મણિપુરમાં ફરી હિંસાનો માહોલ, ધારાસભ્યનું ઘર સળગાવ્યું

    • લેેખક, ચંદનકુમાર જજવાડે
    • પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી

ભારતનું ઉત્તર-પૂર્વનું રાજ્ય મણિપુર ફરી એક વાર હિંસાગ્રસ્ત બની ચૂક્યું છે. શનિવારે થયેલી હિંસામાં ઇમ્ફાલ ખીણમાં અનેક મંત્રીઓ અને ધારાસભ્યોના ઘર પર પણ હુમલો થયો છે અને વાહનોમાં આગ લગાવી દેવાઈ હતી.

મણિપુર પોલીસે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર કહ્યું હતું કે, “ઇમ્ફાલમાં ગુસ્સે થયેલી ભીડે રાજ્યના ચૂંટાયેલા ધારાસભ્યો સહિત અનેક જનપ્રતિનિધિઓનાં ઘર અને સંપત્તિને નિશાન બનાવ્યાં છે. પોલીસે ભીડને વિખેરવા માટે ટીયરગૅસના શેલ છોડવા પડ્યા હતા.”

પોલીસની આ કાર્યવાહીમાં આઠ લોકોને ઈજા થઈ છે. સ્થાનિક પ્રશાસને પરિસ્થિતિને જોતાં રાજધાની ઇમ્ફાલ સહિત અનેક વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવી દીધો છે. તે સિવાય અનેક વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે.

સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે શનિવારે મણિપુર સરકારે કેન્દ્ર સરકારને રાજ્યનાં છ પોલીસસ્ટેશનના વિસ્તારોમાં આફસ્પા (આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ ઍક્ટ)ને હઠાવવાનો આગ્રહ પણ કર્યો છે.

આફસ્પા એક વિશેષ કાયદો છે જેમાં અશાંત ક્ષેત્રોમાં સાર્વજનિક વ્યવસ્થાને જાળવી રાખવા માટે સશસ્ત્રબળોને ખાસ શક્તિઓ આપવામાં આવી છે. આ કાયદાનો ઉપયોગ કરીને સશસ્ત્ર બળો કોઈ પણ વિસ્તારમાં પાંચ કે પાંચ કરતાં વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ મૂકી શકે છે.

જો સશસ્ત્રદળોને એમ લાગે કે કોઈ વ્યક્તિ કાયદાનો ભંગ કરી રહી છે તો તેને ચેતવણી આપ્યા પછી તેઓ બળપ્રયોગ પણ કરી શકે છે અને તેના પર ગોળી પણ છોડી શકે છે.

આફસ્પા સશસ્ત્રદળોને ઉચિત શંકા હોય તો તેઓ કોઈ પણ વ્યક્તિની વિના વૉરંટે ધરપકડ પણ કરી શકે છે અને કોઈ પણ જગ્યાએ પ્રવેશીને તલાશી લેવાનો પણ તેને અધિકાર છે.

મંત્રીઓ અને ધારાસભ્યોના ઘર પર હુમલો

મણિપુર વિધાનસભામાં નૅશનલ પીપલ્સ પાર્ટીના ધારાસભ્ય શેખ નૂરૂલ હસને બીબીસીને કહ્યું કે, "બપોરે 4 વાગ્યે લગભગ 100-150 લોકોનું ટોળું મારા ઘરે આવ્યું હતું. હું હમણાં જ દિલ્હી આવ્યો છું, તેથી મેં ફોન પર જ ભીડમાં આવેલા કેટલાક લોકો સાથે વાત કરી હતી."

"તેમણે કહ્યું હતું કે હાલના ધારાસભ્યો-મંત્રીઓ મણિપુરની પરિસ્થિતિને સંભાળવા સક્ષમ નથી, તેથી તેઓ તેમના રાજીનામાની માગ કરી રહ્યા હતા. મેં તે લોકોની તમામ માગણીઓ સ્વીકારી લીધી. તેથી, તેઓ મારા ઘર પર હુમલો કર્યા વિના પાછા ફર્યા. મેં તેમને કહ્યું છે કે પ્રજા જેમ કહેશે એમ કરવા હું તૈયાર છું."

બીજી તરફ આવા જ લોકોના એક જૂથે અપક્ષ ધારાસભ્ય સપમ નિશિકાંતસિંહના ઘર પર હુમલો કર્યો અને તેમના ઘરના ગેટની સામે બનેલી સુરક્ષાચોકીને તોડી પાડી હતી.

આ જ ટોળાએ ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના સગોલબંદ વિસ્તારના ધારાસભ્ય આરકે ઇમોના ઘરે પણ હુમલો કર્યો હતો અને ત્યાં ફર્નિચર સહિતની ઘણી વસ્તુઓ સળગાવી દીધી હતી.

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર રાજધાની ઇમ્ફાલમાં લાગુ કરાયેલા કર્ફ્યૂની અસર રવિવારે સવારે દેખાઈ હતી. અહીંના રસ્તાઓ સાવ નિર્જન ભાસી રહ્યા હતા.

મણિપુર રાજ્યની ઇમ્ફાલ ખીણમાં મૈતેઈ સમુદાયની બહુમતી છે.

રાજધાની ઇમ્ફાલના શહેરી વિસ્તારમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને સેના અને આસામ રાઇફલ્સને તહેનાત કરવામાં આવી છે.

શનિવારે થયેલી હિંસા બાદ પોલીસે 23 લોકોની ધરપકડ કરી છે. પોલીસને કેટલાંક હથિયારો પણ મળી આવ્યાં છે.

મણિપુર પોલીસે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર જણાવ્યું છે કે, “આગામી આદેશો સુધી ઇમ્ફાલ શહેરમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે અને ઇન્ટરનેટ સેવાઓ પણ બે દિવસ માટે બંધ છે.”

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, “મણિપુરમાં હિંસા બાદ પડોશી રાજ્ય મિઝોરમમાં પણ લોકોને ખાસ સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે જેથી કરીને કોઈ પણ પ્રકારની સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળતા અટકાવી શકાય.”

છેલ્લા કેટલાક દિવસોમાં એવું શું થયું કે હિંસા ભડકી?

7 નવેમ્બરના રોજ, રાજ્યના જિરીબામમાં સશસ્ત્ર ચરમપંથીઓએ કુકી જનજાતિની એક મહિલાને ગોળી મારી હતી અને કથિત રીતે ઘર સહિત મહિલાને પણ સળગાવી દેવાયાં હતાં. આ ઘટના બાદ જિરીબામમાં સતત હિંસા થઈ રહી છે.

11 નવેમ્બરના રોજ જિરીબામ જિલ્લામાં ચરમપંથીઓ અને સીઆરપીએફની કથિત અથડામણ થઈ હતી.

મણિપુર પોલીસે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે હથિયારબંધ ચરમપંથીઓએ જિરીબામ જિલ્લાના જકરાડોર વિસ્તારમાં આવેલા સીઆરપીએફની એક પોસ્ટ પર હુમલો કર્યો. બાદમાં બચાવમાં સુરક્ષાકર્મીઓએ તરત જવાબી કાર્યવાહી કરી હતી.

40 મિનિટ સુધી ચાલેલા ઍન્કાઉન્ટર પછી તરત જ પોલીસે પુષ્ટિ કરી હતી કે તેમણે 10 સશસ્ત્ર ચરમપંથીઓના મૃતદેહ મેળવ્યા છે. ઍન્કાઉન્ટરમાં માર્યા ગયેલા તમામ આદિવાસી યુવાનો હતા.

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, ઘટના બાદ શાંતિ જાળવવા માટે જિરીબામ જિલ્લામાં અનિશ્ચિત સમય માટે કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો હતો.

આ ઍન્કાઉન્ટર પછી, મૈતેઈ સમુદાયના એક જ પરિવારના છ સભ્યો બોરાબેકરા પોલીસસ્ટેશન નજીકની રાહતશિબિરમાંથી લાપતા થઈ ગયા હતા.

તેમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે. પછી મૈતેઈ સમુદાયના લોકોએ આરોપ લગાવ્યો હતો કે સશસ્ત્ર ચરમપંથીઓએ આ લોકોનું અપહરણ કર્યું હતું.

આ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ઇમ્ફાલમાં વિવિધ સ્થળોએ મહિલાઓ પણ વિરોધપ્રદર્શન કરી રહી હતી.

દરમિયાન પાંચ દિવસ પછી આ શુક્રવારે જિરીમુક ગામ નજીક રાહતશિબિરથી લગભગ 20 કિલોમીટર દૂર, નદીમાંથી ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા, જેમાં એક મહિલા અને બે બાળકોનો સમાવેશ થાય છે. ત્યારબાદ ઇમ્ફાલમાં ફરીથી હિંસા ફાટી નીકળી હતી.

મૃતદેહો મળ્યા બાદ પોલીસે કહ્યું કે જ્યાં સુધી મૃતદેહોનું પોસ્ટમોર્ટમ ન થાય ત્યાં સુધી આ લાપતા લોકોના મૃતદેહો છે કે નહીં તે અંગે કંઈ કહી શકાય નહીં.

જોકે, સ્થાનિક મીડિયા અહેવાલો કહે છે કે આ મૃતદેહો ગુમ થયેલા લોકોના છે.

મણિપુરની ઘટના પર કોણે શું કહ્યું?

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મણિપુરની તાજેતરની ઘટના અંગે ઍક્સ પર પોસ્ટ કરી હતી.

તેમણે લખ્યું, "મણિપુરમાં તાજેતરની હિંસક અથડામણો અને સતત રક્તપાતે ઊંડી ચિંતાને જન્મ આપ્યો છે. વિભાજન અને પીડાને એક વર્ષ કરતાં વધુ સમય થયો હોવાથી, દરેક ભારતીયને એવી આશા હતી કે કેન્દ્ર અને રાજ્ય સરકારો સમાધાન માટે શક્ય તમામ પ્રયાસો કરશે અને ઉકેલ શોધી કાઢશે."

રાહુલ ગાંધીએ કહ્યું, "હું વડા પ્રધાનને ફરી એક વાર મણિપુરની મુલાકાત લેવા અને પ્રદેશમાં શાંતિ અને સુધારાની દિશામાં કામ કરવા વિનંતી કરું છું."

મણિપુરની ઘટના પર રાષ્ટ્રીય જનતા દળે પણ નિવેદન આપ્યું છે.

આરજેડીના પ્રવક્તા મૃત્યુંજય તિવારીએ કહ્યું છે કે, "મણિપુર ભડકે બળી રહ્યું છે અને એવું લાગે છે કે વડા પ્રધાનને ત્યાં થઈ રહેલી ઘટનાઓની પરવા નથી. પીએમ મોદી મણિપુર સિવાય દરેક મુદ્દા પર વાત કરે છે."

મણિપુરમાં મૈતેઈ સમુદાયના મુખ્ય સંગઠન ‘કો-ઑર્ડિનેટિંગ કમિટી ઑન મનિપુર ઇન્ટિગ્રિટી’એ રાજ્ય સરકારને આગામી 24 કલાકની અંદર કુકી ચરમપંથી સંગઠનો સામે કડક પગલાં લેવાની માંગ કરી છે.

આ સંગઠને 17 ઑક્ટોબરથી ઇમ્ફાલ ઘાટીમાં વ્યાપક આંદોલન કરવાનું એલાન કર્યું છે.

રાજ્યમાં પેદા થયેલી વર્તમાન સ્થિતિને જોતા પ્રશાસને ઇમ્ફાલ વેસ્ટ, ઇમ્ફાલ ઈસ્ટ, વિષ્ણુપુર, થૌબલ, કાકચિંગ, કાંગપોકપી અને ચુરાચાંદપુર જિલ્લામાં બે દિવસ માટે ઇન્ટરનેટ બંધ કરી દીધું છે.

ભારત સરકારના પ્રેસ ઇન્ફૉર્મેશન બ્યૂરો એટલે પીઆઈબીની પ્રેસ રિલીઝ અનુસાર, ગૃહ મંત્રાલયે સુરક્ષા દળોને મણિપુરમાં શાંતિ વ્યવસ્થા જાળવવા માટે જરૂરી પગલાં ભરવાના નિર્દેશ આપ્યા છે.

તેમાં કહેવાયું કે છેલ્લા કેટલાક દિવસોથી મણિપુરમાં હિંસા વધી ગઈ છે. સંઘર્ષમાં બંને સમુદાયના સશસ્ત્ર ઉપદ્રવીઓ હિંસામાં લિપ્ત રહ્યા છે, જેનાથી કમનસીબે લોકોના જીવ ગયા અને જાહેર વ્યવસ્થામાં અચડણ પેદા થઈ.

પ્રેસ રિલીઝ અનુસાર, ઠોસ તપાસ માટે મહત્ત્વના મામલા એનઆઈએને સોંપી દેવાયા છે અને સામાન્ય લોકોને શાંતિ જાળવવા, અફવા પર ધ્યાન ન આપવા અને સુરક્ષા દળોને સહયોગ કરવાની અપીલ કરાઈ છે.

મણિપુર કેમ હિંસાની ઝપેટમાં આવ્યું?

જિરીબામમાં માર્યા ગયેલા કથિત ચરમપંથીના મૃતદેહો પોસ્ટમૉર્ટમ માટે આસામ લવાયા હતા અને આ મૃતદેહને પોતાની સાથે લઈ જવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

આસામના કછાર જિલ્લાના પોલીસ અધીક્ષક નુમલ મહતા અનુસાર, "જિરીબામ પોલીસ 12 મૃતદેહોને પોસ્ટમૉર્ટમ માટે સિલચર મેડિકલ કૉલેજથી લાવી હતી, જેવું આપણે જાણીએ છીએ તેમ મણિપુર પોલીસ સાથે અથડામણમાં 12 લોકો માર્યા ગયા હતા. બાદમાં પાંચ દિવસથી પોસ્ટમૉર્ટમ ચાલી રહ્યું હતું અને ઘણા કુકી લોકો અહીં એકઠા થયા હતા."

"એ લોકોએ અહીં ગરબડ કરવાનો પ્રયાસ કર્યો, કેટલાકે પથ્થમારો પણ કર્યો. અહીં મણિપુર પોલીસ હાજર હતી. આ પડોશી રાજ્યનો મામલો છે અને તેના કારણે અમે આસામમાં કાયદો અને વ્યવસ્થા ખોરવાય એવું નહીં થવા દઈએ. અમે તેની સામે સખત કાર્યવાહી કરીશું. આજે (16 નવેમ્બર) તેમના મૃતદેહોને પ્લેનથી ચુરાચાંદપુર મોકલાયા છે."

ગત વર્ષે મે મહિનાની શરૂઆતથી મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાય વચ્ચે હિંસાનો દૌર શરૂ થયો હતો.

રાજ્યના પ્રભાવશાળી મૈતેઈ સમુદાયને અનુસૂચિત જાતિનો દરજ્જો આપવાની માગ આ હિંસાનું મુખ્ય કારણ માનવામાં આવે છે.

આ માગનો વિરોધ મણિપુરના પહાડી વિસ્તારોમાં રહેતા જનજાતિના લોકોએ કર્યો હતો, જેમાં મુખ્ય કુકી જનજાતિના લોકો છે.

આ હિંસામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને મોટી સંખ્યામાં લોકોને રાહતશિબિરમાં શરણ લેવી પડી છે. હિંસાને કારણે રાજ્યમાં જાહેર સંપત્તિ અને ખાનગી સંપત્તિને પણ મોટું નુકસાન થયું છે.

મણિપુરમાં રહેતા દેશભરનાં રાજ્યોના અનેક વિદ્યાર્થીઓના અભ્યાસ પર તેની અસર પડી અને હિંસા બાદ સેંકડોની સંખ્યામાં વિદ્યાર્થીઓને મણિપુર છોડવું પડ્યું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.