ઇઝરાયલ સાથેના યુદ્ધવિરામ બાદ હિઝ્બુલ્લાહના વડાએ કહ્યું, 'આ મોટી જીત છે'

હિઝબુલ્લાહ, ઇઝરાયલ, લેબનોન, યુદ્ધવિરામ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, હિઝ્બુલ્લાહના પ્રમુખ નઇમ કાસિમ

લેબનોનમાં ઈરાન સમર્થિત હથિયારધારી સમૂહ હિઝ્બુલ્લાહના પ્રમુખ નઇમ કાસિમે ઇઝરાયલ સાથે થયેલી યુદ્ધવિરામની સમજૂતી બાદ પહેલીવાર સાર્વજનિક વક્તવ્ય આપ્યું છે.

તેમણે આ સમજૂતીને હિઝ્બુલ્લાહની ‘મહાન જીત’ ગણાવી અને લેબનોનના લોકોની ધીરજના વખાણ કર્યા.

મંગળવારે ઇઝરાયલ અને હિઝ્બુલ્લાહ વચ્ચે યુદ્ધવિરામની સમજૂતી થઈ હતી જે બુધવારથી લાગુ થઈ. જોકે બંને પક્ષો એકબીજા પર યુદ્ધવિરામની સમજૂતીના ભંગનો આરોપ લગાવી રહ્યા છે.

આ સમજૂતી અમેરિકા અને ફ્રાન્સની મધ્યસ્થતામાં થઈ.

તેની શરતમાં કહેવામાં આવ્યું છે કે 60 દિવસોમાં હિઝ્બુલ્લાહ પોતાનાં લડવૈયાઓ અને હથિયારોને બ્લૂ લાઇનની વચ્ચેથી હઠાવી લેશે તથા ઇઝરાયલી સૈનિકો દક્ષિણ લેબનોનમાંથી ચરણબદ્ધ રીતે પરત ફરશે.

હિઝ્બુલ્લાહ ચીફે શું કહ્યું?

હિઝબુલ્લાહ, ઇઝરાયલ, લેબનોન, યુદ્ધવિરામ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

હિઝ્બુલ્લાહ ચીફ નઇમ કાસિમે શુક્રવારે આપેલા નિવેદનમાં આ યુદ્ધવિરામને જૂથની મહાન જીત ગણાવતા કહ્યું કે આ જીત વર્ષ 2006ની જીતથી પણ મહત્ત્વની છે.

હિઝ્બુલ્લાહ સાથે ઇઝરાયલની છેલ્લી લડાઈ 2006માં થઈ હતી.

હિઝ્બુલ્લાહ પ્રમુખે કહ્યું, “આપણે જીત્યા કારણકે આપણે દુશ્મનોને હિઝ્બુલ્લાહને નષ્ટ કરતા રોક્યા. આપણે જીત્યા કારણકે આપણને પંગુ બનાવતા તેમને રોક્યા.”

“પેલેસ્ટાઇન માટે આપણું સમર્થન ચાલુ રહેશે. અમે વારંવાર કહ્યું છે કે અમે યુદ્ધ નથી ઇચ્છતા પરંતુ અમે ગાઝાનું સમર્થન કરવા માગીએ છીએ. જો ઇઝરાયલ જંગ થોપશે તો પછી અમે તૈયાર છીએ.”

સમજૂતીની જાહેરાત સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું હતું કે યુદ્ધવિરામનો ઉદ્દેશ ઇઝરાયલ અને હિઝ્બુલ્લાહ વચ્ચે જંગને સમાપ્ત કરવાનો છે.

આ લડાઈમાં હજારો લેબનોનના નાગરિકો માર્યા ગયા છે. બંને દેશોમાં હજારો લોકો વિસ્થાપિત થયા છે.

શુક્રવારે ઇઝરાયલી સેનાએ દક્ષિણી લેબનોનનાં 60 ગામોમાં લોકોને પરત ન ફરવાની ચેતવણી જારી કરી છે.

ઇઝરાયલી સેનાએ એક નકશો દેખાડ્યો જેમાં દક્ષિણ લેબનોનની માઇલો અંદર સુધીના વિસ્તારો અંદર દેખાડ્યા છે.

ઇઝરાયલી સેનાએ ચેતવણીમાં કહ્યું, “નિવાસીઓએ અહીં પરત ન ફરવું અને જે પરત ફરશે તે પોતાનું જોખમ જાતે વહોરી લેશે.”

દક્ષિણી લેબનોનમાં અસમંજસની સ્થિતિ

હિઝબુલ્લાહ, ઇઝરાયલ, લેબનોન, યુદ્ધવિરામ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

યુદ્ધવિરામની વચ્ચે હિઝ્બુલ્લાહ અને ઇઝરાયલી સેના એકબીજા પર યુદ્ધવિરામની સમજૂતી તોડી હોવાનો આરોપ લગાવી રહ્યાં છે.

લેબનોનની સરકારી ન્યૂઝ એજન્સી અનુસાર યુદ્ધવિરામના બે દિવસ બાદ દક્ષિણ લેબનોનની સરહદ પાસે ખીઆમ ગામમાં અંતિમસંસ્કારમાં ઉપસ્થિત લોકો પર ઇઝરાયલી સેનાએ ગોળીબાર કર્યો હતો.

ઇઝરાયલી સેનાના પ્રવક્તાએ સમાચાર એજન્સી એએફપીને જણાવ્યું, “કેટલાક સમયમાં ઇઝરાયલી સેનાએ દક્ષિણી લેબનોનના ખીઆમ વિસ્તારમાં સંદિગ્ધો પર કાર્યવાહી કરી છે.”

પ્રવક્તાએ એમ પણ કહ્યું, “ઇઝરાયલની સુરક્ષા માટે ઇઝરાયલી સેના દક્ષિણી લેબનોનમાં તહેનાત રહેશે.”

ઇઝરાયલી સેનાએ કહ્યું કે તેણે દક્ષિણી લેબનોનના હિઝ્બુલ્લાહનાં ઠેકાણાંઓ પર હવાઈ હુમલાઓ કર્યા છે. યુદ્ધવિરામ બાદ આ પ્રકારના હુમલાઓ સતત બીજા દિવસે થયા છે.

ઇઝરાયલી સેનાએ આ અંગે નિવેદનમાં કહ્યું, “દક્ષિણી લેબનોનમાં હિઝ્બુલ્લાહ સાથે જોડાયેલાં મોબાઇલ મિસાઇલ પ્લૅટફૉર્મ્સ અને આતંકી ગતિવિધિઓ વિશે ખબર પડ્યા બાદ વાયુસેનાએ હુમલો કરીને જોખમને વિફળ કરી નાખ્યું.”

આ નિવેદન સાથે ઇઝરાયલી સેનાએ એક વીડિયો જાહેર કર્યો જેમાં દેખાય છે કે ધીમી ગતિએ જઈ રહેલી એક ટ્રક પર હવાઇ હુમલો થયો, જેને માટે કહેવામાં આવે છે કે તે એક મિસાઇલ લૉન્ચર હતું.

યુદ્ધવિરામ ઉલ્લંઘનની ઘટનાઓ

હિઝબુલ્લાહ, ઇઝરાયલ, લેબનોન, યુદ્ધવિરામ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મૅક્રોંએ બંને પક્ષોને યુદ્ધવિરામનાં ઉલ્લંઘનની ઘટનાઓથી બચવાની સલાહ આપી છે.

ગુરુવારે લેબનોનના કાર્યકારી વડા પ્રધાન નજીબ મિકાતી સાથે ફોન પર વાત કરતા મૅક્રોંએ કહ્યું, “ઇઝરાયલ અને લેબનોન વચ્ચે થયેલા યુદ્ધવિરામને લાગુ કરવા તમામ પક્ષોએ મળીને કામ કરવું રહ્યું.”

તેમણે કહ્યું, “સમજૂતીને લાગુ કરવા ઉલ્લંઘનની તમામ કાર્યવાહી પર તત્કાલ રોક લગાવવી જોઈએ.”

જોકે, દક્ષિણ લેબનોનમાં અલ બિસારિયેહના મેયર નાજિહ ઈદે સમાચાર એજન્સી એએફપીને કહ્યું કે જે વિસ્તારમાં ઇઝરાયલી સેનાએ હુમલો કર્યો તે જંગલનો વિસ્તાર છે અને ત્યાં નાગરિકોની અવરજવર નથી.

લેબનોનનાં સુરક્ષાદળોએ ઇઝરાયલ પર સમજૂતીના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે.

લેબનોનની સરકારી ન્યૂઝ એજન્સી અનુસાર, સીમાંત ગામમાં થયેલા ઇઝરાયલી હુમલામાં બે લોકો ઘાયલ થયા છે.

ઇઝરાયલી સેનાનું કહેવું છે, “દક્ષિણી લેબનોનમાં કારથી જતા કેટલાક સંદિગ્ધોની ઓળખ કરાઈ છે અને આ સમજૂતીનું ઉલ્લંઘન છે.”

ઇઝરાયલી સેનાએ એક નિવેદનમાં જણાવ્યું છે, “ઇઝરાયલી સેનિકોએ તેમના પર ગોળી ચલાવી. દક્ષિણી લેબનોનમાં ઇઝરાયલી સેનાની ઉપસ્થિતિ છે અને યુદ્ધવિરામની સમજૂતીનું ઉલ્લંઘન રોકવા ત્યાં જ રહેશે.”

ઇઝરાયલી ચીફ ઑફ સ્ટાફ હેરઝી હાલેવીએ કહ્યું, “ઇઝરાયલ આ સમજૂતીને બળપૂર્વક અને નિર્ણાયક રીતે લાગુ કરાવશે. ઇઝરાયલે આ સમજૂતી સુધી પહોંચવા ઘણા પ્રયત્નો કર્યા છે.”

ઇઝરાયલ અને હિઝ્બુલ્લાહના અલગ-અલગ દાવાઓ

લેબનોનનું કહેવું છે કે ઑક્ટોબર 2023થી લઈને અત્યારસુધી 3,961 જેટલા લેબનોનના નાગરિકો માર્યા ગયા છે. જેમાં સૌથી વધુ મૃત્યુ હાલના સમયમાં નોંધાયા છે.

જ્યારે ઇઝરાયલી આંકડા અનુસાર હિઝ્બુલ્લાહ સાથેના સંઘર્ષમાં તેના 82 સૈનિકો અને 47 નાગરિકો માર્યા ગયા છે.

ઇઝરાયલી સેનાના આ આંકડા હિઝ્બુલ્લાહ સાથેના છેલ્લા 14 મહિનાઓમાં થયેલી લડાઈના સંદર્ભમાં આપવામાં આવ્યા છે.

ટાઇમ્સ ઑફ ઇઝરાયલની સેનાના હવાલે કહ્યું છે કે ઇઝરાયલી સેનાએ હિઝ્બુલ્લાહનાં 12,500 ઠેકાણાંઓને નિશાન બનાવ્યાં છે જેમાં 1,600 કમાન્ડ સેન્ટર તથા એક હજાર હથિયારોનાં ગોડાઉન સામેલ છે.

અખબારે ઇઝરાયલી સેનાના હવાલે કહ્યું કે આ સંઘર્ષમાં હિઝ્બુલ્લાહના 2,500 સભ્યો માર્યા ગયા. જોકે આ સંખ્યા 3,500 સુધી જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

માર્યા ગયેલા નેતાઓમાં હિઝ્બુલ્લાહના ચીફ નેતા હસન નસરલ્લાહ અને અન્ય 13 વરિષ્ઠ નેતાઓ પણ સામેલ હતા.

હિઝ્બુલ્લાહે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે ‘કેટલાક સમયમાં દુશ્મનને જે નુકસાન થયું તેને કારણે તેઓ સમજૂતિ કરવા મજબૂર થયો છે.’

નિવેદન પ્રમાણે લેબનોનમાં જમીની હુમલા દરમિયાન હિઝ્બુલ્લાહ સાથેના સંઘર્ષમાં 130 ઇઝરાયલી સૈનિકો માર્યા ગયા જ્યારે કે 1250 ઘાયલ થયા.

બીજી તરફ ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ લેબનોનમાં યુદ્ધવિરામમાં કોઈ પણ ઉલ્લંઘનની સ્થિતિમાં હિઝ્બુલ્લાહને ‘ભીષણ યુદ્ધ’ની ચેતવણી આપી છે.

ઇઝરાયલી ચૅનલ 14ને ઇન્ટરવ્યૂ આપતા તેમણે કહ્યું, “જો જરૂર પડી તો અને જો સમજૂતીનું ઉલ્લંઘન થયું તો હું ઇઝરાયલી સેનાને વધુ હુમલા કરવાનો નિર્દેશ આપીશ.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.