કંચનજંઘા ઍક્સપ્રેસને માલગાડીએ પાછળથી ટક્કર મારી, કમસે કમ 9નાં મોત

દાર્જિલિંગના ન્યૂ જલપાઈગુડી પાસે એક માલગાડી કંચનજંઘા ઍક્સપ્રેસ સાથે ટકરાઈ છે.

આ દુર્ઘટનામાં કમસે કમ નવ લોકોનાં મોત થયાં છે.

નૉર્થ ફ્રન્ટિયર રેલવે પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું કે કુલ નવ લોકોનાં મૃત્યુ થયાં છે જ્યારે કે 46 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતને કારણે 8 ટ્રેન રદ થઈ જ્યારે કે 24 ટ્રેનના રૂટ બદલાયા છે.

રેલવેના જણાવ્યા પ્રમાણે મૃતકોમાં ત્રણ રેલવે કર્મચારીઓ પણ છે.

જોકે સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, આ દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા વધીને 15 થઈ ગઈ છે. ઈજાગ્રસ્તોની સંખ્યા 20થી વધીને 60 થઈ ગઈ છે.

રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ દાર્જિલિંગ જવા રવાના થઈ ગયા છે.

પશ્ચિમ બંગાળના સિયાલદહ જઈ રહેલી કંચનજંઘા ઍક્સપ્રેસની ન્યૂ જલપાઈગુડી પાસે એક માલગાડી સાથે અથડામણ થઈ હતી.

આ દુર્ઘટના સોમવારે સવારે નવ વાગ્યા આસપાસ ઘટી હતી.

ઘટનાસ્થળની તસવીરોથી ખબર પડે છે કે માલગાડીની ટક્કર બાદ કંચનજંઘા ઍક્સપ્રેસ ટ્રેનના પાછળનો ભાગ હવામાં ઝૂલવા લાગ્યો હતો.

રેલવે બૉર્ડનાં અધ્યક્ષા જયા વર્માના જણાવ્યાં અનુસાર માલગાડીએ સિગ્નલ તોડીને કંચનજંઘા ઍક્સપ્રેસને પાછળથી ટક્કર મારી. આ ટક્કરને કારણે કંચનજંઘા ઍક્સપ્રેસની પાછળ રહેલા ગાર્ડનાં ડબ્બા અને બે પાર્સલ વૅનને પણ નુકસાન થયું છે.

દાર્જિલિંગના ઍડિશનલ એસપી અભિષેક રૉયે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું, “કંચનજંઘા ઍક્સપ્રેસ ઊભી હતી અને માલગાડીએ પાછળથી આવીને ટ્રેનને ટક્કર મારી હતી. ત્રણ ડબ્બા પાટા પરથી નીચે ઊતરી ગયા છે. ઈજાગ્રસ્તોને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.”

રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે એનડીઆરએફ અને એસટીઆરએફ એક સાથે કામ કરી રહ્યા છે અને રેસ્ક્યુ ઑપરેશન યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.

તેમણે ઍક્સ પર લખ્યું, “એનએફઆર ઝોનમાં એક દુર્ઘટનાપૂર્ણ અકસ્માત થયો છે. રેસ્ક્યુ ઑપરેશન યુદ્ધના ધોરણે ચાલુ છે. રેલવે, એનડીઆરએફ અને એસડીઆરએફ સાથે મળીને બચાવકાર્ય કરી રહ્યાં છે. ઈજાગ્રસ્તોને હૉસ્પિટલ પહોંચાડાઈ રહ્યા છે અને વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળ પર હાજર છે.”

નૉર્ધન રેલવેએ હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા છે.

હેલ્પલાઇન નંબર- લુમડિંગ સ્ટેશન

  • 03674263958
  • 03674263831
  • 03674263120
  • 03674263126
  • 03674263858

હેલ્પલાઇન નંબર- ગુવાહાટી સ્ટેશન

  • 03612731621
  • 03612731622
  • 03612731623

હેલ્પલાઇન નંબર- કટિહાર

  • 09002041952
  • 9771441956

વડા પ્રધાન મોદીએ દુર્ઘટના વિશે શું કહ્યું?

આ દુર્ઘટના વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું, "પશ્ચિમ બંગાળમાં થયેલી રેલદુર્ઘટના દુખદ છે. જે લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઈજાગ્રસ્ત લોકો જલદી સ્વસ્થ થાય. હું અધિકારીઓના સંપર્કમાં છું અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. અસરગ્રસ્ત લોકો માટે બચાવકાર્ય ચાલી રહ્યું છે. રેલમંત્રી ઘટનાસ્થળ પણ પહોંચી રહ્યા છે."

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પણ ઍક્સ પર લખ્યું, "ટ્રેનદુર્ઘટનામાં લોકોના જીવ ગુમાવ્યાના સમાચાર ખૂબ જ તકલીફદાયક છે. પીડિતોના પરિવાર સાથે મારી પ્રાર્થના અને સંવેદનાઓ છે. હું પ્રાર્થના કરું છું કે ઈજાગ્રસ્તો જલદી સ્વસ્થ થાય અને બચાવકાર્ય સફળ રહે."

તો રાજ્યનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ કહ્યું હતું કે દાર્જિલિંગના ફાંસીદેવા વિસ્તારમાં એક રેલદુર્ઘટના વિશે જાણીને ખૂબ જ દુખ થયું. વિસ્તૃત જાણકારની રાહ જોવાઈ રહી છે. કહેવાઈ રહ્યું છે કે કંચનજંઘા ઍક્સપ્રેસને એક માલગાડીએ ટક્કર મારી દીધી. બચાવકાર્ય અને લોકોને હૉસ્પિટલ ખસેડવા માટે ડીએમ, એસપી, ડૉક્ટર, એમ્બ્યુલન્સો ઘટનાસ્થળ પર છે.