You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત: ખેડા જિલ્લાની એવી સ્કૂલ જે એસી હોવા છતાં તેનું વીજળીનું બિલ શૂન્ય આવે છે
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાતનાં ગામડાંમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓમાં અનોખી રીતે થતાં શૈક્ષણિક કાર્યના સમાચારો સમયાંતરે સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયો અને અખબારોમાં ચમકે છે. પરંતુ ખેડા જિલ્લાના ચકલાસી ગામમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાની વિશેષતા તેના શૈક્ષણિક કાર્ય ઉપરાંત પણ તેને વિશિષ્ટ બનાવે છે.
આ સ્કૂલની વિશેષતા એ છે કે તેના તમામ વર્ગખંડો અને ઑફિસમાં ઍર કંડિશનર અને બીજાં સંખ્યાબંધ વીજ ઉપકરણો ચાલતાં હોવા છતાં તેનું વીજળીનું બિલ શૂન્ય આવે છે.
ગુજરાત સોલર ઊર્જાના ઉપયોગથી વીજઉત્પાદનમાં દેશના અગ્રેસર રાજ્યોમાં છે, ત્યારે ચકલાસીની બ્રાન્ચ શાળાએ પોતાના સમગ્ર સંકુલને સોલરઊર્જાથી સંચાલિત બનાવી દીધું છે. એટલું જ નહીં, આ સ્કૂલમાં લાગેલી સોલર પેનલથી ઉત્પન્ન થતી વધારાની 5,000 યુનિટ્સ જેટલી વીજળી રાજ્યની ગ્રીડમાં પણ આપવામાં આવે છે.
કેવું છે આ સ્કૂલનું સંકુલ?
ચકલાસી સરકારી બ્રાન્ચ પ્રાથમિક શાળાના 13 ઓરડામાં ઍર કન્ડિશનર, સાત સ્માર્ટ ક્લાસમાં 65 ઇંચના એલઈડી તેમજ લૅપટૉપ સાથે , સીસીટીવી કૅમેરા, તમામ વર્ગોમાં સ્પીકર જેવાં વીજ ઊપકરણો ચાલે છે.
ગામની સરકારી પ્રાથમિક શાળાને આવી અદ્યતન સુવિધાયુક્ત અને સોલર પેનલના ઇન્સ્ટોલેશનથી ‘ઈકો ફ્રૅન્ડલી’ પણ બનાવી દેવામાં સ્કૂલના પ્રિન્સિપાલ અને શિક્ષકોની સક્રીયતા ઉપરાંત ગ્રામજનો અને આ જ સ્કૂલમાં ભણીને હવે વર્ષોથી વિદેશમાં સ્થિર થયેલાં ગામના વતનીઓની સહભાગિતા પણ છે.
શાળાને સોલર સંચાલિત એસી શાળા બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો તે અંગે વાત કરતાં શાળાના આચાર્ય પ્રતીક પટેલે બીબીસીને કહ્યું, “હું શરૂઆતમાં મુખ્ય શિક્ષક તરીકે આ શાળામાં જોડાયો ત્યારે મને વિચાર આવ્યો કે આપણે આ શાળામાં એવું શું કરીએ કે શાળાને ખાનગી શાળા જેવી બનાવી શકાય.”
તેમણે કહ્યું, “અમારી શાળામાં અમે ગામલોકો પાસેથી દાન મેળવીને અને સરકારી સહાયથી શાળામાં સ્માર્ટ ક્લાસ, શાળાની દીવાલો પર ચિત્રો દોરાવ્યાં, વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી શરૂ કરી. આ બધું કર્યા બાદ વિચાર આવ્યો કે હવે શાળામાં નવું શુ કરી શકાય? ત્યારે અમે શાળાને એસી શાળા બનાવવાનું નક્કી કર્યું. જોકે, આમ કેવી રીતે કરવું તે અંગે અમારા મનમાં ખૂબ જ પ્રશ્નો હતા. કારણકે, દાતાઓની મદદથી એસી તો મળી જશે ,પરંતુ આ એસીના ઉપયોગને કારણે દર બે મહિને આવનારા વીજળીના બિલનો ખર્ચ કેવી રીતે ભોગવવો તે અમારા માટે પ્રશ્ન હતો.”
પ્રતીક પટેલ વધુમાં કહે છે, “સ્વાભાવિક છે કે 13 રૂમમાં એસી ચલાવવામાં આવે તો તેનું વીજળીનું બિલ પણ વધુ આવે અને લાંબા સમય માટે જાળવણી કરવી અઘરી પડે. એના ઉકેલરૂપે અમે શાળામાં સોલર લગાવવાનું નક્કી કર્યુ. સોલર પેનલ લગાવવા અમને માટે દાતા પણ મળી ગયા હતા. ખર્ચનો અંદાજ પણ નક્કી કરી લીધો હતો. એ તબક્કામાં અમને સરકાર તરફથી 25 કીલો વૉટની સોલર સિસ્ટમ મળી.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સોલર સીસ્ટમ મળતાં જ પ્રતીક પટેલે એસી માટે દાતાઓનો સંપર્ક કર્યો. કોઈ દાતા તરફથી 3 એસી તો કોઈ દાતા તરફથી બે એસી અને કોઈ દાતા તરફથી એક એસી એમ કુલ 13 એસી સ્કૂલને દાનમાં મળી ગયાં.
તેમનો દાવો છે કે ચકલાસીની આ સ્કૂલ ગુજરાતની પ્રથમ સોલર સંચાલિત સરકારી એસી સ્કૂલ છે. જોકે બીબીસી તેમના દાવાની પુષ્ટિ નથી કરતું.
તેમણે કહ્યું, “અમારી શાળા ગુજરાતની આ પ્રથમ સોલર સંચાલીત એસી શાળા બની છે. વિવિધ વીજ ઉપકરણો છતાં અમારી શાળામાં વીજળીનું બિલ તો આવતું નથી, ઉપરથી 5 હજાર યુનિટ વીજળી વધે છે. અમે સૌરઊર્જાનો ઉપયોગ કરીને અમે ટકાઉ મૉડલ પૂરું પાડ્યું છે.”
'સ્કૂલમાં વિદ્યાર્થીઓની ગેરહાજરીનો પ્રશ્ન જ નથી રહેતો'
શિક્ષણ પ્રત્યે આ સ્કૂલના શિક્ષકોના અભિગમને કારણે વિદ્યાર્થીઓ પણ શીખવાની પ્રક્રિયામાં ઉત્સાહભેર ભાગ લે છે.
શાળાનાં શિક્ષિકા દેવયાની ભણસોલ બીબીસીને કહે છે, “શાળાના દરેક વર્ગમાં સ્માર્ટ ટીવી અને લૅપટૉપ છે. જેનું સંચાલન દરેક બાળક કરી શકે તેની ટ્રેનિંગ આપવામાં આવેલી છે. અમારી શાળાનો દરેક વિદ્યાર્થી કૉમ્પ્યૂટરનો ઉપયોગ જાણે છે. દરેક વિષય અમે એલઈડી ઉપર તેમજ પ્રવૃતિ દ્વારા શીખવવા પર અમે વધારે ધ્યાન આપીએ છીએ. જેથી બાળકો કંટાળી ન જાય. આ જ કારણે અમારી શાળામાં બાળકોની ગેરહાજરીનો કયારેય પ્રશ્ન રહેતો નથી.”
તેમણે કહ્યું, “સરકારનો વ્યવસાયલક્ષી શિક્ષણ અંગેનો એક કાર્યક્રમ છે, જેમાં બાળકો અલગ અલગ વ્યવસાયો અને કૌશલ્યોથી વાકેફ થાય તે માટે વિવિધ વ્યવસાય કરતાં કુશળ કારીગરો અને કસબીઓ સાથે તેમની મુલાકાત કરાવીએ છીએ. અમે વિદ્યાર્થીઓને દરજી, કુંભાર, સુથાર તેમજ દૂધની ડેરી, મઠિયાના ગૃહઉધોગની મુલાકાત માટે લઈ જઈએ છીએ.”
શાળાની દરેક દીવાલ ઉપર દરેક વિષયનાં પાઠ્યપુસ્તકોનાં વિષયવસ્તુ પર આધારિત ચિત્રો આવેલાં છે. બાળકો ફિલ્મો જોવે છે તો તેને વાર્તા સરળતાથી યાદ રહી જાય છે. જેમાં બાળક નવરાશના સમયમાં ચિત્રો જુએ છે. એ ચિત્રો પર દરરોજ તેમની નજર પડે છે જેથી તેમને એ વિષયવસ્તુ યાદ રહી જાય છે.
'બે કિલોમીટર ચાલીને પણ આ સ્કૂલમાં જ આવીએ છીએ'
ખાનગી સ્કૂલમાંથી સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી રહ્યા હોવાના સરકારના દાવાઓ પાછળનાં જાણીતા કે અજાણ્યા કારણોમાંથી એક ચકલાસીની આ સ્કૂલમાં રહેલી સુવિધાઓ અને શૈક્ષણિક પ્રવૃતિઓ પણ હોઈ શકે છે.
ચકલાસીની શાળાનો એક વિદ્યાર્થી આશિક વાઘેલા કહે છે, “અમારી શાળામાં હમણાં જ બાળ સંસદની ચૂંટણી થઈ હતી. જેમાં હું પ્રમુખ બન્યો છું. અમારી શાળામાં એસી, કૉમ્પ્યૂટર લૅબ, સ્માર્ટ ટીવી અને બીજી ઘણી સુવિધાઓ છે. મારા કેટલાય મિત્રો બીજી સ્કૂલોમાં ભણતા હતા. એમને મેં મારી સ્કૂલ વિશે વાત કરી તો એ બધા પણ મારી સાથે અહીં ભણવા આવી ગયા છે. હું અને મારા દોસ્તો બે કીમી ચાલીને આ શાળામાં આવીએ છીએ.”
સ્કૂલના આ વિદ્યાર્થીની વાતને દર વર્ષે અહીં વધી રહેલાં ઍડ્મિશનની સંખ્યા પરથી સમર્થન મળે છે.
પ્રતીક પટેલ પ્રવેશના આંકડા આપતાં કહે છે, “અહીં દર વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. જુલાઈ 2017માં 340, જુલાઈ 2018માં 368, જુલાઈ અને જુલાઈ 2024માં આ સ્કૂલમાં 419 બાળકો છે. આમ દર વર્ષે બાળકોની સ્ખયામાં ઉત્તરત્તર વધારો થયો છે. ખાનગી શાળામાંથી વિદ્યાર્થીઓ અમારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે. પાંચથી છ કીમી દૂરથી બાળકો વાહનોમાં પણ અમારી શાળામાં આવી રહ્યાં છે.”
સ્કૂલને દાન કેવી રીતે મળે છે?
ચકલાસીની આ સ્કૂલમાં 13 એસી દાનમાં મળ્યાં છે. ઉપરાંત શેડ તેમજ વાર્ષિકોત્સવનો ઉજવણી ખર્ચ વગેરેનાં દાન પણ મળે છે.
શાળાને મળતાં દાન વિશે વાત કરતાં પ્રતીક પટેલ કહે છે, “શાળામાં અમે જે અલગ અલગ પ્રવૃત્તિઓ કરીએ છીએ તેના વિશે અમારી શાળાનાં સોશિયલ મીડીયાના પેજ પર પોસ્ટ કરીએ છીએ. જેથી ચકલાસી ગામના વિદેશમાં રહેતાં એનઆરઆઈ અમારી પ્રવૃત્તિ જોવા લાગ્યા અને અમારી સાથે જોડાવા લાગ્યા.”
તેમણે ઉમેર્યું, “ડિજિટલ યુગ છે તો બાળકોને ડિજિટલ શિક્ષણ આપવું જોઈએ તેને ધ્યાનમાં રાખીને શાળામાં એલઈડી લાવવા દાતાઓ સાથે વાત કરી હતી. દાતાઓની મદદથી અમને 40 ઇંચનાં એલઈડી બે સ્માર્ટ ટીવી મળ્યાં. કોરોનાના સમયમાં બાળકો શાળામાં આવતા નહોતાં. જેથી અમે આ સમયનો સદુપયોગ કરીને સ્કૂલની દીવાલો પર, લોબી જેવી જગ્યાઓમાં જનરલ નૉલેજ અને અન્ય વિષયો આવરી લેતાં ચિત્રો દોરાવ્યાં હતાં.”
આ સ્કૂલનો વાર્ષિકોત્સવ જોવા માટે ગામલોકો અને વિદ્યાર્થીઓનાં માતા-પિતા ઉપરાંત આસપાસના ગામોના હજારો લોકો ટ્રેક્ટર ભરીને આવે છે.
પ્રતીક પટેલ કહે છે, “અમે દર વર્ષે એક લાખ રૂપિયા કરતાં વધુનો ખર્ચ કરીને વાર્ષિક દિવસ ઉજવીએ છીએ. આ ખર્ચ માટે અમને ગામના એનઆરઆઈ તેમનું નામ ન આપવાની શરતે વર્ષે એક હજાર ડૉલર અમને દાન પેટે આપે છે. તેમણે આગામી વર્ષોમાં પણ દાનની રકમ આપવાનું જણાવ્યુ છે.”
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)