You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિદ્યાર્થીઓને 'ભણેલાગણેલા નેતા ચૂંટવા'નું કહેનાર શિક્ષકને નોકરીમાંથી કેમ કાઢી મુકાયા?
ઍડટેક કંપની 'અનએકૅડૅમી'એ પોતાના વિદ્યાર્થીઓને ચૂંટણીમાં ભણેલાગણેલા ઉમેદવારોને મત આપવાની વાત કરનાર શિક્ષકને બરખાસ્ત કરી દીધા છે.
કરણ સાંગવાન નામના આ ટીચરને બરખાસ્ત કરવાની માહિતી આપતાં અનએકૅડૅમીના કો-ફાઉન્ડર રોમન સૈનીએ ટ્વીટ કરીને લખ્યું કે સાંગવાને કંપનીની આચારસંહિતાનો ભંગ કર્યો છે તેથી તેમને હઠાવવા પડ્યા છે.
પોતાના વીડિયોમાં ભણેલાગણેલા નેતાઓને વોટ આપવાની અપીલ બાદ કરણ સાંગવાનનું નામ ‘ઍક્સ’ (અગાઉનું ટ્વિટર) પર ટ્રેન્ડ કરવા લાગ્યું.
આ ટ્વીટ વાઇરલ થયા બાદ ‘ઍક્સ’ પર યૂઝરો વચ્ચે ભણેલાગણેલાને મત આપવાની અપીલ કરવાનું તગેવું કેટલું યોગ્ય એ વાતને લઈને ચર્ચા થઈ રહી છે.
સાંગવાનના આ વીડિયો બાદ અમુક લોકોએ તેમની તરફેણમાં ટ્વીટ કર્યાં છે.
યૂટ્યૂબર અને પત્રકાર અજિત અંજુમે લખ્યું, “કરણ સાંગવાનને બૉયકૉટ ગૅંગના દબાણમાં અનએકૅડૅમીથી કાઢી દેવાયા?”
ભણેલાગણેલા નેતાઓને જ વોટ આપજો ‘આવું કહેવા બદલ કાયદાના શિક્ષક કરણ સાંગવાનને સજા કરાઈ.’
કૉંગ્રેસનાં નેતા સુપ્રિયા શ્રીનેતે કહ્યું, “જેઓ દબાણ સામે નમી જાય છે અને ધાકધમકી સહન કરી લે છે તેઓ ક્યારેય એવા નાગરિક બનાવવામાં મદદ નથી કરી શકતા જેઓ વિશ્વમાં તમામ પડકારોનો ખડેપગ સામનો કરે છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“દુ:ખદ વાત છે કે આવા કરોડરજ્જુ વિનાના અને બીકણ લોકો ઍજ્યુકેશન પ્લૅટફૉર્મ ચલાવી રહ્યા છે.”
સોશિયલ મીડિયા પર સાંગવાનની ટિપ્પણીની ટીકા
સાંગવાનના આ વીડિયો અંગે કેટલાક લોકોએ તેમની ટીકા પણ કરી છે.
પ્રોફેસર દિલીપ મંડલે લખ્યું, “કરણ સાંગવાન જણાવી રહ્યા છે કે જે વ્યક્તિ પાસે સૌથી વધુ ડિગ્રી હોય તેમને ઇલેક્શનમાં ચૂંટો, તો પછી ચૂંટણી જ કેમ કરાવવી?”
“આ કેવા કાયદાના ટીચર છે, જેમને એ વાતની ખબર નથી કે ભારતીય બંધારણમાં ચૂંટવા અને ચૂંટણીમાં ઊભા રહેવા માટે શિક્ષણ, જમીનની માલિકી અને સંપત્તિ જેવી કોઈ શરત નથી? આવું સ્વતંત્રતા પહેલાંની ચૂંટણીઓમાં થતું. બંધારણે આ ગરબડ સુધારી છે.”
મનિકા નામના એક યૂઝરે લખ્યું કે, “આમના ભણતરનો શો ફાયદો? એક શિક્ષક હોવાને કારણે પોતાના વિદ્યાર્થીઓ માટે અપડેટ રહેવું એ તેમનું કર્તવ્ય છે. આ આપણા વડા પ્રધાનનું અપમાન છે.”
વિજય પટેલ નામક એક યૂઝરે લખ્યું, “બધું સ્ક્રિપ્ટ પ્રમાણે ચાલી રહ્યું છે. આ સ્ક્રિપ્ટ અનુસાર આગામી સમયમાં અમુક નેતા કરણ સાંગવાન સાથે પોતાની મીડિયા અને પીઆર ટીમ સાથે બે-ત્રણ દિવસમાં મુલાકાત કરશે.”
અરવિંદ કેજરીવાલે પણ વિવાદમાં ઝંપલાવ્યું
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ વિવાદમાં ઝંપલાવ્યું હતું. તેમણે લખ્યું, “શું ભણેલાગણેલા લોકોને મત આપવાની અપીલ કરવું એ ગુનો છે? જો કોઈ વ્યક્તિ અભણ હોય તો હું વ્યક્તિગતપણે તેમનું સન્માન કરું છું. પરંતુ જનપ્રતિનિધિ અભણ ન હોઈ શકે.”
તેમણે કહ્યું, “આ સાયન્સ અને ટેકનૉલૉજીનું યુગ છે. 21મી સદીના આધુનિક ભારતનું નિર્માણ અભણ જનપ્રતિનિધિ ક્યારેય ન કરી શકે.”
શું છે સમગ્ર મામલો?
અમુક દિવસ પહેલાં અનએકૅડૅમી પ્લૅટફૉર્મ પર કાયદો ભણાવનારા 'લીગલ પાઠશાલા'ના કરણ સાંગવાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. ‘ઍક્સ’ પર જોવા મળી રહેલા આ વાઇરલ વીડિયોમાં કરણ મોદી સરકાર દ્વારા હાલમાં જ જૂના આઇપીસી, સીઆરપીસી અને ઇન્ડિયન ઍવિડન્સ ઍક્ટમાં બદલાવ માટે લવાયેલાં બિલો પર વાત કરી રહ્યા હતા.
આ વીડિયોમાં તેઓ કહેતા દેખાઈ રહ્યા છે કે તેમણે બનાવેલી ક્રિમિનલ લૉની નૉટ્સ બેકાર થઈ ગઈ છે. તેઓ કહી રહ્યા છે કે, “મને એ નથી સમજાતું કે હું હસું કે રડું કારણ કે મારી પાસે ઘણાં બૅર ઍક્ટ, કેસલોડ અને એવી નોટ્સ છે, જે મેં તૈયાર કર્યાં હતાં. આ એક અઘરું કામ છે. તમારે નોકરી પણ કરવાની છે.”
આ વીડિયોમાં તેઓ આગળ કહેતા દેખાય છે કે, “પરંતુ એક વાત ધ્યાને રાખો. આવતી વખતે એવી વ્યક્તિને મત આપો જે ભણેલીગણેલી હોય, જેથી તમારે ફરી વાર આવી મુશ્કેલી સહન કરવાનું ન આવે.”
તેઓ કહી રહ્યા છે કે, “એવી વ્યક્તિને ચૂંટો જે ભણેલીગણેલી હોય, બધું સમજતી હોય. એ વ્યક્તિને ન ચૂંટો જેને માત્ર નામ બદલતા આવડે છે. પોતાનો નિર્ણય યોગ્ય રીતે લો.”
'અનએકૅડૅમી'નો કારોબાર કેટલો મોટો?
'અનએકૅડૅમી'ની શરૂઆત વર્ષ 2010માં થઈ હતી. તેની શરૂઆત ગૌરવ મુંજાલે એક યૂટ્યૂબ ચેનલ તરીકે કરી હતી. તે બાદ ડિસેમ્બર 2015માં રોમન સૈની અને હિમેશસિંહ તેમાં સામેલ થયા.
ત્રણેયે મળીને 'અનએકૅડૅમી કંપની' બનાવી. આ એક એવું પ્લૅટફૉર્મ છે જેના પર ઓનલાઇન ભણાવતા શિક્ષકો જોડાઈ શકે છે. આ બધું એક ઍપ મારફતે ચાલે છે. હાલ કંપનીની કમાણી વધીને 130 કરોડ રૂપિયાની થઈ ગઈ છે.
ઑગસ્ટ 2021માં કંપનીને 'ટેમાસેક', 'જનરલ ઍટલાન્ટિક', 'ટાઇગર ગ્લોબલ' અને 'સૉફ્ટબૅન્ક વિઝન ફંડે' 44 કરોડ ડૉલરનું ફંડિંગ આપ્યું હતું. જોકે, અનએકૅડૅમી માટે વર્ષ 2023 સારું નથી રહ્યું. ફંડિંગની અછતને કારણે કંપની વર્ષની શરૂઆતથી અત્યાર સુધી 3,500 કર્મચારીઓની છટણી કરી ચૂકી છે.
કૉપી – દીપક મંડલ