You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
માદુરોને શા માટે કાળાં ચશ્માં અને હેડફોન પહેરાવ્યાં હતાં, નિષ્ણાતો શું કહે છે?
- લેેખક, ઇસાબેલ કારો
- પદ, બીબીસી ન્યૂઝ મુંડો
શનિવારે અમેરિકાની સેનાએ એક અભિયાનમાં વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો તથા તેમનાં પત્ની સિલિયાને 'પકડી' લીધાં હતાં. એ પછી નિકોલસ માદુરોની તસવીર રિલીઝ કરવામાં આવી હતી, જે મિનિટોમાં વિશ્વભરમાં વાઇરલ થઈ ગઈ હતી.
માદુરો વર્ષ 2013થી વેનેઝુએલાના રાષ્ટ્રપતિ હતા અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઑપરેશનને મંજૂર કર્યું હતું. એટલું જ નહીં, તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રૂથ સોશિયલ' ઉપર માદુરોની પ્રથમ તસવીર મૂકી હતી. વેનેઝુએલાનાં ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે રાષ્ટ્રપતિ માદુરોની હયાતીના પુરાવા માંગ્યા, એવા સમયે ટ્રમ્પે આ તસવીર શેર કરી હતી.
વેનેઝુએલાની રાજધાની કારાકાસ પાસે ફોર્ટ ટિયૂનામાંથી બંનેને 'પકડવામાં' આવ્યાં હતાં. તેમને હેલિકૉપ્ટરથી યુદ્ધજહાજ આઇવો જીમા ઉપર લઈ જવામાં આવ્યાં હતાં, જ્યાંથી ક્યુબા અને ત્યાંથી ન્યૂ યોર્ક લઈ જવામાં આવ્યાં હતાં. સોમવારે ન્યૂ યોર્કમાં નિકોલસ માદુરો ઉપર નાર્કોટેરરિઝમ, અમેરિકામાં કોકેઇન ઘૂસાડવા તથા હથિયાર સંબંધિત આરોપોનો ખટલો માંડવામાં આવશે.
જે પહેલી તસવીર સામે આવી તેમાં માદુરોને સ્પોર્ટ્સનાં કપડાંમાં જોઈ શકાય છે. તેઓ સભાન હોય તથા હાથકડી પહેરાવવામાં આવી હોય તેમ જણાય છે. જોકે તેમની જોવાની તથા સાંભળવાની ક્ષમતાને બાધિત કરવામાં આવી છે.
બીબીસી મુંડોએ આના વિશે મિલિટરી તથા સંરક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો સાથે વાત કરી હતી અને જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો.
સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર
અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ ડિફેન્સના સેન્ટર ફૉર સ્ટ્રેટેજિક ઍન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ ખાતે વરિષ્ઠ સલાહકાર તથા યુએસ મરીન કોરના નિવૃત્ત કર્નલ માર્ક કેનસિયાનના કહેવા પ્રમાણે, "સરકારે આ ધરપકડને મિલિટરી ઑપરેશન તરીકે નહીં, પરંતુ કાયદાકીય બાબત તરીકે હાથ ધરી છે એટલે માદુરો સાથે અટકાયતી આરોપી જેવો વ્યવહાર કરવામાં આવ્યો છે."
"જે પહેલી તસવીર આવી છે અને તેની સાથે જે વર્તાવ કરવામાં આવ્યો છે, તે સામાન્ય બાબત છે: તેમને પકડવામાં આવ્યા છે, ડિટેન્શન સેન્ટર લઈ જવાઈ રહ્યા છે, તેથી અન્ય કોઈ ગુનામાં કોઈ બંદી સાથે જે આચરણ કરવામાં આવે, એ તેમની સાથે પણ કરવામાં આવશે."
જાણકારોના કહેવા પ્રમાણે, અમેરિકાના સંદર્ભમાં આ સામાન્ય બાબત છે – જ્યાં આ પ્રકારનાં અભિયાનોમાં વ્યક્તિની જોવા અને સાંભળવાની ક્ષમતાને બાધિત કરી દેવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વેસ્ટ પોઈન્ટસ્થિત મોર્ડન વૉર ઇન્સ્ટિટ્યૂટ ખાતે અર્બન વૉરફેર સ્ટડીઝના ચેર જોન સ્પેન્સર અમેરિકન સૈન્યઅભિયાન તથા શહેરી યુદ્ધ મોરચાના નિષ્ણાત છે.
સ્પેન્સર કહે છે, "મિલિટરી અભિયાન દરમિયાન કોઈને પકડવામાં આવે, ત્યારે અટકમાં લેવાની આ સામાન્ય પદ્ધતિ છે. તેનાથી અટકાયતીને અલગ-થલગ અથવા શાંત કરી શકાય છે. તે અન્યોની સાથે વાતચીત કે ઇશારા નથી કરી શકતો. આ સિવાય તે સૈન્યઅભિયાનની પદ્ધતિ, મિશનમાં કોણ-કોણ હતું, સ્થળ કે કેવી રીતે મિશનને અંજામ આપવામાં આવ્યો હતો, જેવી વિગતો અટકાયતી જાણી નથી શકતો."
રોયલ યુનાઇટેડ સર્વિસીઝ ઇન્સ્ટિટ્યૂટ એ સંરક્ષણ તથા સુરક્ષાઅભ્યાસની બાબતમાં વિશ્વનું સૌથી જૂનું તથા યુકેનું અગ્રણી સેન્ટર છે.
ઇન્સ્ટિટ્યૂટમાં મિલિટરી સાયન્સના ડાયરેક્ટર મેથ્યૂ સાવિલ કહે છે કે કાર્યરીતિના કારણોસર આમ કરવામાં આવે છે.
તેઓ કહે છે, "તે ભાગી ન જાય એના કરતાં તે બંધક છે એવો અહેસાસ કરાવવા માટે આમ કરવામાં આવ્યું હોવાની શક્યતા વધુ છે. સાથે જ તે અભિયાનમાં જોડાયેલા ડેલ્ટા ફોર્સના કોઈ પણ સભ્યની ઓળખ મુશ્કેલ બને તે માટે પણ આમ કરવામાં આવ્યું હોઈ શકે છે."
કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે માદુરોને હેલિકૉપ્ટરમાં યુદ્ધજહાજ આઇવો જીમા સુધી લઈ જવામાં આવ્યા હતા, ત્યારે પ્રોટોકોલના ભાગરૂપે હેડફોનનો ઉપયોગ સામાન્ય બાબત છે.
માદુરોના હાથમાં રહેલી પાણીની બૉટલ પણ તસવીરની મહત્ત્વપૂર્ણ બાબત હતી. કર્નલ (રિટાયર્ડ) માર્ક કેનસિયાનના કહેવા પ્રમાણે, "અટકાયતીના આરોગ્ય તથા સલામતીની દૃષ્ટિએ આ સામાન્ય બાબત છે; તેમને પાણીની જરૂર રહે. મને લાગે છે કે તે વ્યાજબી બાબત છે."
લાઇફ જૅકેટ
તસવીરમાં જોઈ શકાય છે કે માદુરોનાં ગળા ઉપર કશુંક વીંટાળેલું છે. બીબીસી મુંડોએ જે નિષ્ણાતો સાથે વાત કરી, તેમના કહેવા પ્રમાણે, તે ઇન્ફ્લેટેબલ લાઇફગાર્ડ જૅકેટ છે.
સામાન્ય રીતે હવાઈજહાજ કે નેવીમાં સલામતીનાં પગલાં તરીકે તે પહેરાવવામાં આવે છે. જેથી કરીને મુસાફર પાણીમાં ફસાઈ જાય, તો તેને ખોલી (ફૂલાવી) શકાય.
આ લાઇફ જૅકેટ મેન્યુઅલ સિસ્ટમ ધરાવતું હોય તેમ જણાય આવે છે. માદુરોની કમર પાસે જે નાના કાળા દડા જેવું દેખાય છે, તે (જૅકેટને ફૂલાવવા માટે જરૂરી) CO2 બોટલ હોય તેમ જણાય છે.
માદુરોના હાથની પાછળ કાળા તથા નારંગી લેબલ જોઈ શકાય છે. તે કેમિકલ લાઇટ છે, જે અંધારામાં ચમકે છે. રાતના અંધકારમાં ફ્લાઇટ ડેક પર મુસાફરની હિલચાલને સરળતાથી જોઈ શકાય, તે માટે તેને લગાવવામાં આવે છે.
મદુરો ઊંઘતા ઝડપાયા?
માદુરોને કેવી પરિસ્થિતિમાં 'પકડવા'માં આવ્યા હશે, તેનો પરિપ્રેક્ષ્ય પણ આ તસવીર પરથી મળી આવે છે.
તસવીરમાં તેમને હાથકડી લગાવવામાં આવી હોય તેમ જણાય છે, સાથે જ તેમનાં કપડાં સ્પોર્ટ્સ આઉટફિટ છે – જે દર્શાવે છે કે તેમને રાત્રે મોડેકથી અથવા ઊંઘતા ઝડપવામાં આવ્યા હશે.
આ બાબત અમેરિકાના રાષ્ટ્રપતિએ આપેલાં નિવેદન સાથે પણ મેળ ખાય છે, જેમાં ટ્રમ્પે કહ્યું હતું કે ફોર્ટ ટિયૂના ખાતે સિક્યૉર રૂમમાં છુપાવા જતાં માદુરો તથા તેમનાં પત્નીને પકડી લેવામાં આવ્યાં હતાં.
ટ્રમ્પે કહ્યું, "તેણે સલામત સ્થળે નાસી છૂટવાનો પ્રયાસ કર્યો, પરંતુ નાસી ન શક્યો, અને જો નાસી ગયો હોત તો આપણે 47 સેકન્ડમાં દરવાજો ઉડાવી દીધો હોત. "
"તે દરવાજા સુધી પહોંચી ગયો, પરંતુ બંધ ન કરી શક્યો. એને એટલો ઝડપભેર તાબે લેવામાં આવ્યો હતો કે તે રૂમમાં પ્રવેશી પણ ન શક્યો."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન