You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હરિયાણા વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો બાદ સહયોગીઓ કેમ કૉંગ્રેસને આંખ દેખાડવા લાગ્યા
હરિયાણા વિધાનસભા ચૂંટણીનાં પરિણામો બાદ કૉંગ્રેસના કેટલાક સહયોગીઓના સૂર બદલાઈ રહ્યા છે.
ચૂંટણી પૂર્વ સર્વેક્ષણમાં હરિયાણામાં સરકાર વિરોધી લહેરની વાત કરવામાં આવી રહી હતી અને કૉંગ્રેસની સત્તામાં પરત ફરવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી. પરંતુ પરિણામ જ્યારે આવ્યું ત્યારે કૉંગ્રેસને નિરાશા હાથ લાગી.
ભાજપે તમામ અનુમાનોને ખોટા સાબિત કરીને હરિયાણામાં સતત ત્રીજી વખત સત્તા પર કબજો કર્યો.
આ ચૂંટણી પરિણામ બાદ કૉંગ્રેસના ઘણા સહયોગીઓએ હવે તેને આંખ દેખાડવી શરૂ કરી છે અને આત્મમંથનથી લઈને રણનીતિમાં ફેરફાર કરવાની સલાહો આપી છે.
કૉંગ્રેસે આવનારા દિવસોમાં મહારાષ્ટ્રમાં સહયોગીઓ સાથે ચૂંટણી લડવાની છે. ત્યાં તેના મુખ્ય સહયોગી શિવસેના(ઉદ્ધવ જૂથ)એ પરિણામ માટે કૉંગ્રેસની આંતરીક રાજનીતિ અને સહયોગીઓને પ્રાધાન્ય નહીં આપવાની રણનીતિને જવાબદાર ગણાવી છે.
સામનામાં શું લખવામાં આવ્યું?
પાર્ટીના મુખપત્ર સામનાના સંપાદકીય લેખમાં લખવામાં આવ્યું છે કે ‘કૉંગ્રેસ હરિયાણામાં આમ આદમી પાર્ટી જેવી સહયોગી પાર્ટીને સાથે લઈને નહીં ચાલી તે અને સાથે સ્થાનિક નેતાઓની અનુશાસનહીનતા હારનું કારણ બની.’
આ લેખમાં આગળ લખવામાં આવ્યું છે કે જીતને હારમાં બદલવાનું કોઈ કૉંગ્રેસ પાસે શીખે. તેમાં હરિયાણામાં આ હાર માટે ભૂપેન્દ્રસિંહ હુડ્ડાની કાર્યપ્રણાલીને પણ જવાબદાર ગણાવી.
તેમાં વધુ લખાયું છે, “હરિયાણાના ખેડૂતોએ દિલ્હી બૉર્ડર પર જબરદસ્ત આંદોલન કર્યું. હરિયાણાની મહિલા પહેલવાનો સાથેની છેડતી પર ભાજપ કે વડા પ્રધાને કોઈ કાર્યવાહી ન કરી.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“ઑલિમ્પિયન વીનેશ ફોગાટ અને તેમના સાથી પહેલવાનોને દિલ્હીના જંતર-મંતર રોડ પર ઘસેડીને લઈ જવામાં આવ્યાં. આ મામલે ગુસ્સો હરિયાણાના લોકોમાં દેખાતો હતો. વીનેશ ફોગાટ જીતી ગયાં પરંતુ તેની સાથે થયેલા અન્યાયને કારણે હરિયાણાની પ્રજામાં પેદા થયેલા ગુસ્સાનો કૉંગ્રેસને કોઈ ફાયદો ન થયો.”
મહારાષ્ટ્ર કૉંગ્રેસ અધ્યક્ષ નાના પટોળેએ આ લેખ પર વાંધો ઉઠાવતા કહ્યું, “હરિયાણા અને મહારાષ્ટ્રની રાજનૈતિક પૃષ્ઠભૂમિ અલગ-અલગ છે. મહારાષ્ટ્ર જ્યોતિરાવ ફૂલે અને ડૉ. આંબેડકરની વિચારધારા પર ચાલે છે. અમે ચૂંટણીમાં સારું પ્રદર્શન કરીશું.”
પટોળેએ શિવસેના(ઉદ્ધવ જૂથ)ના નેતા સંજય રાઉતના નિવેદન પર પણ નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું, “મને નથી ખબર કે તેમણે આ કયા આધારે લખ્યું છે. તમે સાર્વજનિક રીતે તમારા સહયોગીઓ પર આ પ્રકારે ટિપ્પણી ન કરી શકો.”
ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું?
મંગળવારે જ્યારે હરિયાણાનાં પરિણામો આવ્યાં ત્યારે તરત એક કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરેએ કૉંગ્રેસ પાસે મહારાષ્ટ્રમાં મુખ્ય મંત્રીનો ચહેરો ઘોષિત કરવાની માગ કરી.
તેમણે કહ્યું કે મહારાષ્ટ્રને બચાવવા માટે તેઓ મુખ્ય મંત્રીના કોઈ પણ ચહેરાને સમર્થન આપવા તૈયાર છે.
મંગળવારે મુંબઈમાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે કહ્યું, “મેં પહેલાં પણ કહ્યું છે અને ફરી કહું છું. કૉંગ્રેસ અને એનસીપી(શરદ પવાર)એ મુખ્ય મંત્રીપદ માટેના ઉમેદવારો ઘોષિત કરવા જોઈએ. તેમની તરફથી ઘોષિત કરવામાં આવેલા કોઈ પણ ઉમેદવારને હું સમર્થન આપીશ. કારણકે મને મહારાષ્ટ્ર વહાલું છે અને આ મહારાષ્ટ્રને બચાવવાના હિતમાં છે. મહારાષ્ટ્રને બચાવવા માટે કંઈ પણ કરવાનો મારો સંકલ્પ છે.”
આ પહેલીવાર નથી જ્યારે ઠાકરેએ સીએમના પદના ચહેરાની જાહેરાત કરવાની અપીલ કરી હોય. પરંતુ બંને પાર્ટી આ મામલે ઉદાસીન છે.
આ વર્ષે ઑગસ્ટમાં મહાવિકાસ અઘાડીની બેઠકમાં પણ ઠાકરેએ સીએમના પદ માટે ચહેરાના નામ માટે ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે વધારે બેઠકોના આધારે સીએમ પસંદ કરવાને બદલે પહેલા જ મુખ્ય મંત્રીપદનો ઉમેદવાર પસંદ કરવો જોઈએ.
તૃણમૂલ કૉંગ્રેસ અને આપે શું કહ્યું?
તૃણમૂલ કૉંગ્રેસના સાંસદ સાકેત ગોખલેએ કહ્યું કે સીટ શૅરિંગને લઈને કૉંગ્રેસનું વલણ આક્રમક હોય છે.
ગોખલેએ ઍક્સ પર લખ્યું, “બસ આ જ વ્યવહાર ચૂંટણીમાં હારનું કારણ બને છે. એ માનવામાં આવે છે કે જ્યાં તેઓ માની લે છે કે તેઓ જ જીતશે અને કોઈ અન્ય પાર્ટીઓની સાથે બેઠકોની વહેંચણી નહીં કરે. પરંતુ જે રાજ્યમાં તેઓ મજબૂત નથી ત્યાં ક્ષેત્રિય પાર્ટીને બેઠકો આપવી જોઈએ.”
પાર્ટીનાં સાંસદ સાગરિકા ઘોષે કહ્યું, “તમે લોકસભાની ચૂંટણીનાં પરિણામો જુઓ. ઇન્ડિયા ગઠબંધને તે રાજ્યોમાં સારું પ્રદર્શન કર્યું જ્યાં કૉંગ્રેસે ક્ષેત્રિય પાર્ટીઓ સાથે ગઠબંધન કર્યું. ક્ષેત્રિય પાર્ટીઓ ભાજપને પડકાર આપી રહી છે. કૉંગ્રેસે એ સમજવું જરૂરી છે અને આવનારી ચૂંટણીમાં સ્થાનિક પાર્ટીઓ સાથે તાલમેલ કરવો પડશે.”
આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ કૉંગ્રેસને નિશાન પર લેતા ઍક્સ પર લખ્યું, “આજે તે પણ પસ્તાતો હશે મારો સાથ છોડીને, જો તે સાથે ચાલ્યો હોત તો પરિણામ કંઈ બીજું જ હોત.”
પાર્ટીના સાંસદ સંજયસિંહે કહ્યું, “આમ આદમી પાર્ટી શું કહેતી હતી? અમારી સાથે સમજૂતિ કરો. બંને મળીને ભાજપને હરાવી શકીએ છીએ. સમાજવાદી પાર્ટીએ પણ કોશિશ કરી. તેમણે ન તો આપને સાથે લીધી ન સપાને. કૉંગ્રેસે આત્મમંથન કરવું જોઈએ.”
સમાજવાદી પાર્ટીના નેતા રાજીવ રાયે કૉંગ્રેસને આત્મઘાતી વિચાર ધરાવતા સલાહકારોથી બચવાની સલાહ આપીને બહુ બોલતા નેતાઓ પર કટાક્ષ કર્યો.
તેમણે ઍક્સ પર લખ્યું, “કૉંગ્રેસને માટે જે મારું છે તે મારું છે, જે તમારું છે તે પણ મારું છે. આ વિચારથી બહાર આવવું પડશે. આત્મઘાતી વિચાર ધરાવતા સલાહકારોથી બચવું પડશે. મધ્ય પ્રદેશમાં કમલનાથ અને હરિયાણામાં દીપેન્દ્ર હુડ્ડાની અહંકાર ધરાવતી ભાષાએ પણ નુકસાન થયું.”
સહયોગીઓએ આત્મચિંતનની આપી સલાહ
ભારતીય સામ્યવાદી પાર્ટી(સીપીઆઈ)એ હરિયાણામાં પરિણામ પર કૉંગ્રેસની હાર પર ચિતા વ્યક્ત કરી છે. તેણે કૉંગ્રેસને સહયોગીઓ સાથે બેઠકોની વહેંચણી ન કરવા બદલ આ પરિણામ તેમની વિરુદ્ધ ગયું હોવાનો મત વ્યક્ત કર્યો છે.
પાર્ટીના મહાસચિવ ડી. રાજાએ કહ્યું, “કૉંગ્રેસે ગંભીરતાથી આત્મચિંતન કરવાની જરૂર છે. પોતાની રણનીતિને લઈને કૉંગ્રેસે ગંભીર થઈને આકલન કરવું જોઈએ.”
બિહારમાં મહાગઠબંધનની પ્રમુખ પાર્ટી રાષ્ટ્રિય જનતા પાર્ટીએ અપક્ષ ઉમેદવારોને કૉંગ્રેસની હારનું કારણ ગણાવ્યા છે. જોકે તેણે પણ કૉંગ્રેસને આત્મચિંતનની વાત કરી છે.
આરજેડી નેતા સુબોધકુમાર મેહતાએ કહ્યું, “જે પ્રકારે રાહુલ ગાંધીએ પ્રચાર કર્યો અને મુદ્દાઓને જનતા સુધી લઈ ગયા તેમાં સારાં પરિણામોની આશા હતી. પરંતુ મતદારોની ભાવનાનો આપણએ સ્વીકાર કરવો રહ્યો. આત્મમંથનની જરૂર છે અને તે થશે પણ. પરંતુ લાગે છે કે અપક્ષ ઉમેદવારોએ ખેલ બગાડ્યો.”
ડીએમકે પ્રવક્તા સર્વનન અન્નાદુરાઈએ કહ્યું, “આ હાર મહારાષ્ટ્ર ચૂંટણીમાં શું કરવું જોઈએ તેમાં મદદ કરશે. કૉંગ્રેસ અને સહયોગીઓને મહારાષ્ટ્રમાં ભાજપને હરાવવા માટે એક રહેવું જોઈએ.”
જોકે, કૉંગ્રેસની અંદર પણ હરિયાણાની હારને લઈને અવાજો ઊઠી રહ્યા છે. ચૂંટણી પહેલાં કૉંગ્રેસ સાંસદ કુમારી શૈલજાએ પણ ભૂપેન્દ્ર હુડ્ડાના નેતૃત્વ સામે સવાલો ઉઠાવ્યા હતા.
બીબીસીને આપેલી મુલાકાતમાં તેમણે કહ્યું હતું, “પ્રદેશમાં ચૂંટણી પ્રચારની રણનીતિ હજુ વધારે સારી બનાવી શકાઈ હોત.”
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)