You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રશિયાના જે મંત્રીને પુતિને કાઢી મૂક્યા હતા તેમનો મૃતદેહ સંદિગ્ધ હાલતમાં મળી આવ્યો, તેમની સાથે શું થયું હતું?
રશિયાની તપાસ સમિતિએ જણાવ્યું છે કે દેશના પૂર્વ પરિવહન મંત્રી રોમાન સ્ટારોવોઇત મૃત હાલતમાં મળી આવ્યા છે. સ્ટારોવોઇતને સોમવારે જ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પદ પરથી હઠાવી દીધા હતા.
તેમને પદ પરથી હઠાવવાનું કારણ જણાવવામાં નહોતું આવ્યું. પરંતુ તેમને હઠાવ્યા બાદ ઉપપરિવહન મંત્રી આંદ્રેઈ નિકિતીનને નવા મંત્રી નિયુક્ત કરી દેવાયા હતા.
હવે તપાસ સમિતિએ કહ્યું છે કે તે આ ઘટનાનાં કારણો તપાસવાની કોશિશ કરી રહી છે.
સ્ટારોવોઇતના મોતની ઘોષણા પહેલા ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવને પત્રકારોએ સ્ટાઇરોવોઇત મામલે પૂછ્યું હતું.
સવાલ એ હતો કે શું કુર્સ્કમાં થયેલી ઘટનાઓને કારણે પુતિનનો ભરોસો સ્ટારોવોઇત પરથી ઉઠી ગયો હતો?
જવાબમાં પેસ્કોવે કહ્યું, "જો ભરોસો ઉઠ્યો હોત તો રાષ્ટ્રપતિના આદેશમાં એવું લખ્યું હોત. પરંતુ તેમાં આ પ્રકારના કોઈ શબ્દોનો પ્રયોગ નથી થયો."
ફૉર્બ્સ પબ્લિકેશને તપાસ સમિતિ સાથે જોડાયેલાં સૂત્રોના હવાલે લખ્યું છે કે સ્ટારોવોઇતનું મોત સંભવત: શનિવાર અને રવિવારની મધ્યરાતે થયું હતું.
સ્ટેટ ડ્યૂમા (રશિયાની સંસદનું નીચલું ગૃહ)ની સંરક્ષણ સમિતિના પ્રમુખ આંદ્રેઈ કાર્તપોલોવે પણ રશિયાના મીડિયા સંસ્થાન આરટીવીઆઈ સાથેની વાતચીતમાં કહ્યું કે 'સ્ટારોવોઇતનું મૃત્યુ પહેલા થઈ ચૂક્યું હતું.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, આરબીસીના રિપોર્ટ અનુસાર, સોમવારે સ્ટારોવોઇત પોતાની કારથી થોડા અંતર દૂર એક ઝાડીમાં મૃત મળી આવ્યા.
ઓડિંટસોવોની જે પાર્કિંગમાં તેમનો મૃતદેહ મળ્યો, ત્યાં કામ કરતા તપાસકર્તાઓની તસવીરો અને વીડિયો સામે આવ્યાં છે.
ગત વર્ષે જ બન્યા હતા પરિવહન મંત્રી
સ્ટારોવોઇતને મે 2024માં પરિહવન મંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમણે લગભગ એક વર્ષ સુધી આ પદ સંભાળ્યું.
આ પહેલાં તેઓ લગભગ પાંચ વર્ષ સુધી યુક્રેનની સરહદ સાથે જોડાયેલા કુર્સ્ક ક્ષેત્રના ગવર્નર રહી ચૂક્યા હતા. તેમના પછી ઍલેક્સી સ્મિરનોવને ત્યાંના ગવર્નર બનાવાયા.
તેના પહેલાં સ્મિરનોવે કુર્સ્ક સરકારના પ્રમુખ તરીકે કામ કર્યું હતું.
મીડિયા અને ટેલીગ્રામ ચૅનલોનાં સૂત્રો પ્રમાણે, સ્ટારોવોઇતની સામે ગુનો દાખલ થઈ શક્યો હોત. 'કોમર્સેટે' લખ્યું છે કે સ્મિરનોવે કથિત રીતે પૂર્વ મંત્રી સ્ટારોવોઇત સામે ગવાહી આપી હતી.
આરબીસી પબ્લિકેશન અનુસાર આ મામલાની તપાસ ચાલી રહી હતી કે શું સ્ટારોવોઇત કુર્સ્ક ક્ષેત્રમાં કિલેબંધી નિર્માણ દરમિયાન ભ્રષ્ટાચારમાં સામેલ હતા કે નહીં.
2019માં બન્યા હતા સ્ટારોવોઇત ગવર્નર
સ્ટારોવોઇતનો જન્મ 1972માં કુર્સ્કમાં થયો હતો પરંતુ તેમનો પરિવાર સેંટ પીટર્સબર્ગ શિફ્ટ થઈ ગયો.
તેમણે તેમની રાજનીતિની સફર સેંટ પીટર્સબર્ગથી જ શરૂ કરી હતી. જ્યારે વૅલેન્ટિના મતવિએન્કો ત્યાંનાં ગવર્નર હતાં, ત્યારે સ્ટારોવોઇત તેમની ટીમનો હિસ્સો હતા.
સ્ટારોવોઇતને શરૂઆતમાં સેંટ પીટર્સબર્ગમાં ઑટોમોબાઇલ પ્લાન્ટ પરિયોજનાઓમાં જવાબદારી સોંપવામાં આવી.
તેઓ શહેરની મોટી નિર્માણ યોજનાઓની દેખરેખ પણ કરતા હતા.
સ્ટારોવોઇત રશિયાની સરકારના ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિપાર્ટમેન્ટમાં સામેલ થયા. તે વખતે તેની આગેવાની વ્લાદિમીર પુતિન કરતા હતા. આ દરમિયાન રશિયાના સોચી શહેરમાં આયોજીત ઑલિમ્પિક રમતોત્સવની તૈયારીઓમાં પણ તેઓ સામેલ થયા.
વર્ષ 2012માં સ્ટારોવોઇતને રોસાવટોડોર (રશિયાની માર્ગ બનાવનારી કંપની)ના પ્રમુખ બનાવવામાં આવ્યા. 2019માં તેઓ પરિવહન મંત્રાલયના ઉપ પ્રમુખ બનાવવામાં આવ્યા.
ઑક્ટોબર, 2018માં તેઓ કુર્સ્ક ક્ષેત્રના વચગાળાના ગવર્નર બન્યા.
'આ અસાધારણ ઘટના'
રોમાન સ્ટારોવોઇતનાં મોત પર બીબીસી રશિયાના સંવાદદાતા સર્ગેઈ ગોર્યાશ્કોએ ટિપ્પણી કરી છે.
તેમના મત પ્રમાણે રોમાન સ્ટારોવોઇતનું મૃત્યુ પુતિનના રશિયા માટે એક અસાધારણ ઘટના માનવામાં આવે છે.
સ્ટારોવોઇતની કહાણી સોવિયતના સમયના એક અન્ય ગૃહમંત્રી નિકોલાઈ શચેલોકોવની યાદ અપાવે છે.
શચેલોકોવના રાજીનામાં બાદ તેમને ભ્રષ્ટાચારના આરોપમાં અપરાધિક કાર્યવાહીની ધમકી મળી હતી. ડિસેમ્બર, 1984માં જે દિવસે તેમનાં તમામ પદો પરત લેવાયાં, તે દિવસે તેમણે પોતાને ગોળી મારી દીધી હતી.
રશિયાના સ્ટેટ વિભાગો અનુસાર 2022-23માં કુર્સ્ક ક્ષેત્ર સરકારને જે ફંડ આપવામાં આવ્યું હતું તેમાં ભ્રષ્ટાચાર થયો હતો. તે સમયે ગવર્નર સ્ટારોવોઇત જ હતા.
એવું માનવામાં આવે છે કે પોતાના પૂર્વ ડેપ્યુટી સ્મિરનોવની ધરપકડ બાદ રોમાન સ્ટારોવોઇતે ત્રણ મહિના પોતાના ભવિષ્યને લઈને ભય અને આશંકામાં વિતાવ્યા હતા.
રશિયામાં એ ચલણમાં છે કે ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિ પોતાના વરિષ્ઠ સામે ગવાહી આપે છે. સંભવત: સ્ટારોવોઇતને પણ આ બાબતની ચિંતા હોય શકે.
મોટા ભાગના અધિકારીઓ માને છે કે તેમના ઉપરના સંપર્કો તેમને બચાવી લેશે. કેટલાક તો ધરપકડ થવા પહેલાં જ દેશ છોડી દે છે. રશિયાના ચેલ્યાબિંસ્કના બે વરિષ્ઠ અધિકારી (મિખાઇલ યૂરીવિચ અને તેમના ઉત્તરાધિકારી બોરિસ દુબ્રોવ્સ્કી) આમ કરી ચૂક્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન