You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતની મહિલા હૉકી ટીમે FIH હૉકી નેશન્સ કપ જીત્યો
ભારતની મહિલા હૉકી ટીમે પ્રથમ FIH હૉકી નેશન્સ કપ જીતી લીધો છે. ભારતે વેલેશિયામાં રમાયેલી મૅચમાં સ્પેનને 1-0થી હરાવી દીધું.
આ વિજય સાથે જ ભારતની મહિલા હૉકી ટીમ FIH પ્રો લીગ 2023-24માં પણ ક્વૉલિફાઇ કરી લીધું છે.
ભારત તરફથી ગુરજિતકોરે પાંચમી મિનિટમાં ગોલ ફટકાર્યો હતો.
નોંધનીય છે કે આ પહેલાં ભારતીય હૉકી ટીમે આ જ વર્ષે બર્મિંઘમમાં કૉમનવેલ્થ રમતોમાં કાંસ્યપદક જીત્યો હતો.
લિયો વરાડકર : ભારતીય મૂળના નેતા બીજી વખત બન્યા આયરલૅન્ડના PM
ત્રણ મહિનાના ગાળા બાદ ભારતીય મૂળના લિયો વરાડકર આયરલૅન્ડના વડા પ્રધાન બન્યા છે. તેઓ બીજી વખત દેશના વડા પ્રધાન બન્યા છે.
વર્ષ 2020ની ચૂંટણી બાદ અહીંની ફાઇન ગેલ પાર્ટી, ફિએના ફેલ પાર્ટી અને ગ્રીન પાર્ટી વચ્ચે સરકારની રચના માટે ગઠબંધન થયું હતું.
ગઠબંધન સરકાર બને એ પહેલાં જ કરાર કરાયો હતો કે આમાંથી બે-બે પક્ષોના નેતાઓ અડધોઅડધો સમય દેશના વડા પ્રધાન બનશે.
એ સહમતી અનુસાર ફિએના ફેલના માઇકલ માર્ટિન 16 ડિસેમ્બર 2022 સુધી વડા પ્રધાનનું પદ સંભાળશે અને એ બાદ નાયબ વડા પ્રધાનના પદ પર રહશે જ્યારે ડેપ્યુટી વડા પ્રધાનનું પદ સંભાળી રહેલા ફાઇન ગેલના વરાડકર વડા પ્રધાનનું પદ સંભાળશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વરાડકરનો જન્મ 18 જાન્યુઆરી 1979માં ડબલીનમાં થયો હતો અને તેમનાં માતા મરિયમ એક આયરીશ નર્સ હતાં. જ્યારે તેમના પિતા અશોક ભારતીય પ્રવાસી હતી. તેઓ વ્યવસાયે ડૉક્ટર હતા અને 1960ના દાયકામાં ઇંગ્લૅન્ડની નેશનલ હેલ્થ સર્વિસમાં કામ કરતાં હતાં.
અશોક મૂળે મહારાષ્ટ્રના સિંઘુદુર્ગ જિલ્લાના વરાડ ગામના હતા અને 1960ના દયકામાં તેમનો પરિવાર આયરલૅન્ડમાં વસી ગયો હતો.
ગુજરાતમાં આપની ભૂમિકા પર રાહુલ ગાંધીના આરોપ અંગે ભગવંત માને શું કહ્યું?
'જો ગુજરાતમાં આપ ન આવી હોત તો કૉંગ્રેસે ભાજપને હરાવ્યો હોત', એવા રાહુલ ગાંધીના નિવેદન પર આમ આદમી પાર્ટીના નેતા અને પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માને પ્રતિક્રિયા આપી છે.
માને કહ્યું છે, "રાહુલ ગાંધીએ ગુજરાતની મુલાકાત કેટલી વખત લીધી? તેઓ રાજ્યની એક માત્ર મુલાકાત થકી ચૂંટણી જીતી લેવા માગતા હતા."
"ચૂંટણીઓ ત્યાં યોજાઈ હતી જ્યાં સૂર્ય આથમે છે. રાહુલ ગાંધીએ પોતાની પદયાત્રા ત્યાંથી શરૂ કરી જ્યાં સૂર્ય સૌપ્રથમ ઊગે છે. પહેલાં એમને એમનું ટાઇમિંગ સરખું કરી લેવા દો. કૉંગ્રેસ બદલવાની નથી. એ માત્ર લેણદેણ કરશે."
તેમણે કૉંગ્રેસ પર આરોપ લગાવતાં કહ્યું, "પાર્ટી એટલી ગરીબ થઈ ગઈ છે કે વિરોધી પાર્ટીઓને સરકાર બનાવવા માટે ધારાસભ્યો ખૂટતા હોય ત્યારે એ પોતાના ધારાસભ્યો વેચી દે છે. પાર્ટી કૉમામાં છે."
નોંધનીય છે કે શુક્રવારે મીડિયા સાથેની વાતચીતમાં રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે ગુજરાતની ચૂંટણીમાં જો આમ આદમી પાર્ટી ના લડતી હોત તો કૉંગ્રેસે ભાજપને હરાવી દીધો હોત.
રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાના 100 દિવસ પૂરા થવા નિમિત્તે જયપુર ખાતે મીડિયા સાથે વાતચીત કરી રહ્યા હતા.
મહત્ત્વપૂર્ણ છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો મેળવીને ‘અભૂતપૂર્વ’ જીત હાંસલ કરી હતી. જ્યારે કૉંગ્રેસને માત્ર 17 બેઠકો જ મળવા પામી હતી. તેમજ આમ આદમી પાર્ટીએ પાંચ બેઠક સાથે પોતાનું ખાતું ખોલાવ્યું હતું.
આ ચૂંટણીમાં ઘણા રાજકીય વિશ્લેષકોએ પણ કહ્યું હતું કે ‘ઘણી બેઠકો પર આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં કૉંગ્રેસનો ખેલ બગાડ્યો હતો.’
ભારતને આપેલ જવાબમાં પાકિસ્તાને ફરી કર્યો વર્ષ 2002નાં ગુજરાત રમખાણોનો ઉલ્લેખ
ભારત અને પાકિસ્તાન વચ્ચે એકબીજા સામે નિવેદનબાજી ચાલી રહી છે. હવે પાકિસ્તાનના વિદેશમંત્રાલયે ભારતીય વિદેશમંત્રાલયના નિવેદનનો જવાબ આપ્યો છે.
પાકિસ્તાને આરોપ લગાવ્યો છે કે ભારત પોતાના નિવેદનોથી વર્ષ 2002નાં ગુજરાત રમખાણોની હકીકત છુપાવવા માગે છે.
પાકિસ્તાની વિદેશમંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, “ભારત સરકારે પોતાના નિવેદનથી વર્ષ 2002ના ગુજરાતના નરસંહારની હકીકતને છળ-કપટ પાછળ સંતાડવાની કોશિશ કરી છે. એ જનસંહાર, લિંચિંગ, રેપ અને લૂંટની શરમજનક કહાણી છે. સત્ય તો એ છે કે ગુજરાત નરસંહારના માસ્ટરમાઇન્ડને સજા ન મળી અને હવે તેઓ ભારતના વડા પ્રધાન છે.
“કોઈ પણ શબ્દાડંબર ભારતમાં ‘ભગવા આતંકવાદ’ના અપરાધોને છુપાવી નથી શકતો. સત્તાધારી પાર્ટીની રાજકીય વિચારધારા હિંદુત્વે નફરત, અલગતાવાદ અ સજાથી બચાવના માહોલને જન્મ આપ્યો છે.”
પ્રવક્તાએ કહ્યું, “ભારતના હિંદુત્વ આધારિત રાજકારણમાં સજાથી બચાવની સંસ્કૃતિ ઊંડાણપૂર્વક જોડાયેલી છે. દિલ્હી-લાહોર સમઝૌતા એક્પ્રસેસ પર થયેલ હુમલાના દોષિત અને માસ્ટરમાઇન્ડને છોડી દેવાયા. આ હુમલામાં ભારતની જમીન પર 40 પાકિસ્તાની માર્યા ગયા હતા. એ આરએસએસ-ભાજપ પ્રમાણે ન્યાયના નરસંહારને દર્શાવે છે.”
“ભારત પીડિત હોવાનું જૂઠાણું ચલાવે છે પંરતુ તે જાતે ભારતના ગેરકાયદેસર કબજાવાળા જમ્મુ અને કાશ્મીરમાં દમનનો ગુનેગાર છે. તે જાતે દક્ષિણ એશિયામાં આતંકવાદી સમૂહોનું પ્રાયોજક અને ફાઇનાન્સર છે.”
આ વિવાદની શરૂઆત પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોના એક નિવેદનથી થઈ હતી.
તેમણે કહ્યું હતું કે, “ઓસામા બિન લાદેન મરી ચૂક્યો છે પરંતુ ‘બુચર ઑફ ગુજરાત’ જીવતો છે. અને તે ભારતનો વડા પ્રધાન છે. જ્યાં સુધી વડા પ્રધાન નહોતો બન્યો ત્યાં સુધી તેના અમેરિકા પ્રવાસ પર પ્રતિબંધ હતો.”
બિલાવલ ભુટ્ટોની આ ટિપ્પણીનો ભારતમાં ઘણો વિરોધ થઈ રહ્યો છે.
આના જવાબમાં ભારતીય વિદેશમંત્રાલયે પ્રવક્તા અરિંદમ બાગચીએ નિવેદન જાહેર કરીને કહ્યું, “પાકિસ્તાનના હિસાબે પણ આ નિવેદન અત્યંત નીચલા સ્તરનું છે. પાકિસ્તાનના લઘુમતીઓ પ્રત્યેના વલણમાં કોઈ ખાસ બદલાવ નથી આવ્યો. તેને ભારત પર લાંછન લગાડવાનો કોઈ અધિકાર નથી.”
“આતંકવાદને નાણાકીય સહાયતા આપવાની, સંરક્ષણ આપવાની અને તેને સ્પૉન્સર કરવામાં પાકિસ્તાનની નિર્વિવાદિત ભૂમિકા હંમેશાં ચર્ચામાં રહી છે. પાકિસ્તાનના વિદેશમંત્રીના અસભ્ય બોલ, એ દેશ દ્વારા આંતકવાદનો એક પ્રૉક્સી સ્વરૂપે ઉપયોગ કરવાની અસફળતાનું પરિણામ છે.”
રાહુલ ગાંધીના ચીન મુદ્દેના નિવેદન પર ભાજપના રવિશંકર પ્રસાદનો શાબ્દિક પ્રહાર
ભાજપ નેતા રવિશંકર પ્રસાદે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર સેનાની ક્ષમતા પર સવાલ ઉઠાવાનો આરોપ લગાવ્યો છે.
તેમણે રાહુલ ગાંધીના ચીન અંગેના નિવેદનની ટીકા કરી છે.
તેમણે ઉરી અને બાલાકોટનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીને સવાલ કર્યો કે તેઓ ક્યાં સુધી સેના પર સવાલ ઉઠાવતા રહેશે.
રાહુલ ગાંધીએ તવાંગમાં ભારત અને ચીનના જવાનો વચ્ચે થયેલા ઘર્ષણ અંગે એક નિવેદનમાં કહ્યું હતું કે 'ચીન અરુણાચલ પ્રદેશમાં ભારતીય સેનાના જવાનોને મારી રહ્યું છે.'
રવિશંકર પ્રસાદે કહ્યું, "તમે ઉરી અને બાલાકોટ બાદ પછી પણ સેનાની બહાદુરીની પ્રમાણ માગ્યું હતું. હવે તો જુઠ્ઠાણું ફેલાવાનું અને દેશનું મનોબળ તોડવાનું કામ બંધ કરો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે ભારત બહુ મજબૂત છે અને પોતાની સીમાની રક્ષા કરવામાં સક્ષમ છે."
તેમણે કહ્યું, "રાહુલ ગાંધીજી! ક્યાં સુધી તમે જુઠ્ઠું બોલીને સેના પર સવાલ ઉઠાવતા રહેશો? હવે તો આપણી સેનાની બહાદુરી મીડિયામાં ઉપલબ્ધ પુરાવાઓથી જગજાહેર થઈ ગઈ છે, તેમ છતાં તમે સેના પર સવાલ ઉઠાવી રહ્યા છો."
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ચીન ભારત વિરુદ્ધ યુદ્ધ છેડવાની તૈયારી કરી રહ્યું છે.
રાહુલ ગાંધીએ રાજસ્થાનના જયપુરમાં ભારત જોડો યાત્રાના 100મા દિવસે થયેલી પત્રકારપરિષદમાં આ વાત કરી હતી.
રાહુલ ગાંધીએ કહ્યું, "ચીન આપણી સામે યુદ્ધની તૈયારી કરી રહ્યું છે, પણ આપણી સરકાર એ વાતને સ્વીકારતા માટે તૈયાર નથી. તે સત્ય છુપાવી રહી છે."