You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એક ચિત્તાને શોધવા માટે 100 લોકો, ડ્રોન, હાથી અને સેટેલાઇટની મદદ કેમ લેવામાં આવી?
તે ખૂબ ચપળ હતી અને તેને શોધવા માટે 22 દિવસ સુધી વનવિભાગે જંગલનો ખૂણેખૂણો ફંફોસવો પડ્યો. આ વાત છે આફ્રિકાથી ભારત લાવવામાં આવેલી માદા ચિત્તાની. આફ્રિકાથી ભારત લાવવામાં આવેલા ચિત્તામાંથી કેટલાકનાં એક પછી એક મૃત્યુ બાદ કુનો નેશનલ પાર્કમાં ખુલ્લા મુકવામાં આવેલા ચિત્તાને ફરી વાડામાં બંધ કરવાનું કામ જુલાઈમાં શરૂ કરવામાં આવ્યું હતું.
ચિત્તામાંથી એક માદા ચિત્તા 'નિર્વા' ત્રણ અઠવાડિયાંથી લાપતા હતી. આશરે 23 દિવસની જહેમત બાદ તેને શોધી કાઢવામાં આવી હતી. નિર્વાને શોધવા માટે વનવિભાગે મોટું અભિયાન ચલાવવું પડ્યું જેમાં 100 લોકો, ડ્રોન, હાથી અને સૅટેલાઇટની મદદ લેવા પડી હતી અને 22 દિવસથી વધુની મહેનત બાદ નિર્વાને આખરે શોધી કાઢવામાં આવી હતી.
મધ્ય પ્રદેશના વનવિભાગના ચીફ વાઇલ્ડ લાઇફ વૉર્ડન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર નિર્વાનો કૉલર આઈડી કામ કરતો બંધ થઈ ગયો હતો જેને કારણે કુનો નેશનલ પાર્કના અધિકારીઓને તેના લૉકેશનની ભાળ મળતી નહોતી.
21મી જુલાઈના રોજ નિર્વાના કૉલરથી સેલાઇટને મળતા લોકેશનનું સિગ્નલ મળવાનું બંધ થઈ ગયું હતું. ત્યારથી તેની ભાળ મેળવવા માટે ટીમ કામે લાગી હતી. ભારે જહેમત બાદ ટીમને રવિવાર સવારે દસ કલાકે કુનો નેશનલ પાર્કની ધોરેટ રેન્જમાંથી નિર્વાનું લોકેશન મળ્યું હતું. ત્યારબાદ તેને ટ્રાંક્વલાઇઝેશન(પ્રાણીને બેભાન કરવા માટે અપાતું ઇન્જેક્શન) થકી ખુલ્લા જંગલમાંથી વાડામાં લઈ જવાઈ હતી.
નિર્વાને દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવી હતી. હાલ કુનો નેશનલ પાર્કના વાડામાં કુલ 15 ચિત્તા છે. જેમાં 7 નર, 7 માદા અને એક માદા શિશુ ચિત્તા છે. કુનો નેશનલ પાર્કના ચીફ વાઇલ્ડલાઈફ વૉર્ડન અસીમ શ્રીવાસ્તવ કહે છે કે તમામ ચિત્તા તંદુરસ્ત છે અને તેમના કર્મચારીઓ તેમનું સતત મૉનિટરિંગ કરી રહ્યા છે. આ કામમાં તેમને વેટરનિટી ડૉક્ટરોની ટીમ પણ સાથ આપી રહી છે.
22 દિવસો સુધી ચાલ્યું નિર્વાનું સર્ચ ઑપરેશન
100 લોકોની પાંચ ટીમ નિર્વાને શોધવા કામે લગાડવામાં આવી હતી. જેમાં વન અધિકારીઓ, કર્મચારીઓ, વન્યપ્રાણી ચિકિત્સક તથા ચિત્તા ટ્રૅકર્સ પણ સામેલ હતા. આ ટીમ દિવસ-રાત નિર્વાને શોધતી હતી.
આ સિવાય નિર્વાને શોધવા માટે 2 ડ્રોન ટીમ, એક ડૉગ સ્ક્વૉડ અને ઉપલબ્ધ હાથીઓને પણ કામે લગાડાયાં હતાં. તેમને શોધનારી ટીમ રોજ લગભગ 15-20 વર્ગ કિલોમિટર વન્યક્ષેત્રમાં તેની શોધ ચલાવતી હતી.
સ્થાનિક ગ્રામીણોને પણ નિર્વા વિશેની માહિતી આપવા જણાવાયું હતું. તેમના દ્વારા મળતી માહિતીને પણ આ માદા ચિત્તાને શોધવા માટે ઉપયોગમાં લેવામાં આવી હતી. 12 ઑગસ્ટના રોજ નિર્વાનું લોકેશન સેટેલાઇટના માધ્યમથી મળી ગયું હતું. ઘટનાસ્થળે પહોંચ્યા બાદ તેનાં વધુ લોકેશન મળી આવ્યાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૉગ સ્ક્વૉડ અને ડ્રોન ટીમોની સહાયતાથી વેટરનિટી ટીમને લોકેશન પર તહેનાત કરાઈ. જોકે, તે દિવસે નિર્વા કૅપ્ચર નહીં કરી શકાઈ કારણકે તે ખૂબ ચપળ હતી અને અંધારું થવા આવ્યું હતું તેથી તેને પકડવાનો પ્લાન રવિવાર સુધી મુલતવી રાખવામાં આવ્યો.
ડ્રોન ટીમને આખી રાત નિર્વાને ટ્રેસ કરવાની કામગીરી સોંપવામાં આવી. તેમણે સતત નિર્વાનું લૉકેશન ટ્રેસ કર્યું. રવિવારે સવારે ચાર વાગ્યે ઑપરેશનનો આરંભ કરવામાં આવ્યો. લગભગ 6 કલાક ચાલેલા ઑપરેશન બાદ નિર્વાને સફળતાપૂર્વક કૅપ્ચર કરવામાં આવી. નિર્વાનું ટ્રાંક્વલાઇઝેશન કરીને તેના સ્વાસ્થ્યનું પરીક્ષણ કરવામાં આવ્યું અને તેને બંધીને વાડામાં લઈ જવાઈ.
અસીમ શ્રીવાસ્તવ ઇન્ડિયન એક્સપ્રેસને આપેલી મુલાકાતમાં કહે છે, “આમ 21મી જુલાઈથી લાપતા થયેલી નિર્વાને 22 દિવસની જહેમત બાદ શોધી કાઢવામાં આવી. આ સ્ટાફ, ડૉગસ્ક્વૉડ, હાથીની ટીમ, ફિલ્ડ ઑફિસર્સ, ડ્રોન ટીમ વગેરેનો સંયુક્ત પ્રયાસ હતો. નિર્વા હાલ તંદુરસ્ત છે અને તેનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.”
સુપ્રીમ કોર્ટે પણ ચિત્તાના મોત પર વ્યક્ત કરી હતી ચિંતા
સમાચાર સંસ્થા એએનઆઈના જણાવ્યા પ્રમાણે સુપ્રીમ કોર્ટે પણ આ પહેલાં ચિત્તાના મોત પર ચિંતા વ્યક્ત કરતાં સરકારને આ દિશામાં હકારાત્મક પગલાં ઉઠાવવાનો અનુરોધ કર્યો હતો. જોકે કેન્દ્ર સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવ્યો હતો કે આ ટ્રાંસલોકેશન પ્રોજેક્ટમાં 50 ટકા ચિત્તાનાં મોત સ્વાભાવિક છે.
જોકે, બાદમાં સરકારે જે જવાબ રજૂ કર્યો તેનાથી સુપ્રીમ કોર્ટે સંતુષ્ટી વ્યક્ત કરી. સરકાર તરફથી એડિશનલ સૉલિસિટર ઐશ્વર્યા ભાટીએ જવાબ રજૂ કરતાં સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું, “કેટલાક ચિત્તાનાં મોત ડિહાઇડ્રેશનને કારણે થયાં. હાલ પ્રોજેક્ટ આગળ વધી રહ્યો છે. દેશમાં આ પ્રકારનો આ પહેલો પ્રોજેક્ટ છે.”
જોકે સુપ્રીમ કોર્ટે સંતુષ્ટી વ્યક્ત કર્યા બાદ સરકારને આ મામલે વિશેષજ્ઞોની પેનલ બનાવીને ચિત્તાના ટ્રાંસલોકેશન પ્રોજેક્ટ પર નિરીક્ષણ રાખવાનો નિર્દેશ પણ કર્યો હતો.
અગાઉ નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઑથોરિટી દ્વારા સુપ્રીમ કોર્ટને કહેવામાં આવ્યું હતું કે જે ચિત્તાના મૃત્યુ થયાં છે કે તમામ કુદરતી મૃત્યુ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે તેમણે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં એવાં સ્થળોની ભાળ મેળવી છે, જ્યાં ચિત્તાનું રહેઠાણ બનાવી શકાય છે.
આ માટે એનટીસીએ દ્વારા કુનો નેશનલ પાર્ક ઉપરાંત મધ્ય પ્રદેશના 'ગાંધી સાગર વાઇલ્ડલાઇફ સેન્ચુરી', 'નૌરાદેહી અભયારણ્ય' ઉપરાંત રાજસ્થાનના 'શાહગઢ અભયારણ્ય', 'ભૈંસરોડગઢ અભયારણ્ય' તથા 'મુકુંદરા હિલ્સ ટાઇગર રિઝર્વ' જેવાં સ્થળોની પસંદગી ચિત્તાના રિલૉકેશન માટે કરી હતી.
કુલ 20 ચિત્તા કુનોમાં લાવવામાં આવ્યા હતા
ઉલ્લેખનીય છે કે 17 સપ્ટેમ્બર, 2022ના રોજ સૌપ્રથમ નામિબિયાથી 8 ચિત્તા મધ્ય પ્રદેશના કુનો અભયારણ્યમાં લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ 18 ફેબ્રુઆરી, 2023ના રોજ દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તાને અહીં લાવવામાં આવ્યા હતા.
આ વયસ્ક ચિત્તા પૈકીનાં 6 ચિત્તાનું મૃત્યુ થઈ ચૂક્યાં છે. જ્યારે કે ભારતમાં જન્મેલાં ચાર શિશુ ચિત્તા પૈકી ત્રણ શિશુ ચિત્તાનાં પણ મોત થઈ ચૂક્યાં છે. વર્તમાનમાં કુલ 15 ચિત્તા કુનો પાર્કના વાડામાં શિફ્ટ કરવામાં આવ્યા છે. જેમાં સાત નર અને સાત માદા ઉપરાંત એક માતા શીશુ ચિત્તા સામેલ છે.
મધ્ય પ્રદેશના વન અને પર્યાવરણમંત્રી વિજય શાહે સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું હતું, “ભારત સરકાર અને અન્ય વિશેષજ્ઞોની ટીમ કામ કરી રહી છે. આ ચિત્તા પ્રોજેક્ટ સફળ થાય તે માટેના ગંભીર પ્રયાસો થઈ રહ્યા છે.
કેન્દ્રિય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે એએનઆઈને જણાવ્યું, “ચિત્તાના ટ્રાંસલૉકેશનનું આ પહેલું વર્ષ છે. અહીંનું વાતાવરણ, વાતાવરણની તેમના પર થતી અસર, વગેરે બાબતો પર કામ થઈ રહ્યું છે. અમે નામિબિયા અને દક્ષિણ આફ્રિકાના નિષ્ણાતોની મદદ પણ લઈ રહ્યા છે. દરેક ચિત્તા માટે અમારી ચિંતા છે. અમે આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે ગંભીર પ્રયાસો કરી રહ્યા છે.”