You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પૂરપીડિતોની મદદે ગયેલા યુવાનને 35 વર્ષ પહેલાં ખોવાયેલાં તેના માતા મળ્યાં, પછી શું થયું?
- લેેખક, ગુરપ્રીત ચાવલા
- પદ, બીબીસી માટે
"મને બાળપણથી જ કહેવામાં આવ્યું હતું કે મારા માતા-પિતાનું વાહન અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જ્યારે હું છ મહિનાનો હતો ત્યારથી મારા દાદા-દાદીએ મારી સારસંભાળ રાખી. હું તો મારા દાદીને જ મારા માતા માનતો હતો.” આ સમજણ સાથે ઉછરેલા જગજીત સિંઘનો સામનો 35 વર્ષ પછી એક દિવસે અચાનક તેમના માતાનો મેળાપ થયો.
આ યુવકના જીવનમાં બનેલી ઘટના કોઈ ફિલ્મી કહાણીથી ઓછી નથી.
જગજીત સિંહ 35 વર્ષ બાદ પોતાનાં માતા હરજીતકૌરને મળ્યા. આ પળ બંને માટે ખાસ હતી. સમય અને સંજોગોએ બંનેને અલગ કરી દીધાં હતાં અને 35 વર્ષ બાદ નિયતિએ બંનેને એકઠાં કર્યાં.
બંને વચ્ચે ઘણી વાતો થઈ, પરંતુ તેઓ જે રીતે એકબીજાને ભેટી પડ્યા, તેમાં બંનેના છૂટા પડવાનું દુ:ખ અને પાછા મળવાની ખુશી પ્રતિબિંબિત થતી હતી.
આ મુલાકાતનો વીડિયો ઘણો વાઇરલ થઈ રહ્યો છે.
"હું મારી દાદીને મા માનતો હતો"
પંજાબના ગુરદાસપુર જિલ્લાના કાદિયાન તાલુકામાં રહેતા જગજીત સિંહ એક સંસ્થા દ્વારા પૂરપીડિતોની મદદ કરી રહ્યા હતા.
આ કામ માટે તેઓ પટિયાલા તરફ ગયા. જ્યાં તેમની મુલાકાત તેમના માતા સાથે થઈ.
તેમને 35 વર્ષથી ખબર નહોતી કે તેમના માતા ક્યાં છે. તેમણે માની લીધું હતું કે તેમનું મૃત્યુ થઈ ચૂક્યું છે. જોકે, આ રીતે અચાનક પોતાની માતાને જીવિત જોઈને શરૂઆતમાં તેઓ ચોંકી ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જગજીત સિંહ વિવિધ એનજીઓના માધ્યમથી લોકોની મદદ કરતા રહે છે.
જગજીત સિંહ પોતાનું પાછલું જીવન યાદ કરતા કહે છે, "જીવનનો દરેક વળાંક અંદરોઅંદર ગૂંચવાયેલો હતો. દિલ પથ્થર જેવું થઈ ગયું હતું. પરંતુ માને મળ્યા બાદ હું એટલું રડ્યો, જે છેલ્લાં 35 વર્ષમાં ક્યારેય નહોતો રડ્યો."
"મને બાળપણથી જ કહેવામાં આવ્યું હતું કે મારા માતા-પિતાનું વાહન અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જ્યારે હું છ મહિનાનો હતો ત્યારથી મારા દાદા-દાદીએ મારી સારસંભાળ રાખી. દાદાજી હરિયાણા અલગ રાજ્ય બન્યું એ પહેલાં પંજાબ પોલીસમાં કાર્યરત હતા. જ્યારે હરિયાણા રાજ્ય અસ્તિત્વમાં આવ્યું તો તેમની ત્યાં બદલી થઈ ગઈ હતી."
તેમણે કહ્યું, "પરિવારજનોએ મને જણાવ્યું હતું કે મારા પિતા એક ટ્રાન્સપોર્ટર તરીકે કામ કરતા હતા. જોકે, પિતાનું નિધન થઈ ગયું અને દાદા રિટાયર્ડ થયા બાદ કાદિયાનમાં આવીને રહેવા લાગ્યા."
બાળપણમાં જગજીત સિંહને જણાવવામાં આવ્યું હતું કે તેમની માતાનું નિધન થઈ ગયું છે. જગજીત સિંહ કહે છે, “હું મારી દાદીને જ મારી માતા માનતો આવ્યો છું.”
જ્યારે દાદાએ માતાપિતા વિશે જણાવ્યું...
દાદા-દાદી જગજીત સિંહની સંભાળ રાખી રહ્યા હતા અને તેઓ પણ દાદા-દાદીને જ પોતાના માતાપિતા માનતા હતા.
બીબીસી સાથે વાત કરતા જગજીત કહે છે, "મારાં દાદીનું નિધન થયાં બાદ એક દિવસ અચાનક મને જૂની તસવીરો મળી. આ તસવીરો વિશે જ્યારે મેં દાદાજીને પૂછ્યું તો તેમણે આટલાં વર્ષોથી રાખેલી ચૂપકીદી તોડી અને મારાં માતાપિતા વિશે જણાવ્યું."
જગજીત સિંઘ આગળ કહે છે, "મેં એ લોકોને પૂછવાની હિંમત પણ ન કરી, જેમને સત્ય ખબર હતું. બાદમાં દાદા-દાદીનું નિધન થઈ ગયું. આશરે પાંચ વર્ષ પહેલાં બીજું એક સત્ય સામે આવ્યું. જે હતું કે મારી માતાનું મૃત્યુ નથી થયું. હું ચાર વર્ષનો હતો, ત્યારે કોઈક કારણોસર તેઓ ઘર છોડીને ચાલ્યાં ગયાં હતાં."
"મારાં દાદા-દાદીએ મને ઉછેર્યો હતો. બંનેનું નિધન થઈ ચૂક્યું છે. ત્યાર પછી પણ હું જ્યારે મારા મિત્રોમાં તેમના માતાપિતા પ્રત્યેનો પ્રેમ જોતો ત્યારે મારી આંખો છલકાઈ જતી હતી."
માતાને મળ્યા બાદ...
પટિયાલામાં પૂરપીડિતોની મદદ કરતી વખતે જગજીત સિંહને તેમના કાકીએ જણાવ્યું કે તેમના નાના બોહરપુર ગામના વતની હતા.
જગજીત આગળ કહે છે, "મેં મારા પરદાદાની શોધખોળ હાથ ધરી અને બોહરપુર ગામ પહોંચી ગયો. પોતાના એક દૂરના સંબંધી સુરજીત સિંહને ફોન કર્યો. તેમણે મારા નાના-નાનીની ઓળખ કરી અને કહ્યું કે તેમના ચહેરા પર લકવો મારી ગયો છે."
આ જાણકારી મેળવીને જગજીત તેમના વર્તમાન નિવાસસ્થાને પહોંચ્યા તો ત્યાં એક વૃદ્ધાએ દરવાજો ખોલ્યો. આ વૃદ્ધા જગજીતનાં નાની હતાં.
એ વખતે નાનીએ પરિવારને જણાવ્યું કે તેમની પુત્રી હરજીતકૌરનાં લગ્ન હરિયાણાના કરનાલમાં થયાં હતાં. જોકે, તેમના પતિનું એક દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે તેમને સંતાનમાં એક પુત્ર હતો, જેનું નામ સોનુ હતું.
આ સાંભળતા જ જગજીતે તેમને કહ્યું, "હું એ જ સોનુ છું."
જગજીતના કહેવા પ્રમાણે, આ કહેતાં જ સમગ્ર માહોલ બદલાઈ ગયો. ત્યાર પછી તેમણે પોતાની માતાને મળવાની ઇચ્છા રજૂ કરી.
જગજીત આગળ કહે છે, "બીજા દિવસે માને મળવાનું હતું. એ રાત મારા જીવનની સૌથી લાંબી રાત હતી. હું જ્યારે તેમને મળ્યો તો માહોલ ઘણો ભાવુક હતો. અમારા બંનેમાંથી એકેય કંઈ બોલી શકે એમ નહોતું. અમે બંને રડી રહ્યાં હતાં."
"મને ભલે ઘણાં વર્ષો પછી સત્ય ખબર પડી હોય અને ભલે મારી માએ મને કોઈ પણ પરિસ્થિતિમાં છોડી દીધો હોય, પણ હું આ વિશે તેમને કંઈ પૂછવા માગતો ન હતો. મને તેમનાથી કોઈ ફરિયાદ નહોતી."
"35 વર્ષ અળગાં રહેવાનું સૌથી વધારે દુખ મારી માતાને થયું હતું. એ મારી માતાના આશીર્વાદ જ હતા જેણે મને સફળ વ્યક્તિ બનાવી અને તેની પાસે પહોંચાડી દીધો."
જગજીત કહે છે કે પંજાબના અન્ય વિસ્તારોમાં પૂરની સ્થિતિ છે, પરંતુ તેઓ મદદ માટે તત્પર છે. આ ભગવાન અને તેમની માતાની પ્રાર્થનાને કારણે જ શક્ય બન્યું છે.