You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેની વનડે શ્રેણી બન્ને ટીમ માટે મહત્ત્વની કેમ?
- લેેખક, અર્ણવ વસાવડા
- પદ, બીબીસી ગુજરાતી
- ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે વનડે મૅચ શ્રેણી શુક્રવારથી શરૂ થશે
- આઇસીસી રૅન્કિંગમાં ટોચના સ્થાને બિરાજેલી આ બંને ટીમો વચ્ચેનો મુકાબલો જોવો એ રસપ્રદ રહેશે
- આ વર્ષના અંતે યોજાનાર ક્રિકેટ વિશ્વકપ અગાઉ પોતાની ક્ષમતા ચકાસવા માટે આ સિરીઝ ભારત પાસે રહેલી સુવર્ણ તક સમાન છે
ઈજાગ્રસ્ત ખેલાડી, નિરાશાજનક દેખાવનું ભારણ અને ટીમમાંથી અંદર-બહાર થવાની ચિંતા સાથે ભારતીય ક્રિકેટ ટીમ ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ શુક્રવારથી ત્રણ મૅચોની વનડે સિરીઝ રમવા માટે મેદાને ઊતરશે.
આ વર્ષના અંતે યોજાનાર ક્રિકેટ વિશ્વકપ અગાઉ પોતાની ક્ષમતા ચકાસવા માટે આ સિરીઝ ભારત પાસે રહેલી સુવર્ણ તક સમાન છે.
નોંધનીય છે કે ભારતે તાજેતરમાં જ ચાર મૅચોની બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીમાં મહેમાન ઑસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું હતું.
હવે મહેમાન ટીમ પોતાના ભારતપ્રવાસને આગળ વધારતાં ત્રણ મૅચોની વનડે મૅચની શ્રેણી રમશે.
વિશ્વની બે મજબૂત ટીમો મનાતી ભારત અને ઑસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમો માટે વિશ્વકપની તૈયારી માટે આ સિરીઝ મહત્ત્વની મનાઈ રહી છે.
વનડે સિરીઝની મૅચો ક્યાં યોજાશે?
ભારત કે ઑસ્ટ્રેલિયા કોનું પલ્લું ભારે?
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) વનડે રૅન્કિંગની વાત કરીએ તો ભારત 114 રેટિંગ સાથે પ્રથમ ક્રમાંકે છે.
જ્યારે ઑસ્ટ્રેલિયા 112 રેટિંગ સાથે આ યાદીમાં બીજા નંબરે છે.
આ પરિસ્થિતિમાં આ શ્રેણીનું પરિણામ આગામી સમયમાં રૅન્કિંગમાં ભારત ટૉપ પૉઝિશન પર જળવાઈ રહેશે કે કેમ તે અંગે પણ નિર્ણાયક સાબિત થશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્ષ 2022-23માં ભારતીય ટીમના ઘરઆંગણે પ્રદર્શનની વાત કરીએ તો ભારત ઘરઆંગણે શ્રીલંકા અને ન્યૂઝીલૅન્ડ સામે જીત્યું છે જ્યારે ન્યૂઝીલૅન્ડ અને બાંગ્લાદેશના પ્રવાસ વખતે યોજાયેલ વનડે શ્રેણીમાં હાર્યું છે.
તેમજ વર્ષ 2022-23માં ઑસ્ટ્રેલિયાના પ્રદર્શનની વાત કરીઓ તો તે ઇંગ્લૅન્ડ, ન્યૂઝીલૅન્ડ અને ઝિમ્બામ્બ્વે સામેની વનડે શ્રેણી ઑસ્ટ્રેલિયા જીત્યું છે જ્યારે શ્રીલંકાના પ્રવાસ દરમિયાન ઑસ્ટ્રેલિયા પણ વનડે શ્રેણી હાર્યું છે.
વનડેમાં તાજેતરમાં ભારતના પ્રદર્શનની વાત કરીએ તો તાજેતરમાં ભારતની ક્રિકેટ ટીમે શ્રીલંકા સામે ઘરઆંગણે રમાયેલ વનડે શ્રેણીમાં ત્રીજી મૅચમાં 317 રને જીત મેળવી વનડે ઇતિહાસમાં સૌથી મોટા માર્જિનથી જીતવાનો રેકૉર્ડ સર્જ્યો હતો.
આમ આગામી વનડે શ્રેણીમાં વિશ્વની ટોચની બે ટીમોનો મુકાબલો રસપ્રદ રહેશે એ કહેવામાં કોઈ અતિશયોક્તિ ન કહેવાય.
ભારત-ઑસ્ટ્રેલિયા અને કપ્તાનીની સમસ્યા
વિરાટ કોહલીએ જ્યારથી ભારતીય ક્રિકેટ ટીમની કપ્તાની છોડી છે એ સમયથી માંડીને અત્યાર સુધી ભારતીય ટીમમાં સુકાનીઓ બદલાતા જોવા મળ્યા છે.
અહીં એ વાત નોંધનીય છે કે ભારતીય ટીમના હાલના સ્થાયી કૅપ્ટન રોહિત શર્માની સાથોસાથ સમયાંતરે શિખર ધવન અને કે. એલ. રાહુલ પાસે પણ ટીમની આગેવાની જોવા મળી છે.
કંઈક આવું જ આ શ્રેણીમાં પણ થઈ રહ્યું છે. ભારતીય ટીમના કપ્તાન રોહિત શર્મા પારિવારિક કારણોથી આ સિરીઝમાં પ્રથમ મૅચમાં નથી રમી રહ્યા ત્યારે પ્રથમ વખત ઑલ-રાઉન્ડર હાર્દિક પંડ્યાના હાથમાં ટીમની કમાન જોવા મળશે.
જ્યારે અન્ય બે મૅચોમાં રોહિત શર્મા કપ્તાન તરીકે જોવા મળી શકે છે.
આઇપીએલ અને ટી-20માં ટીમની કપ્તાની સફળતાપૂર્વક નિભાવ્યા બાદ એ જોવું રસપ્રદ હશે કે તેઓ વનડે મૅચમાં પોતાની કમાલ દેખાડી શકશે કે નહીં.
બીજી બાજુ ઑસ્ટ્રેલિયાની ટીમ પણ ભારતની જેમ જ કપ્તાની માટે અલગ અલગ ખેલાડીને જવાબદારી સોંપવી પડી રહી છે.
ઑસ્ટ્રેલિયાની ટીમની કમાન પાછલી પાંચ વનડે શ્રેણીમાં ચાર અલગ અલગ કૅપ્ટન સંભાળી ચૂક્યા છે.
ઍરોન ફિન્ચ સપ્ટેમ્બરમાં નિવૃત્ત થયા તે બાદ કમિન્સને ટીમની કમાન મળી.
જોકે ઇંગ્લૅન્ડ સામેની શ્રેણી દરમિયાન તેમને બીજી મૅચમાં આરામ આપવામાં આવ્યો અને જૉસ હૅઝલવુડે નવેમ્બરમાં કૅપ્ટનનું પદ સંભાળ્યું. અને હવે સ્થાયી કૅપ્ટન પેટ કમિન્સ ઉપલ્બ્ધ નથી.
તેથી 51 મૅચમાં ઑસ્ટ્રેલિયન ટીમની કમાન સંભાળનાર સ્ટીવ સ્મિથને આ જવાબદારી ફરી એક વાર સોંપવામાં આવી છે.
હવે સ્ટીવ સ્મિથનો કૅપ્ટન્સીનો અનુભવ અને હાર્દિક પંડ્યાનો ઑલ રાઉન્ડ દેખાવ કઈ રીતે પોતપોતાની ટીમને ફાયદો પહોંચાડશે એ પણ શુક્રવારથી શરૂ થનારી વનડે શ્રેણીમાં જોવાલાયક પાસું હશે.
ખેલાડીઓની ઈજા બન્ને ટીમ માટે માથાનો દુખાવો સાબિત થશે?
ભારતીય ટીમના સ્ટાર ખેલાડી જસપ્રીત બુમરાહ પહેલેથી જ ઈજાના કારણે આવનારા જૂન મહિના સુધી ટીમની બહાર છે.
તેમજ બૉર્ડર-ગવાસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મૅચ દરમિયાન ભારતીય ક્રિકેટર શ્રેયર અય્યર ઈજાગ્રસ્ત થતાં અહેવાલોમાં આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે તેઓ પણ શુક્રવારથી શરૂ થનારી વનડે મૅચ માટે ઉપ્લબ્ધ નહીં હોય.
આમ, આગામી મૅચોમાં તેમની જગ્યાએ ભારતીય ટીમ મૅનેજમૅન્ટ કોને સ્થાન આપે છે એ જોવું રહ્યું.
બીજી બાજુ ઑસ્ટ્રેલિયાના મહત્ત્વપૂર્ણ બૉલર હૅઝલવુડ પણ ઈજાગ્રસ્ત હોવાના કારણે ઑસ્ટ્રેલિયાના પ્લૅઇંગ ઇલેવનમાંથી બહાર છે.
આક્રમક ઑલ રાઉન્ડર મૅક્સવેલ પણ ગત નવેમ્બર મહિનાથી ઈજાગ્રસ્ત હોવાના કારણે ટીમની બહાર છે અને મીડિયા અહેવાલોનું માનીઓ તો મૅક્સવેલ ઑસ્ટ્રેલિયા માટે ત્રણ
મૅચમાં કઈ રીતે ઉપ્લબ્ધ થઈ શકશે એ વાત અસ્પષ્ટ છે.
આમ, બન્ને ટીમ એક જેવા પડકારો સાથે રમતમાં ઊતરશે, ત્યારે બંને ટીમો વચ્ચે રસપ્રદ હરીફાઈ યોજાશે એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.