મધુર જાફરી : દુનિયાને ભારતીય વાનગીઓનો ચસકો લગાડનારાં અભિનેત્રી

    • લેેખક, પ્રિયા મણી
    • પદ, બીબીસી ટ્રાવેલ

90 વર્ષની વયે પણ ઉત્સાહી મધુર જાફરી સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ માસ્ટરક્લાસમાં કેન્દ્ર સ્થાને છે. સ્ક્રીન પર તેમની હાજરી ચમકદાર ટૂંકા વાળ, કાજળઘેરી આંખો, લાલ હોઠ અને તેમનાં સમૃદ્ધ જીવનના જીવંત, રમૂજી પ્રસંગોથી મઢાયેલી છે. ખરા અર્થમાં બહુમુખી પ્રતિભા ધરાવતાં મધુર એક અભિનેત્રીથી વિશેષ છે. તેમનો સિનેમેટિક પ્રભાવ દાયકાઓથી ફેલાયેલો છે, તેઓ રસોઈકળાનાં ઇતિહાસકાર અને ફૂડ ઍક્સ્પર્ટ છે.

ભારત, એશિયા અને વિશ્વની શાકાહારી રાંધણકળા વિશેનાં 30થી વધુ પુસ્તકો તેમના નામે છે. તેમણે બીબીસી પરના કૂકરી શો સહિતના સંખ્યાબંધ રસોઈ શો ટેલિવિઝન પર કર્યા છે.

મધુર જાફરી દક્ષિણ એશિયન રાંધણકળાની પરખ ધરાવતી દરેક વ્યક્તિ માટે બહુ પરિચિત નામ છે.

ભારતીય મૂળના નોબેલ પારિતોષિક વિજેતા અને કૂક બૂકનાં લેખક અભિજિત બેનર્જીએ આ વર્ષે હાર્વર્ડ યુનિવર્સિટીમાં તેમનું એચસી મહિન્દ્રા વ્યાખ્યાન શેર કર્યું હતું.

તેમણે કહ્યું હતું, “હું ઘણી પશ્ચિમી વાનગીઓ રાંધી શકતો હતો, પરંતુ ભારતીય વાનગીઓ કેવી રીતે રાંધવી તેની મને ખબર ન હતી. મારું પ્રથમ પગલું મધુર જાફરીની કૂકબૂક 'ઍન ઇન્વિટેશન ટુ ઇન્ડિયન કૂકિંગ' ખરીદવાનું અને તેને શબ્દશઃ અનુસરવાનું હતું. આ રીતે હું ભારતીય વાનગીઓ રાંધતા શીખ્યો.”

મધુર જાફરીનાં પુસ્તકની 50મી વાર્ષિક આવૃત્તિ 21 નવેમ્બરે પ્રકાશિત કરવામાં આવી છે. તે મધુરનાં ડ્રૉઇંગ અને શેફ તથા કૂક બૂકનાં સહ-લેખક યોતમ ઓટ્ટોલેન્ગીની પ્રસ્તાવના સાથે સુંદર રીતે સુશોભિત છે.

સુપ્રસિદ્ધ ન્યૂયોર્ક સિટી ફૂડ બૂક સ્ટોર 'કિચન આર્ટ્સ એન્ડ લેટર્સ'ના મેટ સાર્ટવેલે કહ્યું હતું, “પુસ્તકનું શીર્ષક મધુર જાફરીની લેખન કારકિર્દીના વ્યાપ માટે દૂરંદેશીભર્યું છે. 'ઍન ઇન્વિટેશન ટુ ઈન્ડિયન કૂકિંગ' પુસ્તક 1973માં અમેરિકામાં પહેલીવાર પ્રકાશિત થયું ત્યારે ઘણા લોકો માટે ભારતીય ખોરાક રાંધવાનું પડકારજનક હતું, કારણ કે એ માટે જરૂરી બધી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નહોતી. દેશના કેટલાક ભાગોમાં 50 વર્ષ પહેલાં લોકો વિક્રેતા પાસેથી મેઇલ ઑર્ડર દ્વારા સામગ્રી મંગાવવાનું વિચારતા નહોતા.”

વિભાજન પહેલાંના ભારતમાં 1933માં જન્મેલાં મધુર જાફરી દિલ્હીસ્થિત એક સમૃદ્ધ પરિવારનાં છ સંતાનોમાં સૌથી નાનાં હતાં. તેમની ઐતિહાસિક પ્રતિભા તેમને લંડન લઈ ગઈ હતી, જ્યાં તેમણે રૉયલ ઍકેડમી ઑફ ડ્રામેટિક આર્ટમાં અભ્યાસ કર્યો હતો.

તેમણે સાથી નાટ્યકાર સઇદ જાફરી સાથે લગ્ન કર્યાં હતાં. તેમની સાથે તેમણે 1958માં અમેરિકામાં સ્થળાંતર કર્યું હતું.

ખાસ કરીને મર્ચન્ટ-આઇવરી પ્રોડક્શનમાં એક ફિલ્મ અભિનેત્રી તરીકે તેમણે ઝડપથી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી અને 1966માં સઇદ જાફરીથી અલગ થયા બાદ ન્યૂયોર્ક સિટીમાં મધુર જાફરીની કારકિર્દીએ અનોખો વળાંક લીધો હતો.

ત્રણ સંતાનોનાં માતા તથા પિતાની જવાબદારી એકલે હાથે સંભાળતાં મધુરને તેમનાં રાંધણ કૌશલ્યમાં, ઘરે ભોજન રાંધવામાં અને મનોરંજન કરવામાં સધિયારો અને જીવનનો ઉદ્દેશ સાંપડ્યો હતો.

'શેક્સપિયરવાલા' ફિલ્મમાં કામ માટે મધુર પુરસ્કાર જીત્યાં પછી ન્યૂયોર્ક ટાઇમ્સના ફૂડ ક્રિટિક ક્રેગ ક્લેબોર્ને એક ઇન્ટરવ્યૂ માટે તેમનો સંપર્ક કર્યો હતો.

તે આકસ્મિક મુલાકાતે મધુરને અભૂતપૂર્વ ઓળખ આપી હતી અને તેમણે તે ઊર્જાનો ઉપયોગ કૂકબૂકના સર્જન માટે કરવાનો નિર્ણય કર્યો હતો.

સાંસ્કૃતિક રાજદૂત

વિખ્યાત પુસ્તક સંપાદક જુડિથ જોનેસે તેમનાં સંસ્મરણોના પુસ્તક ‘માય ટેન્થ મ્યૂઝઃ માય લાઇફ ઇન ફૂડ’માં લખ્યું છે તેમ મધુરના પુસ્તકનો મુસદ્દો અત્યંત સંમોહક હતો. તેમણે લખ્યું હતું, “મધુર જાફરીના પુસ્તકની હસ્તપ્રત મારી પાસે આવી ત્યારે મને ખાતરી થઈ ગઈ હતી કે ભોજન પ્રત્યે જાગૃત અમેરિકનો, ખાસ કરીને મધુર જેવી કોઈ કુશળ વ્યક્તિ તેમનું માર્ગદર્શન કરવાની હોય તો, પ્રમાણભૂત ભારતીય વ્યંજનોને આવકારવા તૈયાર હતા.”

મધુર સહજતાથી એક સાંસ્કૃતિક રાજદૂત બની ગયાં હતાં. તેમણે જિજ્ઞાસુ અમેરિકન દર્શકો માટે ભારતીય પરંપરાઓ અને વ્યંજનો કુશળતાપૂર્વક તૈયાર કર્યાં, તેનું દસ્તાવેજીકરણ કર્યું.

મધુર જાફરીએ જણાવ્યું હતું કે તેમણે ભારતીય ભોજન વિશે લખવાનું શરૂ કર્યું ત્યારે તેમને ખબર પડી હતી કે લોકો આ બાબતે બહુ ઓછું જાણે છે. તેમણે કહ્યું હતું, “રસોઈની બાબતમાં ભારતીય વ્યંજનો વૈશ્વિક સ્તરે ખોટી તથા કપોળકલ્પિત ધારણાઓ સામે ઝઝૂમતાં રહ્યાં છે.

બહારના લોકો પ્રાદેશિક પ્રભાવ અને સંદર્ભોથી આકાર પામેલા મસાલા તથા ચટાકા વચ્ચેના સંતુલનની ભેદરેખાને પારખી શકતા નથી.

વિદેશમાંના ભારતીય ભોજનાલયોએ મુખ્યત્વે રાષ્ટ્રવાદી વ્યંજનો પ્રસ્તુત કરીને, કમનસીબે, રૂઢિવાદિતાને યથાવત્ રાખી છે, જ્યારે ભોજન સંબંધી મોટાભાગના લેખને ભારતીય સ્વાદો પાછળનાં રહસ્યો ખુલ્લાં કરવાને બદલે તેમને રહસ્યમય જ બનેલાં રાખવાનો વેગ આપ્યો છે.”

તેમણે એમ પણ કહ્યું હતું, “તેઓ તેને ‘કરી’ કહેતા હતા અને એક જ કરી પાવડર બધી ચીજોમાં નાખવામાં આવતો હતો. તેનાથી સ્વાદ એકસમાન થઈ જતો હતો. હું તેમને કહેતી હતી કે ભારતીય ભોજન વૈવિધ્યસભર છે. મને લાગે છે કે તેઓ ભારતની વિવિધતા અને ઉત્તમ વ્યંજનો તથા સામગ્રીઓ વિશે થોડું વધુ જાણતા હોત તો વધુ સારું થાત. ઘણા ભારતીયો પણ આવું જાણતા નથી.”

સાર્ટવેલે કહ્યું હતું, “મને લાગે છે કે મધુર પાસે, તેઓ લોકોને ક્યાં લઈ જવા ઇચ્છે છે તેનો દૃષ્ટિકોણ હતો અને તેઓ તેને વળગી રહ્યાં હતાં. આજે જ્યારે તમામ ઇચ્છિત રેસિપી મફતમાં મળે છે ત્યારે લોકો જેના માટે પૈસા ચૂકવે છે તે દૃષ્ટિકોણ માટે ચૂકવે છે અને મધુર લોકોને તેનું વળતર આપે છે.”

વ્યંજનોનાં માધ્યમથી સાંસ્કૃતિક રાજદૂતનું કામ કરવા બદલ મધુરને 2022માં ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન પૈકીનાં એક પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

મધુરનાં સ્પષ્ટ લેખન અને વ્યાપક વ્યંજનો મારફત ઘણા લોકોને રસોઈ બનાવવાનું શીખવામાં મદદ મળી હતી તથા તેઓ મધુરનો કેવી રીતે આભાર માનતા હતા તેની વાત ભારતીય પત્રકાર વિક્રમ ડૉક્ટરે કરી હતી.

તેમણે કહ્યું હતું, “મધુરને વ્યંજનો બનાવવાની રીત ક્યાંથી સાંપડે છે, તેની મેં એક વખત તપાસ કરી હતી. હાઈવે ગોમાંતક રેસ્ટોરાંની મુલાકાત દરમિયાન મધુરને ચોખાની ભાખરી પીરસવામાં આવી ત્યારે તેમણે એ ભાખરી કેવી રીતે બનાવવામાં આવે છે તે જાણવાની જિજ્ઞાસા વ્યક્ત કરી હતી. મધુરે તેને બનાવવાની રીત શ્રીમતી પોટનિસ પાસેથી ઉત્સુકતાપૂર્વક સાંભળી અને ટિપ્પણી કરી હતી કે આમાં હજુ પણ કંઈક ખૂટે છે. મધુરે આગ્રહ કર્યો હતો અને શ્રીમતી પોટનિસને આખરે એક વિગત યાદ આવી હતી કે ગરમ તવા પર ભાખરી શેકતાં પહેલાં થોડું પાણી છાંટવું જરૂરી છે. વાસ્તવમાં તે વરાળ ભાખરીને તવા પર ચોંટી જતી અટકાવે છે. ભારતીય વાનગી બનાવવાની રીત જાણવાનો તે માસ્ટર ક્લાસ હતો.”

ભારતની ભોજન સંસ્કૃતિમાં આગવી શૈલી

મધુર પોતે આ પ્રકારના જ્ઞાન માટેની પોતાની ભૂખનો પુનરોચ્ચાર કરે છે. “દેશમાં મુસાફરી કરવી, લોકો સાથે તેમના ઘરમાં રસોઈ કરવી, પરિવાર સાથે બેસીને ભોજન વખતે થતા લાગણીના અનુભવની તોલે કશું ન આવે. હાથ હલનચલન કરતા દેખાય અને તેઓ કેવી રીતે કોળિયો હાથમાં લે છે એ બધું ભાવનાત્મક હોય છે, જે આહારને ખૂબ મૂલ્યવાન બનાવે છે.”

તેઓ ઉમેરે છે, “દરેક વ્યક્તિ સારી કૂક બૂકનો અભ્યાસ કરીને રસોઈ કરી શકે છે. મને ભારતમાં કાયમ લોકોને ઘરમાં ભોજન કરવાનું ગમે છે. હું તેમને રાંધતા જોઉં છું. ગરમીનું અવલોકન કરું છું. તેઓ આળસમાં હાથ હલાવી રહ્યા હોય કે બધું ઝડપથી કરતા હોય એ જોઉં છું અને આ બધું મારા વાચકો માટે લખું છું, પરંતુ હું કોઈને રસોઈ કરતા નિહાળું નહીં તો શીખી કેવી રીતે શકું?”

મુસાફરી દરમિયાન વિવિધ વાનગીઓના સ્વાદ ચાખવાની મધુરની યાત્રા દરમિયાન તેમના પતિ શાસ્ત્રીય સંગીતકાર સેનફોર્ડ ઍલન અડગ સાથીની માફક તેમની સાથે રહ્યા છે.

તેમણે મધુરને તેમના પુસ્તકના ટેકનિકલ હિસ્સા લખવા ઉપરાંત ઘણી મદદ કરી છે.

મધુર કહે છે, “ભાવનાત્મક રીતે સાનફોર્ડ કાયમ સાથે રહે છે. વાનગીનો સ્વાદ ચાખે છે અને મને લખવા માટે પ્રોત્સાહિત કરે છે. તેઓ કાયમ ફરિયાદ કરે છે કે હું એક વખત કોઈ વાનગી બનાવું એ બીજી વાર ક્યારેય બનાવતી નથી. તે અદૃશ્ય થઈ જાય છે. તેઓ ક્યારેય મારી પાછળ ઊભા રહે છે અને બધું નોંધી લે છે. હું તેમને કહું છું કે ફ્રીઝમાં જે હતું તેને મેં એકઠું કરીને રાત્રિભોજન બનાવ્યું છે. મેં ક્યારેય ન સાચવી હોત એવી વાનગીઓ બનાવવાની રીતો તેમણે સાચવી છે.”

ભારતની ભોજન સંસ્કૃતિ વિશેના લખાણમાં મધુરની એક આગવી શૈલી છે.

વિક્રમ ડૉક્ટર કહે છે, “મધુરે એવું કંઈક કર્યું છે, જે ભારતીય રાંધણકળાના બીજા કોઈ નિષ્ણાતે કર્યું નથી. 'ઍન ઇન્વિટેશન ટુ ઇન્ડિયન કૂકિંગ' પુસ્તકમાં વાચકોને ખોરાકનો સંદર્ભ સમજાવ્યો છે.” આ પુસ્તકમાં બહુ બધી આત્મકથનાત્મક વિગતો નથી, પરંતુ તે સાંસ્કૃતિક સંદર્ભ અને બનાવી શકાય તેવી વાનગીઓની સ્મૃતિથી ભરપૂર છે. કથા કહેવાનું મધુરનું કૌશલ્ય પ્રસ્તાવનામાં જ સ્પષ્ટ થઈ જાય છે, જેમાં તેમણે કુશળતાપૂર્વક વાત કરી છે કે કેવી રીતે કરી પાઉડર ઘરે આવી રહેલા બ્રિટિશ અધિકારી માટે મનોરંજક બની શકે. તેમના લેખનમાં શ્રાવ્ય ગુણવત્તા છે, જે વાચકને ઘરનાં રસોડામાં પહોંચાડી દે છે.

મધુર જાફરીનો સાતત્યસભર, માર્ગદર્શક અવાજ સલામતીનો અહેસાસ કરાવે છે.

કૂકબૂકના ગ્રાહકોનું વર્ષો સુધી અવલોકન કરતા રહેલા સાર્ટવેલ કહે છે, “મધુર સુસંગત અને વિશ્વાસપાત્ર હોવા માટે પ્રખ્યાત છે. તેઓ ખુદને રસોઇયાનાં સ્થાને મૂકી શકે છે અને પ્રક્રિયા વિશેના તેમના અપેક્ષિત સવાલોની આશા રાખી શકે છે. તેમાં ચોક્કસ પ્રકારની બૌદ્ધિક અને ભાવનાત્મક સહાનુભૂતિ હોય છે. તેઓ મદદ કરવા હાથ લંબાવે ત્યારે એવી વ્યક્તિની હાજરીની અનુભૂતિ થાય છે, જે તમારો હાથ પકડ્યા પછી તમારી સાથે સારો વ્યવહાર જ કરશે.”

જુડિથ જોનેસે 'એ બૂક ઑફ મિડલ ઈસ્ટર્ન ફૂડ' નામનું તેમનું પુસ્તક 'ઍન ઇન્વિટેશન ટુ ઇન્ડિયન કૂકિંગ' સાથે પ્રકાશિત કર્યું ત્યારે સાથી લેખિકા ક્લાઉડિયા રોડેનને પણ મધુરની માફક ખ્યાતિ મળી હતી. ક્લાઉડિયા અને મધુર પહેલીવાર ન્યૂયોર્ક સિટીમાં જેમ્સ બિયર્ડના ઘરે અડધી સદી પહેલાં એક પાર્ટીમાં મળ્યાં હતાં ત્યારથી તેમની દોસ્તી છે. તેઓ રાંધણકળા સંબંધી પ્રવાસો અને વાર્ષિક અનુભવોની આપલે બ્રિટનના ઑક્સફર્ડ ફૂડ સિમ્પોઝિયમમાં કરતાં રહ્યાં છે.

રોડેન કહે છે, “ભોજન સંસ્કૃતિમાં જે મૂલ્યવાન છે તે બધાનો આલેખ મધુરે આપ્યો છે. રસોઈ સંબંધી બધી નવી શોધ અદ્ભુત છે, પરંતુ પરંપરાની નોંધ કાયમ રાખવી પડશે એવું મધુર માનતા રહ્યાં છે. તેમને સ્વાદની પરિશુદ્ધ પરખ છે. તેથી તેઓ આ વાનગીઓનો આત્મા તથા સત્વ જાળવી રાખવામાં સફળ થયાં છે.”

ભારતીય ભોજનનું ભવિષ્ય વિશેનો અનોખો વિચાર

પાછલા દાયકાઓમાં 'ઍન ઇન્વિટેશન ટુ ઇન્ડિયન કૂકિંગ' પુસ્તકની ઘણી આવૃત્તિઓ પ્રકાશિત થઈ છે ત્યારે તેમાં કેટલુંક રીવિઝન પણ થયું છે.

મધુર સમજાવે છે, “બધું લગભગ એકસમાન છે. લોકો ભારતીય ખોરાક વિશે જાણે પણ છે અને નથી પણ જાણતા. તેમને આહારમાં હળદર અને આમલી જેવા વિચિત્ર ભાગ ગમે છે, પરંતુ ભારતીય ખોરાકની સંપૂર્ણતા પસંદ નથી. ભારતીય ખોરાક એક કે બે ઘટક નહીં, પણ સંયોજન છે. દરેક વાનગીમાં ઘટકોનું સંયોજન તેને ભારતીય ભોજન બનાવે છે.”

ભારતીય ભોજનનાં ભવિષ્યના સંદર્ભમાં વિશ્વ સાથે શું શેર કરવું એ બાબતે મધુર ઉત્સાહી છે.

તેઓ કહે છે, “ભારતીય શેફ્સ તેમના ધ્યાનમાં આવે તે કથાઓ આપણને જણાવે તેવું હું ઇચ્છું છું. કોઈ વાનગી અદ્ભુત શા માટે છે તે જણાવે. હું માત્ર એટલું જાણવા ઇચ્છું છું કે તમને શું ગમે છે અને તમે તેને શા માટે ચાહો છો.”

જોકે, બીજા લોકો એવી વિનંતી કરે છે કે મધુર ભારતમાંથી સામગ્રી અને ટેકનિક્સની વિપુલતા શોધી કાઢે.

મધુર કહે છે, “તેમની એક ડીશમાં અનેક વાનગીઓ ગૂંચવાડો સર્જે તેવું હું નથી ઇચ્છતી. તેમાં ઊડતાં પતંગિયાની જેમ કિમચી છે, થોડુંક થાઈલૅન્ડનું છે અથવા ભારત કે વિયેતનામનું કંઈક છે. તેમાં આ થોડું અને પેલું થોડું છે તેનો મારા માટે કોઈ અર્થ નથી. હું ઇચ્છું છું કે ભોજન લાગણીસભર હોય. તે લાગણીસભર બની રહે એટલા માટે તેની સ્મૃતિ તમારી સાથે રહે તે જરૂરી છે. તે તમારામાં, તમારા પરિવારમાં અને તમારા સમાજમાં અર્થપૂર્ણ રીતે પાંગરવું જોઈએ.”

ફૂલકોબી, ડુંગળી અને ટામેટાંનું શાક બનાવવાની મધુર જાફરીની રેસિપી

છથી આઠ વ્યક્તિ માટે.

મધુર જાફરી કહે છે, “મેં ફૂલકોબીનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો ત્યારે ભારતમાં તેનાં પશ્ચિમી મૂળ વિશે જાણવા મળ્યું હતું. તહેવારોની મિજબાનીમાં તેનો ઉપયોગ ક્યારેય કરવામાં આવતો ન હતો. તેમ છતાં મારા બાળપણમાં ફૂલકોબીનું અમારા ભોજનમાં આગવું સ્થાન હતું. મારા માતા ફૂલકોબીની એક વાનગી બનાવતાં હતાં અને ક્રાફ્ટની શેડર ચીઝ તેના પર છીણીને નાખતા હતા. મસાલા અને બીજી સામગ્રી સાથેની આ પશ્ચિમી છાંટ તેને પોતીકી બનાવી દેતી હતી. મેં ફૂલકોબીનો દરેક સ્વરૂપમાં આનંદ માણ્યો છે. એ શરૂઆતથી જ મારા જીવનમાં સતત રહી છે.”

રીત

સમારેલી ડુંગળી, લસણ અને આદુને ચાર ચમચી પાણી સાથે બ્લૅન્ડરમાં મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી લો.

ફૂલકોબીના બેથી ચાર સેન્ટિમીટર લાંબા અને વધુમાં વધુ એક-બે સેન્ટિમીટર પહોળા નાના ટુકડા કરો. તેને ગળણીમાં મૂકીને ધોઈ નાખો અને પાણી નીતરી જાય ત્યાં સુધી રાખી દો.

હેવી બોટમવાળા 25-30 સેન્ટિમીટરના વાસણમાં મધ્યમ તાપ પર તેલ ગરમ કરો. તેલ ગરમ થાય પછી તેમાં બ્લૅન્ડરમાંથી કાઢેલી પેસ્ટ નાખો. હળદર ઉમેરો. પાંચ મિનિટ સુધી સાંતળો.

તેમાં સમારેલાં ટામેટાં, સમારેલી કોથમીર તથા લીલા મરચાં અથવા લાલ મરચું ઉમેરો અને પાંચ મિનિટ ફ્રાય કરો. સામગ્રી વાસણમાં ચોંટી ન જાય એટલા માટે જરૂરી હોય તો એક ચમચી ગરમ પાણી ઉમેરો. હવે તેમાં ફૂલકોબીના ટુકડા, ધાણાજીરું, ગરમ મસાલો, મીઠું અને લીંબુનો રસ નાખો. એક મિનિટ માટે હલાવો. ચાર ચમચી હૂંફાળું પાણી ઉમેરો. હલાવો અને ઢાંકી દો. ધીમા તાપે 35થી 45 મિનિટ સુધી રંધાવા દો. (ફૂલકોબીને ચડતાં વાર લાગતી હોય છે) વચ્ચે દર 10 મિનિટે હલાવતા રહો.

આ શાકને પીરસવા માટે હળવેથી બહાર કાઢો અને સર્વિંગ ડીશમાં મૂકો. એ માટે નીચો, પહોળો બાઉલ હોય તો ઉત્તમ, ગરમાગરમ રોટલી, પુરી અથવા પરાઠા સાથે પીરસો. તેને કોઈ પણ પ્રકારની દાળ અથવા સાદા ભાત સાથે પણ સર્વ કરી શકાય.