You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત :આંધ્રમાં ચોરી થયેલું કરોડોનું લાલ ચંદન પાટણના ગોડાઉનમાં કેવી રીતે મળી આવ્યું, પોલીસે શું કહ્યું?
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
લાલ ચંદનની ચોરી પર બનેલી દક્ષિણ ભારતની ફિલ્મ પુષ્પા-2 હાલમાં ધૂમ મચાવી રહી છે.
ત્યારે લાલ ચંદન ચોરીની આવી જ એક ઘટના હકીકતમાં પ્રકાશમાં આવી છે.
દક્ષિણ ભારતના આંધ્ર પ્રદેશમાંથી ચોરાયેલું લાલ ચંદન એ ગુજરાતના પાટણના એક ગોડાઉનમાંથી મળી આવ્યું છે.
આંધ્ર પ્રદેશ પોલીસે આપેલી માહિતીને આધારે પાટણ પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઍનાલિસિસથી માહિતી મેળવીને પાટણમાં આવેલા શ્રેય ગોડાઉનમાં રેડ કરી હતી.
પાટણ પોલીસે રેડ કરીને આરોપીઓની અટકાયત કરી હતી તથા આંધ્ર પ્રદેશ પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ આંધ્ર પ્રદેશની રેડ સૅન્ડલ ઍન્ટિ-સ્મગલિંગ ટાસ્ક ફોર્સની પોલીસ ગુજરાત આવી પહોંચી હતી.
પાટણ પોલીસ અનુસાર, હાજીપુરામાં આવેલા આ ગોડાઉનમાંથી 4.5 ટન લાલ ચંદન પકડાયું છે. જેની કિંમત અંદાજે અઢી કરોડ રૂપિયા છે.
સમગ્ર ઘટના શું હતી?
આંધ્ર પ્રદેશના તિરુપતિ જિલ્લામાં ફૉરેસ્ટ રૅન્જમાંથી લાલ ચંદનની ચોરી થઈ હતી. તિરુપતિ જિલ્લાના રેડ સૅન્ડલ ઍન્ટિ-સ્મગલિંગ ટાસ્ક ફોર્સે તેમને મળેલી માહિતીને આધારે આંધ્ર પ્રદેશમાં લાલ ચંદનની ચોરી કરનાર આરોપીઓની ધરપકડ કરી હતી.
આરોપીઓની ચોરેલું ચંદન ક્યાં રાખવામાં આવ્યું છે તે અંગેની પૂછપરછ પણ કરવામાં આવી હતી. આરોપીઓએ પૂછપરછમાં સ્વીકાર્યું હતું કે એ ચોરેલું લાલ ચંદન ગુજરાતના પાટણ જિલ્લાના ગોડાઉનમાં રાખવામાં આવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આંધ્ર પ્રદેશની પોલીસે પાટણ જિલ્લા પોલીસને આ અંગે પત્ર લખીને માહિતી આપી હતી કે આંધ્ર પ્રદેશથી ચોરાયેલું લાલ ચંદન પાટણમાં એક ગોડાઉનમાં છે.
પત્રની માહિતીને આધારે પાટણ પોલીસે આ અંગે સર્વેલન્સ ગોઠવીને, માહિતીને આધારે રેડ પાડી હતી.
પોલીસે ચંદનનો જથ્થો ઝડપી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસને મળેલી પ્રાથમિક માહિતી અનુસાર આ લાલ ચંદનની મેડિસનલ વૅલ્યૂ હોવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત વધુ છે. જેથી આરોપીઓ આ ચંદનને વિદેશ મોકલવાની ફિરાકમાં હતા.
આરોપીઓને કોર્ટમાં રજૂ કરી તેમના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવીને વધુ તપાસ માટે આંધ્ર પ્રદેશ લઈ જવાશે.
પોલીસનું શું કહેવું છે?
સિદ્ધપુરના ડીવાયએસપી કે.કે. પંડ્યાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં આ કેસ સંદર્ભે જણાવ્યું હતું કે, "પોલીસે પાડેલી રેડ દરમિયાન શ્રેય ગોડાઉનમાંથી આશરે 4.5 ટન લાલ ચંદન મળી આવ્યું હતું. લાલ ચંદનના 155 જેટલાં થડ પોલીસે જપ્ત કર્યાં છે. જપ્ત કરાયેલા લાલ ચંદનની કિંમત અંદાજે અઢી કરોડ રૂપિયા છે. પોલીસે સ્થળ પરથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે."
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે "લાલ ચંદન ચોરીનો ગુનો આંધ્ર પ્રદેશના તિરૂપતિ જિલ્લામાં નોધાયો છે. આ ગુનામાં આંધ્ર પ્રદેશ પોલીસને માહિતી મળી હતી કે ચોરાયેલું ચંદન ગુજરાતના પાટણના ગોડાઉનમાં છે. આંધ્ર પ્રદેશ પોલીસે પાટણ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટને કાગળ લખીને આ અંગે માહિતી આપી હતી. તેથી પાટણ જિલ્લા પોલીસ તેમજ એલસીબી પોલીસે આ અંગે તપાસ હાથ ધરીને રેડ કરી હતી."
તિરુપતિ રેડ સૅન્ડલ ઍન્ટિ-સ્મગલિંગ ટાસ્ક ફોર્સના ડીવાયએસપી એમ.ડી.શરીફ પણ ગુજરાત આવ્યા છે. તેમણે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યુ હતું કે, "અમારાં સૂત્રોને આધારે મળેલી માહિતી અનુસાર અમે લાલ ચંદનની ચોરી કરનાર ત્રણ લોકોની અટકાયત કરી હતી. આ ત્રણ લોકોની પૂછપરછ કરતાં તેમણે ચોરાયેલું લાલ ચંદન ગુજરાતમાં હોવાની માહિતી આપી હતી લાલ ચંદનની ચોરી અંગેના આરોપીઓ માહિતી આપી હતી."
તેમણે કહ્યું હતું કે, "ચંદનની ચોરી એ ફૉરેસ્ટના કાયદા અનુસાર ખૂબ જ ગુનો છે. આરોપીઓને અમે પાટણ કોર્ટમાં રજૂ કરીશું. ત્યાર બાદ મંજૂરી મેળવીને વધુ તપાસ માટે આરોપીઓને તિરુપતિ લઈ જઈશુ."
લાલ ચંદન ગુજરાતમાં કેવી રીતે લાવવામાં આવ્યું હતું?
પોલીસે આપેલી માહિતી અનુસાર આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓ શાકભાજીની આડમાં ગાડીમાં લાલ ચંદન લાવતા હતા. તેઓ અન્નામૈયા જિલ્લાના મંડાપલી શહેરમાંથી લાલ ચંદન લાવતા હતા.
સિદ્ધપુરના ડીવાયએસપી કે.કે પંડયાએ જણાવ્યું હતું કે, "લાલ ચંદનની ચોરીનો ગુનો આંધ્ર પ્રદેશ રાજ્યમાં નોંધાયો છે. જેથી આ અંગેની તપાસ આંધ્ર પ્રદેશ પોલીસ દ્વારા કરવામાં આવશે. આરોપીઓએ પ્રાથમિક તપાસમાં કહ્યું હતું કે છેલ્લા ચાર મહિનાથી અલગ અલગ સમયે આ લાલ ચંદન શ્રેય ગોડાઉનમાં લાવવામાં આવ્યું હતું."
તેમણે વધુમાં જણાવ્યું હતું કે "સાઉથ એશિયાના દેશો તેમજ ચીનમાં લાલ ચંદનની મેડિસનલ વૅલ્યૂ વધારે છે. લાલ ચંદનનો ભાવ ભારત કરતાં વિદેશમાં વધારે છે. જેથી આરોપીઓનો આ ચંદનને વિદેશમાં વેચવાનો પ્લાન હતો તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે."
આરોપીઓ કોણ છે?
પોલીસે લાલ ચંદનની હેરાફેરી કરનારા ત્રણ લોકોની ધરપકડ કરી છે.
જેમાં પાટણ જિલ્લાના પરેશ ઠાકોર (28), મહેસાણા જિલ્લાના હંસરાજ જોશી (37), તથા બનાસકાંઠા જિલ્લાના ડીસાના રહેવાસી ઉત્તમ સોની (44) સામેલ છે.
આંધ્ર પ્રદેશ રાજ્યના રેડ સેન્ડલ ઍન્ટિ સ્મગલિંગ ટાસ્ક ફોર્સે તિરુપતિ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની (બીએનએસ) કલમ 303(2), 3(5), 49, 61(2) અને આંધ્રપ્રદેશ ફૉરેસ્ટ ઍમેન્ડમેન્ટ ઍક્ટ, 2016 અંતર્ગત ગુનો દાખલ કર્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન