સુરત : ‘ઘરના લોકો પણ મને અછૂત ગણતા’- હજારો બિનવારસી મૃતદેહોના અંતિમસંસ્કાર કરનારની કહાણી

‘મેં સેવાનું કાર્ય શરૂ કર્યું હતું પણ મારા જ સમાજના અને પરિવારના લોકોજ મને અછૂત સમજવા લાગ્યા, લોકોએ મારો તિરસ્કાર કર્યો પણ મેં સેવાકાર્ય ચાલુ રાખ્યું.’

ક્ષત વિક્ષત થયેલા મૃતદેહો, માનવ કંકાલ, જીવાત પડી ગયેલ લાશ. આવી કોઈ પણ સ્થિતિમાં જ્યાં સામાન્ય માણસ બે આંખ મીંચીને મોઢા પર રૂમાલ રાખી સ્થળ પરથી નીકળવાનું વિચારે અને તેના અંતિમસંસ્કાર કરવા માટે કોઈ આગળ આવતું ન હોય એવામાં સુરતના 57 વર્ષીય વેણીલાલ મારવાળા આવા મૃતદેહોનું રૅસ્ક્યુ કરે છે.

તેનું પોસ્ટમોર્ટમ થયા બાદ વિધિસર તેમના અંતિમસંસ્કાર કરે છે. અત્યાર સુધી આવા હજારો કેસમાં તેઓ બિનવારસી મૃતદેહના વારસદાર બન્યા છે.

સુરતમાં વર્ષ 2001થી અગ્નિદાન સેવા કેન્દ્ર નામની સંસ્થા કાર્યરત છે. આ સંસ્થા દ્વારા બિનવારસી મૃતદેહોનો શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અંતિમસંસ્કાર કરવામાં આવે છે. મૃતક કોણ છે? તેનો જાતિ ધર્મ શું છે? આ તમામ વાતોને અવગણી વિના મૂલ્યે સેવાનું અનોખું કામ થઈ રહ્યું છે. અને તેની શરૂઆત કરી છે સુરતના વેણીલાલ મારવાળાએ.

ઝરીના કારખાના બંધ કરી શરૂ કર્યું અગ્નિદાન સેવા કેન્દ્ર

મૂળ સુરતી એવા વેણીલાલ ઝરીના કારખાનેદાર હતા. તેમના પિતા અને ભાઈઓ ઝરીના કારખાના ચલાવતા હતા. સાત ધોરણ સુધીનો અભ્યાસ કર્યા બાદ વેણીલાલએ પણ નાની મોટી નોકરીઓ કરી અને ઝરીના વ્યવસાયમાં ઝંપલાવ્યું હતું. આ વ્યવસાયથી તેમની સારી એવી કમાણી થતી હતી.

વ્યવસાય છોડી અગ્નિદાન સેવા કેન્દ્ર શરૂ કરવાનું કારણ જણાવતા તેઓ કહે છે કે, "સાલ 1998ની વાત છે. એક રવિવારના રોજ હું મારા મિત્રો સાથે ફરવા નીકળ્યો હતો. આ સમયે શહેરના લેક વ્યૂ ગાર્ડન પાસે ડિવાઇડરના થાંભલા સાથે અથડાવાથી એક બાઇક સવારનો અકસ્માત થયો હતો અને તે લોહીલુહાણ હાલતમાં હતો. આ સમયે હું અને મારા મિત્રોએ આ યુવકને જોયો પરંતુ પોલીસની પળોજણમાં ફસાવાની બીકે મિત્રએ મને મદદ ન કરવા દીધી અમે ત્યાંથી નીકળી ગયા હતા."

"એ જ દિવસે રાતના સમયે ફરી હું લેક વ્યૂ ગાર્ડન પાસે પહોંચ્યા ત્યારે તે યુવક ત્યાં જ પડ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું. આ સમયે ફરી મારા મિત્રોએ એ મને રોક્યો હતો પરંતુ મેં પોલીસને ફોન કર્યો. જેથી મારા મિત્રો મને ત્યાં મૂકીને નીકળી ગયા હતા પોલીસે રાતના બે વાગ્યા સુધી મારી પૂછપરછ કરી મને ઘણો હેરાન કર્યો હતો."

"આ ઘટના બાદ મારું મન કામમાં લાગ્યું નહીં અને મને થતું કે હું જીવતા જીવ આ માણસને મદદ કરી શક્યો હોત તો કદાચ તે બચી ગયો હોત. અને ત્યારે જ મેં નક્કી કરી લીધું કે મૃત વ્યક્તિઓની સેવા કરીશ."

મૃતકોનું સામૂહિક અસ્થિ વિસર્જન થાય છે અને ફોટોગ્રાફનું પ્રદર્શન યોજાય છે. તેમની સંસ્થાના રેકૉર્ડ પ્રમાણે છેલ્લાં 24 વર્ષ દરમ્યાન વેણીલાલે અંદાજિત 6,500 જેટલા મૃત્યુદેહોના અંતિમ સંસ્કાર કર્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.