You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘અમારી પાસે મીણબત્તીઓ પણ નથી...’- વીજળી, પાણી વગર ગાઝામાં કેવી પરિસ્થિતિ છે?
- લેેખક, અદનાન ઍલ્બર્શ
- પદ, બીબીસી ન્યૂઝ અરેબિક, ગાઝા
‘ગાઝા પટ્ટીમાં હવે વીજળી નથી.’
જબાલિયાના ઉત્તરી વિસ્તારમાં તેમના પરિવાર સાથે રહેતાં 36 વર્ષીય પેલેસ્ટિનિયન ફાતમા અલી વીજળી વિના પસાર થયેલી અતિશય અસહ્ય એવી તેમની પહેલી સાંજ વિશે વાત કરે છે.
ભયથી ધ્રૂજતાં ધ્રૂજતાં તેઓ કહે છે, "ગાઝામાં હવે સંપૂર્ણ અંધારું છે. માત્ર ઇઝરાયલી દારૂગોળો ક્યાંક ફૂટે તો જ પ્રકાશ આવે છે."
"અમારી પાસે મીણબત્તીઓ પણ નથી. દુકાનો બંધ છે. અમારી પાસે એકમાત્ર એલઈડી ટૉર્ચ છે જે માત્ર પાંચ કલાક ચાલે છે."
વાત કરતાં તેમના અવાજમાં સતત કંપન અનુભવાતું હતું.
વીજળી પુરવઠા વગરની આ પરિસ્થિતિને તેઓ ‘અમાનવીય’ ગણાવતાં કહે છે કે, "વીજળી નથી તેનો મતલબ એ છે કે અમને હવે નાહવા કે પીવા માટે પાણી પણ નહીં મળે. કારણ કે પાણીને પમ્પિંગ કરીને પહોંચાડવામાં આવે છે."
નવ ઑક્ટોબરે ઇઝરાયલે ગાઝા પટ્ટીની સંપૂર્ણ નાકાબંધીનો આદેશ કર્યો તેના બે દિવસ પછીથી જ સમગ્ર ગાઝા પટ્ટીમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો.
ફાતમા અને તેમનાં વૃદ્ધ માતાપિતા હવે પાણી ભરેલા બે નાનકડા પીપડાં પર નિર્ભર છે. આ પાણીને તેમણે ઇઝરાયલે નાકાબંધી કરી તે પહેલા ભર્યું હતું. વીજળી ન હોવાનો મતલબ એ છે કે ફ્રિજ અને ભોજન સામગ્રી સાચવવાનું પણ બંધ છે, એટલે ખાદ્ય પુરવઠા પર પણ કાપ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું, "ફ્રિ
જમાં રાખેલી બધી વસ્તુઓ બગડી ગઈ હતી અને તેને અમારે ફેંકી દેવી પડી છે. દિવસમાં પાંચ વાર નમાજ પઢતા પહેલા હાથપગ ધોવા માટે પણ પાણી નથી."
થાઇમ ઔષધિ અને ઑલિવ્સ પર જીવી રહ્યા છીએ
હાલના વીજકાપ સામે લડવા માટે ફાતમા અને તેમના અપાર્ટમેન્ટમાં રહેતા લગભગ તમામ લોકો જેમ બને તેમ ખોરાક અને પાણી સંગ્રહ કરીને કરકસરથી તેનો ઉપયોગ કરી રહ્યો છે.
"હવે અમારી પાસે બહુ ખોરાક બચ્યો નથી. અમારો આધાર ફક્ત ઝા’ટાર (થાઇમ ઔષધિ) અને ઑલિવ્સ પર જ છે."
તેઓ કહે છે કે આ પરિસ્થિતિને કારણે સૌથી વધારે બાળકોને સહન કરવાનું આવ્યું છે.
"મારા ભત્રીજાઓ અને ભત્રીજીઓ મારાં ભાઇબહેન સાથે અમારા જ બિલ્ડિંગમાં રહે છે. તેમના માટે આ પરિસ્થિતિ બહુ આકરી છે."
બાળકોની પરિસ્થિતિ વર્ણવતાં ફાતમા રડી પડે છે.
‘આ યુદ્ધ નથી, જાણે કે સંહાર છે’
"જ્યારે હું ઉત્તર-પૂર્વી ગાઝામાં આવેલા જબાલિયાના અતિશય ગીચ શરણાર્થી કૅમ્પમાં પહોંચ્યો ત્યારે લોકો તેમના લગભગ નષ્ટ થઈ ચૂકેલા ઘરોમાંથી ભાગી રહ્યા હતા."
"સૌથી નસીબદાર લોકો એ હતા કે જેઓ ઓઢવા માટે એકાદ રજાઈ લઈને ભાગી શક્યા."
"મારું માનવું છે કે શરણાર્થી કૅમ્પોમાં પણ જીવવું હવે અશક્ય છે. કારણ કે ઇઝરાયલી સેનાનો બૉમ્બમારો સતત ચાલુ જ છે તેનાથી શરણાર્થી કૅમ્પને પણ નુકસાન પહોંચ્યું છે."
"અમારી પાસે પાણી પણ નથી અને ખાવા માટે પણ કંઈ નથી. આ કેવું જીવન છે?" ડૂસકાં ભરતો એક વ્યક્તિ કહે છે.
તેની બાજુમાં ઊભેલો એક માણસ ઊંચા અવાજમાં કહે છે, "આ યુદ્ધ નથી, આ સંહાર છે."
કૅમ્પમાં રહેલા અનેક પેલેસ્ટિનિયન એ વાત સ્વીકારે છે કે પરિસ્થિતિ અતિશય ભયાવહ છે.
આયુષ્યના સાત દાયકા વટાવી ચૂકેલા અબુ સક્ર અબુ રોકબા તેમના ત્રણ સંતાનો ગુમાવી ચૂક્યા છે.
રડતાં રડતાં તેઓ પરિસ્થિતિ વર્ણવે છે, "મારો આખો પરિવાર હવે નથી. મારાં સંતાનોને અંતિમ વિદાય આપીને જ્યારે હું પાછો આવ્યો ત્યારે મારું આખું ઘર નષ્ટ થઈ ગયું હતું. મારે ક્યાં જવું, શું કરવું એ મને ખબર નથી."
બૉમ્બમારાને કારણે કૅમ્પમાં આવેલા અમુક લોકો અહીં ઘણા દિવસથી રહે છે.
લાયલા (નામ બદલાવેલ છે) બૈત હનાનથી અહીં આવ્યા છે. આ વિસ્તાર ગાઝા પટ્ટીના ઉત્તર-પૂર્વી કિનારે આવેલો છે. અહીં જબાલિયાના કૅમ્પમાં આવીને તો તેમને પરિસ્થિતિ વધુ ખરાબ લાગે છે.
"મેં મારા પતિ અને પુત્રને ગુમાવી દીધા છે."
"મારા બાકીના બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે."
"દરરોજ અહીં બૉમ્બમારો થાય છે." વાત કરતાં કરતાં તેઓ આંસુઓ રોકી શકતાં નથી.
ખાદ્ય પુરવઠો સમાપ્ત થઈ રહ્યો છે
પાવર જનરેટર માટે બળતણ શોધવાનું વધુને વધુ મુશ્કેલ બની રહ્યું છે.
એવા ઘણા લોકો માટે કોઈ આશરો બચ્યો નથી જેઓ વર્ષોથી જબલિયા શરણાર્થી શિબિરને પોતાનું એકમાત્ર ઘર માનતા હતા.
આકાશમાં કાળા ધુમાડાના વાદળો જોઈ શકાય છે. લોકોની સવાર ગનપાઉડરની તીક્ષ્ણ ગંધથી પડે છે. તેમના નાક બંધ થઈ જાય છે અને સતત ઉધરસ આવે છે.
વેસ્ટ પ્રોસેસિંગ સિસ્ટમ પણ વીજળી વિના ચાલી શકતી નથી. જેમ જેમ હું અંધકારમય બની ચૂકેલા ભીડભાડવાળા કૅમ્પની આસપાસ ફરું છું મને ચારેકોર કચરાના ઢગલા ખડકાયેલા જોવા મળે છે.
આ પ્રકારની પરિસ્થિતિ જીવાણુઓને આકર્ષે છે. રોગચાળો ફાટી નીકળે તો શું થશે એ હું કલ્પી શકતો નથી.
યુનાઈટેડ નેશન્સ રિલીફ ઍન્ડ વર્ક્સ એજન્સી ફૉર પેલેસ્ટાઇન રેફ્યુજીસ ઇન ધ નીઅર ઈસ્ટ (UNRWA) એ શાળાની અંદર બનાવેલા કેમ્પમાં સેંકડો લોકો રહે છે.
આ શાળા હવે એવું આશ્રયસ્થાન બની ચૂકી છે જે અનેક બેઘર લોકો, સ્થળાંતરિત થઈ ચૂકેલા લોકોનું ઘર છે પણ અહીં હવે જગ્યા નથી.
એક યુવાન પોતાના પરિવાર માટે પૉર્ટેબલ ટેન્ટ બનાવી રહેલો નજરે ચડી રહ્યો છે.
"મેં નાયલોન, પ્લાસ્ટિક અને લાકડાના ટુકડા ભેગા કરીને આ બનાવ્યું છે. લોકો માટે હવે ક્યાંય જગ્યા બચી નથી."
બાળકોને ગૂંગળામણ થઈ રહી છે
શાળાની બરાબર સામે હું એક માણસને ઉતાવળમાં એક નાના બાળકને ઍમ્બ્યુલન્સમાં લઈ જતો જોઉં છું.
પેરામેડિકલ ટીમ એ વ્યક્તિ પાસેથી બાળકને લઈ રહી છે.
તેમણે મને કહ્યું કે ઇમરજન્સી સેવાઓ અત્યારે મોટેભાગે બૉમ્બ ધડાકાને કારણે ધુમાડો અને ધૂળને કારણે ગૂંગળામણથી પીડાતા બાળકો અને સ્ત્રીઓની સારવાર કરી રહી છે.
નવજાત બાળકોના જીવ જોખમમાં
ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે વીજળી ન હોવાને કારણે હૉસ્પિટલમાં રહેલા દર્દીઓની સારવારમાં અતિશય મુશ્કેલી આવી રહી છે.
1100થી વધુ કિડની ડાયાલિસિસના દર્દીઓ કે જેમાં 38 બાળકો પણ સામેલ છે તેમનો જીવ જોખમમાં છે.
મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે, તાજાં જન્મેલાં 100 જેટલાં બાળકોને પેટીમાં રાખવાની જરૂર છે પણ વીજપુરવઠો બંધ થઈ જતાં હવે તેમના જીવ પણ જોખમમાં છે.