You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકાનું ટેરિફ વૉર : ભારત માટે આફત કે પછી અવસર?
- લેેખક, સૌતિક બિસ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
ડોનાલ્ડ ટ્રમ્પે લાદેલા વ્યાપક ટેરિફના કારણે વૈશ્વિક વ્યાપારમાં હલચલ મચી ગઈ છે. પરંતુ કેટલીક વખત આફતોમાં પણ અવસર પેદા થાય છે.
9 એપ્રિલથી ભારતીય નિકાસ પર 27 ટકા ટેરિફ લાગુ પડશે. ટ્રમ્પે ટેરિફનો જે ચાર્ટ દેખાડ્યો તેમાં ભારત પર 26 ટકા ટેરિફની વાત છે. પરંતુ સત્તાવાર ઑર્ડરમાં 27 ટકાના ટેરિફનો ઉલ્લેખ છે. બીજા દેશોને લઈને પણ આવો જ તફાવત જોવા મળ્યો છે.
વ્હાઇટ હાઉસે જણાવ્યા પ્રમાણે ટેરિફ વધારતા અગાઉ પોતાના ટ્રેડિંગ પાર્ટનર્સ સાથે અમેરિકાનો સરેરાશ ટેરિફ 3.3 ટકા હતો, જે વૈશ્વિક સ્તરે સૌથી નીચો હતો. જ્યારે ભારત માટે સરેરાશ ટેરિફનો દર 17 ટકા હતો.
જોકે ચીન માટે 54 ટકા, વિયેતનામ માટે 46 ટકા, થાઇલૅન્ડ માટે 36 ટકા અને બાંગ્લાદેશ પર અમેરિકાએ 37 ટકા ટેરિફ લાદ્યો છે. તેથી ભારત માટે આ એક તક સાબિત થઈ શકે છે.
ભારતને નિકાસ વધારવાની તક મળશે?
દિલ્હીસ્થિત ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (જીટીઆરઆઈ) મુજબ ટેક્સ્ટાઇલ્સ, ઇલેક્ટ્રૉનિક્સ અને મશીનરી ક્ષેત્રમાં ભારત માટે આ એક તક પુરવાર થઈ શકે છે.
ચીન અને બાંગ્લાદેશના નિકાસકારો પર ઊંચા ટેરિફના કારણે ભારતીય ટેક્સ્ટાઇલ ઉત્પાદકો માટે અમેરિકન બજારમાં પોતાનું સ્થાન બનાવવાનો રસ્તો ખુલી જાય છે.
ભારત પોતાના પાયાના માળખાને મજબૂત બનાવે અને નીતિઓને સુધારે તો સેમિ-કન્ડક્ટર્સના મામલે તાઇવાનની તુલનામાં ભારત પૅકેજિંગ, ટેસ્ટિંગ અને સસ્તી ચિપના ઉત્પાદનના કારણે સ્થાન બનાવી શકે છે.
32 ટકા ટેરિફના કારણે તાઇવાનમાં સપ્લાય ચેઈનમાં ફેરફાર થાય તો પણ ભારત માટે તે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મશીનરી, ઑટોમોબાઈલ્સ અને રમકડાંની બાબતમાં ચીન અને થાઇલૅન્ડ અગ્રણી છે. તેથી ટેરિફના કારણે તેમાં રિલોકેશન જોવા મળી શકે છે.
જીટીઆરઆઈ મુજબ રોકાણ આકર્ષીને, ઉત્પાદન વધારીને અને અમેરિકામાં નિકાસ વધારીને ભારત આ તકનો લાભ લઈ શકે છે.
પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે ભારત આ તકનો લાભ ઉઠાવી શકશે કે નહીં?
ટેરિફથી ભારતને કયા પ્રકારનો ફાયદો થઈ શકે?
ઊંચા ટેરિફને કારણે ગ્લોબલ વૅલ્યૂ ચેઈન પર નિર્ભર કંપનીઓના ખર્ચમાં વધારો થયો છે. તેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધા કરવાની ભારતની ક્ષમતાને પણ અસર થઈ છે.
વધતી જતી નિકાસ છતાં ખાસ કરીને સર્વિસ સેક્ટરમાંથી ભારતની વેપાર ખાધ ઘણી વધારે છે. વૈશ્વિક નિકાસમાં ભારતનો હિસ્સો માત્ર 1.5% છે.
ટ્રમ્પે વારંવાર ભારતને 'ટેરિફ કિંગ' અને વ્યાપાર સંબંધોનો 'સૌથી મોટો દુરુપયોગ કરનાર' દેશ ગણાવ્યો છે.
હવે તેમની નવી ટેરિફ જાહેરાતો પછી ભારતીય નિકાસ પણ ઓછી સ્પર્ધાત્મક બની જશે એવી બીક છે.
જીટીઆરઆઈના અજય શ્રીવાસ્તવ કહે છે કે, "એકંદરે વૈશ્વિક સપ્લાય ચેઈનની પુનઃરચનાથી યુએસની સંરક્ષણવાદી ટેરિફ નીતિ ભારતના ફાયદામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે."
તેમના મત મુજબ, "આ તકોનો સંપૂર્ણ લાભ લેવા માટે ભારતે ઇઝ ઑફ ડુઈંગ બિઝનેસને હજુ વધારવું પડશે. લૉજિસ્ટિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવું પડશે અને નીતિમાં સ્થિરતા જાળવી રાખવી પડશે."
"આ શરતો પૂરી થાય તો ભારત આગામી સમયમાં એક મુખ્ય ગ્લોબલ મૅન્યુફેક્ચરિંગ અને ઍક્સપૉર્ટ હબ બનવાની બહુ સારી સ્થિતિમાં છે."
આ વાત કરવી સરળ છે, પરંતુ કામ કરવું મુશ્કેલ છે.
દિલ્હીની થિંક ટૅન્ક 'કાઉન્સિલ ફૉર સોશિયલ ડેવલપમેન્ટ' સાથે સંકળાયેલા વ્યાપાર નિષ્ણાત બિસ્વજીત ધર જણાવે છે કે મલેશિયા અને ઇન્ડોનેશિયા જેવા દેશો કદાચ ભારત કરતાં વધુ સારી સ્થિતિમાં છે.
ધર કહે છે કે, "બાંગ્લાદેશ પર લાદવામાં આવેલા ઊંચા ટેરિફને કારણે અમે કપડાં ઉદ્યોગના સેક્ટરમાં ગુમાવેલી કેટલીક તક પાછી મેળવી શકીશું, પરંતુ હકીકત એ છે કે આપણે ગારમેન્ટ સેક્ટર પર એટલું ધ્યાન આપ્યું નથી અને તેમાં રોકાણ કરવામાં નિષ્ફળ રહ્યા છીએ."
"કૅપેસિટી વધાર્યા વગર આપણે ટેરિફમાં થનારા ફેરફારોનો કેવી રીતે લાભ લઈ શકીએ?"
ભારતને કઈ વાતની સૌથી વધુ ચિંતા છે?
ફેબ્રુઆરીથી જ ભારતે ટ્રમ્પનો ભરોસો જીતવાના પ્રયાસો વધારી દીધા હતા. ભારતે અમેરિકામાંથી 25 અબજ ડૉલરની ઍૅનર્જીની આયાત કરવાનું વચન આપ્યું, અમેરિકાને પોતાનું અગ્રણી ડિફેન્સ સપ્લાયર બનાવવાનો સંકેત આપ્યો અને એફ-35 ફાઇટર વિમાનો ખરીદવાના સોદા પર વાતચીત શરૂ કરી.
વ્યાપાર તણાવ હળવો કરવા માટે ભારતે તેણે 6 ટકા ડિજિટલ એડ ટૅક્સ નાબૂદ કર્યો, અમેરિકન વ્હિસ્કી પરના ટેરિફને 150 ટકાથી ઘટાડીને 100 ટકા કર્યો અને લક્ઝરી કાર અને સોલર સેલ પરની આયાત જકાતમાં નોંધપાત્ર ઘટાડો કર્યો.
આ દરમિયાન ઇલોન મસ્કની કંપની સ્ટારલિંક ભારતમાં કામ કરવાની મંજૂરી મેળવવાની તૈયારીમાં છે. ભારત સાથે 45 અબજ ડૉલરની વ્યાપાર ખાધ ઘટાડવા માટે બંને દેશોએ વેપારના મુદ્દા પર વાટાઘાટો તેજ કરી છે.
પરંતુ હજુ સુધી ભારત આ ટેરિફ-વૉરમાંથી બચી શક્યું નથી.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફોરેન ટ્રેડના સેન્ટર ફૉર ડબ્લ્યુટીઓ સ્ટડીઝના ભૂતપૂર્વ વડા અભિજિત દાસ કહે છે, "ભારતને ચિંતા થવી જોઈએ. એવી આશા હતી કે હાલની વ્યાપાર વાટાઘાટો રેસિપ્રોકલ ટેરિફમાંથી રાહત આપશે. હવે આ ટેરિફના કારણે ગંભીર ફટકો પડ્યો છે."
પરંતુ ભારતને ફાર્માસ્યુટિકલ્સમાં મોટી છૂટછાટ મળી છે. ભારતના જેનરિક દવા બજાર માટે આ રાહત સમાન છે. અમેરિકામાં 50 ટકા જેનરિક દવાઓ ભારતથી આવે છે. અમેરિકામાં આ દવાઓ 50 ટકા પ્રિસ્ક્રિપ્શનનો હિસ્સો હોય છે.
જોકે, ઇલેક્ટ્રૉનિક્સ, ઇજનેરી ગૂડ્સ, જેમ કે ઑટોમોબાઈલ પાર્ટસ, ઇન્ડસ્ટ્રીયલ મશીન અને સી-ફૂડની નિકાસને અસર થઈ શકે છે.
સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા માટે ભારતે શરૂ કરેલી યોજના 'પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ્સ' (PLI) દ્વારા થયેલા જંગી રોકાણને જોતાં ઇલેક્ટ્રૉનિક્સ સેક્ટરને સૌથી વધુ ફટકો પડશે.
ધરનું કહેવું છે કે, "આપણા નિકાસકારોની ક્ષમતાને લઈને મને શંકા છે. મોટા ભાગના નાના ઉત્પાદકો છે જેઓ 27 ટકા ટેરિફ વૃદ્ધિનો આંચકો સહન નહીં કરી શકે અને તેઓ બજારની સ્પર્ધામાંથી ફેંકાઈ જશે. લોજિસ્ટિક્સનો ઊંચો ખર્ચ, વ્યાવસાયિક ખર્ચમાં વધારો અને ખરાબ થતા વ્યાપાર માળખાના કારણે તેમના માટે પડકાર વધશે. આપણા માટે આ બહુ મુશ્કેલ સમય છે."
અમેરિકાને ભારત સામે કઈ ફરિયાદ છે?
ઘણા લોકો લાગે છે કે ભારત સાથે વ્યાપાર મંત્રણામાં સોદાબાજી કરવા ટ્રમ્પે ટેરિફ લગાવ્યા છે.
અમેરિકન પ્રતિનિધિઓના તાજેતરના અહેવાલમાં ભારતની વ્યાપાર નીતિઓ પ્રત્યે અમેરિકાની હતાશા વ્યક્ત કરવામાં આવી છે.
સોમવારે જાહેર કરાયેલા અહેવાલમાં ડેરી ઉત્પાદનો, પોર્ક અને માછલીની આયાત પર ભારતના કડક નિયમોની ચર્ચા કરવામાં આવી છે, જેના હેઠળ નોન-જીએમઓ (જિનેટિકલી મૉડિફાઇડ ઓર્ગેનિઝમ) પ્રમાણપત્ર જરૂરી છે.
તેમાં જિનેટિકલી મૉડિફાઈડ ઉત્પાદનો માટે મંજૂરી મેળવવામાં વિલંબ તથા સ્ટેન્ટ અને ઇમ્પ્લાન્ટની કિંમતોને મર્યાદિત કરવાની પણ ટીકા કરવામાં આવી છે.
બૌદ્ધિક સંપદાની ચિંતાના કારણે ભારતને 'પ્રાયૉરિટી વૉચ લિસ્ટ'માં મૂકવામાં આવ્યું છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતમાં પેટન્ટની સુરક્ષા નબળી છે અને ટ્રેડ સિક્રેટ કાયદામાં ખામી છે.
આ રિપોર્ટમાં ડેટા લોકલાઈઝેશનની અનિવાર્યતા અને આકરી સેટેલાઈટ પૉલિસીની પણ ટીકા કરવામાં આવી છે જેના કારણે વ્યાપાર સંબંધોમાં તણાવ વધ્યો છે.
અમેરિકાને બીક છે કે નિયંત્રણોની બાબતમાં ભારત, ચીન જેવું બનતું જાય છે.
અમેરિકાએ કહ્યું કે આ નિયંત્રણો દૂર કરવામાં આવે તો અમેરિકાની નિકાસ વાર્ષિક ધોરણે કમસે કમ 5.3 અબજ ડૉલર સુધી વધી શકે છે.
ધરનું માનવું છે કે "આના કરતા વધુ ખરાબ સમય ન હોઈ શકે. ટ્રેડ વાતચીત વચ્ચે આ બધું આપણી મુશ્કેલી વધારે છે. આ માત્ર બજારને ખોલવાની વાત નથી, સંપૂર્ણ પૅકેજ છે."
આ ઉપરાંત વિયેતનામ અને ચીન પર સરસાઈ મેળવવાનું કામ રાતોરાત નહીં થાય. તક શોધવામાં અને સ્પર્ધાત્મકતા વધારવામાં સમય લાગે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન