You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
"વ્યક્તિ ઇઝરાયલી છે કે કેમ એ જોયા વગર જ તેઓ સૌને મોતને ઘાટ ઉતારે છે." ઇઝરાયલમાં ફસાયેલા ગુજરાતીઓમાં કેવો ખોફ છે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષમાં અત્યાર સુધીમાં 2100થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.
ઇઝરાયલે કરેલા જવાબી હુમલાને કારણે ગાઝા પટ્ટીમાં પણ સેંકડો લોકોનાં મોત થયાં છે.
હુમલાઓમાં બચી ગયેલા અનેક લોકોએ મીડિયા સમક્ષ પોતાની આપવીતી રજૂ કરી છે અને કહ્યું છે કે દાયકાઓથી બંને દેશો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષોમાં આ સૌથી ભયાનક છે. તેમણે આ પ્રકારનો હુમલો કે હત્યાકાંડ ક્યારેય જોયો નથી.
બીબીસીના ન્યૂઝઅવર કાર્યક્રમમાં એક માનવતાવાદી કાર્યકર્તાએ કહ્યું હતું કે કે આ દેશમાં હવે એવી કોઈ જગ્યા બચી નથી કે જ્યાં અમે ‘સુરક્ષિત’ અનુભવ કરીએ.
હજારો લોકો આ ભીષણ સંઘર્ષને કારણે સ્થળાંતરિત થઈ ગયા છે, તો સેંકડો લોકો લાપતા પણ છે.
આ સંઘર્ષમાં હજારો ભારતીય નાગરિકો પણ ત્યાં ફસાયેલા છે, જેમાં મોટો ભાગ ગુજરાતીઓનો છે.
ભારતના કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણના જણાવ્યા અનુસાર 60 હજારથી વધુ ગુજરાતી મૂળના લોકો ઇઝરાયલમાં ફસાયેલા છે.
કેન્દ્રીય મંત્રીએ આ વિશે શું માહિતી આપી?
ધી ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે કેન્દ્રીય દૂરસંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે 10 ઑક્ટોબર, મંગળવારે જણાવ્યું હતું કે અંદાજે 60 હજારથી વધુ ગુજરાતીઓ ઇઝરાયલમાં ફસાયેલા છે. જો તમામ ભારતીયોને તેમાં સામેલ કરવામાં આવે તો આ આંકડો ઘણો મોટો થાય છે. કેન્દ્ર સરકાર તમામ ભારતીયોને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢવા માટેનો પ્લાન બનાવી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ઇઝરાયલમાં એવા ઘણા ગુજરાતી પરિવારો છે, જેમને હું વ્યક્તિગત રીતે ઓળખું છું. તેઓ સૌરાષ્ટ્રના માણાવદરના રહેવાસીઓ છે. તેમાંથી ઘણા લોકોના ઘરોની મેં 2009માં મુલાકાત લીધી હતી. તેમણે મને તેમનાં બંકર પણ બતાવ્યાં હતાં. આ બંકરોનો ઉપયોગ આવા હુમલાઓ સમયે તેઓ કરતા હતા. તેમના પરિવારોની કેટલીક દીકરીઓ ઇઝરાયલી સેનામાં કામ કરે છે.”
દેવુસિંહ ચૌહાણે એમ પણ કહ્યું હતું કે, “દરેક દેશનો પોતાનો બચાવ કરવાનો અધિકાર છે. કોઈ દેશ તેના પર થયેલો આ પ્રકારનો હુમલો સાંખી ન લે જેમાં નિર્દોષ બાળકો અને મહિલાઓ સહિત અનેક લોકોની ક્રૂર અને ઘાતકી હત્યા કરવામાં આવી હોય. ઇઝરાયલે પણ 1962ના યુદ્ધ સમયે ભારતનું સમર્થન કર્યું હતું અને આવી પરિસ્થિતિમાં ભારત પણ ઇઝરાયલ જેવા મિત્રદેશનું સમર્થન કરે તે સ્વાભાવિક છે. ”
ઇઝરાયલમાં વસતા ગુજરાતીઓ શું કહે છે?
મૂળ પોરબંદરના રહેવાસી વિજય મોઢવાડિયા છેલ્લાં નવ વર્ષથી જેરૂસલેમ સિટીમાં રહે છે અને કૅરગિવરનું કામ કરે છે.
ત્યાંની પરિસ્થિતિનું વર્ણન કરતા તેમણે જણાવ્યું હતું કે, “જેરૂસલેમ શહેરમાં જ અંદાજે 20થી 25 હજાર ગુજરાતીઓ રહે છે. બંને દેશો વચ્ચે લાંબા સમયથી ઘર્ષણ રહે છે, પણ આ વખતે ઇઝરાયલના મોટાભાગનાં શહેરો પર તેમણે હુમલા કર્યા છે. ગાઝા પટ્ટીથી નજીક આવેલાં શહેરોમાં જાનમાલનું ખૂબ નુકસાન થયું છે. જેરૂસલેમ સુધી રૉકેટ હુમલા થયા હોય તેવું પહેલીવાર બન્યું છે. એવું લાગે છે કે તેમણે ગેરિલા વૉર છેડ્યું છે અને તે વ્યક્તિ ઇઝરાયલી છે કે કેમ એ જોયા વગર જ સૌને મોતને ઘાટ ઉતારે છે. ઘરની બહાર નીકળતા પણ અમારે ધ્યાન રાખવું પડે છે.”
પોરબંદરનાં રમાબહેન પાંડાવદરા છેલ્લાં 4 વર્ષથી ઇઝરાયલમાં નોકરી કરે છે. તેઓ તેલ અવિવમાં આવેલા હૅરમ અદગાન વિસ્તારમાં રહે છે.
તેઓ કહે છે કે, “અહીં અમારે મોટેભાગે ખોરાક માટે બહાર નીકળવું પડે છે. અહીં અમારા વિસ્તારમાં તો ઘણી શાંતિ છે પરંતુ અમારે સાયરન વાગે એટલે તરત જ ભાગીને સુરક્ષિત સ્થાને અથવા ઘરે જતા રહેવું પડે છે.”
તેમના પુત્ર સાગર પાંડાવદરાએ બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, “મારા મમ્મી ઇઝરાયલમાં છે. તેમણે જણાવ્યું હતું કે અહીં અતિશય ભયાનક પરિસ્થિતિ છે. જેવી સાયરન વાગે એટલે અમારા હૃદયના ધબકારા વધી જાય છે.”
મૂળ રાજકોટનાં સોનલબહેન ગેડિયા પણ ઇઝરાયલમાં છેલ્લાં 8 વર્ષથી નોકરી કરે છે. તેમનો દીકરો અને માતા નિર્મળાબહેન રાજકોટમાં જ રહે છે અને સતત તેમની ચિંતા કરે છે. તેમની દીકરી તેમને સુરક્ષિત ઠેકાણે હોવાના વીડિયો મોકલે છે, જેનાથી તેમને ધરપત રહે છે.
ગુજરાતના અનેક લોકો ઇઝરાયલી સેનામાં કાર્યરત
નિશા અને રિયા નામના ગુજરાતી મૂળની યુવતીઓ ઇઝરાયલી સેનામાં કાર્યરત્ છે. તેમનાં મૂળ જૂનાગઢના માણાવદર ગામના કોઠડી સાથે જોડાયેલાં છે.
આ ગામના જીવાભાઈ મૂળિયાસિયા અને સવદાસભાઈ મૂળિયાસિયાની આ બંને દીકરીઓ છે.
માંડ 1200 લોકોની વસ્તી ધરાવતા કોઠડી ગામના અનેક લોકો ઇઝરાયલમાં સ્થાયી થયેલા છે તો કેટલાક લોકો વેપાર કે વ્યવસાય અર્થે ગયા છે.
નિશા ઇઝરાયલી સેનાના ડિપાર્ટમૅન્ટ ઑફ કૉમ્યુનિકેશન સાઇબર સિક્યોરિટીમાં પણ ફરજ બજાવે છે. તેમના પરિવારના દાવા અનુસાર તેઓ ઇઝરાયલી સેનામાં દાખલ થનારાં પ્રથમ ગુજરાતી યુવતી છે.
આ ગામના જ રહેવાસી ભરતભાઈનો દાવો છે કે આ ગામના મોટાભાગના લોકો સાથે અમારે વાતચીત થઈ છે અને તેઓ સુરક્ષિત છે.
ગામના અન્ય સ્થાનિકોનું પણ કહેવું છે કે તેમના સંબંધીઓ સુરક્ષિત છે અને તેમને ઇઝરાયલની સુરક્ષા પર વિશ્વાસ હોવાથી ચિંતા ઓછી છે.
અહીં ઉલ્લેખનીય છે કે ઇઝરાયલ ફરવા ગયેલા પ્રવાસીઓ સિવાય અનેક વેપારીઓએ પણ મદદ માટે હાથ લંબાવ્યો છે.
મિન્ટના એક અહેવાલ પ્રમાણે ત્યાં વસતા ભારતીયોમાંથી મોટાભાગના લોકો કૅરગિવર્સ તરીકે કામ કરે છે. પરંતુ એ સિવાય ત્યાં હજારો વિદ્યાર્થીઓ, આઈટી પ્રૉફેશનલ્સ અને ડાયમંડ ટ્રેડર્સ રહે છે.