You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મનમોહનસિંહ : પાકિસ્તાનના નાનકડા ગામના 'મોહના', જેમની બાળપણના મિત્રો રાહ જોતા રહ્યા
- લેેખક, વકાર મુસ્તફા
- પદ, પત્રકાર અને સંશોધક, બીબીસી માટે
'ગાહ'ના મોહના આપણી વચ્ચે નથી રહ્યા... મોટા ઝાડ નીચે ગિલ્લી-ડંડો અને કબડ્ડી રમતા તેમના બાળપણના મિત્રો તેમને આ જ નામે બોલાવતા હતા.
જ્યારે તેઓ 1932માં બ્રિટિશ આધિપત્ય હેઠળના ભારતમાં ઝેલમના ગામડામાં કાપડના દુકાનદાર ગુરમુખસિંહ અને તેમનાં પત્ની અમૃતકોરને ત્યાં જન્મ્યા ત્યારે તેમનું નામ મનમોહનસિંહ રાખવામાં આવ્યું હતું.
આજે આ ગામ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદથી 100 કિમી દક્ષિણ-પૂર્વમાં આવેલા ચકવાલ જિલ્લામાં આવેલું છે.
જ્યારે વર્ષ 2004માં મનમોહનસિંહ ભારતના વડા પ્રધાન બન્યા અને પછી દસ વર્ષ સુધી તેઓ આ પદ પર રહ્યા અને તેમણે અનેક આર્થિક સુધારા કર્યા.
આ વર્ષોમાં તેમના ગામના સાથી એવા શાહ વલી અને મોહમ્મદ અલીના દિલોમાં જાણે કે મનમોહનસિંહ સાથે વિતાવેલા દિવસોની યાદો હિલોળા લેતી હતી.
'હું આજે જે પણ છું, એ શિક્ષણને કારણે જ છું'
સમાજશાસ્ત્રના વિશેષજ્ઞ જ્યૉર્જ મેથ્યૂએ વર્ષ 2004માં જ ગાહની મુલાકાત લીધી હતી.
'ટ્રિબ્યૂન ઇન્ડિયા'માં લખાયેલા લેખ અનુસાર, ત્યાંની શાળામાં મનમોહનસિંહનો નંબર 187 હતો, અને પિતાનું નામ ગુરમુખસિંહ, જાતિ (પંજાબી ખત્રી) કોહલી, વ્યવસાય દુકાનદાર અને ઍડમિશનની તારીખ 17 એપ્રિલ, 1937 નોંધાયેલી છે.
ગામમાં મનમોહનસિંહના મિત્ર શાહ વલીએ જ્યૉર્જ મેથ્યૂને કહ્યું હતું કે બે કાચા ઓરડાવાળી એક શાળા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શાહ વલીએ કહ્યું, "અમારા શિક્ષક દોલતરામ હતા અને હેડમાસ્તર અબ્દુલ કરીમ હતા. છોકરીઓ અને છોકરાઓ સાથે ભણતાં હતાં."
'ટ્રિબ્યુન પાકિસ્તાન'માં છપાયેલા એક લેખ અનુસાર તેમના મિત્ર ગુલામ મોહમ્મદ ખાને ન્યૂઝ એજન્સી એએફપીને કહ્યું, "મોહનો અમારી ક્લાસનો મૉનિટર હતો અને અમે સાથે રમતા હતા."
તેમણે કહ્યું, "તેઓ એક શિષ્ટ અને તેજસ્વી બાળક હતા. અમારા શિક્ષક હંમેશાં અમને સલાહ આપતા હતા કે જો અમને કંઈક સમજાતું ન હોય તો તેમની મદદ લેવી."
ચોથું ધોરણ પાસ કર્યા પછી, મનમોહન તેમના પરિવાર સાથે તેમના ગામથી 25 કિલોમીટર દૂર ચકવાલમાં રહેવા ગયા અને 1947માં બ્રિટિશ ઇન્ડિયાના ભારત અને પાકિસ્તાનમાં ભાગલા થયા, તેના થોડા સમય પહેલાં જ અમૃતસર જતા રહ્યા હતા.
એ પછી શાહ વલી અને મનમોહનસિંહની ક્યારેય મુલાકાત ન થઈ. જોકે, મનમોહનસિંહે વર્ષ 2008માં તેમના બાળપણના મિત્ર રાજા મોહમ્મદ અલી ખાનને જમવાનું આમંત્રણ આપ્યું હતું. રાજા મોહમ્મદ અલીનું વર્ષ 2010માં મૃત્યુ થઈ ગયું.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ પ્રમાણે, રાજા મોહમ્મદ અલી તેમના બાળપણના ગોઠિયા 'મોહના' માટે શાલ, ચકવાલી જૂતાં અને ગામનાં માટી-પાણી લાવ્યાં હતાં.
મનમોહનસિંહે તેમને પાઘડી અને વેલ-બુટ્ટાના કામવાળી શાલ વળતી ભેટમાં આપ્યાં હતાં.
સત્તા સંભાળ્યાના થોડા સમય પછી મનમોહનસિંહે પાકિસ્તાનના તત્કાલીન શાસક જનરલ પરવેઝ મુશર્રફને પત્ર લખ્યો હતો, જ્યાં તેમના 'ગાહ' ગામની પ્રગતિ માટે પ્રયાસ કરવા વિનંતી કરી હતી.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ પ્રમાણે, પહેલી એપ્રિલ 2010ના ડૉ. મનમોહનસિંહે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું, જેમાં અસાધારણ રીતે ભાવનાત્મક થઈને તેમણે કહ્યું હતું કે તેમણે ઘાસલેટના દીવાના અજવાળે બાળપણનું ભણતર પૂરું કર્યું છે.
ડૉ. સિંહે અવાજમાં ધ્રૂજારી સાથે કહ્યું હતું, "હું આજે જે કંઈ છું, તે મારા ભણતરને કારણે છું."
ગાહાના મિત્રોની રાહ અને અધૂરી ઇચ્છા
મનમોહનસિંહે વિદેશમાં કૅમ્બ્રિજ અને પછી ઑક્સફૉર્ડમાં અભ્યાસ કર્યો, એ પહેલાં ભારતમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો.
મનમોહનસિંહ વર્ષ 1991માં ભારતના નાણામંત્રી બન્યા ત્યારે અર્થતંત્ર પડી ભાંગવાની અણી પર હતું, જેને ઉગારવાનું શ્રેય તેમને આપવામાં આવે છે.
એ પછી વર્ષ 2007માં તેમના વડા પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન ભારતે તેનો સર્વોચ્ચ જીડીપીનો (ગ્રૉસ ડૉમેસ્ટિક પ્રોડક્શન) સર્વોચ્ચ દર હાંસલ કર્યો.
ગાહ ગામના અન્ય મિત્રો મનમોહનસિંહના પાકિસ્તાનપ્રવાસની રાહ જોઈ રહ્યા હતા. તેઓ બાળપણના મિત્રને મળવા માગતા હતા. પાકિસ્તાને મનમોહનસિંહને ત્યાં આવવાનું આમંત્રણ આપ્યું હતું, જેનો તેમણે સ્વીકાર પણ કર્યો હતો, જોકે કોઈ કારણસર તેઓ જઈ શક્યા ન હતા.
આ મિત્રોને આશા હતી કે 'મોહના' આવશે, કારણ કે મનમોહનસિંહનાં પત્ની ગુરશરણસિંહનો પરિવાર પણ વિભાજન પહેલાં પંજાબના ઝેલમ જિલ્લાના ઢક્કુ ગામ ખાતે રહેતો હતો.
ભારત અને પાકિસ્તાનના નેતાઓ અજબ વલણ ધરાવે છે. તેમને મળવું હોય તો કોઈ પણ બહાનું શોધી લે અને ન મળવું હોય તો પાસેથી પસાર થવા છતાં એકબીજા સાથે આંખ પણ નથી મિલાવતા.
સાઉથ એશિયન ઍસોસિયેશન ફૉર રિજનલ કૉ-ઑપરેશનનું (સાર્ક) 16મું સંમેલન વર્ષ 2010માં ભૂતાન ખાતે મળ્યું હતું.
દક્ષિણ એશિયાના પત્રકારોની કૉન્ફરન્સમાં સામેલ થવા માટે હું પણ ત્યાં ગયો હતો.
'સાર્ક'ના અન્ય સભ્યદેશોનું કહેવું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદ થાય અને વાતચીત ન થાય એટલે દક્ષિણ એશિયાના વિકાસમાં અવરોધ ઊભો થાય છે. તેમણે પોતાની આ ભાવનાઓને એ બેઠકમાં મારી સમક્ષ મુક્ત રીતે રજૂ કરી હતી.
કદાચ એટલે જ યજમાન ભૂતાને રાજધાની થિમ્પુમાં ઊભા કરાયેલા 'સાર્ક વિલેજ'માં ભારતના વડા પ્રધાન મનમોહનસિંહ તથા પાકિસ્તાનના વડા પ્રધાન યુસૂફ રઝા ગિલાનીને બે માળના વિલામાં પાડોશી બનાવ્યા હતા.
કદાચ તેમને આશા હતી કે બે દિવસના રોકાણ દરમિયાન હિમાલયની ગોદમાં પ્રફુલ્લિત વાતાવરણમાં ક્યારેક તેઓ આવતાં-જતાં સામસામે મળી જશે, એકબીજાના હાલચાલ પૂછશે.
થિમ્પુના ટૅબ્લૉઇડ 'ભૂતાન ટુડે'ના અહેવાલ અનુસાર સિંહ અને ગિલાની વચ્ચે કમસે કમ પાડોશીઓ તરીકે મુલાકાત કરાવવા માટે જૂની અને ગ્રામીણ, પરંતુ અસરકારક ભૂતાની પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પરંતુ બંને વડા પ્રધાનોએ આ પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો. તેમણે નહોતું મળું તે ન જ મળ્યા.
એટલે સુધી કે 'સાર્ક' દેશના રાષ્ટ્રાધ્યક્ષોએ એક દિવસ કહેવું પડ્યું હતું કે ઢળતી સાંજે બંને નેતા એક બાજુ થઈને આંટો મારી લે.
એ પછી 'સાર્ક'ની પ્રેસ રિલીઝ પ્રમાણે, તેમની જીદને પગલે ભારત અને પાકિસ્તાનના વડા પ્રધાનો સાર્ક વિલેજમાં એકસાથે ટહેલ્યા હતા અને વાતચીત કરી હતી.
એ પછી મનમોહનસિંહ તથા ગિલાની વચ્ચે મુલાકાત થઈ અને પરસ્પર વિશ્વાસને પુનઃસ્થાપિત કરવા માટે વાતચીતનાં દ્વાર ખુલ્લાં રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો.
સંબંધ સુધારવાની અધૂરી ઇચ્છા
એ સમયે ભારતીય જનતા પાર્ટી વિપક્ષમાં હતી. તેણે સિંહ તથા કૉંગ્રેસ પ્રત્યે નરમ વલણ અપનાવવાનો આરોપ મૂક્યો હતો.
જાન્યુઆરી-2014માં ડૉ. મનમોહનસિંહ તેમની છેલ્લી પ્રેસ-કૉન્ફરન્સ સંબોધી, જેમાં તેમણે કહ્યું કે તેમની સરકાર અને પરવેઝ મુશર્રફની સરકાર કાશ્મીર મુદ્દે શાંતિકરારની એકદમ નજીક પહોંચી ગયા હતા, પરંતુ એ પછી 2008ના મુંબઈ હુમલા થઈ ગયા.
સિંહનું માનવું હતું કે જો ભારતે તેની આર્થિક મહત્ત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવી હોય તો તેણે કાશ્મીરની સમસ્યાને ઉકેલવી રહી.
મુશર્રફના નિર્ગમન પછી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આશિફ અલી ઝરદારી અને મનમોહનસિંહ વચ્ચે ન્યૂયૉર્કમાં મુલાકાત થઈ.
વર્ષ 2011માં પાકિસ્તાનના તત્કાલીન વડા પ્રધાન યુસૂફ રઝા ગિલાનીને પંજાબના મોહાલી ખાતે યોજાયેલી ક્રિકેટ વર્લ્ડકપ મૅચ જોવાનું આમંત્રણ આપ્યું હતું.
પત્રકાર અભિક બર્મને લખ્યું કે ક્રિકેટમાં ભારતે મહેમાન દેશ પાકિસ્તાનને પરાજય આપ્યો, પરંતુ 'ક્રિકેટ ડિપ્લોમસી'ના ક્ષેત્રે બંને દેશ વિજયી થયા હતા.
સિંહ અને ગિલાનીએ ક્રિકેટ મૅચ તથા એ પછીના ડિનર દરમિયાન સતત આઠ કલાક એકબીજા સાથે વાતચીત કરી હતી.
ભારતના તત્કાલીન વિદેશમંત્રી એસ.એમ. કૃષ્ણા તથા પાકિસ્તાનના એ સમયના વિદેશમંત્રી રહમાન મલિક વચ્ચે વર્ષ 2012માં વિઝાકરાર પર હસ્તાક્ષર થયા હતા.
આ સંધિને કારણે બંને દેશના નાગરિકો વચ્ચે એકબીજા દેશની મુલાકાત લેવા માટે વિઝા મેળવવાની પ્રક્રિયા સરળ બની.
એજ વર્ષે પંજાબ અને બિહાર રાજ્યોના રાજકારણીઓના પ્રતિનિધિમંડળે પાકિસ્તાનની મુલાકાત લીધી.
વર્ષ 2013માં મનમોહનસિંહ તથા પાકિસ્તાનના તત્કાલીન વડા પ્રધાન નવાઝ શરીફની વચ્ચે સંયુક્ત રાષ્ટ્રસંઘની જનરલ ઍસેમ્બલીમાં મુલાકાત થઈ.
ન્યૂયૉર્ક ખાતેની આ મુલાકાત દરમિયાન બંનેએ એકબીજાના દેશોની મુલાકાત કરવાના આમંત્રણનો સ્વીકાર કર્યો, પરંતુ કોઈ તારીખ નક્કી નહોતી થઈ.
મે-2013માં નવાઝ શરીફ પાકિસ્તાનના વડા પ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યા હતા. આ તેમની પહેલી પ્રત્યક્ષ મુલાકાત હતી. એ પછીની સાલ મનમોહનસિંહ સરકારના કાર્યકાળનું છેલ્લું વર્ષ હતું.
વર્ષ 2019માં મનમોહનસિંહ પાકિસ્તાન પહોંચ્યા, પરંતુ 'એક સામાન્ય નાગરિક' તરીકે. તેઓ શીખોના પવિત્રસ્થાન કરતારપુરની જાત્રાએ પહોંચેલા પહેલા સમૂહમાં સામેલ હતા.
શીખોના પવિત્ર ગુરુદ્વારા દરબારસાહેબથી ભારતના ડેરા બાબા નાનક સુધીના માર્ગને કૉરિડૉર તરીકે ખુલ્લો મુકાયો હતો.
મનમોહનસિંહે આશા વ્યક્ત કરી હતી કે 'કરતારપુર મૉડલ' ભવિષ્યમાં બે દેશો વચ્ચેના વિવાદોને ઉકેલવામાં મદદ કરી શકે છે.
મનમોહનસિંહનું કહેવું હતું, "ખુશાલ ભાવિને સુનિશ્ચિત કરવા માટે શાંતિ અને સદ્દભાવના જ આગળ વધવા માટેનો એકમાત્ર માર્ગ છે."
જોકે, પાકિસ્તાનમાં પોતાના જન્મસ્થળની મુલાકાત લેવાની 'મોહના'ની ઇચ્છા અધૂરી રહી જવા પામી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન