You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાહુલ ગાંધીએ છેક ગુજરાત આવીને કૉંગ્રેસ નેતાઓ સામે આકરાં નિવેદનો કેમ કરવાં પડ્યાં?
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગયા વર્ષે જુલાઈના પહેલા સપ્તાહમાં લોકસભામાં કહ્યું હતું કે, 'લખીને રાખો કે ગુજરાતમાં અમારું ગઠબંધન ભાજપને હરાવવા જઈ રહ્યું છે.' એ પછી રાહુલ ગાંધી 6 જુલાઈએ ગુજરાત આવ્યા હતા.
ગુજરાતમાં મોરબીમાં થયેલી પુલ હોનારત, રાજકોટમાં બનેલો ગેમઝોનકાંડ, વડોદરામાં થયેલા હરણીકાંડ વગેરે દુર્ઘટનાના પીડિત પરિવારના સભ્યોને મળ્યા હતા અને પાર્ટીના કાર્યકર્તાને સંબોધન કર્યું હતું.
એ પછી હાલમાં એટલે કે 7-8 માર્ચે રાહુલ ગાંધી અમદાવાદ આવ્યા અને કાર્યકર્તાઓ અને હોદ્દેદારોને સંબોધિત કર્યા હતા. ટૂંકમાં, છેલ્લા નવ મહિનામાં રાહુલ ગાંધી બે વખત ગુજરાત આવી ચૂક્યા છે.
હવે 7-8 એપ્રિલે કૉંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન છે તેથી આવતા મહિને ફરી ગુજરાત આવશે.
કૉંગ્રેસ વિધાનસભા 2027ની ચૂંટણી માટે તૈયારી કરી રહી છે અને રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ તેમજ કૉંગ્રેસનું આગામી રાષ્ટ્રીય અધિવેશન એ ચૂંટણીની તૈયારીના ભાગરૂપે છે એવું કૉંગ્રેસ નેતાઓ સ્પષ્ટ રીતે કહે છે.
આ દરમિયાન રાહુલ ગાંધીએ હાલમાં જે કૉંગ્રેસના કાર્યકરો અને નેતાઓને જે સંબોધન કર્યું તે ચર્ચામાં છે. રાહુલ ગાંધીએ ગુજરાત કૉંગ્રેસમાં શું નબળાઈઓ છે એ વાત મુક્તમને જાહેરમાં કહી છે.
રાહુલ ગાંધીએ ગુજરાતમાં કૉંગ્રેસ પાર્ટી સામે જ કેવા સવાલ ઉઠાવ્યા?
હાલમાં ગુજરાત આવેલા રાહુલ ગાંધીએ કૉંગ્રેસની 'જૂથબાજી અને કાર્યપ્રણાલી' સામે સવાલ ઉઠાવ્યા હતા.
તેમણે કહ્યું હતું કે, "અહીંના નેતૃત્વમાં બે પ્રકારના લોકો છે, કેટલાક એવા છે જે જનતા સાથે ઊભા છે અને તેમના હૃદયમાં કૉંગ્રેસની વિચારધારા છે અને બીજા એવા છે જે જનતાથી દૂર છે અને તેમાંથી અડધા ભાજપ સાથે જોડાયેલા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે ઘોડાનું ઉદાહરણ આપીને કહ્યું હતું કે, "કૉંગ્રેસ લગ્નમાં રેસના ઘોડાને મોકલે છે અને લગ્નના ઘોડાને રેસમાં મોકલે છે. પાર્ટીમાં નેતાઓની કોઈ અછત નથી પણ તેઓ એકબીજા સાથે જોડાયેલા છે. જો કડક કાર્યવાહી કરવી પડે અને 30થી 40 લોકોને દૂર કરવા પડે, તો તેમને દૂર કરવા જોઈએ."
ગુજરાતમાં ત્રણ દાયકા થઈ ગયા છતાં કૉંગ્રેસ સરકાર બનાવી શકી નથી. 2022ની વિધાનસભા ચૂંટણીમાં તો ભાજપે 156 બેઠક મેળવીને ઇતિહાસ રચી દીધો હતો અને કૉંગ્રેસ માત્ર 17 બેઠક મેળવી શકી હતી.
રાહુલ ગાંધીએ કહ્યું, "30 વર્ષ થઈ ગયાં છે, અહીં આપણી સરકાર નથી. અહીં વિપક્ષ પાસે 40 ટકા મત છે. અહીં વિપક્ષ નાનો નથી. જો તમે ગુજરાતના કોઈ પણ ખૂણામાં બે લોકોને ઊભા કરો, તો તેમાંથી એક ભાજપનો અને બીજો કૉંગ્રેસનો હશે. એનો અર્થ એ કે બેમાંથી એક આપણું હશે અને બીજું તેમનું."
આ છતાં પણ કૉંગ્રેસ ગુજરાતમાં લાંબા ગાળા સુધી સરકાર કેમ રચી શકી નથી એ તેમની ચિન્તાનો સૂર હતો.
'રાહુલ ગાંધીએ કડવો ડોઝ તો આપ્યો, પાર્ટીમાં વાઢકાપની જરૂર છે'
રાહુલ ગાંધીએ કાર્યકરો અને નેતાઓ સામે એકદમ રોકડી વાત કરી હતી. અમદાવાદમાં પાર્ટી કાર્યકરોને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું હતું કે "ગુજરાત કૉંગ્રેસના અધિકારીઓ અને કાર્યકરોએ જનતા સાથે સીધા જોડાવું પડશે, તો જ જનતા તેમના પર વિશ્વાસ કરશે."
સૌરાષ્ટ્રના અખબાર ફૂલછાબના પૂર્વ તંત્રી અને વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતાએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે, "કઈ પક્ષનો આટલો મોટો નેતા આટલી હદે કડવી વાત કરી શકે એ જ આશ્ચર્યની વાત છે. એનું મહત્ત્વ પણ છે. કૉંગ્રેસમાં કોઈ નેતા આટલું સ્પષ્ટ બોલ્યો હોય એવું પહેલી વખત જોયું છે. તમારે પાંચ પચ્ચીસને કાઢવા હોય તો કાઢી મૂકો એવું તો કોઈ નેતા ન બોલે, પણ રાહુલ ગાંધી બોલ્યા છે."
"પાર્ટીના પ્લૅટફૉર્મ પર અમુક ચોક્કસ રીતે જ વાત થઈ શકતી હોય છે. રાજનીતિમાં રોકડી વાતને એટલો અવકાશ નથી હોતો. ભાજપ આટલી મોટી પાર્ટી હોવા છતાં હું નથી માનતો કે એમાં કોઈ આવી રીતે રોકડું કહી શકે. રાહુલ ગાંધીએ હિમ્મતનું કામ કર્યું છે."
કૌશિક મહેતા કહે છે કે, "રાહુલ ગાંધીએ ચમકારો કરી દીધો છે અને જો એ દિશામાં પાર્ટી શિસ્તબદ્ધ મહેનત કરે તો કૉંગ્રેસને ગુજરાત વિધાનસભામાં સારું પરિણામ મળી શકે છે."
ગુજરાત કૉંગ્રેસનું કેન્દ્રના નેતા સાથે સંકલન-સંયોજન કરી શકે એવો કોઈ નેતા હાલ નથી. જો ભાજપને ટક્કર આપવી હોય તો એ સંકલનકાર સર્વમાન્ય નેતા કૉંગ્રેસ પાસે હોવો જોઈએ એવું કૌશિક મહેતાને લાગે છે.
તેઓ વધુમાં કહે છે, "કૉંગ્રેસમાં ગુજરાત અને કેન્દ્ર વચ્ચે પુલ બને એવો કોઈ નેતા નથી. એ મોટી સમસ્યા છે. અહમદ પટેલના અવસાન પછી કેન્દ્ર અને ગુજરાત કૉંગ્રેસ વચ્ચે એક ખાઈ સર્જાઈ છે."
"રાહુલ ગાંધી બોલીને છૂટી જાય એનાથી કામ પતતું નથી. તેમણે પુલ ઊભો કરવો પડશે. ગુજરાતમાં શું સાચું કે ખોટું છે એનું રિપોર્ટિંગ તો થવું જોઈએને. રાહુલ ગાંધી ખાલી કડવો ડોઝ આપીને છૂટી જાય તે ન ચાલે, આમાં વાઢકાપની જરૂર છે."
'હરિયાણા-મહારાષ્ટ્રની ચૂંટણીનાં પરિણામોથી આત્મભાન લાધ્યું'
લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની સરકાર તો બની પણ ઉત્તર પ્રદેશ ઉપરાંત અન્ય કેટલાંક રાજ્યોમાં ભાજપ ધાર્યા મુજબનું સારું પર્ફૉર્મન્સ કરી શક્યો ન હતો.
એ પછી યોજાયેલી મહારાષ્ટ્ર, હરિયાણા જેવાં રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસને ખૂબ આશા હતી, પણ કૉંગ્રેસ ત્યાં સરકાર ન બનાવી શકી.
મુંબઈના વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક રમેશ ઓઝાને લાગે છે કે એ રાજ્યોનાં પરિણામો પછી રાહુલ ગાંધીને સમજાયું હોવું જોઈએ કે રાજ્યોમાં પાર્ટીની અંદર જ પાવર પૉલિટિક્સ ચાલી રહ્યું છે. પોતે દેશમાં પદયાત્રા કરે કે મહેનત કરે પણ રાજ્યમાં ઉમરાવોની જેમ પાર્ટીમાં બની બેઠેલા નેતાઓ છે તેમને ઢંઢોળવા પડશે. તેઓ અંદરોઅંદર લડે છે અને ચૂંટણીમાં પાર્ટીને વોટ મળતા નથી.
રમેશ ઓઝાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "રાહુલ ગાંધીને હવે સમજાયું છે કે પ્રજા નિરાશ થઈને અન્ય પાર્ટીને વોટ આપવા માગતી હોય તો પણ પ્રદેશની નેતાગીરીની કેડર બોદી હોય તો પ્રજાની નિરાશાનો વોટમાં લાભ મળી શકતો નથી. તેથી તેમણે ખોંખારો ખાઈને કહ્યું કે જરૂર પડે તો ચાલીસ-પચાસને કાઢી મૂકો. નેતાઓએ જનતા સાથે સીધું જોડાવું પડશે. હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીનાં પરિણામોને લીધે જે આત્મભાન રાહુલ ગાંધીને લાધ્યું છે તેની મહેનત તેઓ ગુજરાતમાં કરી રહ્યા છે."
રાહુલ ગાંધીના સંબોધન પછી ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ પાર્ટીમાં રહેલા સ્થાપિત હિત પર કામ લેવાની રાય વ્યક્ત કરી હતી.
તેમણે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, "અમારા પર મોટી જવાબદારી છે. પાર્ટીમાં એક વર્ગ એવો છે જે પક્ષમાં વફાદાર રહીને કામ કરે છે. એક એવો પણ વર્ગ છે જે સ્વાર્થ માટે 'સેટિંગ' કરીને પક્ષને નુકસાન કરતો હોય છે. તેમને શોધીને દૂર કરવા જોઈએ એવો રાહુલજીનો સ્પષ્ટ સંદેશ છે."
'પ્રજા જવાબદાર નથી, કૉંગ્રેસના સ્થાનિક નેતા જવાબદાર'
રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે, "અહીં વિપક્ષ પાસે 40 ટકા મત છે. અહીં વિપક્ષ નાનો નથી. ગુજરાતમાં અમારા મત પાંચ ટકા વધે તો ભાજપ ખતમ થઈ જશે."
કૌશિકભાઈ કહે છે કે, "એ પાંચ ટકા મત વધારવા એ બહુ મોટી વાત છે. એ અશક્ય નથી પણ કૉંગ્રેસની હાલની જે સ્થિતિ છે એમાં એ મુશ્કેલ લાગે છે. પંચાયતથી લઈને વિધાનસભા સુધી કૉંગ્રેસ પાસે સત્તા નથી. એને લીધે કાર્યકરોમાં પણ નિષ્ક્રિયતા અને નિરાશા હોય. એમાંથી તેમને બહાર કાઢવા મુશ્કેલ હોય છે. તેથી એવા નેતા જોઈએ જે માળખું મજબૂત કરે. એ લાંબી પ્રક્રિયા છે. જો ચૂંટણી બે વર્ષ પછી હોય તો બે વર્ષ એના માટે ઓછો સમય છે."
રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે તેલંગણામાં અમે અમારા મત 22 ટકા વધાર્યા છે, અહીં ફક્ત પાંચ ટકાની જરૂર છે. કૌશિક મહેતાનું કહેવું છે કે ત્યાં રેવન્થ રેડ્ડી જેવો નેતા તેમની પાસે છે. ત્યાં તેમનો પુલ મજબૂત છે.
રમેશ ઓઝા કહે છે કે, "ઉત્તર પ્રદેશ કે મહારાષ્ટ્ર કે બિહારની જેમ ગુજરાતમાં કોઈ ત્રીજી પાર્ટી નથી. ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ ફાવ્યો નથી એવું ગુજરાતનો રાજકીય ઇતિહાસ કહે છે. સીધી દ્વીપક્ષીય લડાઈ હોવા છતાં કૉંગ્રેસ ત્રણ-ત્રણ દાયકા સુધી સત્તા હાંસલ નથી કરી શકી તે આશ્ચર્યની બાબત છે. 2022માં આમ આદમી પાર્ટીની જે તાકાત હતી તે પણ હવે આગામી વિધાનસભામાં નહીં હોય."
"ગુજરાતમાં ચાલીસ ટકા જેટલા મત મળતા હોય છતાં ત્રણ દાયકા સુધી સત્તામાં ન આવી શકતા હોય તો પાર્ટીના અંદરનાં તત્ત્વો જ જવાબદાર છે. તેથી રાહુલ ગાંધી ખરું કહે છે કે, પાર્ટીના કેટલાક નેતા ભાજપ માટે કામ કરે છે."
"મને લાગે છે કે પાર્ટીની અંદર પેસી ગયેલાં સ્થાપિત હિતોને હઠાવવાની શરૂઆત ગુજરાતથી જ કરવી જોઈએ, કારણ કે આટલાં વર્ષોથી પાર્ટીનું ગુજરાતમાં જ કમબૅક નથી થતું. એના માટે પ્રજા જવાબદાર નથી, કૉંગ્રેસના સ્થાનિક નેતા જવાબદાર છે."
તેઓ કહે છે, "જો ગજરાત કૉંગ્રેસમાં સાફસૂફી થાય અને શિસ્તબદ્ધ હોમવર્ક કરે તો સત્તા હાંસલ થઈ શકે છે. એ અશક્ય નથી, પણ એ હિમાલય ચઢવા જેવું કપરું તો છે જ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન