હિંડનબર્ગના નવા રિપોર્ટમાં અદાણી બાદ સેબીનાં ચૅરપર્સન વિશે મોટો દાવો, જાણો શું છે આરોપ

અમેરિકાના શૉર્ટ સેલર ફંડ હિંડનબર્ગ રિસર્ચે પોતાના એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે સેબીનાં ચૅરપર્સન માધવી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચની "અદાણી મની સાઇફનિંગ ગોટાળા" માટે ઉપયોગ કરવામાં આવેલા ઑફશોર ફંડમાં ભાગીદારી છે.

હિંડનબર્ગ તરફથી જાહેર કરવામાં આવેલા આ રિપોર્ટને વિશે સેબીનાં ચૅરપર્સન માધવી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચે નિવેદન જાહેરી કરીને પોતાનો પક્ષ રાખ્યો હતો અને આરોપોને ફગાવ્યા હતા.

બંનેએ એક સંયુક્ત નિવેદન જાહેર કરીને કહ્યું, "આ આરોપોમાં કોઈ સત્ય નથી. અમારું જીવન અને નાણાકીય લેવડ-દેવડ જગજાહેર છે."

હિંડનબર્ગ રિપોર્ટમાં શું છે?

હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સેબીનાં ચૅરપર્સનની એ ઑફશોર કંપનીઓમાં ભાગીદારી હતી જે કંપનીઓનો ઉપયોગ અદાણી ગ્રૂપની કથિત નાણાકીય ગેરરીતિમાં થયો હતો.

રિપોર્ટમાં આપેલી માહિતી પ્રમાણે, સેબીએ અદાણીની શેરહોલ્ડર કંપનીઓ પર કોઈ કાર્યવાહી કરી નથી. ઇન્ડિયા ઇન્ફોલાઇનની ઈએમ રિસર્જન્ટ ફંડ અને ઇન્ડિયા ફોક્સ ફંડ આ કંપનીઓને સંચાલિત કરે છે.

હિંડનબર્ગ રિપોર્ટમાં જણાવ્યું કે સેબીનાં અધ્યક્ષના હિતોના આ ટકરાવને કારણે માર્કેટ રેગ્યુલેટરની પારદર્શિતા પર પ્રશ્નો ઊભા થયા છે. સેબીના નેતૃત્વને લઈને રિપોર્ટમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

હિંડનબર્ગ કહ્યું છે કે અદાણી ગ્રૂપની નાણાકીય ગેરરીતિઓમાં સામેલ ઑફશોર ફંડ તદ્દન અસ્પષ્ટ છે અને તેની રચના જટિલ છે.

રિપોર્ટમાં માધવી પુરી બુચના ખાનગી હિત અને માર્કેટ રેગ્યુલેટર તરીકે તેમની ભૂમિકાઓ પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હિન્ડનબર્ગ રિસર્ચે કહ્યું કે સેબીએ અદાણી ગ્રૂપ વિશે જે તપાસ કરી છે તેની વ્યાપકપણે તપાસ થવી જોઈએ.

હિંડનબર્ગ રિસર્ચે કહ્યું કે વ્હિસલબ્લોઅર પાસેથી મળેલા દસ્તાવેજો પ્રમાણે સેબીમાં માધવી પુરી બુચની નિમણૂકનાં થોડાંક અઠવાડિયાં પછી જ તેમના પતિ ધવલ બુચે મૉરેશિયસના ફંડ પ્રશાસક ટ્રિડેન્ટ ટ્રસ્ટને મેલ કર્યો હતો. આ મેલમાં તેમની અને તેમનાં પત્નીના ગ્લોબલ ડાયનેમિક ઑપ્ચર્યૂનિટીઝ ફંડમાં રોકાણનો ઉલ્લેખ હતો.

હિંડનબર્ગ અને અદાણી વિવાદ વિશે વધુ વાંચો

સેબીનાં ચૅરપર્સન માધવી પુરી બુચે આરોપો નકાર્યા

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ પ્રમાણે, માધવી બુચ અને તેમના પતિએ કહ્યું, "અમે એ જણાવવા માગીએ છીએ કે અમારા ઉપર લગાવેલા ખોટા આરોપોનું અમે ખંડન કરીએ છીએ."

તેમણે કહ્યું, "અમારું જીવન અને નાણાકીય હિસાબ જગજાહેર છે અને છેલ્લાં કેટલાંક વર્ષોમાં સેબીને બધી જ જરૂરી જાણકારી આપવામાં આવી છે."

માધવી પુરી બુચ અને તેમના પતિએ કહ્યું, "અમને બીજા કોઈ નાણાકીય દસ્તાવેજો વિશે ખુલાસો કરવામાં કોઈ તકલીફ નથી, જેમાં અમે સામાન્ય નાગરિક હતા તે સમયના દસ્તાવેજો પણ સામેલ છે."

તેમણે કહ્યું કે, "આ મામલે સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે તે માટે અમે યોગ્ય સમયે આખું નિવેદન જાહેર કરીશું."

તેમણે કહ્યું, "સેબીએ હિંડનબર્ગ રિસર્ચ વિરુદ્ધ અમલીકરણની કાર્યવાહી કરી હતી અને કારણ બતાવો નોટિસ પણ આપી હતી. હિંડનબર્ગ રિસર્ચ તેના જવાબમાં નામ ખરાબ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે."

અદાણી જૂથે શું કહ્યું?

હિંડનબર્ગના આ રિપોર્ટ પર અદાણી જૂથે એક નિવેદનમાં કહ્યું છે કે, "હિંડનબર્ગ તરફથી લગાવવામાં આવેલા નવા આરોપોમાં દુર્ભાવના અને દુષ્ટતાપૂર્ણ રીતે જાહેરમાં ઉપલબ્ધ જાણકારીને પસંદ કરવામાં આવી છે. એટલે ખાનગી લાભ માટે પહેલાંથી નક્કી કરેલાં નિષ્કર્ષ પર પહોંચી શકાય. આ તથ્યો અને કાયદાનું પૂર્ણ રીતે ઉલ્લંધન છે."

નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે, "અમે અદાણી જૂથ પર લગાવવામાં આવેલા આક્ષેપોને પૂર્ણ રીતે નકારીએ છીએ. આ આરોપો એ આધારવિહીન દાવાઓની રિસાઇકલિંગ છે જેની પૂર્ણ રીતે તપાસ થઈ ચૂકી છે. આ આરોપોને જાન્યુઆરી 2024માં સુપ્રીમ કોર્ટ તરફથી પહેલાં જ ફગાવી દેવામાં આવ્યા છે."

આની પહેલાં કૉંગ્રેસે એક નિવેદનમાં અદાણી મામલામાં ઉચ્ચ અધિકારીઓનું કથિત મળતિયાપણું ઉજાગર કરવા માટે જેપીસીના ગઠનની માગ કરી હતી.

હિંડનબર્ગ રિપોર્ટ પર વિપક્ષની પ્રતિક્રિયા

કૉંગ્રેસ હિંડનબર્ગ રિસર્ચના નવા રિપોર્ટ વિશે કહ્યું કે અદાણી મેગા સ્કૅમની મોટાપાયે તપાસ કરવા માટે સંયુક્ત સંસદીય સમિતિ બનાવવી જોઈએ.

તૃણમૂલ કૉંગ્રેસે સેબી પ્રમુખ માધવી બુચના રાજીનામાની માગણી કરી હતી.

કૉંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું, "આ કારણે 2022માં માધવી પુરી બુચ સેબીનાં ચેરપર્સન બન્યાં પછી તેમની અદાણી સાથે થયેલી મુલાકાત પર સવાલો ઊભા થાય છે. તમને યાદ અપાવીએ છીએ કે તે સમયે સેબી અદાણીની લેવડ-દેવડ સાથે જોડાયેલા મામલાની તપાસ કરી રહ્યું હતું."

ટીએમસીના પ્રવક્તાએ કહ્યું, "સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ પેન્ડિંગ તપાસને ધ્યાનમાં રાખીને, સેબીનાં અધ્યક્ષને તાત્કાલિક સસ્પેન્ડ કરવાં જોઈએ અને તેમને અને તેમના પતિને દેશ છોડતા અટકાવવા માટે તમામ ઍરપોર્ટ અને ઇન્ટરપોલ પર લુકઆઉટ નોટિસ બહાર પાડવી જોઈએ."

હિંડનબર્ગ રિસર્ચના નવા રિપોર્ટ પર ટીએમસી નેતા મહુઆ મોઇત્રાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સેબીની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યો હતો.

મહુઆ મોઇત્રાએ લખ્યું, "સેબીનાં ચૅરપર્સનની અદાણી જૂથમાં રોકાણકાર હોવાની વાત સેબી માટે ટકરાવ અને સેબી પર કબજો બંને છે. વેવાઈ સિરિલ શ્રૉફ કૉર્પોરેટ ગવર્નેન્સ કમિટીમાં છે. કોઈ આશ્ચર્યની વાત નથી કે સેબીને મોકલેલી બધી જ ફરિયાદો સાંભળવામાં આવતી નથી."

મહુઆ મોઇત્રા બીજી એક પોસ્ટમાં કહ્યું, "આ ચૅરપર્સનના નેતૃત્વમાં સેબી વડે અદાણી પર કરવામાં આવી રહેલી કોઈ પણ તપાસ પર ભરોસો ન કરી શકાય. આ સૂચના સાર્વજનિક થયાં પછી સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણય પર ફરીથી વિચાર કરવો જોઈએ."

મહુઆએ કહ્યું, "સેબીનાં ચૅરપર્સન અદાણી જૂથમાં રોકાણકાર છે." મહુઆએ સીબીઆઈ અને ઈડીને ટૅગ કરીને લખ્યું કે તમે લોકો પીઓસીએ અને પીએમએલએનો મામલો દાખલ કરશો કે નહીં.

હિંડનબર્ગ રિસર્ચનો આ રિપોર્ટ તેમણે અદાણી જૂથ પર જાહેર કરેલા રિપોર્ટના 18 મહિના પછી આવ્યો છે. આ પહેલાં હિંડનબર્ગ જાન્યુઆરી 2023માં અદાણી પર જાહેર કરેલા રિપોર્ટને કારણે રાજકીય તોફાન ઊભું થયું હતું.

હિંડનબર્ગે તે રિપોર્ટમાં અદાણી જૂથ પર "શેરબજારમાં હેરાફેરી" અને "અકાઉન્ટિંગમાં છેતરપિંડી"નો આરોપ લગાવ્યો હતો.

જોકે, અદાણી જૂથે આ આરોપોને ફગાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે સીબીઆઈ અથવા કોર્ટની દેખરેખ હેઠળ તપાસની માંગણીને ફગાવી હતી.

અદાણી જૂથે ત્યાર બાદ કહ્યું હતું કે "સત્યનો વિજય થયો".

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.