ગુજરાત વિધાનસભા ચૂંટણી : ચૂંટણી પહેલાંનું એ વર્ષ મહેસાણામાં 7 પાટીદારોએ જીવ ગુમાવ્યા અને કૉંગ્રેસે મહેસાણા ખોયું

માધવસિંહ સોલંકીની એ ‘ખામ’ થિયરી મહેસાણાની બેઠક માટે નિષ્ફળ રહી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માધવસિંહ સોલંકીની એ ‘ખામ’ થિયરી મહેસાણાની બેઠક માટે નિષ્ફળ રહી
    • લેેખક, તેજલ પ્રજાપતિ
    • પદ, બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી
  • 1985 સુધી ગુજરાતની રાજનીતિમાં કૉંગ્રેસનો મજબૂત પ્રભાવ હતો
  • 1985ની એ ચૂંટણીમાં માધવસિંહ સોલંકીની ‘ખામ’ થિયરી મહેસાણાની બેઠક પર પાટીદાર મતદારોના આક્રોશ અને એકતા સામે નિષ્ફળ રહી
  • મહેસાણાની બેઠક પર પાટીદારો અને ચૌધરી મતદારોની મોટી સંખ્યા છે
  • “મહેસાણા જિલ્લામાં પહેલાંથી જ દુધસાગર ડેરીનું સુકાન ચૌધરીઓના હાથમાં હતું"
  • "મહેસાણા જિલ્લામાં સહકારી સંસ્થાઓનું સુકાન પટેલોના હાથમાં હતું"
બીબીસી ગુજરાતી

ઉત્તર ગુજરાતની એ બે બેઠકો જ્યાં ભાજપ અને કૉંગ્રેસ બન્નેએ પાટીદારોના આંદોલનોને કારણે પોતાના સુવર્ણકાળમાં બેઠકો ગુમાવી હતી, તેની પર પાંચમી ડિસેમ્બરે મતદાન થવાનું હતું.

પાંચમી ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થવાનું છે, ત્યારે આ તબક્કામાં ઉત્તર ગુજરાતની બે એવી બેઠકો છે, જ્યાં પાટીદારોની ભૂમિકા ધરાવતા જનઆંદોલનોએ ભાજપ અને કૉંગ્રેસની ગણતરીઓ ઊંધી વાળી દીધી હતી.

આ બે બેઠકો મહેસાણા અને ઊંઝાની છે, જ્યાં ભાજપ અને કૉંગ્રેસ બન્નેએ તેમના પ્રભાવ અને પ્રભુત્વના સમયકાળમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

જ્યારે માધવસિંહ સોલંકીની આગેવાનીમાં KHAM (ખામ – ક્ષત્રિય, હરિજન (અનુસૂચિત જાતિ) , આદિવાસી અને મુસ્લિમ) થિયરી સાથે કૉંગ્રેસે 1985માં 149 બેઠકો જીતવાનો રેકર્ડ બનાવ્યો હતો, ત્યારે કૉંગ્રેસ મહેસાણાની બેઠક નહોતી જીતી શકી.

એટલું જ નહીં, જ્યારે નરેન્દ્ર મોદીના પ્રભાવ અને ચૂંટણીમાં આગેવાની હેઠળ ભાજપે 2017માં ચૂંટણી જીતી હતી, ત્યારે જે બેઠક ભાજપે પાંચ વખત જીતી હતી તે ઊંઝાની બેઠક ભાજપ હારી ગયો હતો.

નોંધપાત્ર બાબત એ છે કે, આ બન્ને વિધાનસભા બેઠકો પર પાટીદાર મતદારોનો દબદબો અને પ્રભાવ છે, પરંતુ કોઈપણ રાજકીય પક્ષ આ બન્ને બેઠકોને ‘સહેલાઈથી જીતી જવાય’ તેવી બેઠક નથી ગણી શકતો.

બીબીસી ગુજરાતી

કૉંગ્રેસે કેવી રીતે ગુમાવી મહેસાણાની બેઠક?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

1985 સુધી ગુજરાતની રાજનીતિમાં કૉંગ્રેસનો મજબૂત પ્રભાવ હતો અને તેના પ્રમાણે એ જ વર્ષમાં જ માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં લડાયેલી વિધાનસભા ચૂંટણીનાં પરિણામોમાં જોવા મળે છે.

ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી મહેસાણાની બેઠક પણ કૉંગ્રેસના ખાતમાં જ રહેતી અને ત્યાં પાટીદાર મતદારોની સંખ્યા નોંધપાત્ર હોવા છતાં બિન-પાટીદાર ઉમેદવારો કૉંગ્રેસની ટિકિટ પરથી ચૂંટાઈ આવતા.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પરંતુ 1985ની એ ચૂંટણીમાં માધવસિંહ સોલંકીની ‘ખામ’ થીયરી મહેસાણાની બેઠક પર પાટીદાર મતદારોના આક્રોશ અને એકતા સામે નિષ્ફળ રહી. એ વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવાર હાર્યા અને ત્યારબાદ મહેસાણાની બેઠક પરથી ક્યારેય કૉંગ્રેસ જીતી શકી નથી.

આ વિશે વાત કરતા મહેસાણાના વરિષ્ઠ પત્રકાર અનિલભાઈ ઠાકરે જણાવ્યું હતું કે, “1960ના વર્ષમાં ગુજરાત સ્વતંત્ર રાજ્ય તરીકે ઊભરી આવ્યું, ત્યારથી રાજ્યની રાજનીતિમાં કૉંગ્રેસ સર્વોપરિ રહી હતી.”

“આ સમજતા પહેલાં ઇતિહાસમાં નજર કરવી પડે. પ્રથમ મુખ્ય મંત્રી જીવરાજ મહેતાથી અમરસિંહ ચૌધરી અને ત્યાંથી કૉંગ્રેસને સૂવર્ણકાળમાં લઈ જનાર માધવસિંહ સોલંકીનો સમય જોઈએ. માધવસિંહ સોલંકી KHAM થિયરી લઈને આવ્યા હતા, જે મજબૂત કિલ્લાની જેમ કૉંગ્રેસ માટે ફાયદારૂપ રહી.”

તેઓ આગળ કહે છે કે, “જોકે આ સમયમાં પાટીદારો હાંસિયામાં ધકેલાઈ ગયા હતા. એવું કહી શકાય કે, રાજનીતિમાં પાટીદારોનું ખાસ પ્રભુત્વ ન હતું.”

“એ સમયે મહેસાણામાં 1983થી 84માં મ્યુનિસિપાલિટી ગ્રાઉન્ડ ખાતે ખેડૂતઆંદોલન યોજાયું હતું. એ આંદોલનને કચડી નાખવા માટે અંધાધૂંધ લાઠીચાર્જ થયો, ગોળીબાર થયો અને સાતથી આઠ પાટીદારોનાં મોત પણ થયાં હતાં.”

બીબીસી ગુજરાતી

‘આંદોલન બાદ પાટીદારો ઊભા થયા’

રેલી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહેસાણામાં પાટીદારો અને ચૌધરી મતદારોની મોટી સંખ્યા છે

અનિલ ઠાકર કહે છે કે, “આ આંદોલન બાદ પાટીદારો સંગઠિત થયા. મહેસાણા જિલ્લાના ક્ષત્રિય નેતા ભાવસિંહ ઝાલા અને તેમના ટેકેદારો દ્વારા કરાયેલા દમનને કારણે ભયભીત બનેલા પાટીદારોએ 1984 પછી રાજકીય રીતે જનસંઘમાંથી ભાજપ બનેલા પક્ષમાં આશરો લીધો. ત્યારથી લઈને આજ સુધી પાટીદારો ભાજપ સાથે મને-કમને જોડાયેલા છે.”

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, “1975ના વર્ષમાં પટેલ આત્મારામભાઈ મગનભાઈએ સહકાર ક્ષેત્રમાં ઝંપલાવ્યું, એ સાથે પટેલ પ્રભુત્વનો ઉદય થયો હતો. ધીમે-ધીમે પાટીદારો અને ચૌધરીઓ વચ્ચે રસાકસી વધતી જોવા મળી છે.”

મહેસાણા બેઠક એવી છે જ્યાં પાટીદારો અને ચૌધરી મતદારોની મોટી સંખ્યા જોવા મળે છે. મહેસાણાની રાજનીતિમાં પાટીદાર ફૅક્ટર મહત્ત્વનું દેખાય છે, એની સામે ચૌધરીઓનું વર્ચસ્વ પણ જોવા મળે છે. બંનેનો દબદબો રહેલો છે.

અનિલ ઠાકર વધુમાં કહે છે કે, “1980ના વર્ષમાં વિજાપુરમાં આત્મારામ મગનભાઈ પટેલ, એ. કે. પટેલ તેમજ માધવસિંહ સોલંકીની બોલબાલા વધુ હતી. એ બાદથી જ ઠાકોર અને પટેલો વચ્ચે રસાકસી શરૂ થઈ હતી, જે આજ પર્યંત જોવા મળે છે.”

એ પાટીદાર આંદોલનને કારણે સંગઠિત થયેલા પાટીદારોએ સમગ્ર મહેસાણા જિલ્લામાં પોતાનો પ્રભાવ બતાવ્યો અને તેની અસર લોકસભાની 1984ની ચૂંટણીઓમાં પણ જોવા મળી હતી.

ઇંદિરા ગાંધીની હત્યા બાદ કૉંગ્રેસ તરફ જે સહાનુભૂતિ હતી, તેના મોજા હેઠળ સમગ્ર દેશમાંથી લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસને સૌથી વધુ બેઠકો મળી હતી, જેથી સ્પષ્ટ બહુમતિ મળી અને ભાજપ માત્ર બે જ બેઠક જીતી શક્યો હતો. ભાજપે જીતેલી એ બે બેઠકોમાંથી એક બેઠક હતી મહેસાણા, જ્યાં ડૉ. એ. કે. પટેલ વિજેતા થયા હતા.

ભાજપનો આરોપ છે કે, ‘ખામ’ના કારણે લગભગ એક દાયકા સુધી ગુજરાતીઓ વિભાજિત થઈ ગયા હતા અને ગામડાં સુધી તેની લ્હાય અનુભવાઈ હતી. કથિતપણે રાજકારણમાં ઉચ્ચ જ્ઞાતિઓના પ્રભુત્વને સમાપ્ત કરવા માટે આ સમીકરણ ઘડવામાં આવ્યું હતું.

રાજકીય વિવેચક ઘનશ્યામ શાહના વિશ્લેષણ પ્રમાણે, “149માંથી કૉંગ્રેસના 31 ઓબીસી (કોળી, આહિર, ક્ષત્રિય ઠાકોર), 29 વચ્ચેની જ્ઞાતિઓ (ખાસ કરીને પટેલ), 36 ઉચ્ચ જ્ઞાતિઓ (વાણિયા, બ્રાહ્મણ, ઠક્કર, નાગર, રાજપૂત, સિંધી વગેરે) તથા આઠ મુસ્લિમ વિજેતા થયા હતા. આ સિવાય એસટી માટે અનામત 26માંથી 25 બેઠક ઉપર તથા એસસી માટે અનામત તમામ 13 બેઠક ઉપર વિજય થયો હતો.”

બીબીસી ગુજરાતી

પટેલો સામે ચૌધરીઓ

'મહેસાણામાં પટેલ સમાજના લોકોને વધુ ટિકિટ અપાય છે'

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 'મહેસાણામાં પટેલ સમાજના લોકોને વધુ ટિકિટ અપાય છે'

આ વિશે વરિષ્ઠ પત્રકાર નીતિન પટેલે જણાવ્યું હતું કે, “મહેસાણા જિલ્લામાં પહેલાંથી જ દૂધસાગર ડેરીનું સુકાન ચૌધરીઓના હાથમાં હતું અને સહકારી સંસ્થાઓનું સુકાન પટેલોના હાથમાં હતું, તેથી શરૂઆતથી જ મહેસાણામાં બે ભાગ પડી ગયા હતા.”

“સમય જતાં ધીરે-ધીરે દૂધસાગર ડેરીમાં પટેલોની સંખ્યા વધવા લાગી અને ડેરીમાં પાટીદાર સમાજમાંથી વાઇસ ચૅરમૅન અને એમડી પણ બન્યા છે.”

વધુમાં તેમણે કહ્યું હતું કે, “મહેસાણા જિલ્લામાં ડેરી અને બૅન્કના કારણે જ બન્ને સમાજ વચ્ચે ભાગ પડી ગયા છે. હાલ મહેસાણામાં દરેક બેઠક પર ચૌધરી સમાજની સંખ્યા વધુ છે, ત્યારે તેની સામે પાટીદારોની સંખ્યા પણ વધુ છે.”

“ચૂંટણીનું સમીકરણ બરાબર બેસે તે માટે બનાસકાઠામાં ચૌધરી સમાજના લોકોને વધુ ટિકિટ અપાય છે અને મહેસાણામાં પટેલ સમાજના લોકોને વધુ ટિકિટ અપાય છે.”

“મહેસાણામાં ભાજપ ચૌધરી સમાજને ટિકિટ આપે તો ત્યાં તેઓ હારી જ જાય કારણ કે, ત્યાં પાટીદારોનું મહત્ત્વ વધુ છે.”

બીબીસી ગુજરાતી

આંદોલનના કારણે જ ભાજપે કૉંગ્રેસની જેમ જ ઊંઝા બેઠક ગુમાવી

ઊંઝામાં પાંચ વખત ભાજપ જીત્યો હતો

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES/GETTY

ઇમેજ કૅપ્શન, ઊંઝામાં પાંચ વખત ભાજપ જીત્યો હતો

મહેસાણાથી 25 કિલોમિટર દૂર આવેલી ઊંઝાની બેઠક પર ભાજપને કૉંગ્રેસ જેવી જ સ્થિતિનો સામનો વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કરવો પડ્યો હતો. જ્યાં ભાજપે 1997 બાદની દરેક વિધાનસભા ચૂંટણી બાદ સરકાર બનાવી હતી, પરંતુ 2017ની ચૂંટણીમાં ઊંઝાની જે બેઠક ભાજપ સતત જીતતો આવ્યો હતો, ત્યાં તેણે હારનો સામનો કરવો પડ્યો હતો.

ઊંઝા બેઠક સાથે પાટીદારોની ધાર્મિક આસ્થા અને અત્યંત મહત્ત્વપૂર્ણ વેપારી હિતો જોડાયેલાં છે. ઊંઝા એ કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાનું દેવસ્થાન છે, અને જીરા-વરિયાળી અને ઇસબગોલના સૌથી મોટાં એપીએમસી બજારોમાંથી એક ઊંઝામાં જ છે.

અહીં આશરે 90 ટકા જેટલા મતદારો પટેલ સમાજના જ હોવાથી પક્ષો ટિકિટ આપતી વખતે કડવા પાટીદારોના પેટા-વર્ગો જેવા કે શાખ અને તેના મતદારોના પ્રભાવ અને સંખ્યાને ધ્યાનમાં રાખીને ટિકિટોની વહેંચણી કરે છે.

ઊંઝામાં રૂસાત, આંટાવાળા અને મોલ્લોત જેવી શાખ ધરાવતા પાટીદારોના પેટા-વર્ગો નોંધપાત્ર સંખ્યામાં છે.

1975થી 2017ની વિધાનસભાની ચૂંટણી પર નજર કરીએ તો ઊંઝામાં પાંચ વખત ભાજપ જીત્યો હતો અને બીજા પક્ષમાંથી પણ પાટીદાર ઉમેદવાર જ જીતતા આવ્યા છે. પહેલી વાર ઊંઝામાં ભાજપની ઍન્ટ્રી પણ 1995માં થઈ હતી.

એટલે એના આધારે કહી શકાય કે, અહીં 1975થી 2017 સુધી પાટીદારોનું જ વર્ચસ્વ રહ્યું હતું, આ સાથે 1995થી 2012 સુધી સતત નારાયણભાઈ લલ્લુદાસ પટેલ ભાજપમાંથી જીતતા આવ્યા હતા.

ભાજપની સરકારોમાં પૂર્વ મંત્રી અને પાંચ વખત ઊંઝાના ધારાસભ્ય રહી ચૂકેલા નારાયણભાઈએ બીબીસીને જણાવ્યું હતું કે, “એ સમયે પાયાના કાર્યકરો હતા, બધા પોતપોતાની રીતે કોઈ પણ આશા રાખ્યા વગર કામ કરતા હતા. એ સમયે ચૂંટણી પણ ઓછામાં ઓછા ખર્ચે લડવામાં આવતી હતી અને કાર્યકર્તાના દમ પર ચૂંટણી જીતાતી હતી.”

તેઓ આગળ કહે છે કે, “મારા વિસ્તારમાં ઉમેદવાર ઘરે બેસી રહે તોય ભાજપ જ જીતતો હતો, કારણ કે કૉંગ્રેસનો કોઈ ઉમેદવાર હાજર રહેતો જ ન હતો.”

તેમણે તેમની જીતને યાદ કરતા કહ્યું, “1995માં મારા સામે કૉંગ્રેસનું મોટું માથું હતું, એ સમયે હું સામાન્ય કાર્યકર હતો. મહેસાણા જિલ્લા ભાજપનો પ્રમુખ હતો, પણ એ સમયે કાર્યકર્તાઓ કોઈ પણ ખર્ચો કરાવ્યા વિના કાર્ય કરતા હતા.

મને તેમણે પોતાના ખભા પર બેસાડીને 19 હજાર મતથી ચૂંટણીમાં વિજયી બનાવ્યો હતો.”

તેમણે એક વાક્યમાં 2017માં થયેલી તેમની હારનું કારણ જણાવી દીધું. તેમણે કહ્યું, “2017ની ચૂંટણીમાં હું અનામત આંદોલનના કારણે હાર્યો હતો. હાર્દિક પટેલ પર પહેલો કેસ કરનાર હું હતો.”

રેડ લાઇન
રેડ લાઇન