ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી, પાંચ દિવસ કયા જિલ્લામાં મુશળધાર પડશે?

ગુજરાત હવામાન, ચોમાસું, ગુજરાત, બીબીસી ગુજરાતી, વેધર, હવામાન સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં હજુ પણ વરસાદી માહોલ છે અને દરેક જિલ્લામાં થોડો ઘણો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના લૅટેસ્ટ બુલેટિન પ્રમાણે મહીસાગર અને આણંદ જિલ્લામાં ચોમાસું સૌથી વધારે સક્રિય જોવા મળ્યું છે.

આ ઉપરાંત પંચમહાલ, દાહોદ અને સાબરકાંઠા જિલ્લામાં પણ સારો વરસાદ પડી ગયો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં અને વાહન-વ્યવહારને અસર થઈ હતી.

સૌરાષ્ટ્રમાં છૂટાછવાયાં સ્થળે વરસાદ થયો છે જ્યારે કચ્છ મોટા ભાગે હવામાન સૂકું રહ્યું છે.

ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં 140 તાલુકામાં વરસાદ પડ્યો છે જેમાંથી 20 તાલુકામાં એક ઇંચ અથવા વધારે વરસાદ પડ્યો છે.

મહીસાગરના કડાણા તાલુકામાં ચોવીસ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે દાહોદના સિંગવાડમાં 2.91 ઇંચ, પંચમહાલના મોરવા હડફમાં 2.56 ઇંચ, દાહોદના ફતેપુરામાં 2.40 અને દાહોદ તાલુકામાં 1.85 ઇંચ વરસાદ થયો છે.

સાબરકાંઠાના હિંમતનગરમાં શનિવારે ભારે વરસાદ પડ્યો હતો અને રવિવારે પણ 1.81 ઇંચ વરસાદ નોંધાયો હતો. તેવી જ રીતે સુરત શહેર, મહુવા, વલસાડ, નસવાડી, સંતરામપુર, નડિયાદ, ઉમરેઠ, લુણાવાડા, ઝાલોદ તાલુકામાં દોઢ ઇંચ અથવા વધારે વરસાદ પડ્યો છે.

ચોમાસાની કઈ સિસ્ટમ સક્રિય છે?

હાલમાં ચોમાસાની કેટલીક સિસ્ટમ સક્રિય છે જેના કારણે ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોમાં કેટલીક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગનું બુલેટિન જણાવે છે કે અત્યારે બિકાનેર, અજમેર, ગુણા, દામોહ, રાયપુર, પુરીથી લઈને બંગાળની ખાડી સુધી એક ચોમાસાનો ટ્રફ પસાર થાય છે.

આ ઉપરાંત ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ અને પડોશના વિસ્તારમાં સમુદ્રની સપાટીથી 0.9 કિલોમીટરની ઊંચાઈએ અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે.

રાજસ્થાનના મધ્ય ભાગ ઉપર એક અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશનની રચના થઈ છે જે સમુદ્રની સપાટીથી 1.5 કિમીની ઊંચાઈએ સ્થિત છે.

બીજી સપ્ટેમ્બર સુધી પશ્ચિમ બંગાળ ઉપર એક નવું લો-પ્રેશર એરિયા રચાય તેવી સંભાવના છે.

ગુજરાતમાં કયા જિલ્લામાં ભારે વરસાદ પડશે?

ગુજરાત હવામાન, ચોમાસું, ગુજરાત, બીબીસી ગુજરાતી, વેધર, હવામાન સમાચાર

ઇમેજ સ્રોત, IMD

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે પહેલી સપ્ટેમ્બર, સોમવારે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયાં સ્થળે ભારે વરસાદ પડવાની શક્યતા છે.

આ ઉપરાંત બનાસકાંઠા, પટણા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં કેટલીક જગ્યાએ હળવાં ઝાપટાં પડી શકે છે. આ દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેશે.

બીજી સપ્ટેમ્બર, મંગળવારે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયાં સ્થળે ભારે વરસાદ થવાની શક્યતા છે. રાજ્યના બાકીના જિલ્લાઓમાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડશે.

ત્રીજી સપ્ટેમ્બર, બુધવારે સુરત, ડાંગ, નવસારી અને તાપી જિલ્લામાં કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ માટે આ જિલ્લાઓમાં ઑરેન્જ ઍલર્ટની જાહેરાત કરવામાં આવી છે.

આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયાં સ્થળે ભારે વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યના બાકીના ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાત હવામાન, ચોમાસું, ગુજરાત, બીબીસી ગુજરાતી, વેધર, હવામાન સમાચાર

ઇમેજ સ્રોત, IMD

ચોથી સપ્ટેમ્બર, ગુરુવારે ગુજરાતમાં વરસાદ વધુ વ્યાપક બનશે જેના કારણે સુરત, ડાંગ, નવસારી અને તાપી જિલ્લામાં કેટલીક જગ્યાએ અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે.

આ ઉપરાંત નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી તથા કચ્છ-સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટીછવાઈ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ તમામ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે.

રાજ્યના બાકીના જિલ્લાઓમાં પાંચમી સપ્ટેમ્બરે હળવાથી મધ્યમ અને કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે.

5 સપ્ટેમ્બર, શુક્રવારે પણ ગુજરાતના અમુક જિલ્લામાં ભારેથી અત્યંત ભારે વરસાદ પડી શકે છે. આવા જિલ્લાઓમાં સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજકોટ, જૂનાગઢ, બોટાદ, નર્મદા, અને ભરૂચમાં પણ 5 સપ્ટેમ્બરે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

છઠ્ઠી સપ્ટેમ્બરે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, રાજકોટ, પોરબંદર, બોટાદમાં અમુક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડશે. આ તમામ જિલ્લાઓ માટે ઑરેન્જ ઍલર્ટની ચેતવણી છે.

ગુજરાતના કેટલા ડૅમ છલકાયા છે?

ગુજરાત હવામાન, ચોમાસું, ગુજરાત, બીબીસી ગુજરાતી, વેધર, હવામાન સમાચાર

ઇમેજ સ્રોત, Nachiket Mehta

ઇમેજ કૅપ્શન, ખેડા જિલ્લામાં ભારે વરસાદના કારણે મહી નદીમાં જળસ્તરમાં વધારો થયો છે

સતત વરસાદના કારણે ગુજરાતનાં મોટાં ભાગનાં જળાશયોમાં પાણીની આવક ચાલુ છે. ઉત્તર ગુજરાતના 15માંથી ત્રણ ડૅમ છલકાયા છે અને તેમાં સરેરાશ 76 ટકા પાણી છે. મધ્ય ગુજરાતમાં 17માંથી સાત ડૅમ છલકાઈ ગયા છે અને 93 ટકાથી વધારે પાણી છે.

સાઉથ ગુજરાતના ડૅમ સરેરાશ 79 ટકા ભરાયા છે અને 13માંથી નવ ડૅમ છલકાઈ ગયા છે. કચ્છના 20માંથી ચાર ડૅમ છલકાયા છે અને તેમાં સરેરાશ માત્ર 60 ટકા પાણી છે.

સૌરાષ્ટ્રના ડૅમોમાં સરેરાશ 81 ટકા પાણી છે. સૌરાષ્ટ્રમાં 141માંથી 56 ડૅમ છલકાઈ ગયા છે. ગુજરાતનો સૌથી મોટો સરદાર સરોવર ડૅમ 90 ટકા જેટલો ભરાયો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન