અરવિંદ કેજરીવાલ જેલમાં જ રહેશે, હાઈકોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો

દિલ્હી હાઈકોર્ટે દિલ્હીના મુખ્ય મંત્રી અરિવંદ કેજરીવાલને આપવામાં આવેલા જામીન લાંબી સુનાવણીના અંતે પોતાનો ચુકાદો બે-ત્રણ દિવસ માટે સુરક્ષિત રાખ્યો છે.

સુનાવણી પહેલાં રાઉઝ એવેન્યુ કોર્ટે મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા હતા તેના પર હાઈકોર્ટે રોક લગાવી દીધી હતી.

હાઈકોર્ટે કહ્યું કે, સંભવિત ચુકાદાના અમલીકરણ પર ત્યાં સુધી રોક લગાવવામાં આવે છે.

આનો અર્થ એ થયો કે અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા હતા તેના પર રોક લગાવવા માટે ઇડીની અરજી પર જ્યાં સુધી હાઈકોર્ટ ચુકાદો નહીં આપે ત્યાં સુધી તેઓ જેલમાં રહેશે.

આવનારા બે અથવા ત્રણ દિવસમાં હાઈકોર્ટ ઇડીની અરજી પર ચુકાદો આપી શકે છે.

દિલ્હીના કથિત શરાબનીતિ કૌભાંડમાં ઇડીએ માર્ચ મહિનામાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી.

લોકસભાની ચૂંટણીમાં પ્રચાર કરી શકે તે માટે સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા હતા. જામીનની અવધિ બીજી જૂનના રોજ પૂર્ણ થઈ ગઈ હતી અને કેજરીવાલ ફરીથી તિહાડ જેલમાં જવું પડ્યું હતું.

શુક્રવાર સાંજે રાઉઝ એવેન્યૂ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા હતા, જેની સામે ઇડીએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી.

શુક્રવારે આ અરજી પર લાંબી સુનાવણી બાદ દિલ્હી હાઈકોર્ટે અરજી પર ચુકાદો સુરક્ષિત રાખ્યો છે.

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હીની રાઉજ એવેન્યૂ કોર્ટે કથિત શરાબનીતિ કૌભાંડ મામલાના મની લૉન્ડ્રિંગ કેસમાં જામીન આપ્યા હતા.

કેજરીવાલ હાલ તિહાડ જેલમાં બંધ છે. શુક્રવારે તેઓ જામીન માટે જરૂરી એક લાખ રૂપિયાના બૉન્ડ કોર્ટમાં પેશ કરવામાં આવશે. જો બૉન્ડ સ્વીકાર કરી લેવામાં આવશે તો શુક્રવારે જ કેજરીવાલ જેલ બહાર આવી શકે છે.

અરવિંદ કેજરીવાલને કથિત મની લૉન્ડ્રિંગના મામલે 10 મેના રોજ વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા જેની મર્યાદા એક જૂને સમાપ્ત થઈ હતી અને બીજી જૂને કેજરીવાલ ફરી તિહાડ જેલમાં પરત ફર્યા હતા. તેમને આ વચગાળાના જામીન લોકસભાની ચૂંટણીમાં પ્રચાર માટે આપવામાં આવ્યા હતા.

શું છે કથિત શરાબનીતિ કૌભાંડ મામલો

21મી માર્ચના રોજ દિલ્હી સરકારની નવી ઍક્સાઇઝ નીતિમાં કથિત અનિયમિતતાના મામલામાં દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયા હજુ જેલમાં જ છે.

દિલ્હી સરકારે નવી ઍક્સાઇઝ નીતિ નવેમ્બર 2021માં બનાવી હતી. નવી નીતિ લાગુ કર્યા બાદ દિલ્હીનો શરાબનો કારોબાર ખાનગી હાથોમાં આવી ગયો હતો. દિલ્હી સરકારે તર્ક આપ્યો હતો કે તેને કારણે આવકમાં વધારો થશે.

દિલ્હી સરકારની આ નીતિ શરૂઆતથી જ વિવાદોમાં રહી. જ્યારે વિવાદ વધ્યો ત્યારે નવી નીતિને ફગાવીને સરકારે વર્ષ 2022ની જુલાઈમાં ફરી પહેલાંની નીતિ અમલમાં લાગુ કરી.

મામલાની શરૂઆત દિલ્હીના મુખ્ય સચિવ નરેશ કુમારની ઉપ રાજ્યપાલ વિનય કુમાર સક્સેના, આર્થિક અપરાધ શાખા નવી દિલ્હી, દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ તથા મનીષ સિસોદિયાને મોકલવામાં આવેલા એક રિપોર્ટથી થઈ.

આ રિપોર્ટ 8 જુલાઈ, 2022ના રોજ મોકલવામાં આવ્યો હતો.

જેમાં ઍક્સાઇઝ ડિપાર્ટમેન્ટના પ્રભારી હોવાને કારણે સિસોદિયા પર ઉપ રાજ્યપાલની મંજૂરી વગર ઍક્સાઇઝ નીતિ લાગુ કરીને અયોગ્ય પ્રકારે આવક રળવાનો આરોપ લાગ્યો.

રિપોર્ટમાં કહેવાયું કે કંપનીઓને લાયસન્સ ફીમાં 144.36 કરોડ રૂપિયાની રાહત આપવામાં આવી. રિપોર્ટ પ્રમાણે કોરોનાના સમયે શરાબ વિક્રેતાઓએ લાયસન્સ શુલ્ક માફી માટે દિલ્હી સરકારનો સંપર્ક સાધ્યો. રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે સરકારે 28 ડિસેમ્બરથી 27 જાન્યુઆરી સુધી લાયસન્સ ફીમાં 24.02 ટકાની છૂટ આપી. રિપોર્ટ પ્રમાણે આ નીતિને કારણે શરાબ વિક્રેતાઓને અનુચિત લાભ થયો જ્યારે કે સરકારના ખજાનાને 144.36 કરોડ રૂપિયાનું નુકસાન થયું.

જ્યારે કે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે લાગુ થયેલી નીતિમાં કોઈ પણ બદલાવ પહેલાં ઍક્સાઇઝ વિભાગે પહેલા કૅબિનેટ અને ઉપ રાજ્યપાલને તેની જાણ કરવાની હોય છે. કૅબિનેટ અને ઉપ રાજ્યપાલની અનુમતિ વગર થયેલો કોઈ પણ ફેરફાર ગેરકાયદેસર કહેવાય.

રિપોર્ટ સીબીઆઈને મોકલવામાં આવ્યો અ તેના આધારે મનીષ સિસોદિયાની ધરપરકડ કરવામાં આવી.

મનીષ સિસોદિયા પર વિદેશી શરાબની કિંમતોમાં બદલાવ કરીને અને પ્રતિ બિયર 50 રૂપિયાની આયાત શુલ્ક હઠાવીને લાયસન્સ ધારકોને અનુચિત ફાયદો પહોંચાડવાનો આરોપ લાગ્યો.

પુડુચ્ચેરીની પિક્સી એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડે ઍરપૉર્ટના ઝૉનમાં ખોલેલી 10 શરાબની દુકાનોના લાયસન્સ અધિકાર મેળવ્યા હતા. પરંતુ કંપની ઍરપૉર્ટ અધિકારીઓ પાસેથી એનઓસી મેળવવામાં સફળ ન થઈ. સરકારે લાયસન્સની બોલી માટે જમા કરેલા 30 કરોડ રૂપિયા કંપનીને પરત કરી દીધા.

રિપોર્ટમાં કહેવાયું છે કે દિલ્હી ઍક્સાઇઝ નિયમ, 2010નું આ ઉલ્લંઘન છે. જો કોઈ આવેદક લાયસન્સ માટે ઔપચારિકતા પૂર્ણ ન કરી શકે તો તેની રકમ જપ્ત થવી જોઈએ.

આ કેસમાં આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજયસિંહની પણ ધરપકડ થઈ હતી જે હાલ જામીન પર છે.