You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'વકફની સંપત્તિનો યોગ્ય ઉપયોગ થાત તો મુસ્લિમ યુવાનો સાઇકલનું પંક્ચર ન બનાવતા હોત', પીએમ મોદીના આ નિવેદન પર કેમ થયો વિવાદ?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાના હિસારમાં કૉંગ્રેસની ઝાટકણી કાઢતા કહ્યું કે કૉંગ્રેસ વકફને લઈને તુષ્ટિકરણની રાજનીતિ કરે છે.
તેમણે કહ્યું કે, "વકફની સંપત્તિનો પ્રામાણિકતાથી ઉપયોગ થયો હોત તો મુસ્લિમ યુવાનોએ આજીવિકા માટે સાઇકલનાં પંક્ચર બનાવવા ન પડ્યા હોત."
તેમણે કહ્યું કે, "આનાથી માત્ર ભૂમાફિયાઓને ફાયદો થયો છે."
વડા પ્રધાનના આ નિવેદન પર વાંધો ઉઠાવતા કૉંગ્રેસે કહ્યું કે પીએમ એક સમુદાયને પંક્ચર બનાવનાર તરીકે ઓળખાવે છે.
તેના વિશે એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પણ મોદીને નિશાન બનાવીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે.
હિસારની રેલીમાં વડા પ્રધાન શું બોલ્યા?
પીએમ મોદીએ સોમવારે હિસારથી અયોધ્યા સુધી એક કૉમર્શિયલ ઉડાનને લીલી ઝંડી દેખાડી અને હિસારના મહારાજા અગ્રસેન ઍરપૉર્ટના નવા ટર્મિનલની બિલ્ડિંગ માટે શિલારોપણ કર્યું હતું.
નરેન્દ્ર મોદીએ અહીં પોતાના ભાષણ દરમિયાન વકફના મુદ્દે કૉંગ્રેસને નિશાન બનાવી હતી અને પાર્ટી પર તુષ્ટિકરણની રાજનીતિ રમવાનો આરોપ લગાવ્યો હતો.
તેમણે કહ્યું, "કૉંગ્રેસ પાર્ટીના તુષ્ટિકરણના રાજકારણથી મુસલમાનોને નુકસાન થયું છે. કૉંગ્રેસે માત્ર કટ્ટરવાદીઓને ખુશ કર્યા છે. વકફ કાયદો એ કૉંગ્રેસની આવી કુનીતિનું સૌથી મોટું ઉદાહરણ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ચૂંટણી જીતવા માટે કૉંગ્રેસે 2013ના અંતિમ સત્રમાં કેટલાંય વર્ષથી ચાલ્યા આવતા વકફ કાયદામાં સુધારા કર્યા જેથી ચૂંટણીમાં મત મેળવી શકાય. વોટ બૅન્કને ખુશ કરવા માટે આ કાયદાને બંધારણથી ઉપરનું સ્થાન આપ્યું. આ બાબા સાહેબ આંબેડકરનું અપમાન હતું."
"તેઓ કહે છે કે તેમણે આ મુસ્લિમોના હિતમાં કર્યું. જો ખરેખર તમારા હૃદયમાં મુસલમાનો પ્રત્યે થોડી સહાનુભૂતિ હોય તો કૉંગ્રેસ પાર્ટી કોઈ મુસ્લિમને પોતાના પક્ષના અધ્યક્ષ બનાવે. સંસદની ટિકિટ આપવી હોય તો 50 ટકા મુસલમાનોને આપે. જીતીને આવશે તો પોતાની વાત કહેશે, પરંતુ કૉંગ્રેસ કંઈ આપવા માંગતી નથી."
પીએમ મોદીએ કહ્યું કે વકફના નામ દેશમાં લાખો હેક્ટર જમીન છે, અને આ પ્રૉપર્ટીથી અનાથ બાળકો અને મુસ્લિમોનું કલ્યાણ થવું જોઈતું હતું.
તેમણે કહ્યું કે, "ઇમાનદારીથી ઉપયોગ થયો હોત તો મારા મુસલમાન યુવાનોએ સાઇકલ પંક્ચર બનાવીને પોતાનું જીવન વીતાવવું પડ્યું ન હોત. પરંતુ તેનાથી મુઠ્ઠીભર ભૂમાફિયાને ફાયદો થયો. પસમંદા મુસ્લિમ સમાજને કોઈ ફાયદો ન થયો."
પીએમના નિવેદન પર કૉંગ્રેસ અને સપાની પ્રતિક્રિયા
કૉંગ્રેસનાં પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે પીએમના નિવેદન સામે વાંધો ઉઠાવતાં કહ્યું કે તેઓ એક ચોક્કસ સમુદાયને પંક્ચરવાળા કહીને બોલાવે છે.
તેમણે ઍક્સ પર લખ્યું કે "આજે બાબા સાહેબની જયંતિના દિવસે પણ તમારી પાસેથી મર્યાદાની આશા રાખી શકાય તેમ નથી. આજે પણ તમે કૉંગ્રેસનો વાંક કાઢો છો અને એક સમુદાયને પંક્ચરવાળા તરીકે બોલાવો છો."
તેમણે કહ્યું કે "આખી દુનિયા જાણે છે કે આરએસએસમાં દલિતોની કેવી સ્થિતિ છે. જ્ઞાન આપવાના બદલે એ જણાવો કો અત્યાર સુધી ઠાકુર અને બ્રાહ્મણ સિવાય બીજી કોઈ જાતિની વ્યક્તિને કેમ આરએસએસના અધ્યક્ષ બનાવવામાં નથી આવી."
કૉંગ્રેસના નેતા ઇમરાન પ્રતાપગઢીએ કહ્યું, "મને તો નવાઈ લાગે છે કે જે દેશના પીએમ યુવાનોને પકોડા તળવાની સલાહ આપતા હતા. તે જ પીએમ આજે પંક્ચર પર મજાક ઉડાવે છે. યુવાનો પંક્ચર અને પકોડા તળવા સિવાય બીજું કોઈ કામ કરી શકે એવી હાલતમાં પણ નથી છોડ્યા. આ દેશના મુસલમાન માત્ર પંક્ચર નથી બનાવતા, તેઓ દેશના અર્થતંત્રમાં પણ મોટી ભૂમિકા ભજવે છે."
બીજી તરફ મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અબૂ આસિમ આઝમીએ વડા પ્રધાનના નિવેદન વિશે કહ્યું કે, "તમે એવું કહેતા હોવ કે મુસ્લિમો પંક્ચર બનાવે તો તે ગરીબ નથી રહેતા. તો મારો સવાલ છે કે દક્ષિણ ભારતનાં માત્ર ચાર રાજ્યોમાં મંદિર પાસે 10 લાખ એકર જમીન છે. 24 સ્ટેટ બાકી છે. શું તમે આ જમીનોથી ગરીબ હિંદુઓની હાલત સુધારી દીધી? શું ગરીબ હિંદુ પરેશાન નથી?"
ઓવૈસીએ શું કહ્યું?
એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ વડા પ્રધાન મોદીને પૂછ્યું કે છેલ્લાં 11 વર્ષમાં મોદીએ ગરીબ ભારતીય હિંદુ કે મુસલમાનો માટે શું કર્યું?
તેમણે કહ્યું, "33 ટકા ભારતીયો રોજગારી અને ભણતર વગર જીવે છે. વકફની સંપત્તિઓનું જે થયું તેનું એક મોટું કારણ એ છે કે વકફના કાયદા અને વહીવટને હંમેશા નબળા રાખવામાં આવ્યા. મોદીનો વકફ સુધારો તેને વધુ નબળો બનાવશે."
વકફ એ કોઈ પણ સ્થાવર કે જંગમ મિલકત હોય છે જેને ઇસ્લામમાં માનતી કોઈ પણ વ્યક્તિ અલ્લાહના નામે અથવા ધાર્મિક હેતુથી કે પરોપકાર માટે દાન કરી શકે છે.
આ સંપત્તિ સમાજના કલ્યાણ માટે હોય છે અને અલ્લાહ સિવાય તેનું કોઈ માલિક નથી હોતું.
જ્યારે બિલ લાવવામાં આવ્યું હતું ત્યારે વિપક્ષનો આરોપ હતો કે વકફ બિલ 'ગેરબંધારણીય' છે.
વકફ સુધારા ખરડો હવે સંસદનાં બંને ગૃહોમાં પસાર થતાં અને રાષ્ટ્રપતિએ તેના પર સહી કરતા તે કાયદો બની ગયો છે. ભાજપના સહયોગી દળો જેડીયુ અને ટીડીપીએ પણ આ બિલને ટેકો આપ્યો હતો.
હવે સેન્ટ્રલ વકફ કાઉન્સિલ અને વકફ બોર્ડમાં બે બિન મુસ્લિમ સભ્યો સામેલ થશે. આ ઉપરાંત માત્ર એવી વ્યક્તિ વકફને દાન આપી શકશે જે ઓછામાં ઓછાં પાંચ વર્ષથી ઇસ્લામ ધર્મનું પાલન કરતી હોય.
દેશના ઘણા ભાગોમાં આ કાયદાનો વિરોધ ચાલુ છે. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વકફ કાયદા સામે થયેલાં વિરોધપ્રદર્શનો હિંસક બન્યાં હતાં જે દરમિયાન ત્રણ લોકોનાં મોત થયાં હતાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન