કાશ્મીર: શ્રીનગર પર કબજો કરવા માટે આવેલા પાકિસ્તાનના કબાયલી લડવૈયાઓએ ખાલી હાથે પાછા કેમ ફરવું પડ્યું હતું?

કાશ્મીર, પાકિસ્તાન, સેના, શ્રીનગર, હરિસિંહ, સરદાર પટેલ, નહેરુ, ભારત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હુમલાની સૂચના મળ્યા બાદ ભારતીય સેનાના જવાનો પણ પોતાના વિમાનથી શ્રીનગરમાં ઉતર્યા હતા
    • લેેખક, વકાર મુસ્તફા
    • પદ, પત્રકાર અને સંશોધનકર્તા, બીબીસી માટે

27 ઑક્ટોબર 1947ના રોજ ઉગેલો સુરજ કાશ્મીર ખીણના ધુમ્મસ પર છવાઈ ગયો હતો. તે સમયે દિલ્હીના વિલિંગ્ડન ઍરફિલ્ડ પરથી સાડા ત્રણ કલાકની ઉડાન ભરીને એક ડાકોટા વિમાન પંદર સૈનિકોને લઈને શ્રીનગર નજીક બડગામ ઍરબેઝ પર ઉતર્યું.

સવારે સાડા નવ વાગ્યે બડગામ ઍરબેઝ પર શીખ રેજિમેન્ટની પ્રથમ બટાલિયનના અધિકારીઓનું આગમન થયું, તે એ વાતનો નિર્દેશ હતો કે ભારતે તેની સેનાને જમ્મુ અને કાશ્મીરના રજવાડામાં ઉતારી દીધી છે.

ઍલિસ્ટર લૅમ્બ પોતાના પુસ્તક 'બર્થ ઑફ અ ટ્રૅજેડી: કાશ્મીર 1947'માં લખે છે કે પાકિસ્તાન અને ભારત વચ્ચેના સરહદી વિવાદની આ વિધિવત શરૂઆત હતી, જે આજ સુધી ચાલુ છે.

15 ઑગસ્ટની સમયમર્યાદા વીતી ગયા પછી બે મહિના સુધી મહારાજા હરિસિંહે કાશ્મીરના રજવાડાના ભવિષ્ય વિશે કોઈ નિર્ણય લીધો ન હતો.

ઇતિહાસકાર ઍલેક્ઝાન્ડર રૉઝના મતે ભૌગોલિક અને ધાર્મિક કારણોસર મુસ્લિમ બહુમતી ધરાવતો પ્રદેશ કાશ્મીર એ પાકિસ્તાનનો હિસ્સો બને તેવી પ્રબળ સંભાવના હતી.

ભારતનું આ વિશે કહેવું છે કે 22 ઑક્ટોબરે પાકિસ્તાની આદિવાસીઓ દ્વારા કાશ્મીર પરના હુમલા અને કાશ્મીરના મહારાજા હરિસિંહની મદદની વિનંતીના જવાબમાં કાશ્મીરમાં ભારતે સેના મોકલી હતી. મહારાજાએ ભારત સાથે વિલીનીકરણના દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા ત્યાર પછી સેના મોકલવામાં આવી હતી.

ભારતના તત્કાલીન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે રજવાડાઓને ભારતમાં સમાવવાની જવાબદારી વી. પી. મેનનને સોંપી હતી.

એબોટાબાદથી ટ્રકોમાં હુમલાખોર સવાર થયા

વી. પી. મેનન પોતાના પુસ્તક 'ધ સ્ટોરી ઑફ ઇન્ટિગ્રેશન ઑફ ઇન્ડિયન સ્ટેટ્સ'માં દાવો કરે છે કે 200થી 300 લૉરી (ટ્રક)માં લગભગ પાંચ હજાર સભ્યોની ગેરિલા ટુકડી પાકિસ્તાનના પ્રાંત 'સરહદ' (આજનું ખૈબરપખ્તુનખ્વા)ના શહેર એબોટાબાદ થી ઝેલમ વેલી રેડ તરફ આગળ વધી.

ગેરિલા ટુકડીમાં આફ્રિદી, વઝીર, મહેસૂદ, સ્વાતિ અને સરહદી આદિવાસીઓ તથા 'રજાઓ ગળતા' પાકિસ્તાની સેનાના સૈનિકો સામેલ હતા. કાશ્મીરને બહુ સારી રીતે જાણતા કેટલાક સૈન્ય અધિકારીઓએ તેની આગેવાની લીધી હતી.

એન્ડ્રુ વ્હાઇટહેડે પોતાના પુસ્તક 'મિશન ઇન કાશ્મીર'માં આદિવાસીઓ દ્વારા કરવામાં આવેલા હુમલા વિશે વિગતવાર લખ્યું છે, પરંતુ તેમાં પાકિસ્તાની સેનાની સંડોવણીનો કોઈ ઉલ્લેખ નથી.

વૉટ્સઍપ

વઝીર કબીલામાં 'ફકીર ઑફ એપ્પી' એ પોતાના અનુયાયીઓને 'જેહાદ' માટે કાશ્મીર જતા અટકાવ્યા, ત્યારે 'પીર ઑફ વાના' એ પોતાના અનુયાયીઓને સેવા માટે હાજર કર્યા, જેથી તેઓ "પાકિસ્તાન સાથે મળીને ઇસ્લામના ઇતિહાસની મહત્ત્વપૂર્ણ ઘડીમાં સક્રિય થઈ શકે."

'બગદાદી પીર' તરીકે ઓળખાતા પીર ઑફ વાનાએ 'ન્યૂ યૉર્ક હેરાલ્ડ ટ્રિબ્યુન'નાં માર્ગારેટ પાર્ટનને પેશાવરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે જો કાશ્મીર ભારતનો ભાગ બનશે, તો તે 10 લાખ આદિવાસીઓને જેહાદ માટે કાશ્મીર લઈ જશે.

તેમણે એમ પણ કહ્યું હતું કે જો "અમને પાકિસ્તાન તરફથી જવાની મંજૂરી નહીં મળે, તો અમે ચિત્રાલ પર્વતોમાંથી ઉત્તર તરફ જઈશું."

"અમે અમારી રાઇફલ્સ અને બંદૂકો સાથે જઈશું અને અમારા મુસ્લિમ ભાઈઓને હિન્દુ મહારાજાની મનમાનીમાંથી બચાવીશું."

'ખાસ પ્રતિકાર વગર કાશ્મીરમાં પ્રવેશ્યા'

કબાયલી લડવૈયાઓએ શ્રીનગર જવા માટે ટ્રકો અને હથિયારો માટે લાંબી રાહ જોવી પડી હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કબાયલી લડવૈયાઓએ શ્રીનગર જવા માટે ટ્રકો અને હથિયારો માટે લાંબી રાહ જોવી પડી હતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેવી જ રીતે 'માન કી શરીફના પીર' પણ 'કાશ્મીરમાં જેહાદ' કરવાના સમર્થક હતા. તેઓ મુસ્લિમ લીગના સ્થાનિક નેતા હતા અને સરહદી પ્રાંતનું પાકિસ્તાન સાથે વિલીનીકરણ થાય તે માટે લોકમત જીતવામાં તેમની મોટી ભૂમિકા હતી.

તેમના લગભગ બે લાખ અનુયાયીઓ હતા, અને તેઓ કોઈ ચોક્કસ વિસ્તાર પૂરતા મર્યાદિત નહોતા.

વ્હાઇટહેડ લખે છે કે પાકિસ્તાનના પ્રદેશમાંથી આ વિદ્રોહ ચલાવવામાં આવી રહ્યો હતો, પરંતુ નવા દેશ પાકિસ્તાનના નેતાઓ પોતાના સશસ્ત્ર સૈનિકો મારફત તેમની મદદ કરી શક્યા નહીં.

સર જ્યૉર્જ કનિંઘમ સરહદી પ્રાંતના ગવર્નર હતા. બ્રિટિશ લાઇબ્રેરીમાં કનિંગહામની ડાયરી આ વધતી જતી જાગૃતિનો મજબૂત અનુભવ કરાવે છે.

તેમણે લખ્યું, "મેં આફ્રિદી અને મહમંદો સહિત બધાને ચેતવણી આપી છે કે આના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થઈ શકે છે."

પરંતુ કનિંગઘમની ચેતવણીની કોઈ અસર થઈ નહીં. સરહદના મુખ્ય મંત્રી ખાન અબ્દુલ કયૂમ ખાને વ્યક્તિગત રીતે જાહેર કર્યું કે તેઓ કાશ્મીર જઈ રહેલા સશસ્ત્ર લોકોને ટેકો આપે છે, પરંતુ તેઓ એ વાતમાં સંમત હતા પોલીસ અને અન્ય અધિકારીઓએ ઑપરેશનમાં સામેલ થવું જોઈએ નહીં.

મુસ્લિમ નૅશનલ ગાર્ડના સભ્ય ખુર્શીદ અનવર લખે છે કે 21 ઑક્ટોબર, મંગળવારને 'ડી ડે' (અંતિમ કાર્યવાહીનો દિવસ) તરીકે નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ તેને બીજા દિવસે સવાર સુધી મોકૂફ રાખવો પડ્યો હતો. ઘણા ઐતિહાસિક અહેવાલોમાં ખુર્શીદ અનવરને કાશ્મીર ખીણ પરના હુમલાના લશ્કરી કમાન્ડર તરીકે ઓળખાવવામાં આવ્યા છે.

ત્યાર બાદ તેમણે 'ડૉન' અખબારને જણાવ્યું કે તેમની સાથે ચાર હજાર માણસો હતા અને કાશ્મીરી પ્રદેશમાં તેમણે કોઈ મોટા પ્રતિકારનો સામનો કરવો પડ્યો ન હતો.

બીજી તરફ કાશ્મીરની રજવાડાની સેનાએ થોડો પ્રતિકાર કર્યો, તેમની સાથે પૂંચના મુસ્લિમોનો એક મોટો વર્ગ હતો, જેમણે તેમને છોડી દીધા હતા.

જો કે, વ્હાઇટહેડ લખે છે કે મહારાજા સામેનો પ્રારંભિક બળવો સ્થાનિક હતો અને તેમાં આદિવાસીઓ બિલકુલ સામેલ ન હતા.

"કાશ્મીરના મહારાજા પોતાની મુસ્લિમ પ્રજા સાથેના વર્તનને લઈને બહુ ખરાબ પ્રતિષ્ઠા ધરાવતા હતા... રજવાડાની સેના જમ્મુ પ્રાંતમાં મુસ્લિમો પર અત્યાચાર કરતી હતી તેવા આરોપો હતા."

"મહારાજા કયા દેશ સાથે જોડાશે તેનો નિર્ણય લેવામાં વિલંબ કરતા હતા તેના કારણે શંકા ગઈ કે કાશ્મીર ભારતનો હિસ્સો બનવા જઈ રહ્યું છે. જોકે, તેની ભૂગોળ અને મુસ્લિમ બહુમતીના કારણે તે પાકિસ્તાનમાં ભળી જાય તેવી ધારણા હતી."

તેઓ લખે છે, "જમ્મુના ઉત્તર પશ્ચિમના વિસ્તાર, પરંતુ કાશ્મીર ખીણની બહાર આવેલા પૂંચની પોતાની ફરિયાદો હતી, ખાસ કરીને સ્થાનિક સ્વાયત્તતાની ઉણપ અને ઊંચા ટૅક્સ સામે નારાજગી હતી. અહીંના લગભગ સાઠ હજાર લોકોએ બીજા વિશ્વ યુદ્ધમાં ભાગ લીધો હતો અને કાશ્મીરની પોતાની સેનામાં અહીંથી જ ભરતી કરવામાં આવી હતી. ઑગસ્ટ 1947ના અંત સુધીમાં મહારાજા સામેના બળવાની સ્થિતિ જામી ગઈ હતી."

'પાકિસ્તાનના મરીથી અભિયાન ચાલતું હતું'

મહારાજા હરિસિંહ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહારાજા હરિસિંહ

વ્હાઇટહેડે આ અભિયાનના એક આગેવાનને ટાંકીને લખ્યું છે કે, “સપ્ટેમ્બર 1947ના અંત સુધીમાં અમે ઘણો પ્રદેશ જીતી લીધો હતો. તે સમયે હું મારા જિલ્લા પૂંચમાં તેની વ્યવસ્થા કરતો હતો. તે સમયે રજવાડાની સેના રજવાડાની પ્રજા સામે લડી રહી હતી. ત્યાં સુધી સરહદ પરથી કોઈ આવ્યું ન હતું."

પૂંચ નજીકના રાવલા કોટ વિસ્તારના સરદાર મોહમ્મદ ઇબ્રાહીમ ખાન શ્રીનગરમાં વકીલ હતા અને પાકિસ્તાન તરફી મુસ્લિમ કૉન્ફરન્સના મહત્ત્વના નેતા હતા.

તેઓ રજવાડું છોડીને નીકળ્યા અને પાકિસ્તાનના મરીમાં પોતાનો અડ્ડો જમાવ્યો. તેમણે મહારાજાની સેનામાંથી ભાગી ગયેલા સૈનિકોની મદદથી 'સશસ્ત્ર સંઘર્ષ' શરૂ કર્યો.

વ્હાઇટહેડના દાવા મુજબ સપ્ટેમ્બર 1947 દરમિયાન પાકિસ્તાન આર્મી હેડક્વાર્ટરના તત્કાલીન આર્મ્સ ડિરેક્ટર બ્રિગેડિયર અકબર ખાને મરીમાં સરદાર ઇબ્રાહિમ ખાન અને અન્ય લોકોનો સંપર્ક કર્યો હતો.

"એવું લાગે છે કે અકબર ખાને પૂંચમાં પાકિસ્તાન તરફી બળવાખોરીને મદદ કરવાનો નિર્ણય જાતે લીધો હતો. અકબર ખાનનું પોતાનું કહેવું છે કે તેમણે પંજાબ પોલીસને આપવા માટે મંજૂર કરાયેલી ચાર હજાર મિલિટરી રાઇફલ્સ અપાવવામાં મદદ કરી હતી. તેમણે જૂના દારૂગોળાનો મોટો જથ્થો પણ સોંપ્યો જે નકામો જાહેર થયો હતો અને દરિયામાં ફેંકી દેવાનો હતો.

ઑક્ટોબરના અંતમાં સરદાર ઇબ્રાહિમને પાકિસ્તાન શાસિત કાશ્મીરની કામચલાઉ સરકારના વડા બનાવવામાં આવ્યા હતા.

વ્હાઇટહેડ કહે છે કે બળવાની શરૂઆતના દાવા પર બંને ખાન કદાચ સહમત ન હોય, પરંતુ મર્યાદિત સ્તરે આદિવાસીઓની સંડોવણીના મુદ્દે તેઓ એકમત છે.

'કબાયલીઓએ કાશ્મીરમાં લૂંટફાટ કરી'

બ્રિટન ઇચ્છતું હતું કે હરિસિંહ પોતાનો નિર્ણય સ્વતંત્ર રીતે કરે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બ્રિટન ઇચ્છતું હતું કે હરિસિંહ પોતાનો નિર્ણય સ્વતંત્ર રીતે કરે

અબ્દુલ કયૂમ ખાનના જણાવ્યા મુજબ આદિવાસીઓ કોઈના કાબૂમાં ન હતા જેના કારણે અભિયાનને નુકસાન થયું.

“તેઓ જ્યારે મારા વિસ્તારમાં આવ્યા, ત્યારે તેમણે પોતાના રોકાણ માટે આખું ગામ ખાલી કરાવવામાં આવ્યું અને તેની આસપાસ પહેરો લગાવી દીધો. મેં તેમને લડાઈમાં જોડાવા ન દીધા. પરંતુ તેણે બાકીના રાજ્યમાં ઘણું નુકસાન કર્યું."

"તેઓ અસંગઠિત હતા તેથી તેમણે લૂંટફાટ કરી. દરેક કબીલાનો પોતાનો કમાન્ડર હતો. વજીર અને મહમંદ તો કોઈની વાત સાંભળવા જરા પણ તૈયાર ન હતા. મુઝફ્ફરાબાદમાં અમારી વચ્ચે ગોળીબાર પણ થયો હતો."

આદિવાસીઓએ શરૂઆતમાં વિચાર્યું હશે કે તેઓ મુઝફ્ફરાબાદથી લગભગ 100 માઈલ દૂર આવેલી કાશ્મીરની રાજધાની શ્રીનગર ખાતે 26 ઑક્ટોબરે ઈદની ઉજવણી કરી શકશે.

વ્હાઇટહેડ લખે છે કે બારામુલ્લામાં તેની કાર્યવાહી ખતમ થઈ ન હતી. 27 ઑક્ટોબરથી દરરોજ સેંકડો ભારતીય સૈનિકો વિમાન દ્વારા આવતા હોવા છતાં આદિવાસીઓ શ્રીનગરથી થોડા માઇલની અંદર અને લગભગ ઍર સ્ટ્રીપ આસપાસ પહોંચવામાં સફળ થયા.

અકબર ખાને પોતાના પુસ્તક 'રીડર્સ ઇન કાશ્મીર'માં લખ્યું છે કે તેમણે આદિવાસીઓને સૌથી પહેલા કાશ્મીરની ખીણમાં ઝાકળમાંથી બહાર નીકળતા જોયા હતા.

“તેઓ શાંતિથી, કાળજીપૂર્વક પરંતુ સરળતાથી અંધકારમાં આગળ વધ્યા. 19 ઑક્ટોબર 1947ની મધરાત હતી. વીજળીની ઝડપે રાજ્યમાં પહોંચ્યા પછી અને પાંચ દિવસમાં 115 માઈલનું અંતર કાપ્યા પછી અમે હવે શ્રીનગરની ચમકતી લાઇટોથી માત્ર ચાર માઈલના અંતરે હતા."

"હુમલાખોરો આગળ વધતા ગયા, તેમ તેમ શ્રીનગરની બાજુએથી વહેતા પાણીનો તેમણે સામનો કરવો પડ્યો. અંતે એવું લાગતું હતું કે આ અવરોધનો સામનો કરવાનો એકમાત્ર ઉપાય સીધા માર્ગ પર આગળ જવાનો છે."

પઠાણકોટે ભારતને કાશ્મીરનો રસ્તો આપ્યો

કાશ્મીરનું ભારતમાં વિલીનીકરણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સર સિરિલ રેડક્લિફ

સરદાર ઇબ્રાહિમે કહ્યું કે તેમની પાસેથી તેઓ લડે, કબજે કરે અને નિયંત્રણ જાળવી રાખે તેવી અપેક્ષા રાખી શકાય તેમ ન હતી. આદિવાસી લશ્કર જ્યારે શ્રીનગરથી પાછું આવ્યું, ત્યારે તેમણે જે વિસ્તાર ખાલી કર્યો હતો તેને સંભાળવા માટે ત્યાં કોઈ સૈનિકો નહોતા.

"ભારતીય સૈન્ય અધિકારીઓ શરૂઆતમાં વિમાનથી આવ્યા હતા, પરંતુ પાકિસ્તાન સાથે યુદ્ધ શરૂ થયું ત્યારે ગુરદાસપુરથી વધુ ટુકડીઓ આવવા લાગી."

ઇતિહાસકાર ઍલેક્ઝાન્ડર રૉઝના જણાવ્યા પ્રમાણે કાશ્મીર, પાકિસ્તાન અને ભારતની દક્ષિણમાં સ્થિત 14 લાખની વસતી ધરાવતો મુસ્લિમ વિસ્તાર, ભૌગોલિક અને ધાર્મિક બંને રીતે પાકિસ્તાનને મળવાનો હતો.

પરંતુ ભારતના વિભાજન વખતે સીમા નક્કી કરવા માટે જવાબદાર સર સિરિલ રેડક્લિફે માત્ર શકરગઢ તાલુકો પાકિસ્તાનને અને બાકીનો પ્રદેશ ભારતને આપ્યો હતો. ભારતને જ્યારે પઠાણકોટ પ્રદેશ મળ્યો ત્યારે કાશ્મીર પહોંચવાનો જમીની માર્ગ મળી ગયો.

તમે ભારતના ગુરદાસપુર જિલ્લાના ડેપ્યુટી કમિશનરના કોર્ટ રૂમમાં લાકડાના બોર્ડ પર અધિકારીઓનું લિસ્ટ જોશો, જેઓ અહીં વર્ષ 1852થી વર્ષ 1947 સુધી તહેનાત હતા, તો તેમાં સૌથી ઓછા સમય સુધી મુશ્તાક અહેમદ ચીમાનું નામ છે.

તેઓ ડેપ્યુટી કમિશનર બનતા પહેલાં, એટલે કે 17મી ઑગસ્ટે પાકિસ્તાન જવા રવાના થયા ત્યાં સુધી ચુનૈયા લાલ ખાતે માત્ર ત્રણ દિવસ માટે ફરજ પર હતા.

આટલી ટૂંકી પોસ્ટિંગનું કારણ જણાવતા પત્રકાર જુપિન્દરજીત સિંહ 'ટ્રિબ્યુન ઇન્ડિયા' અખબારમાં લખે છે કે 17 ઑગસ્ટ 1947 સુધી એવું માનવામાં આવતું હતું કે પંજાબનો આ મુસ્લિમ પ્રભુત્વ ધરાવતો જિલ્લો પાકિસ્તાનમાં જશે.

બ્રિટિશ રાજ દરમિયાન ગુરદાસપુર જિલ્લો લાહોર ડિવિઝનનો એક ભાગ હતો. તેના ચાર તાલુકા હતા ગુરદાસપુર, બટાલા, શકરગઢ અને પઠાણકોટ.

ડોમિનિક લેપિયર અને લેરી કોલિન્સે પોતાના પુસ્તક 'ફ્રીડમ ઍટ મિડનાઇટ'માં લખ્યું છે કે ગુરદાસપુર ન હોત તો ભારત પાસે કાશ્મીર જવા માટે યોગ્ય જમીની માર્ગ મળ્યો ન હોત.

અમેરિકન મેગેઝિન 'ધ નેશનલ ઇન્ટરેસ્ટ' માં ઍલેક્ઝાન્ડર રૉઝ પોતાના લેખ 'પેરેડાઈઝ લૉસ્ટઃ ધ ઓર્ડિલ ઑફ કાશ્મીર'માં લખે છે કે રેડક્લિફે પાછળથી જણાવ્યું કે રેલ્વે, સંદેશાવ્યવહાર અને પાણી પૂરવઠા વગેરે મુદ્દાના કારણે બહુમતી વસતીના પાયાના દાવાનો નુકસાન થાય તેમ હતું.

"પરંતુ પાકિસ્તાનને લાગ્યું કે નહેરુએ માઉન્ટબેટનને રેડક્લિફ પર સીમા બદલવા માટે દબાણ લાવવા તૈયાર કર્યા હતા."

કાશ્મીરમાં જનમત સંગ્રહનો પ્રસ્તાવ

કાશ્મીરમાં ભારતીય સૈનિકો ઉતારવાની વાતને લઇને શરૂઆતમાં માઉન્ટબેટન રાજી ન હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કાશ્મીરમાં ભારતીય સૈનિકો ઉતારવાની વાતને લઇને શરૂઆતમાં માઉન્ટબેટન રાજી ન હતા

રૉઝના જણાવ્યા મુજબ 1992માં વિભાજન પ્રક્રિયાની ઊંડી જાણકારી ધરાવતા છેલ્લા બ્રિટિશ અધિકારી ક્રિસ્ટોફર બ્યુમોન્ટે (રેડક્લિફના ખાનગી સચિવ) જણાવ્યું હતું કે રેડક્લિફે વાસ્તવમાં પાકિસ્તાનની નજીક આવેલા બે તાલુકા આપ્યા હતા, પરંતુ લંચ સમયે માઉન્ટબેટને રેડક્લિફ ઍવૉર્ડ બદલાવી નાખ્યો.

રૉઝના કહેવા મુજબ ભારતનું કહેવું છે કે જ્યાં સુધી મહારાજાએ પોતે ભારત સાથે વિલયના દસ્તાવેજ પર સહી ન કરી ત્યાં સુધી ભારતની સેના સક્રિય થઈ ન હતી.

27 ઑક્ટોબરના રોજ ભારતની ઍરલિફ્ટેડ ટુકડીઓ શ્રીનગર ઍરપૉર્ટ પર ઊતરી અને 'લુંટારાઓને હરાવવા' આગળ વધવા લાગી ત્યારે માઉન્ટબેટને મહારાજાના નિર્ણયને સત્તાવાર રીતે સ્વીકાર્યો અને કાશ્મીર ઔપચારિક રીતે ભારતનો ભાગ બની ગયું.

"પરંતુ પાકિસ્તાનીઓ પૂછે છે કે હરિસિંહે 26 ઑક્ટોબરના રોજ દસ્તાવેજ પર સહી કરી હોય તે કઈ રીતે શક્ય છે, કારણ કે તે દિવસે તેઓ મોટર કાફલાથી શ્રીનગરથી જમ્મુ જઈ રહ્યા હતા અને તેથી તેમનો કોઈ સંપર્ક થયો ન હતો."

"તેથી એવું લાગે છે કે દસ્તાવેજ પર હસ્તાક્ષર થાય અને તેને સ્વીકારવામાં આવે તે પહેલાં જ ભારતીય સૈનિકો કાશ્મીર તરફ આગળ વધી રહ્યા હતા. તે દર્શાવે છે કે મહારાજાની સંમતિ દબાણ હેઠળ મેળવવામાં આવી હતી."

વ્હાઈટહેડ અને પ્રેમશંકર ઝા જેવા લેખકો વિલય અંગે શંકા વ્યક્ત કરે છે.

વિલયની દરખાસ્તને સ્વીકારતા માઉન્ટબેટનના પત્રમાં લખવામાં આવ્યું હતું કે, "મારી સરકારની ઇચ્છા છે કે કાશ્મીરમાં સુલેહ - શાંતિ સ્થપાય અને તેની ધરતી પરથી આક્રમણકારો ખદેડી નખાય, ત્યાર પછી અહીંના લોકો રજવાડાના જોડાણનો નિર્ણય કરે."

યુદ્ધ ખતમ થયા પછી કાશ્મીરીઓના જનમત સંગ્રહના અધિકારની તરફેણમાં સંયુક્ત રાષ્ટ્રના ઠરાવ સિવાય, નહેરુએ પણ એકથી વધારે વખત જનમત સંગ્રહની ઇચ્છા જાહેર કરી હતી.

રૉઝ લખે છે કે ભારત શરૂઆતમાં આવા જનમત સંગ્રહ માટે તૈયાર હતું, પરંતુ જ્યારે તેને સમજાયું કે બિન-હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારો તેની તરફેણમાં મતદાન કરે તેવી શક્યતા નથી ત્યારે આ વિચારને પડતો મૂક્યો હતો.

કાશ્મીરમાં આદિવાસી લડવૈયાઓ કેમ નિષ્ફળ ગયા?

કાશ્મીરનો ભારતમાં વિલય થયો ત્યારે છાપાઓમાં આવેલા સમાચાર

ઇમેજ સ્રોત, HT

ઇમેજ કૅપ્શન, કાશ્મીરનો ભારતમાં વિલય થયો ત્યારે છાપાઓમાં આવેલા સમાચાર

ક્રિસ્ટોફર સ્નેડન પોતાના પુસ્તક 'અંડરસ્ટેન્ડિંગ કાશ્મીર ઍન્ડ કાશ્મીરીઝ'માં, લખે છે કે 26 ઑક્ટોબર 1947 પછી હરિસિંહ ઝડપથી ભારત, ભારતીય જમ્મુ અને કાશ્મીર પ્રશાસન અને તેમના (ભૂતપૂર્વ) રજવાડા વચ્ચેના વિવાદમાં પોતાનું મહત્ત્વ ગુમાવવા લાગ્યા.

કદાચ આવી જ સ્થિતિ આદિવાસીઓની પણ હતી. વ્હાઈટહેડ અનુસાર 27 ઑક્ટોબર પછી દરરોજ ભારતીય સેના વિમાનથી રોજ સેંકડો સૈનિકો મોકલતી હતી, છતાં આદિવાસી લડવૈયાઓ શ્રીનગરના કેન્દ્રથી માત્ર કેટલાક માઇલના અંતર સુધી અને લગભગ ઍરસ્ટ્રીપની ચારે બાજુ પહોંચવામાં સફળ થયા હતા.

કાશ્મીર ખીણમાંથી આ ગેરીલાઓને હાંકી કાઢવામાં આવ્યા તેના એક મહિના પછી મુસ્લિમ નૅશનલ ગાર્ડના સભ્ય ખુર્શીદ અનવર કરાચીની એક હૉસ્પિટલમાં પોતાના ઘાવની સારવાર કરાવી રહ્યા હતા.

ડૉન અખબાર સાથે વાત કરતી વખતે ફરિયાદ કરી કે પાકિસ્તાન સરકારની નિષ્ક્રિયતા કાશ્મીરમાં તેના માટે અવરોધ બની છે.

એન્ડ્ર્યુ વ્હાઈટહેડે લખ્યું છે કે તેઓ (ખુર્શીદ અનવર) શ્રીનગર પર કબજો કરવાના સાહસિક પ્રયાસમાં આદિવાસીઓને કોઈ મદદ ન કરવા બદલ પાકિસ્તાન સરકાર વિરુદ્ધ ખૂબ આકરા શબ્દોમાં બોલી રહ્યા હતા.

ખુર્શીદ અનવરે ત્યાર પછી કરાચીમાં આદિવાસી સૈન્યની ગંભીર બેદરકારી વિશે સરહદના એક બ્રિટિશ નિષ્ણાત સાથે પણ વાત કરી હતી. "તેઓ મહેસુદ કબીલા સામે બહુ નારાજ હતા જેઓ શરૂઆતના અત્યાચારો અને પ્રારંભિક આક્રમણમાં ઘાતક વિલંબ, બંને માટે જવાબદાર હતા."

સ્નેડન લખે છે, "પખ્તુન સારા લડવૈયા હતા, પરંતુ તેઓ ખૂબ જ અસંગઠીત પણ હતા."

“22 ઑક્ટોબર 1947ના રોજ જમ્મુ અને કાશ્મીરમાં પ્રવેશ્યા પછી તેમણે (આદિવાસીઓએ) તરત શ્રીનગર પર કબજો કરવાના બદલે લૂંટફાટ અને હત્યાઓ કરી. ઘણા વિદેશીઓ પણ તેનો શિકાર બન્યા જેના કારણે ભારતે આંતરરાષ્ટ્રીય અખબારોમાં થયેલા રિપોર્ટિંગનો ઉપયોગ પોતાના ફાયદા માટે કર્યો."

"પખ્તુન જ્યારે 27-28 ઑક્ટોબર 1947ના રોજ શ્રીનગરની આસપાસ પહોંચ્યા, ત્યારે ભારતીય સેનાએ શ્રીનગર ઍરપૉર્ટને સુરક્ષિત કરી લીધું હતું અને બીજા સૈનિકો પહોંચે ત્યાં સુધીમાં પખ્તુનને રોકવા માટે રક્ષણાત્મક મોરચા ગોઠવી દીધા હતા."

"ભારતીય સૈનિકોનો શરૂઆતનું લક્ષ્યાંક ઍરપૉર્ટને સુરક્ષિત કરવાનો અને આગેકૂચ કરી રહેલા પખ્તુનોથી તેને બચાવવાનો હતો. તેમણે બંને લક્ષ્ય હાંસલ કર્યા... શ્રીનગરમાં ભારતીય સૈનિકોના ઝડપી આગમન અને શહેરની સુરક્ષાને કારણે ધીમે ધીમે આગળ વધી રહેલા અને લૂંટફાટમાં રોકાયેલા પખ્તુનોના પ્રયાસો નિષ્ફળ ગયા."

સ્નેડન અનુસાર ત્યાર પછીના દિવસોમાં ભારત બૉમ્બમારો કરીને કાશ્મીર ખીણમાંથી પશ્તુનોને ભગાડવામાં સફળ રહ્યું હતું.

સ્નેડન લખે છે કે ઉરીના પશ્ચિમમાં મુઝફ્ફરાબાદ તાલુકામાં વધુ શિસ્તબદ્ધ સૈનિકોએ સફળતાપૂર્વક ભારતીય સેનાનો સામનો કર્યો. "આઝાદ ફોજની ક્ષમતાના કારણે કેટલાક ભારતીયોને લાગ્યું કે પાકિસ્તાની સેના જમ્મુ અને કાશ્મીરમાં આ ફોર્સને ટેકો આપે છે, પરંતુ આ ખોટું હતું."

તેમના જણાવ્યા મુજબ પાકિસ્તાન આર્મી મે 1948માં 'આઝાદ ફોજ'ની મદદ કરવા માટે ઔપચારિક રીતે જમ્મુ અને કાશ્મીરમાં આવી અને આ રીતે પાકિસ્તાન-ભારત વચ્ચે પ્રથમ યુદ્ધ શરૂ થયું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.