You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં શિક્ષણની ગુણવત્તા પર કેજરીવાલ અને અખિલેશ યાદવે એવું શું કહ્યું કે સોશિયલ મીડિયા પર યુદ્ધ છેડાયું?
ગુજરાતમાં શિક્ષણની ગુણવત્તા અંગે ફરી એક વખત વિવાદ થયો છે. આ વખતે સમાજવાદી પાર્ટી અને આમ આદમી પાર્ટી (આપ)એ ગુજરાતના શિક્ષણ મૉડેલની ટીકા કરી છે. બીજી તરફ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા અને રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તેનો વળતો જવાબ આપ્યો છે.
મહત્ત્વની વાત એ છે કે મે 2023માં ધોરણ10ના રિઝલ્ટ અંગે એક અખબારી અહેવાલ આવ્યો હતો, તેને ટાંકીને સપા અને આપે ગુજરાતમાં શિક્ષણની સ્થિતિની ટીકા કરી છે. જોકે, સરકારે આ અખબારી અહેવાલને ફગાવી દીધો હતો અને તેને એક અફવા ગણાવી હતી.
વિવાદની શરૂઆત ક્યાંથી થઈ?
સૌથી પહેલાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે 25 મે, 2023ના એક અખબારી અહેવાલનો સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો અને લખ્યું કે "ગુજરાતમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 157 શાળાઓમાં શૂન્ય વિદ્યાર્થી પાસ થયા."
અખિલેશ યાદવે લખ્યું કે, "ગુજરાત મૉડેલ નિષ્ફળ ગયું છે. રાજ્યમાં 157 શાળાઓ એવી છે જેમાં એક પણ વિદ્યાર્થી ધોરણ 10ની પરીક્ષા પાસ કરી શક્યા નથી."
ત્યાર પછી આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે આ પોસ્ટને ટાંકીને પોતાના એકાઉન્ટ પર લખ્યું કે, "આ ગુજરાત મૉડેલ છે. આ ભાજપનું મૉડેલ છે જેને તેઓ આખા દેશમાં લાગુ કરવા માંગે છે. તેઓ આખા દેશને નિરક્ષર રાખવા માંગે છે."
ગુજરાતના મંત્રીઓનો જવાબ
આ બે પોસ્ટ સોશિયલ મીડિયામાં વહેતી થતા રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઍક્સ પર લખ્યું, "મેં આવા બનાવટી અને છેતરપિંડીવાળા નેતાઓ ક્યારેય નથી જોયા. ગુજરાત બોર્ડનું રિઝલ્ટ હજુ જાહેર નથી થયું. પરંતુ અખિલેશ યાદવ અને તેમના સાથીદાર અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર ફૅક મૅસેજ શૅર કર્યા છે. આ ગેરમાહિતી ફેલાવવાનો સ્પષ્ટ પ્રયાસ છે."
રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ઍક્સ પર ત્રણ પોસ્ટ મૂકીને લખ્યું કે, "ગુજરાતમાં બોર્ડ પરીક્ષાનાં પરિણામો સંદર્ભે ખોટી માહિતી ફેલાવીને બાળકોના મનોબળ સાથે છેડછાડ કરવી અને વાલીઓમાં ભયનું વાતાવરણ સર્જવાનો અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલનો આ પ્રયાસ સંપૂર્ણપણે નિંદનીય છે."
"ઍન્ટી સોશિયલ અને નિષ્ફળ નેતાઓ દ્વારા સોશિયલ મીડિયામાં નકલી બોર્ડ પરિણામોને લઈ વિધાર્થીઓ સાથે છેતરપિંડીનો આ પ્રયાસ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે વધુમાં લખ્યું કે, "બાળકોને તમારા ગંદા રાજકારણમાં ન ખેંચો. વિદ્યાર્થીઓના ભાવિ પર ખોટી રાજકીય સ્ટન્ટબાજી કરશો નહીં."
પાનસેરિયાએ ત્રીજી પોસ્ટ કરી કે "વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રાજકીય રોટલા શેકવાની કોશિશ અત્યંત નિંદનીય છે. ગુજરાત અને દેશની જનતા જાગૃત છે અને આવી ખોટી વાતોને સ્વીકારી લેતી નથી, માટે જ આવા નકલી નેતાઓને જાગૃત મતદારો દ્વારા સમગ્ર દેશમાં જાકારો મળ્યો છે."
અખિલેશ યાદવની વળતી કૉમેન્ટ
હર્ષ સંઘવીની પોસ્ટ પછી અખિલેશ યાદવે ફરી પોસ્ટ કરીને લખ્યું, "અમે આજની કે આવતીકાલની વાત નથી કરતા, પરંતુ ગુજરાત મૉડેલની નિષ્ફળતાની વાત કરીએ છીએ. અમે બે-ત્રણ વર્ષ જૂના ઇતિહાસની યાદ અપાવીએ ત્યારે સેંકડો વર્ષોનો ઇતિહાસ ખોદી કાઢતા લોકોને કેમ વાંધો પડે છે?"
યાદવની ટ્વિટ પર લોકોએ જાત જાતની ટિપ્પણી કરી છે જેમાં ઘણા લોકો તેમની વાત સાથે સહમત નથી.
ઘણા લોકોએ અખિલેશ યાદવને યાદ અપાવ્યું કે ગુજરાતમાં હજુ ધોરણ 10ની પરીક્ષાનાં પરિણામ આવ્યાં નથી અને મે મહિનામાં રિઝલ્ટ આવવાની શક્યતા છે.
કેટલાક યુઝરે લખ્યું છે કે ઉત્તર પ્રદેશમાં સપાની સરકાર વખતે પરીક્ષામાં ધૂમ ચોરી થતી હતી તેથી રિઝલ્ટ ઊંચું આવતું હતું.
ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ
ગુજરાતમાં શિક્ષણની ગુણવત્તા મામલે થયેલા વિવાદ વિશે બીબીસી ગુજરાતીએ અમદાવાદસ્થિત શિક્ષણશાસ્ત્રી સુખદેવ પટેલ સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું કે, "આ કોઈ ચડસાચડસીનો વિષય નથી. હકીકત શું છે તે બધા જાણે છે. તેથી ઉત્તર પ્રદેશના નેતાઓએ પણ પોતાના રાજ્યની ચિંતા કરવી જોઈએ અને ગુજરાતે પણ પોતાના વિદ્યાર્થીઓની ચિંતા કરવી જોઈએ. નેતાઓએ વિવેક ચૂકવો ન જોઈએ."
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "ગુજરાતમાં સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ ઘટી રહ્યા છે અને ખાનગી શાળાઓ વધતી જાય છે તે એક મોટો પડકાર છે. તે દર્શાવે છે કે ક્યાંક ખામી જરૂર છે. બહુ સારો પગાર મેળવતા સરકારી શિક્ષકો પણ પોતાના બાળકોને ખાનગી શાળામાં મોકલે છે, જ્યાં શિક્ષકોને બહુ મામૂલી પગાર મળે છે. આવી સ્થિતિમાં ત્યાં સારું શિક્ષણ મળતું હશે તેવું કેમ માની લેવાય?"
સુખદેવ પટેલ વધુમાં કહે છે, "સરકારી શાળાઓ વધારે સંખ્યામાં હોય અને તેની ગુણવત્તા સારી હશે તો વિદ્યાર્થીઓ ખાનગી શાળામાં નહીં જાય, તેથી ગુણવત્તા પર ખાસ ધ્યાન આપવું જોઈએ."
ગયા વર્ષે ગુજરાત સરકારે વિધાનસભામાં કહ્યું હતું કે રાજ્યમાં 1606 સરકારી પ્રાથમિક શાળામાં એકથી આઠ ધોરણ સુધીના તમામ વિદ્યાર્થીઓને ભણાવવા માટે માત્ર એક શિક્ષક છે.
2022માં માત્ર 700 શાળાઓ એવી હતી જેમાં માત્ર એક શિક્ષક હતા. ત્યાર પછી એક વર્ષમાં આવી શાળાઓની સંખ્યા બમણી થઈ હતી.
તે વખતે રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર હતા. તેમણે કહ્યું હતું કે શિક્ષકો પોતાની મનપસંદ જગ્યાએ ટ્રાન્સફર થઈ જતા હોવાથી શિક્ષકોની ઘટ વધી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન