ટ્રમ્પ અને પુતિન જો એક થઈ જશે તો દુનિયાની 'ઉદાર વ્યવસ્થા'નું શું થશે?

    • લેેખક, ગ્રિગોર અતાનેસિયન
    • પદ, બીબીસી, રશિયા

યુક્રેન પર હુમલા પછી ત્રણ વર્ષ સુધી અમેરિકા અને તેના સહયોગીઓએ રશિયાનો બહિષ્કાર કર્યો હતો અને તેને આંતરરાષ્ટ્રીય કાયદાના ઉલ્લંઘન માટે દોષિત ગણ્યું હતું.

હવે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જુદું વલણ અખત્યાર કર્યું છે. ટ્રમ્પ રશિયા સાથે અમેરિકાના સંબંધો ફરીથી સ્થાપિત કરી રહ્યા છે. તેઓ રશિયાને હુમલાખોર કહેવાનો કે યુક્રેનને યુદ્ધપીડિત ઘોષિત કરવાનો ઇન્કાર કરી રહ્યા છે.

તાજેતરમાં શુક્રવારે ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીની બેઠક થઈ હતી, જેમાં યુક્રેનમાં યુદ્ધ અને તેને સમાપ્ત કરવાની રીત વિશે ખુલ્લો વાદવિવાદ થયો.

વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી પછી કેટલાક લોકોને એવું લાગે છે કે, હવે 'ઉદાર વિશ્વ વ્યવસ્થા' સમાપ્ત થવાની છે. ત્યારે આટલા મોટા દાવામાં વાસ્તવિકતા કેટલી છે?

ઉદારવાદી નેતૃત્વનો કાળખંડ

'લિબરલ વર્લ્ડ ઑર્ડર' પ્રતિબદ્ધતાઓ, સિદ્ધાંતો અને માપદંડો પર બનાવાયેલા આંતરરાષ્ટ્રીય સંબંધોની એક વ્યવસ્થા છે. તેના મૂળમાં આંતરરાષ્ટ્રીય કાયદા અને સંયુક્ત રાષ્ટ્રની મહાસભા અને સુરક્ષા પરિષદ જેવી સંસ્થાઓ છે.

'ઉદાર વિશ્વ વ્યવસ્થા' મુક્ત વેપાર જેવાં મૂલ્યોનું પણ તે પ્રતિનિધિત્વ કરે છે, જેને વિશ્વ વેપાર સંગઠન (ડબ્લ્યૂટીઓ), આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઈએમએફ) અને વર્લ્ડ બૅન્ક જેવી સંસ્થાઓ જાળવી રાખે છે.

તેમાં સૌથી મોટી ધારણા કે વિચારસરણી એ છે કે, પશ્ચિમી ઉદાર લોકશાહી, સરકારના સર્વશ્રેષ્ઠ મૉડલનું પ્રતિનિધિત્વ કરે છે. આંતરરાષ્ટ્રીય કાયદાના ઉલ્લંઘનને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રસ્તાવો કે આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના નિર્ણયો દ્વારા સત્તાવાર રીતે ઉઠાવી શકાય છે.

આ સ્થિતિમાં, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ આર્થિક પ્રતિબંધ લાગુ કરી શકે છે અથવા તો આત્યંતિક બાબતોમાં સૈન્ય કાર્યવાહી કરી શકે છે.

જોકે, ઘણી વાર સંયુક્ત રાષ્ટ્રની મંજૂરી વગર જ પ્રતિબંધ અને સૈન્ય હસ્તક્ષેપ અમલમાં લાવી દેવાય છે. રશિયા આ બાબતની લાંબા અરસાથી ટીકા કરતું રહ્યું છે.

વર્લ્ડ ઑર્ડરની કથની અને કરણીમાં અંતરના આરોપ

ઈ.સ. 2007માં મ્યૂનિચ સુરક્ષા સંમેલનમાં બોલતા, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જાહેરાત કરી હતી કે, "બળપ્રયોગ માત્ર ત્યારે જ માન્ય ગણી શકાય, જ્યારે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તેને મંજૂરી આપવામાં આવી હોય. અને આપણે નાટો કે યુરોપિયન સંઘને યુએન જેવું મહત્ત્વ આપવાની જરૂર નથી."

ઘણા દેશોની દૃષ્ટિએ, રશિયાએ યુક્રેન પર આક્રમણ કરીને માત્ર આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન જ નથી કર્યું, પરંતુ, વૈશ્વિક બાબતોના સંચાલનની પદ્ધતિઓને પણ પડકારી છે.

ઈ.સ. 2014થી પુતિને પોતે સંયુક્ત રાષ્ટ્રની મંજૂરી વગર સૈન્યબળનો ઉપયોગ કર્યો છે. પશ્ચિમી દૃષ્ટિકોણથી, યુક્રેન વિરુદ્ધ રશિયાની આક્રમકતા શીતયુદ્ધ પછીની નિયમ આધારિત વ્યવસ્થાનું સૌથી મોટું ઉલ્લંઘન દર્શાવે છે.

પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં રાજનીતિ અને આંતરરાષ્ટ્રીય બાબતોના પ્રોફેસર જી. જૉન ઇકેનબેરીએ 'ફાઇનાન્શિયલ ટાઇમ્સ'ને જણાવ્યું કે, "આપણે આ વ્યવસ્થાના ત્રણ પ્રકારના કડક નિયમોનું ઉલ્લંઘન જોયું છે."

તેમણે આગળ જણાવ્યું કે, "પહેલો નિયમ એ છે કે, તમે ક્ષેત્રીય સીમાઓને બદલવા માટે બળનો પ્રયોગ ન કરી શકો; બીજો, તમે યુદ્ધમાં નાગરિકો ઉપર હિંસા ન કરી શકો; અને ત્રીજો, તમે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની ધમકી ન આપી શકો. પુતિને પ્રથમ બે કાર્ય કર્યા છે અને ત્રીજાની ધમકી આપી છે. તેથી આ નિયમ આધારિત વ્યવસ્થા માટે એક વાસ્તવિક સંકટ છે."

જવાબમાં, રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે તર્ક રજૂ કર્યો કે, પશ્ચિમી દૃષ્ટિકોણમાં આંતરરાષ્ટ્રીય કાયદા અને સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાઓ પ્રતિ કશું સન્માન નથી.

ઘણી વાર રશિયા, 1999માં યુગોસ્લાવિયા પર નાટોનો બૉમ્બમારો, 2003માં અમેરિકાના નેતૃત્વમાં ઇરાક પર આક્રમણ અને 2008માં કોસોવોની સ્વતંત્રતાને માન્યતા આપવાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની મંજૂરી વિના કરવામાં આવેલી પશ્ચિમી કાર્યવાહીને ઉદાહરણરૂપ ગણાવે છે.

અલગ-અલગ દેશો માટે ભિન્ન-ભિન્ન વલણ

રશિયાનો તર્ક છે કે, આ પ્રકારની કાર્યવાહી સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરમાં નિહિત સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે.

ઇઝરાયલ–હમાસ અંગેનું અમેરિકાનું જુદું વલણ, એ ઉદારવાદી વિશ્વવ્યવસ્થાની સૌથી મહત્ત્વપૂર્ણ કસોટીઓમાંની એક હતી.

ઇઝરાયલને સૈન્ય-સમર્થન આપવા બદલ ઘણા દેશોએ બાઇડન વહીવટી તંત્રની આકરી ટીકા કરી. હજારો પેલેસ્ટિનિયન લોકોનાં મૃત્યુ તરફ ધ્યાન નહીં આપ્યું હોવાનો આરોપ પણ અમેરિકા પર લાગ્યો.

'વૉશિગ્ટન પોસ્ટ'ને અપાયેલા એક ઇન્ટરવ્યૂમાં તુર્કીની સંસદના અધ્યક્ષ નુમાન કુર્તુલમસે કહ્યું હતું, "આ ખૂબ સ્પષ્ટ રીતે પાખંડ છે, બેવડા માપદંડ છે. આ એક પ્રકારનો વંશવાદ છે; કેમ કે, જો તમે પેલેસ્ટાઇનના પીડિતોને યુક્રેનના પીડિતોની સમકક્ષ નથી માનતા, તો એનો અર્થ તો એ કે, તમે માનવતામાં એક પ્રકારનું વર્ગીકરણ લાવવા માગો છો. આને સ્વીકારી શકાય તેમ નથી."

ઇકેનબરી માને છે કે, 'ઉદાર વિશ્વ વ્યવસ્થા' સંયુક્ત રાજ્ય અમેરિકા, અમેરિકન ડૉલર, અમેરિકન અર્થવ્યવસ્થા સાથે ઘણી વધારે સંકળાયેલી હતી. તે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ કરતાં વધારે તો નાટો અને ગઠબંધનો સાથે સંકળાયેલી હતી.

ટૂંકમાં, તેમનું કહેવું છે કે, આને અમેરિકાનું 'ઉદાર આધિપત્ય' પણ સમજી શકાય છે.

ટ્રમ્પની રણનીતિ અંગે અમેરિકાના લોકો શું વિચારે છે?

હાલની આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને પડકાર ફેંકવાની કોશિશ કરનારા દેશોને પારંપરિક રીતે 'સુધારાવાદી શક્તિઓ' કહેવામાં આવે છે.

અમેરિકાના વિશ્લેષક અને નીતિઘડવૈયા ચીન અને રશિયાને આ શબ્દ સાથે જોડીને જુએ છે. તેઓ માને છે કે, આ બંને દેશ અમેરિકાના વૈશ્વિક પ્રભાવને ઓછો કરવા માગે છે.

પ્રોફેસર ઇકેનબેરીએ કહ્યું કે, તાજેતરના મહિનાઓમાં અમેરિકા દુનિયાની સૌથી મોટી સુધારાવાદી શક્તિ બની ગયો છે. ટ્રમ્પ વહીવટી તંત્ર વેપાર, માનવ-અધિકાર સુરક્ષા અને ગઠબંધનથી લઈને એકજૂથ લોકશાહી સુધીના 'ઉદાર વિશ્વ વ્યવસ્થાના લગભગ દરેક પાસા'ને ખતમ કરવાનું કામ કરી રહ્યું છે.

ટ્રમ્પે તાજેતરમાં જ કહ્યું હતું કે, "મારું વહીવટી તંત્ર અગાઉની સરકારની વિદેશનીતિની નિષ્ફળતાઓ અને ભૂતકાળની નિષ્ફળતાઓને નિર્ણાયક રીતે તોડી રહ્યું છે."

કૉંગ્રેસ અને ન્યાયપાલિકા માટે ટ્રમ્પ ટીમનાં આ આમૂલ પરિવર્તનોને રોકવાનું મુશ્કેલ હશે. વિદેશનીતિ સંપૂર્ણપણે રાષ્ટ્રપતિના અધિકારક્ષેત્રમાં આવે છે.

તેને અમેરિકાનાં હિતો અનુસાર તૈયાર કરીને જ ટ્રમ્પ વહીવટી તંત્રએ રશિયા સાથે સંબંધો સુધારવાની દિશામાં ભરવામાં આવેલાં પગલાંને યોગ્ય ઠરાવ્યાં છે.

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે સોશિયલ મીડિયા પર લખ્યું, "અમારું માનવું છે કે હાલમાં ચાલી રહેલું યુદ્ધ રશિયા માટે ખરાબ છે, યુક્રેન માટે ખરાબ છે અને યૂરોપ માટે પણ ખરાબ છે. પરંતુ, સૌથી મહત્ત્વની વાત એ છે કે, એ સંયુક્ત રાજ્ય અમેરિકા માટે પણ ખરાબ છે."

જોકે, ટ્રમ્પની વ્યૂહાત્મક ક્રાંતિ અમેરિકનોને ગમી નથી. તાજેતરમાં જ થયેલા એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે, અમેરિકનો તેમની ઇમિગ્રૅશન નીતિઓને સૌથી વધુ સમર્થન આપે છે. જ્યારે, રશિયા–યુક્રેન યુદ્ધ અને ઇઝરાયલ–પેલેસ્ટાઇન યુદ્ધ અંગેના ટ્રમ્પના વલણને સૌથી ઓછું સમર્થન મળ્યું છે.

આ સ્થિતિમાં, બે તૃતીયાંશ કરતાં વધુ અમેરિકન યુક્રેનને પોતાનું સહયોગી માને છે. એમાંના અડધા લોકોનો મત યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીના પક્ષમાં છે.

ટ્રમ્પની વ્યૂહાત્મક ઊથલપાથલ

ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં રશિયા અને યુરેશિયાની બાબતોના રિસર્ચ ફેલો ડૉ. જૂલી ન્યૂટને કહ્યું કે, "ફેબ્રુઆરી 2025 સુધી, એ અમેરિકા જ છે, જે આ નિયમ આધારિત વ્યવસ્થાને ખતમ કરવાની ધમકી આપી રહ્યું છે."

સાબિતીના ભાગરૂપે ડૉ. જૂલી ન્યૂટ્રને ટ્રમ્પની યુક્રેનનાં કુદરતી સંસાધનો પર નિયંત્રણની માંગ, તેમના તરફથી થતી રશિયા સાથેના સંબંધો સામાન્ય કરવાની વાત, ઝેલેન્સ્કી પરનો સાર્વજનિક હુમલો અને યૂરોપની કટ્ટર જમણેરી પાર્ટીઓ માટે ટ્રમ્પના સહયોગીઓને સમર્થન તરફ ઇશારો કર્યો.

24 ફેબ્રુઆરીએ યુક્રેન પર રશિયાના હુમલાની ત્રીજી વર્ષગાંઠ હતી.

આ પ્રસંગે, અમેરિકાએ રશિયાની આક્રમકતા અને યુક્રેનના વિસ્તારો પર તેના કબજાની નિંદા કરતા સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રસ્તાવ વિરુદ્ધ મતદાન કર્યું.

અમેરિકન રાજદ્વારીઓએ 'રશિયા–યુક્રેન યુદ્ધ દરમિયાન થયેલી દુઃખદ જાનહાનિ' માટે શોક પ્રગટ કરીને એક સામાન્ય નિવેદન રજૂ કર્યું. તે દરમિયાન, ટ્રમ્પે જાહેરાત કરી દીધી કે, તેઓ વૉશિંગ્ટન અને મૉસ્કો વચ્ચેના આર્થિક સંબંધોને પુનઃસ્થાપિત કરવા માટે પુતિન સાથે વાતચીત કરી રહ્યા છે.

ડૉ. જૂલી ન્યૂટને કહ્યું કે, "ટ્રમ્પની વ્યૂહાત્મક ક્રાંતિ હેલસિન્કી ચાર્ટરના સિદ્ધાંતોને તોડી રહી છે અને અમેરિકાને પોતાના જ સહયોગીની નજરમાં વિરોધી બનાવી રહી છે."

હેલસિન્કી કરાર અમેરિકા, સોવિયત સંઘ અને યુરોપના દેશો વચ્ચે થયો હતો.

તેનો હેતુ ક્ષેત્રીય અખંડતા, સીમા પરની હિંસાને રોકવી અને એકબીજાની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ નહીં કરવો જેવા સિદ્ધાંતોને મજબૂત કરવાનો હતો.

જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીમાં રશિયન બાબતોના વિશેષજ્ઞ સર્ગેઈ રૅડચેન્કોએ કહ્યું કે, "ટ્રમ્પ પુતિનની જેમ વિચારે છે, 19મી સદીના સામ્રાજ્યવાદી શાસકની જેમ."

રૅડચેન્કોએ કહ્યું કે, "રશિયા પર દબાણ વધારવા માટે યુરોપ પાસે પૂરતી આર્થિક તાકાત અને નાણાકીય હથિયાર છે. ટ્રમ્પ પુતિન સાથેની પોતાની વાતચીતને કેટલી આગળ લઈ જાય છે તેનાથી કશો ફરક નથી પડતો. એ કલ્પના કરવી મુશ્કેલ છે, કેમ કે, યુરોપીય દેશ સમાંતર રીતે રશિયા સાથેના સંબંધ સામાન્ય કરી રહ્યા છે."

ઍટલાન્ટિક કાઉન્સિલના યુરેશિયા સેન્ટરના શેલ્બી મૅગિડ અનુસાર, 'ઉદાર વિશ્વ વ્યવસ્થા'ના અંતની ઘોષણા કરવી ઉતાવળ ગણાશે. રશિયા પર હજુ પણ અમેરિકાના પ્રતિબંધ લાગુ છે અને ટ્રમ્પ વહીવટી તંત્રએ કહ્યું છે કે, તેને ત્યારે જ હટાવવામાં આવશે, જ્યારે રશિયા યુક્રેન સાથેનું યુદ્ધ સમાપ્ત કરી દેશે.

મૅગિડે કહ્યું કે, "હું એ વાત સાથે સંમત છું કે, સમયથી પહેલાં અને ખતરનાક સામાન્યીકરણનું જોખમ છે, પરંતુ, આપણે હજી સુધી પૂર્ણપણે ત્યાં નથી પહોંચ્યા. વિશ્વ વ્યવસ્થાનું અંતિમ પરિણામ અને સ્થાયી પ્રભાવ એ વાત પર વધારે આધારિત રહેશે કે યુદ્ધ કઈ રીતે સમાપ્ત થાય છે અને શાંતિ કઈ રીતે લાગુ કરવામાં આવે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.