથી વિદેશ ભાગી છૂટેલા હીરાના વેપારી મેહુલ ચોકસીની બૅલ્જિયમમાં ધરપકડ કરાઈ છે.

પ્રાપ્ત થઈ રહેલી માહિતી અનુસાર સીબીઆઇની વિનંતીને આધારે તેમની ધરપકડ થઈ છે.

2018ની શરૂઆતમાં પંજાબ નૅશનલ બૅન્કમાં હજારો કરોડ રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું હતું.

આ કૌભાંડમાં હીરાના વેપારી નીરવ મોદી ઉપરાંત, તેમનાં પત્ની એમી, તેમના ભાઈ નિશાલ અને કાકા મેહુલ ચોકસી મુખ્ય આરોપી છે

સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય એજન્સીઓ ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સીબીઆઈએ બૅલ્જિયમથી ઉદ્યોગપતિ મેહુલ ચોકસીના પ્રત્યાર્પણ માટે આ પગલું ભર્યું છે.

વર્ષોથી ભારતમાં કોર્ટનો સામનો કરવાથી બચતા ફરતા મેહુલ ચોકસીની ધરપકડ થઈ છે એવો યુરોપનો આ નાનકડો દેશ બૅલ્જિયમ તેની અમુક ખાસિયતોને કારણે આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. આ દેશનો ગુજરાતના હીરા ઉદ્યોગ અને ગુજરાતી હીરાના વેપારીઓ સાથે વિશેષ સંબંધ છે.

શું છે આ ખાસિયતો, જાણો.

બૅલ્જિયમમાં બીયર છે 'રાષ્ટ્રીય પીણું'

એક આંકડા પ્રમાણે વર્ષ 1900 સુધી એક સરેરાશ બૅલ્જિયમ નિવાસી પ્રતિ વર્ષ 200 લિટર બીયર પી જતો. જોકે, તે બાદથી બીયર પીવાના પ્રમાણમાં ઘટાડો થયો છે.

તેમ છતાં આ દેશમાં બીયર માટે 'અજબ દીવાનગી' જોવા મળે છે. દેશમાં વર્તમાન સમયમાં એક હજાર જાતની જુદી જુદી બીયરો બને છે.

બ્રિટાનિકા ડોટ કૉમ અનુસાર બીયર એ બૅલ્જિયમનું 'રાષ્ટ્રીય પીણું' છે. આ દેશમાં બીયર બનાવવાનાં સેંકડો કારખાનાં છે, અને જ્યાં આ બેસીને આ બીયરનો લોકો આનંદ માણી શકે એવા અગણિત કાફે પણ દેશમાં છે.

બૅલ્જિયમ પોતાના બીયરના જંગી ઉત્પાદન માટે જ નહીં, પરંતુ અલગ અલગ વિશેષતાવાળી સ્થાનિક ફ્લેવરો માટે પણ વિખ્યાત છે.

આ દેશમાં બીયર એ તેમના સંસ્કૃતિનો એક અતૂટ ભાગ છે, એવું કહી શકાય કે બીયરને અહીં પોતાની જાતમાં સંસ્કૃતિનું બહુમાન હાંસલ છે.

મોટા ભાગની બીયરોના તેની વિશેષતા પ્રમાણેના અલગ ગ્લાસ પણ હોય છે. જેમાં એ પીવાય છે. અહીં લોકો જુદાં જુદાં તહેવારો અને ઉજવણીઓ માટે બીયરની અલાયદી વૅરાયટી બનાવે છે. જે ખાસ એ જ દિવસે કે પ્રસંગે પીવામાં આવે છે.

'આખી દુનિયાને દાઢે વળગેલી' બૅલ્જિયમની ચૉકલેટ

બ્રસેલ્સટાઇમ્સ ડોટ કૉમના એક અહેવાલ અનુસાર બૅલ્જિયન ચૉકલેટ આખી દુનિયામાં પ્રખ્યાત છે, અને તેની બીજા દેશોમાં મોટા પાયે નિકાસ થાય છે. ત્યાંની ચૉકલેટને બૅલ્જિયન ચૉકલેટ કહેવાય છે.

તમે પણ ઘણી વખત ફિલ્મો અને જાહેરાતોમાં બૅલ્જિયમ ચૉકલેટ વિશે સાંભળ્યું હશે.

કદાચ વિશ્વમાં બૅલ્જિયમની બૅલ્જિયન ચૉકલેટના કારણે જ ઘણા બધા લોકો આ દેશને ઓળખતા હોય એવું પણ બની શકે.

વર્ષ 2014માં પોતાની બ્રસેલ્સ મુલાકાત વખતે એ સમયના અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું હતું : ચૉકલેટ અને બીયર અને માટે પ્રસિદ્ધ દેશને પ્રેમ કરવો ખૂબ સરળ છે.

પોતાના ક્રીમી અને સ્મૂધ ટેસ્ટ માટે વખણાતી બૅલ્જિયન ચૉકલેટનો ઇતિહાસ લગભગ 400 વર્ષ કરતાં પણ જૂનો છે.

આ વ્યવસાયને ત્યાંની સરકાર અને લોકો ખૂબ જ ગંભીરતાપૂર્વક પણ લે છે. એટલી બધી ગંભીરતાપૂર્વક કે આ દેશના કાયદામાં ચૉકલેટની ગુણવત્તાના ધોરણો નિશ્ચિત કરવામાં આવ્યા છે.

એક રીતે બૅલ્જિયન ચૉકલેટના ઉત્પાદન અને વેચાણનો દેશ અર્થતંત્રમાં પણ ભારે યોગદાન છે, આના કારણે ત્યાંની સરકાર દ્વારા તેના ભાવ હંમેશાં ઊંચા જ રાખવામાં આવે છે.

વર્ષ 2016માં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના આ એક અભ્યાસ અનુસાર એ સમયે દેશનાં ચૉકલેટ ઉત્પાદનોનો ત્યાંની જીડીપીમાં 13.1 ટકાનો જંગી ભાગ હતો. અને દેશના કુલ કામદારો પૈકી 13 ટકા તો ચૉકલેટ ઇન્ડસ્ટ્રીમાં જ રોકાયેલા છે.

બૅલ્જિયમની સરકારે વિદેશમાં ચૉકલેટ ઉદ્યોગની શાખ જળવાઈ રહે એ માટે તેમજ આ ઉદ્યોગના રક્ષણ માટે કાયદા બનાવ્યા છે.

વિશ્વના ડાયમંડ ઉદ્યોગનું કેન્દ્ર

બૅલ્જિયમના પાટનગર બ્રસેલ્સ સિવાય તેનું વધુ એક શહેર ખાસ કરીને ગુજરાતીઓમાં ફૅમસ છે. અને એ છે ઍન્ટવર્પ.

ગુજરાતમાં સુરત સહિત ઘણા પ્રદેશોમાં ડાયમંડ પૉલિશિંગ અને કટિંગના મોટા ઉદ્યોગો છે. આ ઉદ્યોગ સમાચાર આવે ત્યારે બૅલ્જિયમના ઍન્ટવર્પનો પણ ઘણી વાર ઉલ્લેખ જોવા મળે છે. નોંધપાત્ર છે કે બેલ્જિયમથી હીરાના પૉલિશિંગનું કામ ત્યાં કારોબાર કરનારા ગુજરાતના પાલનપુરના વેપારીઓએ ઍન્ટવર્પથી સુરત અને મુંબઈ ખસેડવામાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો. જેને કારણે આજે પણ વિશ્વના 10 હીરામાંથી 9 હીરા ભારતમાં પૉલિશ થાય છે અને ભારતનો હીરાના પૉલિશિંગમાં બજારહિસ્સો 80 ટકા જેટલો છે.

આ શહેરને વિશ્વમાં ડાયમંડ ઉદ્યોગના કેન્દ્રનો દરજ્જો પ્રાપ્ત છે.

ડાયમંડના કટિંગ માટે ઍન્ટવર્પ પ્રખ્યાત છે.

બ્રિટાનિકા અનુસાર 1476માં બૅલ્જિયમમાં પ્રથમ વખત ડાયમંડ કટિંગ કરાયું હતું.

અહીં 16મી સદીથી ડાયમંડ કટિંગ અને ડીલિંગનો ઉદ્યોગ ફૂલી ફાલી રહ્યો છે.

ઍન્ટવર્પના સેન્ટ્રલ સ્ટેશન પાસેના એક વિસ્તારમાં આ પ્રકારનાં યુનિટો ઝાઝા હોવાને કારણે એ સ્થળનું નામ 'ડાયમંડ ક્વાર્ટર' જ પડી ગયું છે.

એક સમયે ઍન્ટવર્પ સહિત મોટા ભાગના યુરોપના ડાયમંડ ઉદ્યોગ પર યહૂદી લોકોનો દબદબો હતો.

જોકે, બીજા વિશ્વયુદ્ધ બાદ યહૂદીના જાનમાલની ભારે ખુવારી થતાં ધીરે ધીરે આ દબદબો નબળો પડતો ગયો.

યુકેની નોટિંઘમ ટ્રેન્ટ યુનિવર્સિટીનાં સિનિયર લેક્ચરર કૅથરીન લુમે પોતાના એક લેખમાં પુષ્ટિ કરી છે કે, 1960ના દાયકામાં ઍન્ટવર્પ પહોંચનારા એ ભારતીયોમાં ગુજરાતીઓ પણ હતા.

ક્યૂઝેડ ડોટ કૉમના એક અહેવાલ અનુસાર ક્યૂઝેડ ડોટ કૉમના એક અહેવાલમાં છપાયેલા પત્રકાર પલ્લવી ઐયરના પુસ્તકનાં સારાંશ પ્રમાણે 1960ના દાયકામાં ભારતીયોનું ઍન્ટવર્પ પહોંચવાનું શરૂ થયું. તેમણે હીરા ઉદ્યોગમાં સૌથી નીચેના સ્તરેથી કામ કરવાનું શરૂ કર્યું હતું.

તેમણે ઓછી ગુણવત્તાવાળા રફ હીરાનો ધંધો શરૂ કર્યો, નોંધનીય છે કે તેમાં નફાનો ગાળો ઝાઝો નહોતો, તેથી ઍન્ટવર્પના સ્થાપિત યહૂદી ડાયમંડ ધંધાદારીઓને તેમાં ઝાઝો રસ નહોતો. આ હીરા તેઓ ભારતમાં તેમના પરિવારજનોને મોકલી કટિંગ અને પૉલિશિંગ માટે મોકલી આપતા. જ્યાં ઍન્ટવર્પ કરતાં મજૂરીના દર ખૂબ નીચા હતા.

પુસ્તક પ્રમાણે આજે ઍન્ટવર્પના ત્રણ ચતુર્થાંશ ડાયમંડ ઉદ્યોગ પર ભારતીયોનો દબદબો છે.

બૅલ્જિયન વૉફલ

ગુજરાત સહિત ભારતનાં ઘણાં મહાનગરોમાં આજકાલ વૉફલ સર્વ કરતી ઘણી દુકાનો તમે જોઈ હશે.

તેમાં પણ ઘણી દુકાનોમાં ક્લાસિક બૅલ્જિયમ વૉફલની સારી એવી માગ રહે છે.

ચૉકલેટની માફક જ બૅલ્જિયમના વૉફલ પણ વિશ્વવિખ્યાત છે.

થોડા સમય પહેલાં સુધી ઇન્ટરનૅશનલ વૉફ માર્કેટ પર બૅલ્જિયમનો ખૂબ દબદબો હતો.

બૅલ્જિયમ વૉફલનો ઇતિહાસ પણ ચૉકલેટથી કંઈ કમ નથી.

19મી સદીમાં અમેરિકાના બૅલ્જિયમ વૉફલની પાર્ટીઓ થયાનું નોંધાયેલું છે.

બંધારણીય રાજાશાહી

બૅલ્જિયમમાં બંધારણીય રાજાશાહી પ્રવર્તે છે. 1831માં દેશનું બંધારણ અમલમાં આવી ચૂક્યું હતું છતાં ત્યાંના રાજા કે રાણી ત્યાંનાં કારોબારી વડાં હોય છે.

બૅલ્જિયમના બંધારણ અનુસાર રાષ્ટ્રીય કારોબારી સત્તા દેશના રાજા અને તેમની મંત્રીપરિષદ પાસે હોય છે.

જ્યારે ધારાસભાને લગતી સત્તા રાજા, સંસદ અને કૉમ્યુનિટી અને પ્રાદેશિક કાઉન્સિલોમાં વહેંચાયેલી હોય છે.

દેશમાં વાસ્તવમાં રાજાનું પદ પ્રતિનિધિત્વ અને સરકારી કાર્યક્રમો સુધી મર્યાદિત હોય છે. રાજા દ્વારા કરાયેલ દરેક કાર્ય મંત્રીની સહી જરૂરી છે, જે સંસદને જવાબદાર હોય છે.

અહીં પણ ભારતની માફક વડા પ્રધાન જ દેશની સરકારના અસરકારક વડા હોય છે.

નોંધનીય છે કે એક નાનકડો દેશ હોવા છતાં બૅલ્જિયમ ઘણા રાજકીય ભૂકંપો વેઠી ચૂક્યું છે.

પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં દેશ જર્મનીના કબજામાં હતો. જોકે, યુદ્ધ બાદનાં વર્ષોમાં આર્થિક વિકાસને પગલે તે પશ્ચિમ યુરોપનો એક આદર્શ ઉદારવાદી લોકશાહી દેશ બની ગયો.

દેશના પાટનગર બ્રસેલ્સમાં યુરોપિયન યુનિયન અને નૉર્થ ઍટલાન્ટિક ટ્રીટી ઑર્ગેનાઇઝેશન (નાટો)નાં મુખ્યાલયો આવેલાં છે. જેના કારણે ત્યાં આંતરરાષ્ટ્રીય રાજદ્વારી અને સિવિલ સેવકોની ભારે અવરજવર હોય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.